skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

સુપ્રીમ હાઈકોર્ટનો ચૂકાદો બદલે તો HCના જજો રાજીનામા આપી દે?: સેન્સર બોર્ડના ગુજરાતી સભ્ય મીહિર ભૂતાનો ઈન્ટરવ્યૂ

February 4, 201515 second read

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમની ફિલ્મ ‘એમએસજી: મેસેન્જર ઓફ ગોડ’ના મુદ્દે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન આજ-કાલ ભારે વિવાદોમાં છે. બોર્ડે અટકાવેલી ‘એમએસજી’ ફિલ્મને એપેલેટ ટ્રીબ્યુનલે ક્લિયરન્સ આપી દેતા બોર્ડના અધ્યક્ષ લીલા સેમસન અને અન્ય નવ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ સરકાર દ્વારા અધ્યક્ષ તેમજ નવા નવ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ‘ચાણક્ય’ અને ‘હદય ત્રિપુટી’ જેવા સુંદર નાટકો તેમજ ‘મહાભારત’, ‘મુક્તિબંધન’ અને ‘દેવો કે દેવ મહાદેવ’ જેવી હિટ સિરિયલ્સ લખનારા ગુજરાતી લેખક મીહિર ભૂતાને પણ સ્થાન મળ્યુ ત્યારે એમની સાથે સંવાદ થયો હતો. જેમાં તેમણે બોર્ડના જૂના અધ્યક્ષ-સભ્યોના રાજીનામાથી માંડી ભારતમાં સેન્સરશીપ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પારિવારિક સંબંધો સહિતના મુદ્દે પેટછૂટી વાતો કરી હતી.

લીલા સેમસન અને જૂના સભ્યોના રાજીનામા અંગે મીહિર ભૂતાએ જણાવ્યું હતું કે, એ લોકોએ શા માટે રાજીનામા આપ્યા એ જ મને સમજાતુ નથી. હાઈકોર્ટનો ચૂકાદો જો સુપ્રીમ કોર્ટ બદલી નાખે તો હાઈકોર્ટના જજો રાજીનામા આપી દે? આ રાજીનામાઓ રાજકીય પ્રેરિત હોઈ શકે.

‘એમએસજી મેં જોઈ નથી અને જોવી પણ નથી’

તાજેતરમાં જ વિવાદોમાં સપડાયેલી ફિલ્મો ‘એમએસજી’ અને પીકે વિશે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, ‘એમએસજી’ ફિલ્મ તો મેં જોઈ પણ નથી અને જોવી પણ નથી. હા, કમિટીના સભ્ય તરીકે જોવી પડે તો અલગ વાત છે. જ્યાં સુધી એ ફિલ્મને મંજૂરીનો સવાલ છે તો જો એમાં અન્ય ધર્મોની લાગણી ન દુભાતી હોય કે ન્યુડિટી ન હોય તો તેને મંજૂરી આપવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. કાલે સ્વામીનારાયણ સંપ્રદાય ઈચ્છે તો એ પણ પોતાના સંપ્રદાયના પ્રચાર માટે ફિલ્મ બનાવી શકે છે. એ તેમનો અધિકાર છે. એની સામે વાંધો ન હોવો જોઈએ.

‘પીકે’ ફિલ્મથી કેટલાકની લાગણી દુભાઈ છે. પણ એ ફિલ્મમાં જાણી જોઈને કોઈની લાગણી દુભાવવામાં નથી આવી. જો ભારતમાં આ પ્રકારની ફિલ્મોને અટકાવવામાં આવે તો આપણામાં અને તાલિબાનોમાં કે ‘શાર્લી હેબ્દો’ પર હૂમલો કરનારાઓમાં શું ફર્ક રહી જાય?

‘મને હિન્દુ હોવાનો ગર્વ છે’

તમારી છાપ હિન્દુત્વવાદીની હોવાથી સેન્સરશીપ વખતે એપ્રોચ કેવો રહેશે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મારી છાપ હિન્દુવાદીની શા માટે છે એ મને તો સમજાતુ નથી. હું તો મંદિર પણ નથી જતો. હા, શાસ્ત્રો જરૂર વાંચ્યા છે. પણ એમ તો કૂરાન અને બાઈબલ પણ વાંચ્યા છે. પરંતુ હિન્દુ હોવા પર મને ગર્વ છે.

જ્યાં સુધી સેન્સરશીપની વાત છે તો હું પોતે એક સર્જક હોવાથી મને ફિલ્મમેકિંગનું નોલેજ છે. જ્યાં સુધી કોઈ ફિલ્મમાં કોઈ ચોક્કસ ધર્મ-સમૂદાયને ટારગેટ કરવામાં ન આવ્યો હોય, કોઈ ધર્મની જાણી જોઈને ભર્ત્સના ન કરવામાં આવી હોય કે મજાક ઉડાવવામાં ન આવી હોય ત્યાં સુધી તેને સેન્સર કરવાનો પ્રશ્ન જ નથી.

‘ભારતમાં સ્વચ્છંદતા ન ચાલે, સેન્સરશીપ જરૂરી’

સેન્સરશીપ અંગે પોતાના વિચારો રજૂ કરતા મીહિર ભૂતાએ જણાવ્યું હતું કે, ભારતમાં સેન્સરશીપ હોવી જ જોઈએ. કોઈ સર્જન સ્વચ્છંદી ન હોઈ શકે. કોઈ ફિલ્મ સર્જક A સર્ટિફિકેટ સ્વીકારવા તૈયાર હોય તો નવ્વાણુ પોઈન્ટ નવ્વાણુ ટકા કિસ્સામાં તેમા કાપકૂપ કરવામાં આવતી નથી. સિવાય કે તેમા કોઈ ધાર્મિક-સાંસ્કૃતિક દ્રષ્ટિએ અયોગ્ય સંવાદ કે દ્રશ્ય હોય. હા, ડાયરેક્ટરને U સર્ટિફિકેટ જોઈતુ હોય તો ભારતીય કલ્ચરને ધ્યાનમાં રાખીને કેટલાક દ્રશ્યો પર કાતર ચલાવવી પડે છે.

‘ફિલ્મ પર રાજ્ય દ્વારા લાગતો પ્રતિબંધ બોર્ડની સત્તા પર તરાપ નહીં’

ગુજરાત રમખાણો પર બનેલી ‘પરજાનિયા’, માધુરી દિક્ષિતની ‘આજા નચલે’ કે કમલ હસનની ‘વિશ્વરૂપમ’ને સેન્સર બોર્ડની મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં રજૂઆતમાં પડેલી મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે, લો એન્ડ ઓર્ડર એ રાજ્યનો વિષય છે. સેન્સર બોર્ડ કોઈ પણ ફિલ્મ સમગ્ર હિન્દુસ્તાનની દ્રષ્ટિએ જોઈને મંજૂરી આપે છે. પરંતુ જો કોઈ રાજ્ય સરકારને એ ફિલ્મથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવું લાગે અને તે કોઈ ફિલ્મ સામે કોઈ એકશન લે તો એ મને નથી લાગતુ કે બોર્ડની સત્તા પર તરાપ છે.

‘નરેન્દ્ર મોદી મારું નાટક ચાણક્ય જોવા આવેલા’

મીહિર ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પારિવારિક સંબંધો છે. નરેન્દ્ર મોદી સાથેના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મારું નાટક ‘ચાણક્ય’ જોવા આવેલા. નાટકના તમામ સભ્યોને તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા હતી. ત્યારે મુખ્યમંત્રીએ કહેલું કે, ‘એ બધાને નીચે લાવવાની જરૂર નથી. હું જ ઉપર આવું છું.’ ત્યારબાદ સ્ટેજ પર આવીને તેમણે બધાની સાથે હાથ મિલાવીને ફોટા પડાવ્યા હતા.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top