વાર્તા ટ્રેલરમાં દર્શાવાઈ છે એમ સિમ્પલ છે. અમદાવાદની પોળમાં આડોશ-પાડોશમાં રહીને મોટા થયેલા મોન્ટુ-બિટ્ટુ અને મોન્ટુનો સાત ખોટનો ભાયબંધ દડી. મોન્ટુ બિટ્ટુને પ્રેમ કરે છે, પણ બિટ્ટુ નહીં. બિટ્ટુળીએ મોન્ટુને આપણને દયા આવી જાય એ હદે ફ્રેન્ડઝોન કરેલો છે. એ મોન્ટુને બરાબર વાપરે છે અને મોન્ટુ ખુશી ખુશી વપરાય પણ છે. જોકે, બિટ્ટુને લગ્નની ઉતાવળ ન હોવાથી અને કોઈ ગમતાં ન હોવાથી એ ઓલમોસ્ટ અડધી સદી જેટલા છોકરાઓને ના પાડી ચુકી હોય છે.
આ સંજોગોમાં બિટ્ટુના (અને પોળના પણ) જીવનમાં એન્ટ્રી થાય છે એબ્સર્ડ (અને એબ્સર્ડ હોવાથી જ ;) અતિ પ્રસિદ્ધ) પેઈન્ટર અભિનવ મુન્શીની. (ઓર મોન્ટુ કી થોડી થોડી ફટ જાતી હૈ…! ;) રેફરન્સ : ઢીંચાક ટીયા.) એની એન્ટ્રીની સાથે જ ‘રાંઝણા’ના મુરારીના (મોહંમદ ઝીશાન અય્યુબ) ડાયલોગ – ‘ગલી કે લોન્ડો કા પ્યાર અકસર ડોક્ટર-એન્જિનિયર લે જાતે હૈ…’ -ની તર્જ પર મોન્ટુના પેટમાં ફાળ પડે છે કે બિટ્ટુને પેલો પેઈન્ટર લઈ જશે. જોકે, મોન્ટુ બહુ હોપફૂલ હોય છે અને એના હોપમાં ‘એચ’ કેપિટલ રાખે છે. (મોન્ટુ જેવા વ્યક્તિત્વોની હોપમાં એચ કેપિટલ જ હોય. ફિલ્મ ‘ચલો દિલ્હી’માં વિનય પાઠકનો તકિયાકલામ હોય છે કે – ‘કૌન સી બડી બાત હો ગઈ?’ – વિનય પાઠકના એ એટિટ્યૂડથી આખી ફિલ્મમાં લારા દત્તા કંટાળતી હોય છે, પણ ક્લાઈમેક્સમાં જ્યારે લારા વિનયના ઘરમાં ડોકિયું કરે છે ત્યારે એને વિનય પાઠકના ‘કૌન સી બડી બાત હો ગઈ?’વાળા એટિડ્યૂડની પ્રેરણા સમજાય છે. ‘મોન્ટુની બિટ્ટુ’માં પણ ડિરેક્ટર જ્યારે તમને મોન્ટુના ઘરમાં ડોકિયું કરાવે છે ત્યારે તમને એ સંદર્ભ સમજાય છે કે બે પાત્રો વતી એક પાત્રના આવા સંવાદો હોપનો એચ કેપિટલ હોય ત્યારે જ શક્ય બને.)
પ્રથમ દૃષ્ટિએ આ સાદો પ્રણય ત્રિકોણ લાગે છે ને? કે જેના આરંભ પરથી જ આપણે જેનો અંત કળી શકીએ અને થાય કે ઈસમે નયા ક્યા હૈ ભાઈ?, પણ મજા આ વાર્તા જે રીતે લખાઈ છે અને જે રીતે પડદાં પર પ્રેઝન્ટ કરાઈ છે એમાં છે. એના કેરેક્ટરાઈઝેશન્સ અને પર્ફોર્મન્સિસ જોવા ગમે તેવા છે. પાત્રોમાં પોળના અલ્લડ-મસ્ત છોકરા દડીથી માંડી મોડર્ન સેકન્ડ વાઈફ સમાયરા સુધીની વિશાળ રેન્જ છે. પાત્રો આપણી આસ-પાસની જ દુનિયાના લાગે એવા છે. જેમ કે દરેક પોળમાં એક મોન્ટુ હોય છે અને દરેક મોન્ટુનો એક દડી હોય છે. જેમ દરેક જેઠાલાલની એક બબીતા હોય છે એમ જ દરેક દડીની એક ‘મોહિની’ હોય છે તો દરેક શેરી, ગલી અને મહોલ્લામાં એકાદી સૌભાગ્ય લક્ષ્મી અને એકાદા જમના માસી તો હોય જ છે.
{SPOILERS AHEAD}
રાઈટર-ડિરેક્ટરે બે કલ્ચરની દુનિયા સર્જીને એ બન્નેના પાત્રોને એક-બીજા સાથે ક્રોસ કરીને મજા લૂંટી અને લૂંટાવી છે. એક પોળની દુનિયા છે કે જ્યાં કોઈ છોકરીને જોવા કોઈ છોકરો આવે ત્યારે એની પોળના દરેક ઘર-ગોખલાને જાણ થાય અને છોકરી જોવાની એ આખી ઘટનાની લાઈવ કોમેન્ટ્રી પણ થાય. એક-બીજાના ફળિયાથી માંડી રસોડા સુધી પડ્યાં પાથર્યા રહેતા લોકોની એક એવી દુનિયા કે જો તમે ત્યાં રહેતા ન હો તો તરત કળી જ ન શકો કે કયુ ઘર કોનું છે અથવા કોણ કોના ઘરમાં રહે છે. એકચ્યુલી, અસલી હેરિટેજ આ કલ્ચર જ છે જ્યાં કોઈ એક મકાનમાં લગ્ન હોય તો આખી પોળનો પ્રસંગ હોય એમ હળી-મળીને બધી વ્યવસ્થાઓ સચવાતી હોય અને બીજી તરફ એ દુનિયા જ્યાં લગ્નની તૈયારીના સમયના અભાવે વેડિંગ પ્લાનર રાખવામાં આવે અને વેડિંગ પ્લાનરને આપવા જેટલો સમય પણ ન હોય. એક તરફ એવી દુનિયા કે જેના કોઈ ખૂણાના ઘરે દૂધ ઢળી જાય તો ચા કે મરણ થઈ ગયું હોય ત્યારે વગર કીધે ખીચડી બનીને આવી જાય અને બીજી તરફ એવી દુનિયા જેમાં પિતાને ખબર જ ન હોય કે એના પુત્રના મનમાં શું ચાલી રહ્યું છે. એક તરફ બિટ્ટુની દુનિયા, જ્યાં આખી પોળની લાઈફ ઈન્ટરકનેક્ટેડ છે અને બીજી તરફ અભિનવ કે જેની પોતાની જ એક અલાયદી દુનિયા છે. પેઈન્ટિંગ્સ અને એક્ઝિબિશન્સની દુનિયા. જેમાં એ એકલો જ વસે છે. એક તબક્કે એ મોન્ટુને કહે છે કે, ‘તને નહીં સમજાય’ અને મોન્ટુ એને કહે છે કે, ‘મારે સમજવું પણ નથી.’ બન્ને પોતપોતાની જગ્યાએ સાચા છે. અભિનવની વાત મોન્ટુ ન જ સમજી શકે અને મોન્ટુને સમજવાની જરૂર પણ નથી. કારણ કે એ મોન્ટુ છે.
સંવાદોમાં ઠેર ઠેર જેના પર અલાયદા આર્ટિકલ્સ લખાઈ શકે એવા ક્વોટેબલ ક્વોટ્સ વેરાયેલા પડ્યા છે. એક સંવાદ છે કે, ‘મા પેટથી નહીં, મનથી બનાય.’ આવો ડાયલોગ કદાચ રામ મોરી જ લખી શકે! ફિલ્મમાં આ સંવાદ જેમાં આવે છે એ દૃશ્ય આ ડાયલોગ નથી બોલાતો ત્યાં સુધી માત્ર ડ્રામા હોય છે, પણ જે ક્ષણે મોહિની આ ડાયલોગ બોલે છે એ ક્ષણે એ દૃશ્ય ક્લાસિકમાં સ્થાન પામે છે. મા બનવું એ માત્ર શારિરીક ઘટના છે જ નહીં. એ પહેલા માનસિક ઘટના છે પછી શારિરીક. એકચ્યુલી, ઈટ ઈઝ સાયકોફિઝિકલ મોમેન્ટ. માતૃત્વ પહેલા મનથી ધારણ થાય છે. જે કદાચ માત્ર સ્ત્રીઓ જ સમજી શકે. ફિલ્મમાં આ સંવાદ અને સિચ્યુએશનના માધ્યમથી લેખકે ગર્ભાવસ્થા અને પ્રસૂતિને માત્ર શારિરીક ઘટના માનનારા લોકો પર એક વેધક પ્રહાર કર્યો છે. એક દૃશ્યમાં બિટ્ટુ સમાયરા (અભિનવની સાવકી મા)ને કહે છે કે, ‘હું એટલું તો ડિઝર્વ કરતી જ હતી કે આ વાત અભિનવ મને કહેવા આવે.’ વાર્તાનું કેન્દ્રબિન્દુ બિટ્ટુ છે અને એ મોન્ટુ-બિટ્ટુના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવાઈ છે, અભિનવના નહીં. એટલે આવો સંવાદ આવે એ સ્વાભાવિક છે અને કોઈ પણ યુવતી આ અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે, પણ એ વાત કહેવા અભિનવ નથી આવતો અને એ આવી પણ ન શકે. એ કેવી રીતે આંખ મિલાવે? (કોઈ બેવફા નહીં હોતા, દિલ કા બુરા નહીં હોતા, કિસ્મત સે દિવાનો કા હર વક્ત ભલા નહીં હોતા. : દેવ કોહલી)
ફિલ્મ ‘ગઝલ’માં સુનિલ દત્ત મીનાકુમારી માટે ગાઈ શકે કે, ‘મુજસે કહે દે, મૈં તેરા હાથ કિસે પેશ કરું, યે મુરાદોં કી હસીં રાત કીસે પેશ કરું…?’ કારણ કે એજાઝ(સુનિલ દત્ત) નાઝ(મીનાકુમારી)ને પ્રેમ કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં સલમાન ઐશ્વર્યાનો હાથ ઝાલીને એને અજય દેવગણને સોંપવા જઈ શકે કારણ કે એ તેને પ્રેમ કરતો હતો. મોન્ટુ બિટ્ટુના લગ્નમાં એને પીઠી ચોળી શકે. (એ બાવાઆઆ…આ દૃશ્ય બહુ ક્રૂર છે બે…!) એના લગ્નમાં ખુરશીઓ પાથરી શકે, દડીની ગાળો સાંભળીને પણ બિટ્ટુ માટે કંઈ પણ કરવા સતત તૈયાર રહે. કારણ કે એ તેને પ્રેમ કરે છે. આ તમામ પાત્રો ક્યાંકને ક્યાંક ક્યારેકને ક્યારેક શહાદત સ્વીકારે છે. જ્યાં મોત જ ન થવાનું હોય ત્યાં વળી શહાદત કેવી? જેને તમે પોતાની જ ન માનતા હોવ, બીજાની જ માનતા હોવ એને અધિકારપૂર્વક બીજાને સોંપવા કેવી રીતે જઈ શકો?
કેટલાંક વ્યક્તિગત અનુભવોના આધારે કહું છું કે કદાચ પ્રેમનો ઈઝહાર કરવામાં જેટલી હિંમત જોઈએ એનાથી પણ વધારે એનો ઈનકાર કરવામાં જોઈતી હશે. કોઈ તમને પ્રપોઝ કરે અને પહેલા જ ધડાકે તમે ઈનકાર કરી દો એમાં કોઈ ખાસ હિંમતની જરૂર નથી હોતી, પણ જ્યાંથી તમે પાછા વળી ન શકો એટલા આગળ વધી ગયા હોવ અને એ કહીને કોઈને દુ:ખી કરવાની હિંમત ન હોય ત્યારે સ્થિતિ અલગ હોય છે. બિટ્ટુને પ્રેમ કરતો હોવા છતાં એને પોતાના હાથમાંથી સરકી જતી જોવામાં મોન્ટુ જેટલો મનોમન હિજરાતો હોય છે એવી જ કોઈ ગુંગળામણ આગળ જતા અભિનવ અનુભવે છે. એ સમાયરાને કહે છે કે, ‘જે કરવા ખાતર જ કરવું પડે એ નથી ગમતું.’ સાલું, એના અને બિટ્ટુ સિવાય બધાંને એમની જોડી શિવ-પાર્વતી જેવી પરફેક્ટ લાગતી હતી! જ્યારે એ બન્નેને ગંધ આવી ગઈ હતી કે કંઈક કાચું કપાઈ રહ્યું છે. આસ-પાસની દુનિયાથી અલગ એ બન્નેની દુનિયાની વાસ્તવિકતા માત્ર એ બન્ને જ જાણતાં હતાં. (મૂંગી &*%$ મનમાં જાણે…) ફિલ્મમાં જ એક સંવાદ છે કે, ‘કોઈને ગમાડવા અને સ્વીકારવા વચ્ચે મોટો ફરક રહેલો છે.’ ઘણીવાર વ્યક્તિને આ ‘ગમાડવા’ અને ‘સ્વીકારવા’ વચ્ચેનો ભેદ સમજાય ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. બિટ્ટુ અને અભિનવને બધાંએ મળીને ઓલમોસ્ટ ચોરીમાં બેસાડી જ દીધેલાં ને?
સતત આદર્શ ભારતીય નારી અંગેના મોનોલોગ્સ ઝીંકનારું સૌભાગ્યલક્ષ્મીનું કેરેક્ટર (કૌશાંબી ભટ્ટ) હસાવવાની સાથોસાથ ભારતીય નારી અંગેની જૂનવાણી થઈ ગયેલી માન્યતાઓ તરફ અંગુલીનિર્દેશ પણ કરી જાય છે. પોળમાં જે કામ સૌભાગ્યલક્ષ્મીનું કેરેક્ટર કરે છે એ જ કામ કોર્પોરેટ ઓફિસમાં ‘અમારે મીડલક્લાસમાં તૌ બૈરાઓ…’થી શરૂ થતા ડાયલોગ્સ બોલનારું હિમાંશુનું પાત્ર (જીગર શાહ) કરે છે. કોમેડીની કોમેડી અને સટાયરનો સટાયર. આમ કે આમ ઓર ગુટલીઓ કે ભી દામ…! આ ઉપરાંત ‘તું ખુશ છે આ રિલેશનથી? કારણ કે મને સતત એવું લાગે છે કે હું દેખાડો કરું છું.’, ‘બધી ભૂલોને ફ્લાવર્સથી જ ઢાંકીશ?’, ‘એક વાર ખોટી ટ્રેનમાં ચડી ગયા પછી બધાં સ્ટેશન ખોટા જ આવતા હોય છે.’, ‘કોઈને ખુશ રાખવા ડફોળ સાબિત થવું પડે તો હું છું ડફોળ.’, ‘કોઈ નથી જોતું ડેડ, બી રિયલ.’ જેવા ડાયલોગ્સ દિલને ચોટ કરી જાય છે તો ‘મારા કપાળે કંઈ મોન્ટુ લખ્યું છે?’, ‘મારી અંદર ડાન્સ ફૂંફાડા મારે છે!’, ‘એમનું ગિઝર બગડ્યું છે, દિમાગ નહીં.’ જેવા સંવાદો, ‘પલપલીયાની ડંકી’, ‘વપરાશ કાર્યક્રમ’ અને ‘મનમંદિરનો ઘંટ’ જેવા શબ્દપ્રયોગો અને લવલી બાબા જેવા ટ્રેક્સ છેકથી છેક સુધી ફિલ્મમાં હળવાશ બરકરાર રાખે છે.
ફિલ્મમાં ઠેર ઠેર સિનેમેટિક ચમત્કૃતિઓ ભરેલી પડી છે. યુ નો વોટ ઈઝ સિનેમા? સિનેમા એક એવી ઘટના છે જે વાસ્તવિક અને ઈમેજનરી દુનિયાની ક્ષિતિજ પર ઘટે છે. સિનેમા મારી, તમારી અને આપણી જિંદગીની વાસ્તવિક ઘટનાઓને રમાડતાં રમાડતાં ક્યારે કલ્પનાની દુનિયામાં ઉડાવી જાય એની દર્શકને ખબર નથી પડતી. ફિલ્મ જોતાં જોતાં દર્શક જે ક્ષણે એ સપનામાંથી જાગી જાય એ ક્ષણે સિનેમા નિષ્ફળ જાય છે. જોકે, ‘મોન્ટુની બિટ્ટુ’ ક્યાંય નિષ્ફળ નથી જતી. (દડી : ડાયલોગ છોડ ને પોઈન્ટ પર આય બેએએએ.) ઓેકે, તો પોઈન્ટ એ છે કે ફિલ્મના એક દૃશ્યમાં બિટ્ટુ તારા ગણતી હોય છે અને સામેની અગાસીમાં મોન્ટુ ઊભો હોય છે. બિ્ટટુ જાય પછી મોન્ટુ બિલકુલ ત્યાંથી જ તારાઓની ગણતરી શરૂ કરે છે જ્યાંથી બિટ્ટુએ અધુરી મુકી હોય છે! આ સિનેમા છે. આ દૃશ્ય એક કવિતા છે. આવા દૃશ્યો દર્શકને પેલી ક્ષિતિજ પરથી પોતાની દુનિયામાં ખેંચી જાય છે. ફિલ્મમાં આવી ઘણી ક્ષણો છે જેમાં રાઈટર-ડિરેક્ટર કોઈ કોમેડી સિન પછી તરત જ કોઈ આલા દરજ્જાની સિનેમેટીક કવિતા સર્જી જાય છે.
ટ્રેલરમાં જોઈને લાગતું હતું કે દડીની ઉશ્કેરણી બાદ મોન્ટુ બિટ્ટુને પ્રપોઝ મારવા જાય છે એ દૃશ્ય ‘થ્રી ઈડિયટ્સ’ પરથી પ્રેરિત છે. હા, એ દૃશ્યમાં આમિરવાળા દૃશ્યની છાંટ છે, પણ અહીં એમાં મેકર્સનું ઈમ્પ્રોવાઈઝેશન છે. મોન્ટુ પેલીને પ્રપોઝ મારે એ પહેલાનો ‘ઝીણી ઝીણી વાતો નથી દેખાતી?’વાળો મોનોલોગ કમાલ છે.
જમના માસીનું પાત્ર સરસ લખાયું હોવાથી સશક્ત બન્યું છે. એ જૂની પેઢીના હોવા છતાં જડ નથી. નવા પરિવર્તનોને સાહજિકતાથી આવકારવામાં એમને જરાય નાનપ નથી લાગતી. જેમ કે બિટ્ટુની થનારી સાસુ અભિનવની સાવકી મમ્મી છે અને ઉંમરમાં બહુ નાની છે એ વાત નીકળે ત્યારે તેઓ સહજતાથી કહે છે કે, ‘એ તો સારું ને…વેવાણ અને બિટ્ટુ એક જ લિપસ્ટિકથી લિપસ્ટિક કરશે.’ એમનો આવો જ ‘સ્વીકારભાવ’ ક્લાઈમેક્સમાં સમાયરા પોળમાં આવે છે ત્યારે જોવા મળે છે. ઘડાયેલા કલાકાર પિન્કી પરીખે આ ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો છે. દડીના પાત્રમાં હેમાંગ શાહે કમાલ કરી છે. એ સ્ક્રિન પર આવે અને તમને હસાવે નહીં એવું બને જ નહીં. ફિલ્મ જોઈને બહાર નીકળેલા દરેકને એ પાત્ર તો યાદ રહી જ જવાનું. દૂરથી ‘એબ્સર્ડ પેઈન્ટિંગ’ જેવી લાગતી, પણ અંદરથી ઘરઆંગણાની કલરફૂલ રંગોળી જેવી છોકરી ટાઈપના પાત્રોમાં આરોહી તો એવરગ્રીન છે જ. રિયલલાઈફ છોકરીઓમાં પણ કેટલીક દૂરથી રંગોળી જેવી લાગતી હોય, પણ અંદરથી એબ્સર્ડ પેઈન્ટિંગ જેવી હોય અને કેટલીક દૂરથી એબ્સર્ડ પેઈન્ટિંગ જેવી લાગે પણ અંદરથી એવી રંગોળી જેવી નીકળે જેના પર બિટ્ટુના પપ્પા દામજી ગોર (કિરણ જોષી) ઢળી પડે છે.
મૌલિક નાયકે મોન્ટુના પાત્રને બરાબર આત્મસાત કર્યુ છે. પ્રમાણમાં અંડર રેટેડ કેરેક્ટર ભજવનારા મેહુલ સોલંકીએ ફાડુ એક્ટિંગ કરી છે બોસ. એનો એન્ટ્રીનો સિન તમે જુઓ. (એ સિન વખતનું મેહુલ સૂરતીનું BGM મસ્ત છે.) એને અભિનયથી અભિનવને બહાર કરતા અંદર વધુ ખીલવવાનો હતો. જેમાં એ સફળ રહ્યો છે. તમે પહેલા ‘પ્રેમજી’નો પ્રેમજી અને પછી ‘મોન્ટુની બિટ્ટુ’નો અભિનવ જુઓ તો ખ્યાલ આવે કે આ માણસની એક્ટિંગની રેન્જ કેટલી વિશાળ છે! આ પાત્ર અને તેના પ્રેઝન્ટેશન વિશે કલાકાર ચૌલા દોશીએ રાઈટર-ડિરેક્ટર સામે ધોખો કર્યો છે કે આમાં એક ચોક્કસ કોમ્યુનિટીને (કલાકારો, ખાસ કરીને પેઈન્ટર્સ) ખરાબ ચિતરવામાં આવી છે. એનો એક જવાબ હું ઉપર ક્યાંક લખી ગયો છું કે આ વાર્તા મોન્ટુ અને બિટ્ટુના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવાઈ છે, અભિનવના નહીં. જો આ વાર્તા અભિનવના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવાઈ હોત તો કદાચ ધૂની ચિત્રકારની દૃષ્ટિએ બીજા પાત્રો ખરાબ ચિતરાયાં હોત અથવા ખરાબ દેખાયાં હોત. એન્ડ યસ, કલાકારો ધૂની જ હોય. એ ધૂનની તુલના ડોક્ટર, ઉદ્યોગપતિ કે અન્ય કોઈ વ્યવસાય સાથે થઈ જ ન શકે. કલાકાર પોતાની કલાના ઉચ્ચ શિખર પર પહોંચે ત્યારે કલા એક સાધના બની જાય છે. એ ધ્યાનસ્થ થઈ જાય છે. એ ક્ષણે ચિત્ર, લેખન, સંગીત કે ધ્યાનમાં કોઈ ફર્ક નથી રહેતો. એ.આર. રહેમાન જ્યારે ‘ખ્વાજા મેરે ખ્વાજા’ પરફોર્મ કરે ત્યારે એના ચહેરાનું અવલોકન કરજો. સમજાશે.
એક કલાકાર જ્યારે પોતાની ધૂનમાં હોય ત્યારે એ પોતાની જાતને આ સામાજિક ચોકઠામાં ફિટ નથી કરી શકતો. એ રીતસર ગુંગળામણ અનુભવે છે. એને બધુ અજીબ લાગતુ હોય છે. (જે રીતે અભિનવને લાગતુ હોય છે.) એ જ રીતે એ બીજા બધાંને અજીબ લાગતો હોય. હોવ…હમ્બો…હમ્બો…! રહી વાત દોષનો ટોપલો ઢોળવાની તો સંબંધ બંધાવા કે તૂટવા માટે ક્યારેય કોઈ એક વ્યક્તિ જવાબદાર હોતી જ નથી. સર્જાયેલી સ્થિતિની શરૂઆત માટે તો બિટ્ટુ જવાબદાર હતી. બિટ્ટુ એેની પાછળ પડી હતી. અભિનવે તો કહેલું પણ ખરું કે, ‘તું લોહી ચખાડે છે હોં.’ ત્યારે બિટ્ટુએ કહેલું કે, ‘ના, રંગ લગાડું છું.’ બર્થ ડે પાર્ટીમાં જ્યારે અભિનવ બોલ્યો કે, ‘જબરો સ્ટ્રોક માર્યો તમે…’ ત્યારે જવાબમાં ‘હવેથી તારા જીવનના દરેક સ્ટ્રોકમાં હું હોઈશ.’ એવું બોલનારી બિટ્ટુને ક્યાં ખબર હતી કે અભિનવને કેવડો મોટો સ્ટ્રોક (શોક) લાગ્યો છે અને એની અંદર શું ચાલી રહ્યું છે? જો અભિનવ બિટ્ટુ અને બિટ્ટુની દુનિયા ન સમજી શક્યો હોય તો બિટ્ટુ પણ ક્યાં અભિનવ અને એની દુનિયાને સમજી શકેલી? એ તો એનું આકર્ષણ માત્ર હતું જે એની આત્મખોજમાં નિમિત્ત બન્યું. એ ઘટનાઓ ન ઘટી ત્યાં સુધી મોન્ટુ કાયમ નજર સામે હોવા છતાં બિટ્ટુને ક્યાં એની કદર જ હતી?
મને પહેલા એમ હતું કે બંસી રાજપુતનું એક સફળ ઉદ્યોગપતિની રોહિત મુનશીની (વિશાલ વૈશ્ય) સેકન્ડ પણ ટ્રોફી વાઈફનું સમાયરાનું કેરેક્ટર કદાચ શોભાના ગાંઠીયા જેવું હશે. પણ એવું નહોતું. એ કેરેક્ટરમાં ઘણી ડેપ્થ છે. એ ટિપિકલ સાવકી મમ્મી નથી. ક્લાઈમેક્સમાં તો એની ભૂમિકાએ એક મોટી ભૂમિકા ભજવવાની આવે છે. મોહિનીના પાત્રમાં માધુરી દિક્ષીતના ગેટઅપમાં હેપ્પી ભાવસાર જામે છે. કોઈપણ એક્ટ્રેસ જીવનમાં એકાદી વાર તો (મનમાં)મોહિની (માધુરી) બની જ હોય છે. એ દૃષ્ટિએ આ એક ડ્રિમ કેરેક્ટર છે. ઈશ્શ્શ… ;)
ફિલ્મના બીજા સબળ પાસા છે સુંદર સિનેમેટોગ્રાફી અને મેહુલ સુરતીનું સુપર્બ મ્યુઝિક. દિલીપ દવેએ લખેલું ‘બિટ્ટુ અમદાવાદી…’ એક સારું ડાન્સ સોંગ છે અને વાર્તાને આગળ ધપાવે છે. ઐશ્વર્યા મજમુદારના અવાજે મઢ્યુ ‘રંગદરિયો’ કર્ણપ્રિય હોવાની સાથોસાથ એક વિઝ્યુઅલ ટ્રીટ પણ છે. પાર્થિવ ગોહિલના કંઠે ગવાયેલો ‘જય મા ભદ્રકાળી’ ગરબો હું વારંવાર સાંભળતો હોઉં છું. નૂતન સૂરતીએ ગાયેલુ ‘ઘોળુ ઘોળુ…’ સોંગ ઈમોશનલ કરી જાય છે. ધ્વનિતે ગાયેલું ‘બિટ્ટુ સોંગ’ સુપર્બ ફ્યુઝન છે. ફિલ્મના તમામ ગીતોમાં મારું પર્સનલ ફેવરિટ છે – ‘પરદેસ ચાલી મેના’. મિલિન્દ ગઢવીએ શું લખ્યું છે યાર…! જો હું કોઈ રાજવી હોઉં તો આ સોંગની એક જ પંક્તિ માટે આ કવિના નામે બે-ચાર ગામડાં લખી આપું. એ પંક્તિ છે –
એની વાતોમાં આજે વધુ મોણ છે,
એનું દિલ જાણે બર્મ્યૂડા ત્રિકોણ છે.
વાતોમાં વધુ મોણ…! દિલ જાણે બર્મ્યૂડા ત્રિકોણ…! વાહ…વાહ…! જીયો જીયો કવિ…! એક જ પંક્તિમાં તમે કલ્પનોની રેન્જ જુઓ સાહેબ. લોકબોલીના ‘વાતમાં મોણ’ શબ્દપ્રયોગથી માંડી બર્મ્યૂડા ટ્રાયેંગલ જેવો સાયન્ટિફિક રેફરન્સ એક જ પંક્તિમાં…! આ જ બેનરની ફિલ્મ ‘પ્રેમજી’ માટે આ જ કવિએ લખેલા ‘મેં તો સૂરજને રોપ્યો છે આંગણે…’ સોંગમાં મને આવો જ કંઈક સાયન્ટિફિક રેફરન્સ અનુભવાયેલો.
એ ગીતના શબ્દો છે –
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે…
મારા ફળિયાંની કાંકરિયું ઝળહળે રે લોલ…
મેં તો ચાંદાને મુક્યો છે પાપણે…
મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…
ચાંદાને પાપણે મુકવાની વાતમાં તમે જુઓ કે કવિએ કેવી રીતે એક સાયન્ટિફિક રેફરન્સને કવિતામાં સુંદર રીતે વાપર્યો છે. સાયન્સ કહે છે કે ચંદ્ર પૃથ્વીની નજીક આવે એટલે દરિયામાં ભરતી આવે અને એ ચંદ્ર જો આપણી પાપણે હોય તો? સ્વાભાવિક છે કે આંખોનો અરબ સાગર પણ હિલોળે ચડે! એવી જ રીતે ફરી ‘પરદેસ ચાલી મેના’ પર આવીએ તો કવિએ લખ્યું છે કે, ‘એનું દિલ જાણે બર્મ્યૂડા ત્રિકોણ છે.’ બર્મ્યૂડા ટ્રાયેંગલ બર્મ્યૂડા ટાપુ પાસે દરિયામાં આવેલી એક એવી જગ્યા છે જ્યાં કોઈપણ વહાણ કે પ્લેન જાય તો એ ગુમ થઈ જાય છે અને એનું શું થાય છે એ કોઈને નથી ખબર પડતી. વૈજ્ઞાનિકો હજુ સુધી નથી જાણી શક્યા કે બર્મ્યૂડા ટ્રાયેંગલમાં એક્ઝેટલી છે શું? ફિલ્મમાં જે સિચ્યુએશનમાં આ સોંગ આવે છે ત્યારે બિટ્ટુના દિલમાં શું હોય છે એની કોઈને ખબર નથી હોતી. કદાચ, ખુદ બિટ્ટુને પણ નહીં. આ એક અદભૂત સોંગ છે. એનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. ‘ચાંદાની ચૂડલી’ અને ‘અરમાનોની સેના’થી માંડી ‘આંસુનું ચિલ્લર’ સુધી એવા એવા કલ્પનો છે કે એ ગીત પર જ એક અલાયદો લેખ થઈ શકે.
આમ તો કોઈ લેખકના સર્જનમાંથી તેની આત્મકથાના ટુકડા ન શોધવા જોઈએ. આમ છતાં મને આ ફિલ્મના લેખનમાં રામના જીવનના બે ટુકડા સ્પષ્ટ જોવા મળે છે. એક દૃશ્યમાં ધૂની ચિત્રકાર અભિનવ ફિલ્મ જોતાં જોતાં સિનેમાઘરમાંથી અચાનક જ ભાગે છે. સાથે રહેલી બિટ્ટુને ગભરામણ થતી હોવા છતાં એ રસ્તામાં કંઈ જ બોલતો નથી. એ છેક એના ઘરે પહોંચીને એનેએક ચિત્રમાં કંઈક સૂઝ્યું હોય છે એના સ્ટ્રોક્સ પતાવે છે અને પછી છેક બોલે છે કે, ‘જો મને આ સૂઝેલું.’ બિટ્ટુ કહે છે કે, ‘ઓહ, તો ઈટ્સ અબાઉટ પેઈન્ટિંગ.’ એને નવાઈ લાગે છે. એ અભિનવની વર્તણુંક સમજી નથી શકતી. કટ ટુ રિયલ લાઈફ. હું, રામ અને અમિત રાડિયા એક જ મકાનમાં રહેતા હતા ત્યારની વાત છે. રાત્રે ટિફિન આવ્યા પછી અમે ત્રણેય સાથે જમવા બેસેલા. અચાનક જ રામ અવાચક થઈ ગયો. જાણે એના પંડમાં ઢબુડી મા આવ્યા હોય. LOL! એ પાછળની સાઈડ એકાદુ ગલોટિયું પણ ખાઈ ગયો. અમે સમજી શકતા હતા કે એ કલાકાર જીવડો અચાનક જ કોઈ ઊંડા વિચારમાં ખાબક્યો છે. એને કંઈક સૂઝ્યું છે. (કારણ કે અમે બિટ્ટુ નહોતાં. અમે પણ ક્યારેક આવા ઊભરાં અનુભવેલાં. અનુભવીએ છીએ.) એ ઊભો થઈ ગયો. એ જાણે કે ગાભણો થયેલો અને પ્રસવ ન થાય ત્યાં સુધી એને શાતા નહોતી મળવાની. લેપટોપ લઈને કંઈક લખવા મંડ્યો. લખી લીધુ પછી જ એ કંઈક બોલ્યો. (બાય ધ વે, ગાભણો એટલે પ્રેગનન્ટ. ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ના રચયિતા વેણીભાઈ પૂરોહિતને કંઈક સૂઝે ત્યારે એ કહેતા કે હું ગાભણો થયો છું. દરેક કલાકાર જીવમાં આ ગાભણાવૃત્તિ રહેલી હોય છે. એટલે જ તેઓ મૂડી હોય છે. ધૂની હોય છે. એમની બહાર તો એક જ દુનિયા હોય છે, પણ અંદર અનેક દુનિયા અને અનેક પાત્રો ઘુઘવતા હોય છે.) અભિનવનું એ દૃશ્ય સ્ટાર્ટ થયું ત્યારથી મને એનો અંત ખબર હતી કારણ કે તરત જ મને લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાની એ ઘટના યાદ આવી ગયેલી.
એવી જ રીતે ફિલ્મમાં દડીનો એક સંવાદ છે કે, ‘હાથમાં મેં’દી લગાઈ’ન ‘ચન્ના મેરીયા… ચન્ના મેરીયા’ કરવાનો વિચાર છે?’ બહુ નજીકના લોકોએ જ એ દૃશ્ય જોયું છે કે આ ફિલ્મ માટે ‘રંગદરિયો’ સોંગ લખનારા પાર્થ તારપરાએ રામના લગ્નમાં હાથમાં મહેંદી લગાવીને ‘ચન્ના મેરીયા’ ગાતાં ગાતાં જ એન્ટ્રી મારેલી. હે રામ…, લેખની શરૂઆતમાં મેં માત્ર રિલલાઈફના જ સ્પોઈલર આપવાની ચેતવણી આપેલી પણ લખતાં લખતાં રિયલલાઈફના સ્પોઈલર્સ પણ આવી ગયાં. હવે તો રક્ષા કરે ઢબુડી મા…! હોવ…હમ્બો…હમ્બો…!
ઓવરઓલ, આ ફિલ્મ પારિવારિક મનોરંજનનું એક સંપૂર્ણ પેકેજ છે. મસ્ટવોચ.
ફ્રી હિટ :
બિટ્ટુ : ક્યાંક તું તો મને લાઈન નથી મારતો ને…?
મોન્ટુ : હું તો ક્યાંય લાઈનમાં જ નથી!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન ઓર્ડર કરનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
મહોતું : એક માસ્ટરપિસ
ચાલ ‘જોઈ’ લઈએ!
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
દૃશ્યમ: આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!
He and She in Raazi તો ક્યા કરેગા કાઝી…!!!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
વાંધા(જનક) `વિલાસ` : ગુજરાતી ફિલ્મમાં તમે સસરાને પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો?
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી