-ભલુ થજો એ મરનારી ભેંસનું કે એના કારણે સુરક્ષાના મામલે ચાલતી લોલંલોલ સામે આવી
-બ્રાઉન્ડ્રી વોલ કુદવા માત્રથી જ કોઈ પણ આલિયો, માલિયો, જમાલિયો કે ધમાલિયો અમદાવાદ એરપોર્ટમાં ઘુસ મારી શકે છે
-આ તો ઠીક છે આપણી સુરક્ષા એજન્સીઓની આબરૂ નથી બાકી હોય તો આબરૂ જ જાય ને….?
સુરત એરપોર્ટમાં ભેંસ ઘુસી ગઈ અને અમદાવાદ એરપોર્ટમાં ગાંડો. ઈન્દોર એરપોર્ટ પરથી ઝડપાયેલુ શિયાળ સુરક્ષા એજન્સીઓનું ‘શિયળ’ લૂંટી ગયુ. ક્યાંક એક પ્રસંગ વાંચવામાં આવેલો કે-‘એક નાસ્તિક વિદેશી ભારતના પ્રવાસે આવ્યો. પ્રવાસ પૂરો થયા બાદ એણે પોતાની ડાયરીમાં નોંધ્યુ, ‘હું અત્યાર સુધી ભગવાનમાં માનતો નહોતો પણ ભારત જોયા બાદ ઈશ્વરમાં માનવા લાગ્યો છું. આટઆટલા રેઢીયાળપણા વચ્ચે પણ લોકો જીવતા હોય અને દેશ ચાલતો હોય એ જ દર્શાવે છે કે ભગવાન જેવું કશુંક જરૂર હોવું જોઈએ.’
સુરત, અમદાવાદ અને ઈન્દોર એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં સામે આવેલા છીંડા જોઈને પણ નાસ્તિકોએ ભગવાનમાં ભરોશો કરવાનું શરૂ કરી જ દેવું જોઈએ. આ એરપોર્ટસની સુરક્ષા વ્યવસ્થા ‘રામભરોશે’ શબ્દનો પર્યાય જ હતી. રાધર હજૂ પણ છે.
સમાચાર છે કે સુરતના ભેંસકાંડમાં એરપોર્ટના અધિકારીએ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુત્રો કહે છે કે ભેંસના માલિક વિરૂધ્ધ ગુનાહિત બેદરકારીનો ગુનો બની શકે છે. વાહ…પહેલો ગુનો ભેંસના માલિકનો બને કે એરપોર્ટના સુરક્ષાતંત્રનો? સૌ પહેલા તો એરપોર્ટની સુરક્ષામાં રહેલી ચૂક માટે જવાબદાર દરેક વ્યક્તિ સસ્પેન્ડ શા માટે ન થવો જોઈએ? ભેંસ કે એના માલિકને એવિએશન સિક્યુરિટીની થોડી ખબર પડે? એરપોર્ટના મુસાફરોની સુરક્ષાની જવાબદારી ભેંસ કે તેના માલિકની નહીં પણ એરપોર્ટના સુરક્ષાતંત્રની હોય. બર્ડ હિટથી પણ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના બનાવો એવિએશનના ઈતિહાસમાં નોંધાય છે ત્યારે આ તો બફેલોહિટ હતી. લગભગ દોઢસો મુસાફરોનો જીવ જઈ શકતો હતો. હજૂ સુધી જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થઈ? શું તમામ મુસાફરો પ્લેનમાં જીવતા ભુંજાઈ ગયા હોત તો જ ઝડપથી કાર્યવાહી થાત?
ઉડ્ડયન મંત્રી એ તપાસના આદેશ આપ્યા છે તો આપ્યા છે. તપાસો તો ચાલ્યા કરશે પણ જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી તમામ જવાબદારોને ઘરે શા માટે ન બેસાડી દેવા જોઈએ? ભેંસના માલિક સામે ગુનો નોંધવો એ ચકલા ચૂંથવા જેવું છે. પહેલી કાર્યવાહી એરપોર્ટ ઓથોરિટી સામે થવી જોઈએ. જ્યાં ટહેલતી ટહેલતી ભેંસો પણ ઘુસી જતી હોય ત્યાં આતંકવાદીઓને તો કોણ રોકવાનું? મુસાફરોની જિંદગી રામભરોશે જ હતી. ભલુ થજો એ મરનારી ભેંસનું કે એના કારણે સુરક્ષાના મામલે ચાલતી લોલંલોલ સામે આવી. વિમાનમાં સવાર મુસાફરો પૈકીના કેટલાકે આગળ આવીને તેમનો જીવ જોખમમાં મુકવા બદલ એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી સામે દાવો ઠોકી દેવો જોઈએ. સુરત એરપોર્ટના સુરક્ષા અધિકારીઓમાં પણ સ્હેજ પણ લાજ-શરમ કે નાક જેવું હોય તો દોઢસો પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકવા બદલ રાજીનામા ધરી દેવા જોઈએ.
સુરત એરપોર્ટના ભેંસકાંડની રામાયણ હજૂ પૂરી નથી થઈ ત્યાં અમદાવાદ એરપોર્ટની સુરક્ષાની મ્હોંકાણ સામે આવી છે. ગઈકાલે રાત્રે ઘરેથી નીકળીને રસ્તો ભુલી ગયેલો મેન્ટલી રિટાયર્ડ વ્યક્તિ એરપોર્ટની બ્રાઉન્ડ્રી વોલ કુદીને છેક ટર્મિનલ 2 નજીક આવેલા ફાયર બિલ્ડિંગ સુધી પહોંચી ગયો. જો ટાવર અધિકારીઓનું ધ્યાન પડ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તેને અટકાવ્યો ન હોત તો તે રન વે તરફ જ આગળ વધી રહ્યો હતો. સીઆઈએસએફના જવાનોએ આ યુવાનને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. અમદાવાદનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. અને તેને વારંવાર ધમકીઓ પણ મળતી રહે છે. તાજેતરમાં જ દિવાળી દરમિયાન એરપોર્ટ ઓથોરિટીને મળેલી એક ધમકીના પગલે આ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સંજોગોમાં જ કોઈ યુવક બિન્દાસ એરપોર્ટ સંકુલમાં પ્રવેશી જાય એ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા આ એરપોર્ટ પર સુરક્ષાની ગંભીર ચૂક દર્શાવે છે. આ ઘટના એ દર્શાવે છે કે અમદાવાદ એરપોર્ટમાં ઘુસવા માટે માત્ર બ્રાઉન્ડ્રી વોલ જ કુદવાની રહે છે. બ્રાઉન્ડ્રી વોલ કુદવા માત્રથી જ કોઈ પણ આલિયો, માલિયો, જમાલિયો કે ધમાલિયો અમદાવાદ એરપોર્ટમાં ઘુસ મારી શકે છે. વિચાર કરો કે એરપોર્ટમાં ઘુસનારો એ વ્યક્તિ મેન્ટલ નહીં પણ કોઈ આત્મઘાતી બોમ્બર હોત તો શું થાત?
એક ભેંસ, ગાંડા કે શિયાળને એરપોર્ટમાં ઘુસતી નથી રોકી શકતુ એ તંત્રો આતંકવાદીઓને શું ધુળ ને ઢેફા રોકવાના? ભેંસની જગ્યાએ કોઈ આતંકવાદી કે આત્મઘાતી બોમ્બર હોત તો….આ તો ઠીક છે આપણી સુરક્ષા એજન્સીઓની આબરૂ નથી બાકી હોય તો આબરૂ જ જાય ને….?
આ દેશની જેલમાં કેદીઓ સેંકડો ફૂટ સુરંગો ખોદી નાખે છે ને જેલતંત્રને ગંધ નથી આવતી. પાકિસ્તાનથી દસ ભાડાના ટટ્ટુ સમુદ્રમાર્ગે ખુલ્લેઆમ આવીને દેશની આર્થિક રાજધાનીને ત્રણ ત્રણ દિવસ સુધી ઘમરોળતા રહે ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ ફિફા ખાંડતી ફરે છે. જાસુસીતંત્રો અઘોરીની જેમ ઘોરતા ઝડપાય છે. એરપોર્ટ્સ પર ગાંડાઓ અને ભેંસો આંટા મારે છે. હિન્દુસ્તાનવાલો…ચેન સે સોના હે તો મર જાઓ…
ફ્રી હિટ્સ
>અત્યાર સુધી પાયલોટ્સને માત્ર bird hitનો ભય રહેતો પણ હવે સુરત જતા પાયલોટ્સને તો buffalo hitનો ભય પણ કનડશે!
>સુરત એરપોર્ટના ભેંસકાંડ બાદ એસ.ટી. નિગમ એ વાતનો સંતોષ લઈ શકે કે તેઓ એરપોર્ટ કક્ષાની સિક્યુરીટી આપે છે. એરપોર્ટમાં ભેંસો આંટા મારતી હોય છે જ્યારે બસ સ્ટેન્ડ્સમાં ગાયો અને કૂતરા…!!!
>જૂની કહેવત: ઘો મરવાવાળી થાય ત્યારે….
નવી કહેવત: ભેંસ મરવાવાળી થાય ત્યારે એરપોર્ટમાં જાય…!!!
>સુરત એરપોર્ટવાલો….પાડા માફ નહીં કરેગા….!!!