એક સમાચાર થોડા ચોંકાવી ગયા કે મહારાષ્ટ્રમાં મહંમદ રફીના પુત્ર શાહિદ રફીએ હેટ સ્પીચર્સ ઔવેસી બ્રધર્સની પાર્ટીની ટિકીટ પર ઉમેદવારી નોંધાવી. શાહિદ રફીએ કદાચ રફી સાહેબના તમામ ગીતો નહીં સાંભળ્યા હોય કાં તો ઔવેસી બ્રધર્સની ભગવાન રામને ગાળો દેતી સ્પીચીસ નહીં સાંભળી હોય. રફી સાહેબના ગીતો જ કોઈપણ માણસમાં બિનસાંપ્રદાયીકતા જગાવવા પૂરતા છે ત્યારે એમનો પોતાનો જ પુત્ર એક હળાહળ કોમવાદી પાર્ટી સાથે કેવી રીતે જોડાઈ શકે?
રફી સાહેબ એક ગાયક તરીકે જ નહીં પણ એક માણસ તરીકે પણ ઓલિયા જેવા લાગે. બિનસાંપ્રદાયીકતાની મિશાલ પ્રસ્તુત કરવી હોય તો રફી સાહેબના ગીતોનો એક આખો આલબમ બનાવી શકાય. રફી સાહેબે ગાયેલા હિન્દુ ભજનો અને દેશભક્તિ ગીતોનો એક સૂરીલો ઈતિહાસ છે. રફી સાહેબે ગાયેલુ ‘મન તડપત હરિદર્શન કો આજ’ જેવું હિન્દુ ભક્તિગીત બોલિવુડના શ્રેષ્ઠત્તમ ગીતોમાં સ્થાન પામે છે.
ભારત સરકારે રફીના મૃત્યુ બાદ તેમના માનમાં બે દિવસની જાહેર રજા જાહેર કરી હતી. રફી સાહેબને ભારત રત્ન મળે એ માટે કૈંક સંસ્થાઓ પ્રયત્નરત છે. ભારત રત્ન મળે કે ન મળે જે સંગીતચાહકો માટે રફીચાહકો માટે ઓલરેડી ભારતરત્ન છે. જેમને ભારત રત્ન શું છે એ નથી ખબર એમને પણ ખબર છે કે રફી સાહેબ શું છે. સંગીતના ભારતરત્નનો રફી સાહેબ પુત્ર એક ધર્માંધ અને કટ્ટર પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડે? ‘ના હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હે ઈન્સાન બનેગા…’જેવા ગીત ગાનારાનો પુત્ર લોકોને કટ્ટરવાદી બનાવતી પાર્ટીનો ઉમેદવાર? યે બાત કુછ હજમ નહીં હુઈ…