ફિલ્મની શરૂઆત એવી છે કે એજન્ટ કબીર (રિતિક), કે જે જાસૂસી અને ફાઈટની તમામ વિદ્યાઓમાં પારંગત છે તે કોઈ કારણોસર હવે પોતાની એજન્સીના કહ્યાંમાં પણ નથી અને કોન્ટેક્ટમાં પણ નથી. અધુરામાં પૂરૂ તે ‘બાગી’ થઈ ગયો છે. એટલે સરકાર એને યેનકેન પ્રકારેણ ‘ઠેકાણે પાડવાનો’ ઓર્ડર આપે છે. આ મિશનનું બીડું કબીરનો જ ચેલો ખાલિદ (ટાઈગર) એમ કહીને ઝડપે છે કે, ‘મેં ઉસે અચ્છી તરાહ જાનતા હું. મુજે પતા હૈ કી ઉસકા અગલા સ્ટેપ ક્યા હો સકતા હૈ.’ જોકે, એ વાત અલગ છે કે કબીરના દરેક સ્ટેપની જાણકારી હોવાનો દાવો કરનારા ખાલિદને ખબર કંઈ તંબૂરો યે નથી હોતી!
ખાલિદને કબીરે જ ટ્રેનિંગ આપી હોય છે અને તે કબીરને જ પોતાનો આદર્શ માનતો હોય છે. મજાની વાત એ છે કે ટાઈગર શ્રોફ રિયલ લાઈફમાં પણ રિતિક રોશનથી ખૂબ ઈન્સપાયર્ડ છે. ડાન્સ અને બોડીમાં તેણે ઠીકઠાક કામ કરી લીધું છે, પણ એક્ટિંગના મામલે એ રિતિકની દસમી ઝેરોક્ષ કોપી યે નથી એ વાત સર્વવિદિત છે.
ખેર, ખાલિદને કબીરને શોધી કાઢવાનું મિશન સોંપાય છે એ સાથે જ ફિલ્મની સ્ટોરી સીધી ફ્લેશબેકમાં ટપ્પો ખાય છે. વાર્તા જેમ જેમ આગળ વધે છે એમ એમાં ડઝનબંધ ઈંગ્લિશ કે સાઉથની ફિલ્મોની છાંટ વર્તાતી જાય છે. ડાન્સ, એક્શન, સ્પીડી ચેઝના દૃશ્યો ઉમેરાતાં જાય એમ વાર્તામાંથી લોજિક નામનું તત્વ ઓછું થતું જાય છે. વાર્તામાંથી આખાને આખા હાથી ગરકી જાય એવડાં મોટાં ગાબડાં છે.
ફિલ્મનો અંત આવતા સુધીમાં એમ થાય છે કે હવે આ પૂરી થાય તો સારું. એ પૂરી તો થાય છે, પણ સર્જકોએ અંતમાં સિક્વલ બને એ ટાઈપનો એક છેડો ખુલ્લો રાખ્યો હોવાથી મનમાં એક ભય પણ પેસે છે કે આ લોકો હવે આની સિક્વલ પણ બનાવવાના…!
આ ફિલ્મની પહેલા ‘બેંગબેંગ’ નામનો હથોડો ફટકારી ચૂકેલા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ફિલ્મની વાર્તામાં ભલે ગુંચવાયા હોય, પણ એમના દિમાગમાં એક વાત સ્પષ્ટ છે કે રિતિક અને ટાઈગરના ફેન્સને ખુશ કરવાના છે. રિતિકની ઓલમોસ્ટ ત્રણેક વાર એન્ટ્રી બતાવવામાં આવે છે. દરેક શોટ એ રીતે લેવામાં આવ્યો છે કે એ બન્નેના બાવડાં કેમેરામાં બરાબર ઝીલાય. ફાઈટની એક પણ સિક્વન્સમાં એ બન્નેના બાવડાં અને બાવડાંના સ્નાયુઓ બતાવવાની તક જતી કરવામાં નથી આવી. સ્ટોરીમાં ‘જય જય શિવશંકર…મૂડ હૈ ભયંકર…’ સોંગની કોઈ જરૂરિયાત જ નહોતી. કેવું વહરું લાગે કે દેશની ટોચની સુરક્ષા એજન્સીના જાસૂસો એક જગ્યાએ ભેગા મળીને અચાનક જ હોળી રમતાં રમતાં ડાન્સ કરવા લાગે? એ સોંગ માત્રને માત્ર પબ્લિકને રિતિક અને ટાઈગરના ડાન્સ મૂવ્સ અને બાવડાં બતાવવા જ વચ્ચે નાંખવામાં આવ્યું છે.
સર્જકોએ ભલે ફિલ્મની પબ્લિસિટીના ઈન્ટરવ્યૂઝમાં ઊંચી ઊંચીના પડિકાં ઝીંક્યા હોય કે અમે ઈન્ટરનેશનલ એક્શન ડિરેક્ટર્સ લાવ્યાં હોવાથી ‘વૉર’ ભારતીય ફિલ્મોની એક્શનને એક નવા સ્તર પર લઈ જશે, પણ એવું કંઈ ખાસ લાગતું નથી. ફિલ્મની એક્શન અને ચેઝ સિકવન્સ સારી છે, પણ એવી નથી કે જેનો સર્જકોએ દાવો કર્યો છે. એવું કંઈ જ નથી કે જે અગાઉ દર્શકોએ મોટા પડદે જોયું ન હોય. ટાઈગરના એન્ટ્રી સિનમાં જ એ ડઝનએક બંદૂકધારી ગુંડાઓ વચ્ચે વિના હથિયારે ઘુસી જાય છે. જેથી ડિરેક્ટર આપણને એની ફાઈટ બતાવી શકે. ગનફાઈટના દૃશ્યોમાં રાબેતા મુજબ આખી ફિલ્મમાં ભાગ્યે જ કોઈ ગોળી આપણા હીરોલોગને વાગે છે. સિનેમેટોગ્રાફી સારી છે.
રિતિક અને ટાઈગર બન્નેના લૂક્સ અને બોડી પરફેક્ટ છે. એક બે જગ્યાએ ટાઈગરના ચહેરા પર પણ એક્સપ્રેશન જોવા મળે છે. જોકે, આખી ફિલ્મમાં એના ચહેરા પર કુલ ત્રણથી વધુ ભાવ પ્રગટ થયા નથી. વાણી કપૂરનો જેવડો રોલ છે એના કરતાં લાંબો તો લોકોનો ફિલ્મોમાં ગેસ્ટ એપિરિયન્સ હોય છે!
‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ના બેકગ્રાઉન્ડ સ્કોર માટે એકથી વધુ એવોર્ડ ઉસેટી જનારા સંચિતનો બેકગ્રાઉન્ડ સ્કોર આ ફિલ્મમાં પણ ઈમ્પ્રેસિવ છે. વિશાલ-શેખરના સંગીતમાં અરિજીત અને શિલ્પા રાવના અવાજે મઢેલું ‘ઘુંઘરું’ અને બેની દયાલ-વિશાલ દાદલાણીએ ગાયેલું ‘જય જયશિવશંકર’, બન્ને સારા ડાન્સ સોંગ છે, પણ એ ફિલ્મમાં ન હોત તો યે કશો ફરક પડવાનો નહોતો.
ઓવરઓલ, રિતિક રોશન અને ટાઈગર શ્રોફના ડાયહાર્ડ ફેન્સ સિવાયના લોકો માટે આ ફિલ્મ એના જ સોંગ જેવી સાબિત થવાની કે – જય જય શિવશંકર…આજ મૂડ હૈ ભયંકર(ખરાબ)!
એકસ્ટ્રા શોટ :
ફિલ્મમાં જે રીતે પ્લાસ્ટિકનો ‘મિસયુઝ’ થયો છે એ જોતાં પ્લાસ્ટિક પર વિશ્વવ્યાપી પ્રતિબંધ મુકી દેવો જોઈએ!