મુંબઈ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણને ફાંસીના કારણે પ્રોફાઈલ પિક.ને કાળુધબ્બ કરીને અંદર ’30 જુલાઈ બ્લેક ડે’ લખેલુ ઈન્ડિયન મુસ્લિમ પ્રો. નામનું હેટ પેઈજ જોયુ એનાથી બહુ નવાઈ ન લાગી. કારણ કે, સોશ્યલ મીડિયા પર આવા સેંકડો હેટપેઈજીસ છે. પરંતુ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની યાકુબ વિશે ભારોભાર સહાનુભૂતિ દર્શાવતી પોસ્ટ વાંચીને આઘાત લાગ્યો. સંજીવ ભટ્ટ યાકુબને હેપ્પી બર્થ ડે વિશ કરીને લખે છે કે, હવે આ દેશમાં જન્મ લેતો નહીં કારણ કે આ દેશની લોકશાહી ખૂનની પ્યાસી છે. આટલેથી જ ન અટકતા ભટ્ટ સાહેબ યાકુબને સંબોધીને આગળ લખે છે કે, Shame on all of us because tomorrow a little bit of your blood will be on all our hands.
ભટ્ટ સાહેબ, પહેલી વાત તો એ કે એણે જેવા કર્મો કર્યા છે એ જોતા એને ફરી વાર ભારતની ધરતી પર લેવાનુ સદભાગ્ય કદી પ્રાપ્ત નહીં થાય. અને યાકુબ તો કંઈ વળી ગૌતમ બુદ્ધનો અવતાર હતો કે એ જન્મ ના લે તો આ ધરતી વાંઝણી રહી જશે? આ ભૂમિ પર જન્મ લઈને એણે એવું તે કયુ મોટું અહેસાન કરી દીધુ હતું? અરે ભારતીયો જ નથી ઈચ્છતા કે નહીં ઈચ્છે કે આ ધરતી પર હવે વધુ યાકુબ મેમણો પેદા થાય. આ દેશ પર અહેસાન થશે જો એ ફરીથી અહીં પેદા નહીં થાય.
તમે યાકુબ વિશે લખો છો કે, person who turns himself in believing in his honesty and the fairness of the Indian democracy will be sent to the gallows tomorrow. અરે ભાઈ એને એની પોતાની ઓનેસ્ટી પર વિશ્વાસ હતો તો પછી એ દોષિત સાબિત કેવી રીતે થયો? શું તમે એવું કહેવા માંગો છો કે એ નિર્દોષ હતો છતાં લટકાવી દેવાયો? શું આવું કહીને તમે ભારતના ન્યાયતંત્રની કાર્યક્ષમતા પર સવાલ નથી ઉઠાવી રહ્યાં? એને ભારતની લોકશાહી પર વિશ્વાસ હતો એટલે શું? ભારતીય લોકશાહીએ એનો વિશ્વાસ તોડ્યો છે એમ કહેવા માંગો છો તમે? સાહેબ, આ કેસમાં તો ભારતની લોકશાહી અને ન્યાયતંત્રની બ્યુટી દેખાઈ છે. આરોપીને તેનો પક્ષ રાખવાની તમામ તકો પૂરી પાડવામાં આવી. અનેક નિર્દોષો પર દયા ન ખાઈને તેમનો જીવ લેનારા આરોપીને રાજ્યપાલથી માંડી રાષ્ટ્રપતિ સુધી દયાની અરજી કરવાનો હક આપ્યો. ફાંસીની આગલી રાત્રે કાનૂની પ્રક્રિયામાં કોઈ ચૂક નથી રહી ગઈ અને આરોપીને તેના બચાવની તમામ તકો અપાઈ છે કે કેમ? એ ચકાસવા અડધી રાત્રે પણ દેશની સુપ્રીમ કોર્ટ ચાલી. એનાથી વધારે તમે શું એક્સપેક્ટ કરો છો આ દેશની લોકશાહી અને ન્યાયતંત્ર પાસેથી?
અને તમારા કોઈની સાથેના વ્યક્તિગત હિસાબો તેમજ ગ્રહો-પૂર્વગ્રહો જે પણ હોય તે પણ રમખાણો અને વ્યાપમના કેસોની આતંકવાદના કેસ સાથે ભેળસેળ શા માટે કરો છો? શા માટે એક આતંકવાદી પ્રત્યે સહાનુભૂતિ બતાવવા અલગ અલગ મામલાઓને એક-બીજાની સાથે ગુંચવો છો?
એન્ડ માઈન્ડવેલ કે આ દેશમાં ગાંધીજી અને મધર ટેરેસા જ નહીં પણ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને ચાણક્ય પણ પાક્યા છે. દેશના દુશ્મનો સાથે દેશની પરંપરા અને કાયદા મુજબ જ વ્યવહાર થવો જોઈએ નહીં કે દયા-કરુણા કે અહિંસાની ઠાલી ફિલસૂફીઓ મુજબ. 250થી વધુના મોતના જવાબમાં બે બે દાયકા બાદ માત્ર એક વ્યક્તિને મૃત્યુદંડ મળ્યો છે એમાં પણ તમારી લાગણીઓ આહત થઈ ગઈ? યાકુબને હેપ્પી બર્થ ડે વિશ કર્યા વગરના રહી ગયા હતા તમે?
તમારું દર્દ સમજી શકાય છે. તમને યાકુબ પ્રત્યે સહાનુભૂતિ હોય તો એ દર્શાવો પણ આ દેશની લોકશાહીને bloodthirsty કહીને ગાળ તો ન આપો. એ આ દેશની લોકશાહીની જ મહાનતા છે કે તમે ખુલ્લેઆમ એક દેશદ્રોહી આતંકવાદીની તરફેણ કરીને લોકશાહીને ભાંડી ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવી શકો છો. જો આ દેશમાં લોકશાહી ન હોત ને ઈસ્લામિક રાષ્ટ્રો જેવી અંધાધૂંધી હોત તો શું થયુ હોત એ સમજવા બહુ દૂર જવાની જરૂર નથી. બિનલોકશાહી ઈસ્લામિક રાષ્ટ્રોમાં ગદ્દારી કરનારાઓના શું હાલહવાલ થાય એના અનેક વીડિયો યુ ટ્યુબ પર મોજૂદ છે.
Shame on all of us because tomorrow a little bit of your blood will be on all our hands. RIP Humanity.
ઉપરની લાઈન લખીને તો તમે હદ જ કરી નાખી સાહેબ. શેઈમ ઓન ઓલ ઓફ અસ નહીં શેમ ઓન યુ મિસ્ટર સંજીવ ભટ્ટ. RIP Shame.