TUSHAR DAVE·WEDNESDAY, 11 JANUARY 2017
(નોંધ: લેખ વાંચીને કોઈએ પણ લેખકની સ્નાનક્રિયા વિશે કોઈ જ જાતની શંકા-કુશંકા-આશંકા કે લઘુશંકા કરવી નહીં. ને જો થાય તો પણ ચેક કરવાના ધખારા રાખવા નહીં. કારણ કે, લખનાર કોઈ જાતના બોડી સ્પ્રે વાપરતા નથી. છતાં ચેક કરવાની ઈચ્છા થાય તો એ ક્રિયા સ્વજોખમે કરવી. એમ કરવા જતાં જે કંઈ પણ પરિણામ આવે તેની જવાબદારી લેખકની રહેશે નહીં.) :) ;) :P
શિયાળાની જવાની જ્યારે ચરમસીમાએ હોય ત્યારે ટી.વી.માં પણ સફેદ વસ્ત્ર ઓઢેલી(કે ન ઓઢેલી) કોઈ કન્યાને ધોધ નીચે ન્હાતી દેખીને પણ કંપારી છૂટી જાય. એકચ્યુલી, એ દ્રશ્ય જોઈને મગજમાંથી છૂટેલા સંકેતો જ ઠંડીના કારણે મિસરૂટ થઈ ગયા હોય. લખલખુ વછૂટ્યુ હોય બીજા કોઈ પ્રદેશ માટે પણ પહોંચી જાય બીજા કોઈ ભાગમાં. :P :P :P
ખેર, શિયાળામાં સૌથી મોટી સમસ્યા થાય ન્હાવાની. એ ક્રિયાનું નામ પણ પડે તો શરીરની હાલત બાબા રામદેવની આંખ જેવી થઈ જાય. કારણ કે, શિયાળાની વહેલી સવારે ન્હાવા માટે ઠંડા પાણીનું ડબલો ભરો ત્યારે ક્યાંયથી ‘તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના નારા સંભળાતા નથી. ચીર પૂરવા કાળિયો ઠાકર ડોકાતો નથી. એમાં તો ટાગોરના ‘એકલા ચલો’ને જ અનુસરવું પડે. મેઘાણી હોત તો લખેત કે, ‘ઠંડા પાણીનું આ છેલ્લું ડબલું રેડી લેજો બાપુ’… ;)
એકચ્યુલી, કડકડતી ઠંડીમાં સવારે ન્હાવાની હિંમત ન કરી શકનારા લોકો માટે સરકારે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ. લેખકોએ મોટીવેશનલ બુક્સ લખવી જોઈએ. હું તો કહું છું કે ઠંડા પાણીનું ડબલુ માથે ન રેડી શકનારાઓ માટે કવિઓએ ‘ડબલુ ભર્યુ કે ના હઠવું ના હઠવું’ જેવી શૌર્યરસથી છલકાતી કવિતાઓ લલકારવી જોઈએ. :P જય અંબે…
આ ઋતુમાં તો કેટલાક લોકો ન્હાવાના નામનું જ ન્હાઈ લેતા હોય છે અથવા માત્ર નામનું જ ન્હાતા હોય છે. લોકોને ‘નવડાવી દેવાના’ એક્સપર્ટની પોતાની પણ જાતે ન્હાતા તો ફાટે. કેટલાકનું તો સૂત્ર જ હોય છે કે – ‘ઉઠો, જાગો અને ન્હાયા વિના મંડી પડો…!!!’ શિયાળાની મસ્ત સવારે રજાઈમાં (પોતાના જ) એક પગ સાથે બીજો પગ ઘસવાની સુંવાળી મજા માણતા કેટલાક માસુમોને વહેલી સવારે તે ન્હાતો હોય તેવું સપનું પણ આવે તો તે છળી મરે છે…!!! જોકે, મને આવા લોકો માટે થતા ‘ન્હાવાના ચોર’ શબ્દપ્રયોગ સામે વાંધો છે. જીએલએફમાં ચર્ચાનું સેશન ગોઠવી શકાય તેવો પ્રશ્ન છે કે જે માણસને ન્હાવું ગમતુ જ ન હોય તે સ્નાનક્રિયાની ચોરી કરીને પોતાના ઘરે શા માટે લઈ જાય? લક્ષ્યાર્થને ઠંડા પાણીએ નવડાવીને ઘરે બેસાડી રાખો ને શબ્દાર્થની વાત કરો, ન્હાવાનું ન ગમતું હોય એવા માણસને ન્હાવાનો ‘ચોર’ કહી જ કેવી રીતે શકાય?
ખેર, અત્યાર સુધી તો શિયાળામાં લોકો ન્હાવાની ગોળી ગળી લેતા હતા હવે તો સાંભળ્યુ છે કે ન્હાવાના મંત્રો પણ નીકળ્યા છે. એ મંત્રોચ્ચારણો કરી લો એટલે ન્હાઈ લીધુ ગણાય. જોકે, આ શિયાળે કેટલાકે ન્હાવા માટેની નવી પધ્ધતી શોધી છે. ડબલુ માથે રેડવાને બદલે નજર ઉતારતા હોય એમ માથેથી ફેરવીને ઉતારી લે છે. જય ભોલે….
ફ્રી હિટ:
“આમ એન્ટિબાયોટીકથી નહીં મટે શરદી અમારી,
અમને મટાડવી હોય તો એન્ટિક્યુટીના ડોઝ દો.”
-શરાબી શાયર(દારૂ બંધીના છટકામાંથી છટકી ગયેલો શેર.)
>આમાં કવિને ઢીંચવાની ઈચ્છા થઈ છે પણ બહાનુ શરદીનું કાઢે છે.