સાલુ ઘણી વાર એવું લાગે કે આપણા દેશની વિધાનસભાઓ કે ઈવન સંસદમાં પણ નાહકની ધાંધલ-ધમાલોમાં ફોરપ્લે જેટલો અને એકચ્યુઅલ પ્રજાહિતના ‘કામ’ની બાબતોમાં સ્ખલન જેટલો જ સમય વપરાય છે! સંભોગ અને સદનમાં ફરક માત્ર એટલો છે કે સંભોગમાં ફોરપ્લે અનિવાર્ય મનાયું છે!
કાલથી ગુજરાત વિધાનસભાનું બે દિવસ લાંઆઆઆબું સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આવા લાંઆઆબાં… લાંઆઆબાં… સત્રોની સંખ્યા ખાસ્સી વધી ગઈ છે. મને તો નવાઈ લાગે છે કે ત્રણ ત્રણ બેઠક જેટલું લાંઆઆઆબું સત્ર બોલાવીને એટલા બધા સમયમાં સરકાર અને વિપક્ષ કરશે શું?
ઘણી વાર તો વિધાનસભા-સંસદમાં સરકારો બહુમતીના જોરે અને ધાંધલ-ધમાલની આડમાં જે રીતે યોગ્ય ચર્ચા વિના ખરડા પસાર કરી દેતી હોય છે એ જોતાં થાય, કે સત્ર બોલાવવા કરતાં વોટ્સએપ ગ્રૂપમાં ચર્ચા કે વીડિયો કોલ કરી લીધો હોત તો શું ખોટું હતું? જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ લાંઆઆઆબાં સત્રમાં સરકાર પહેલા દિવસે શોકદર્શક પ્રસ્તાવ લાવશે. વિપક્ષ વિધાનસભાનો ઘેરાવ કરશે તેમજ અવિશ્વાસની દરખાસ્ત (જો દાખલ થાય તો) પણ લાવશે. આ બધું કરતા જે સમય વધે એમાં કેટલાક બિલો પણ રજૂ થશે અને સમય બચશે તો એના પર ચર્ચા પણ કરી લેશે!
‘ભારતની રાજધાની અમદાવાદ હોત તો?’ નામના હાસ્યલેખમાં ઉર્વીશ કોઠારીએ એક કાલ્પનિક અહેવાલમાં લખેલું કે, ‘સરદાર પટેલે સૂચવ્યું હતું કે સંસદ બારે મહિના ને ત્રણસો પાંસઠે દિવસ તો ચાલુ હોતી નથી. પછી એના ભવ્ય મકાન પાછળ નકામો ખર્ચ શું કરવા કરવો? એને બદલે સંસદ ચાલુ હોય એના ચાર દહાડા પહેલાં નદીના પટમાં વિશાળ તંબુ ઉભા કરી દેવા અને ઉપર ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેવો એટલે સંસદ તૈયાર.’ પછી તેમણે સરદારશૈલીમાં એમ પણ કહ્યું કે ‘અમસ્તા બધા સરકસ અમદાવાદમાં આવી રીતે જ ઉતરે છે.’ આમ તો ઉર્વીશભાઈએ લખેલી આ વાત સંપૂર્ણપણે કાલ્પનિક છે. સરદારે આવું કંઈ જ કહ્યું નથી, પણ સરદારને સમજનારાઓ સમજે છે કે પોતાના મિજાજ મુજબ સરદાર આવું કહી પણ શકતા હતા!
એની વે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત વિધાનસભા જેટલા દિવસ માટે મળી રહી છે એના કરતા તો સરકસ પણ લાંબાં ચાલતાં! પણ હવે તો સરકસ પણ જે રીતે લુપ્ત થતાં જઈ રહ્યાં છે એ જોતા આવનારી પેઢીઓએ તો વિધાનસભાની કામગીરી નિહાળીને જ આનંદ માણવો પડશે! સરકસમાં પેલી ટૂંકી ચડ્ડીમાં અંગ કસરતના દાવ બતાવતી વિદેશી છોકરીઓનું પણ ખાસ આકર્ષણ રહેતું. કહે છે કે, ગુજરાત વિધાનસભામાં પણ કેટલાક સભ્યો મોબાઈલમાં એવા જ કોઈ અંગ કસરતના દાવ જોતા ઝડપાયેલા!
સરકાર અને સરકસમાં સમાનતા એ કે સરકસમાં પણ રિંગ માસ્ટરની મહત્ત્વની ભૂમિકા રહેતી! જ્યારથી સરકસમાં પ્રાણીઓના ખેલ પર પ્રતિબંધ મુકાયો ત્યારથી સરકસમાં રિંગ માસ્ટરનું મહત્ત્વ ઘટતું ગયું. જોકે, રાજકારણમાં ક્યારેય ચતુર કાગડાઓ, લુચ્ચા શિયાળો, ગાંડા હાથીઓ, પાલતુ અને તળિયાચાટુ કૂતરાંઓના ખેલ પર પ્રતિબંધ મુકાયો નહીં એટલે રાજકારણમાં રિંગ માસ્ટરનું મહત્ત્વ વધતું જ ગયું.
જેની રોપ ટ્રીક એક સમયે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી એવા આ દેશમાં ભૂતકાળમાં એક જાદુગરણીએ આખા દેશને પાલતુ કૂતરા જેવો બનાવી દેવાનો પ્રયોગ કર્યો હતો! એના વર્ષો પછી એક વાંસળીવાળાએ આખા દેશને તળાવમાં કૂદવા જતા ઉંદરો જેવો બનાવવાનો પ્રયોગ આરંભ્યો!
કહે છે કે, સરકસમાં જેમની પાસેથી કામ લેવાતું એ પ્રાણીઓના નહોર કાઢી નંખાતા, રાજકારણમાં જતા પ્રાણીઓના નહોરની તો ધાર કઢાય છે જેથી એ પ્રજાનું લોહી વ્યવસ્થિત પી શકે! સૌ પહેલા એમનો અંતરઆત્માનો અવાજ કાઢી નાંખવામાં આવે છે જેથી એ કદી ડંખે નહીં. કહે છે કે, અંતરઆત્માનો અવાજ કાઢી નાંખવાના પ્રયોગોમાં ઈન્દિરા ગાંધીની (રિંગ) માસ્ટરી હતી. એમના કહેવાથી ‘જ્ઞાની’ રાષ્ટ્રપતિઓ પણ સાવરણી મારવા અમસ્તા જ તૈયાર રહેતા હશે? એ પછીના કાળમાં તો ઉત્ક્રાંતિના નિયમ મુજબ અપવાદોને બાદ કરતા નેતાઓ ઓલમોસ્ટ અંતરઆત્માના અવાજ વિનાના જ પેદા થવા લાગ્યા. પછીના સમયમાં નેતાઓને ‘માહ્યલો’ ભાગ્યે જ ડંખતો. આમ છતાં સરકસના માલિકોને ક્યારેક તેમની કરોડરજ્જુ નડી જતી. કરોડરજ્જુ કાઢી નાંખવામાં મોદી મામાએ (રિંગ) માસ્ટરી કેળવી.
પહેલા અંતરઆત્માનો અવાજ અને પછી કરોડરજ્જુ નીકળી જતા નેતાઓમાં વફાદારીની ભાવના આરાધનાની કક્ષાએ પહોંચી. એ હદે કે જો એમના નેતા રિંગ માસ્ટર બને તો એમને પ્રાણી બનવામાં કે કહેવડાવવામાં પણ કોઈ છોછ રહ્યો નહીં.
જે રીતે સરકસમાં વપરાતા હિંસક પ્રાણીઓના નહોર કાઢી નંખાતા એ જ રીતે મદારીના ખેલમાં વપરાતા સાપની ઝેરની કોથળી કાઢી નંખાતી. રાજકારણમાં આનાથી ઊંધુ છે. અહીં તો જેને ન હોય તેને પણ લાલ, લીલા કે ભગવા ઝેરની કોથળી ફિટ કરવામાં આવે છે. ઝેરી સાપોને પાળવામાં આવે છે. નવોદિતોમાં ઝેર ભરતી વેળા એ વાતનું ખાસ ધ્યાન રખાય છે કે સૌ પ્રથમ એની બુદ્ધિ બહેર મારી જવી જોઈએ. એ ઝેર ઓકી શકવો જોઈએ. ઝેર ફેલાવી શકવો જોઈએ. ઝેરનો વેપાર પણ કરી શકવો જોઈએ. કહે છે કે, આવા ઝેરી જંતુઓ સૌથી વધુ ઓવૈસીની પાર્ટીએ અને કાશ્મીરના પક્ષોએ પાળ્યા છે. ‘ઝેરનું મારણ ઝેર’ના ન્યાયે હવે દરેક પક્ષમાં આવા ‘ઝેરી જનાવરો’ની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. એમાં પણ ભાજપવાળા તો ઝેર અને લાફિંગ ગેસ બન્નેનું કાતિલ કોકટેલ કરીને ભરે છે. સમજાય જ નહીં કે આ ભ’ઈ ખરેખર આવું માને છે કે આમનુ ચસ્કી ગયું છે!
સરકસમાં પ્રાણીઓ અને રિંગ માસ્ટરની સાથોસાથ જોકરનું પણ ખૂબ મહત્ત્વ રહેતું. ભારતના રાજકારણના વર્તમાન પરિદૃશ્યની મજા એ છે કે અહીં રિંગ માસ્ટર એક પક્ષમાં છે, જોકર બીજા પક્ષમાં છે અને પ્રાણીઓએ અહીંથી ત્યાં કૂદાકૂદ કરી મૂકી છે!
ફ્રિ હિટ :
‘હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, ઝીલણ ઝીલવાં ગ્યાં’તાં, ગરબે ઘૂમવા ગ્યાં’તાં…’નો પ્રમાણમાં ઓછો પ્રચલિત આડોઅવળો કે ભેળસેળિયો અર્થવિસ્તાર સાંભળી જાય તો યુ-ટ્યૂબ પરના ભોજપુરી ગીતકારો ગુજરાતમાં ટ્રેનિંગ માટે આવવા માંડે…!