આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે આપની રેલીમાં આત્મહત્યા કરનારા ખેડૂત ગજેન્દ્રસિંહના ઘરે જઈને તેના પરિવારજનોની મુલાકાત લીધી. સહાય પેટે રૂપિયા દસ લાખનો ચેક આપ્યો. આટલેથી જ ન અટકતા જાહેર કર્યુ કે, ગજેન્દ્રસિંહને શહીદનો દરજ્જો અને તેમના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવા સહિતની માંગો અંગે દિલ્હી સરકાર વિચારણા કરશે.
આપઘાતીના ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય ત્યારે રોકડ સહાય વ્યાજબી છે. સારી દેખાવા માટે સરકાર એકાદી સરકારી નોકરીની લ્હાણી કરે એ પણ સમજી શકાય પણ આપઘાતીયા ગજેન્દ્ર(હા, માત્ર ગજેન્દ્ર. સિંહ આપઘાત થોડા કરે?)ને શહીદનો દરજ્જો? લાહૌલ વલ્લા કુવ્વત. અજી શહીદ શબ્દ કી અબ કિતની તૌહિન કરોગે મિયાં?
જિંદગીની મુસિબતોથી હારી થાકીને, ફાટી પડીને આખા સમાજને જાણે બ્લેકમેઈલ કરતો હોય એ રીતે જાહેરમાં લટકી જવા સિવાય કઈ મોટી ધાડ મારી છે એણે તો શહીદનો દરજ્જો આપવો પડે? કોઈ માટીપગા આપઘાતીયાને શહીદનો દરજ્જો આપવાથી તો શહીદ શબ્દનું જ અવમૂલ્યન થશે. સમાજમાં એક ખોટો દાખલો બેસશે કે તમે તમારી સમસ્યાનો બ્લેમ સમાજ કે સરકાર પર કરીને જાહેરમાં લટકી જાવ અથવા સળગી મરો, સરકાર તમને શહીદ જાહેર કરશે. વિપક્ષો તમારી ‘શહીદી એળે નહીં જાય’નો નારો બુલંદ કરી રાજકારણ રમશે અને મીડિયા ટીઆરપીનું તાપણુ સળગાવશે. તમે મરતા હશો ત્યારે સામે ઉભા રહી તમારી ‘ફિલમ’ ઉતારનારું મીડિયા પછી સમાજથી માંડીને સરકાર સુધી બધાને પૂછવા જશે કે ‘પેલો મરતો હતો ત્યારે તમે શું કરતા હતા?’
ફેસબુક-વોટ્સએપ પર ફરતા કરંટ અફેર્સ પરના લગભગ 70થી 80 ટકા વનલાઈનર્સ જેમના પ્રસિધ્ધ ફેસબુક પેઈજ ‘ખબરબાજી’ના હોય છે તેવા ‘સહારા સમય’ના ડેપ્યુટી એડિટર-એન્કર અને ‘દૈનિક હિન્દુસ્તાન’- ‘નવભારત ટાઈમ્સ’ના કોલમિસ્ટ નીરજ બધવારની બુક ‘હમ સબ ફેક હૈ’માં એક અદભુત ક્વોટ વાંચેલુ કે – ‘તુમ્હારી મજબુરી ચાહે કિતની ભી મહાન ક્યોં ન હો, વો વેશ્યાવૃત્તિ કી ઈજાજત નહીં દેતી.(ડિસએગ્રી થવાની છૂટ.) આ જ વાત આપઘાત પર પણ યથાતથ લાગુ પડે છે. ગમે તેવી મુસિબત રજૂ કરીને પણ આપઘાતને જસ્ટીફાઈ ન જ કરી શકાય. આપઘાતીયાને શહીદનો દરજ્જો આપવા અંગે વિચારણા પણ કરવા માટે ખુબ આલા દરજ્જાનું ભોટપણ જોઈએ અથવા તમારી નસોમાં લોહીની જગ્યાએ રાજકારણ દોડતુ હોવું જોઈએ.
જો આપઘાતીયાને શહીદનો દરજ્જો અપાશે તો દેશભરની સરકારી કચેરીઓમાં આત્મવિલોપનોની ધમકીઓ આપનારા થનગનભુષણોનો ત્રાસ ઓર વધી જશે. દરેક આલીયો, માલીયો, જમાલીયો કે ધમાલીયો ખિસ્સામાં સુસાઈડ નોટ અને હાથમાં કેરોસીનનું ડબલું કે રસ્સો લઈને જાહેર કાર્યક્રમોમાં ‘શહીદ’ થવા હાલી નીકળશે.
દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસ વખતે પણ એક આખા વર્ગને પીડિતાને શહીદ ગણાવવાનો સોલો ફાટ્યો હતો. હવે કેટલાક ગજેન્દ્રને શહીદ બનાવી દેવા હાલી નીકળ્યા છે. શહીદ અને પીડિત વચ્ચે હાથી-ઘોડાનો ફર્ક છે. પણ મીડિયોકર (અને સોશ્યલ મીડિયોકર) માસ હિસ્ટીરિયામાં એ ભેદ ભુલાવી દે તેવા ભવાડા થતા હોય છે. જો આમ જ ચાલ્યુ તો ભવિષ્યમાં પીડિતોને પરમવીરચક્રો આપવાની માંગ પણ ઉઠી શકે. પણ સો વાતની એક વાત કે શહીદ ભગતસિંહ કે શહીદ ચંદ્રશેખર આઝાદ જ સારું લાગે શહીદ શ્રી લલ્લુ નહીં. દેશ માટે લડીને જાન કુરબાન કરી દેનારા જ શહીદ ગણાય, જેમના પર અત્યાચાર થયો હોય તેવા હતભાગીઓ પ્રત્યે સહાનુભુતિ દાખવી મદદ આપી શકાય શહીદનો દરજ્જો નહીં. (લખ્યા તા. 26 એપ્રિલ 2015, અમદાવાદ)