TUSHAR DAVE·TUESDAY, 3 MAY 2016
‘લા, યાર આ કૂતરાંઓનો કંઈક ઈલાજ કરાવો ને…મારી સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેકને કરડ્યાં છે’ મેં કહ્યું.
‘રજા છે એટલે કોર્પોરેશનના અધિકારીઓ ફોન નથી ઉપાડતા. કૂતરાં માટે એ લોકો એવા જ (કદાચ એમનો મતલબ એવો હશે કે, કૂતરાં જેવા જ) અધિકારી રાખે છે.’ કોર્પોરેશનના રિપોર્ટર મૃગાંક પટેલે જવાબ આપ્યો.
‘જો મને કૂતરું કરડ્યું તો હું કોર્પોરેશન ઉપર કેસ કરીશ હોં.’મેં કહ્યું.
‘એમ કંઈ ના કરડે. ને આમ તો છત્રીસની છાતી કાઢીને લખેશ ને કૂતરાંથી બીવેશ?’ એમ કહી મૃગાંકે લિફ્ટ ભણી પ્રયાણ કર્યું.
પટેલે એમ કહીને અજાણતા કટાક્ષમય કોમ્પ્લિમેન્ટ્સ તો આપ્યા કે હું છત્રીસની છાતી કાઢીને લખુ છું! હવે આપણે છત્રીસની છાતી કાઢીને લખતા હોય કે બેંતાળીસની ફાંદ કાઢીને ઢસડતા હોય, કૂતરાંઓને તો એની થોડી ખબર હોય? એ લોકો થોડાં છાંપા વાંચે છે? અને એ લોકો છાપાં વાંચતા હોય તો કૂતરાં થોડા હોય? જોકે, આજ-કાલ તો છાપાં’ય એવા આવે છે કે એ વાંચીને માણસો’ય કૂતરાં જેવા થઈ જાય.
બે દિવસ પહેલા મારી વિશ્વામિત્રી સોસાયટીની વિશ્વામિત્ર જેવો જ મિજાજ ધરાવતી કૂતરી સાથે મારે થયેલા ‘પાવડાયુદ્ધ’ વિશે મિત્રવર્ય Amit Radia અને વાગ્દત્તા Khushaliએ લેખ લખીને ઘણા પડદાં પાછળના ઘણા પ્રસંગો ઉજાગર કર્યા છે તેમાં મારા તરફથી આટલો ઉમેરો.
રાડિયાના લેખમાં જે હકિકતદોષ છે એની સામે મારો રોષ છે. એણે લખ્યું કે ‘તુષારની બાઇક રસ્તા પર એક બાજુ ચત્તીપાટ પડી હતી.’ આ વિધાન સદંતર ખોટુ છે. હું એને રદિયો આપુ છું. મારું બાઈક ઉભુ હતું. (બાઈક પડી કે’વાય કે પડ્યું કે’વાય એ વિશે સંસ્થા મૂંઝવણમાં છે.) જોકે, થોડી સમયસૂચકતા ન દાખવી હોત તો બાઈક ચત્તીપાટ પડી હોત કે ન હોત પણ હું બઠ્ઠોપાટ પડ્યો હોત એ નક્કી હતું. આ બઠ્ઠોપાટ શબ્દ સાહિત્યિક કે’વાય કે ગેરસાહિત્યિક એ અંગે મતમતાંતરો તો યુગયુગાંતરો સુધી રહેવાના. મારો બીજો વાંધો એ વાક્ય સામે છે જેમાં તેણે લખ્યું છે કે – ‘તુષારના શબ્દો હું સમજી શકતો હતો, પણ સામેનો જીવ તેની કાલીઘેલી ભાષામાં શું બોલે છે એ મને નહોતું સમજાતું!’ કાલીઘેલી ભાષા? લા’ભઈ રણચંડી બનેલી કૂતરીનો અવાજ તને કાલીઘેલી ભાષા લાગી? હાઉ ઓવર કાવ્યાત્મક રાડિયા? સાચ્ચુ કે’જે એ સવારે કયા લેખકનો લેખ વાંચવામાં આવી ગયેલો?
મારું આ શ્વાનપૂરાણ જાણી મિત્રવર્ય Chetan Pagiએ હૈયાવરાળ ઠાલવી કે, ‘રખડતા(બધા પ્રકારના) કૂતરાં પત્રકારોના સૌથી મોટા દુશ્મન છે. ટ્રેજેડી એ છે કે એમને તો પ્રેસનું કાર્ડ પણ બતાવી શકાતું નથી.’ કૂતરાંઓ પત્રકારોના દુશ્મન બન્યા એમાં ક્યાંક પત્રકારો પણ જવાબદાર ખરા. કૂતરાંઓ એમની ટેરિટરીમાં પગ નાખીએ તો જ કરડે અને કેટલાક પત્રકારોએ એ કર્યુ. ભસવાનું ચાલુ કર્યુ. શ્વાનસમાજને રોટલીનો ટૂકડો કે બિસ્કિટ નાખો એટલે પૂંછડી પટપટાવે અને કેટલાક પત્રકારો…. કૂતરાં હાડકું જોઈને જીભ લપલપાવે અને કેટલાક પત્રકારો…. ખેર, છોડો. જાતભાયુની જાંઘ ખોતરવી બહુ સારી નહીં.
મેં જ્યારે પહેલી વાર અર્નબ ગોસ્વામીનો ફોટો પ્રોફાઈલ પિક કર્યો ત્યારે કૂતરું કરડી ગયેલું. ખબર નૈ એને કેવી રીતે ખબર પડી હશે કે, મેં અર્નબનો ફોટો પ્રોફાઈલ પિક કર્યો છે! આના પર ચેતન પગીની કોમેન્ટ આવી કે, ‘જીસકા ડર થા વહી હુઆ…રખડતા કૂતરાંઓ પણ ફેસબુક પર આવી ગયા.’ તેમના આ વિધાનમાં આપણે શબ્દાર્થ પકડવાનો કે લક્ષ્યાર્થ? તેમનો ઈશારો કોની(અથવા તો કોની કોની) તરફ છે એ તો તેઓ જ કહી શકે.
મેં કહ્યું, હું અત્યાર સુધીમાં ત્રણ વાર ડોગબાઈટનો ભોગ બન્યો છું. ત્રણમાંથી બે વાર તો કૂતરી જ હતી. આમાં ચેતન પગીએ વળી પાછી સિક્સર ફટકારી કે, ‘કરડ્યાં પછી કૂતરાની જાતિ યાદ રાખનાર તુષારની પારખુ નજરને સો સલામ. ત્રણમાંથી બે કૂતરી હોવું એ હકિકત સ્યુડો સેક્યુલર તરફ શંકા પ્રેરે એવી છે.’
બાય ધ વે જેમ નરેન્દ્ર મોદીને ઠેર ઠેર જૂના સંબંધો નીકળી આવે છે એમ જ શ્વાનસમાજ સાથે મારો જૂનો સંબંધ છે. લગભગ દોઢેક દાયકા પહેલા હું રાજકોટમાં છાપાં નાખતો. છાપાં નાખવાની શરૂઆત જ કરી હતી એ દિવસોની વાત છે. મારે રાજકોટ કોર્પોરેશનમાં છાપાં નાખવા જવાનું થતું. ત્યાં એક કૂતરું મારી પાછળ પડી ગયું. જ્યાં સુધી મને યાદ આવે છે ત્યાં સુધી લગભગ એ પણ કૂતરી જ હતી. રોજ એ મારી પાછળ પડી જાય. એક દિવસ વહેલી સવારે એવું બન્યું કે કોર્પોરેશનમાં હું બીજા માળે છાપું નાખવા પહોંચ્યો ત્યાં એ પહોંચી ગઈ. સન્નાટો હતો. મારા માટે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. હું લગભગ ગેલેરીમાંથી ઉતરવાની તૈયારીમાં જ હતો ત્યાં એક ગાર્ડ આવી ગયો ને હું ઉગરી ગયો. મને એ ગાર્ડ સાક્ષાત દેવદુત્ત સમો ભાસેલો. એ દિવસે તરત જ હું જેના છાપાં નાખતો એ શેઠ પાસે જઈને કહ્યું , ‘હું કોર્પોરેશનમાં છાપાં નાખવા નહીં જાઉં. ત્યાં કૂતરાં કરડે છે. મારા રુટમાંથી એ એક ઓછું કરી નાખો. બીજા ચાર-પાંચ ઉમેરી દેશો તો પણ વાંધો નહીં.’તેમણે કહ્યું, ‘એમ કંઈ ના કરડે.’ મેં કહ્યું, ‘મારો સવા બસ્સો રૂપિયા પગાર છે ને કૂતરું કરડી ગયું તો પગાર કદાચ દવામાં જશે.’ મને એમનું નામ યાદ નથી આવતું પણ એ માણસે બહુ સરસ શીખ આપીકે, ‘તુષાર, જો આપણામાં ત્રેવડ નો હોય ને તો કૂતરાં તો ઠીક માણા’ય કરડે.’ એ કટાક્ષ હાડોહાડ વાગેલો. પછી બીજે દિવસે છાપાંની થેલીમાં ઢેખાળા’ય ભરતો ગયેલો. કૂતરીને દોડાવી દોડાવીને મારી. તરુણસહજ નાદાની પણ હતી. પછી તો રોજનો નિયમ થઈ ગયેલો. ઢેખાળા લઈને જવાના, પેલી આડી ન ઉતરે તો એ જ્યાં હોય ત્યાંથી ગોતીને મારવાની. પછી છાપાં નાખવાના. જોકે, મેં બહુ લાંબો સમય છાપાં ન નાખ્યા (પછી કુરિયરમાં ડિલેવરી બોય તરીકે પણ કામ કરેલું.) પણ પેલી ‘આપણામાં ત્રેવડ નો હોય તો માણા’ય કરડે’વાળી વાત કાયમ માટે યાદ રહી ગઈ. અને એ ઘણી કામમાં પણ આવી.
છાપાં નાખતો ત્યારે સપને’ય કલ્પના નહોતી કે ભવિષ્યમાં હું પોતે છાપાંમાં કામ કરીશ અને ઈન્ટર્નશીપ-ટ્રેઈની રિપોર્ટરથી માંડી વાયા સબ એડિટર સિટી ભાસ્કર હેડ સુધીની સફર ખેડીશ. પછી એક વાર મને ડા’પણ દાઢ ઉગી. હું જે દાંતના દવાખાને ગયો ત્યાં એ ભાઈ પણ આવી ચડ્યાં જેમના હું છાપાં નાખતો. એમણે મને ન ઓળખ્યો પણ હું એમને ઓળખી ગયો. ઓળખાણ કાઢી અને પેલી માણસ પણ કરડેવાળી વાત પણ કહી સંભળાવી. એ મુલાકાત પછી એ વાત દિવસો સુધી મગજમાં ઘુમરાતી રહી અને એક જોડકણાછાપ શેર લખ્યો કે –
‘હડકવાના ઈન્જેક્શનોની દોસ્તો અહીં અછત કનડે છે, કારણ કે કૂતરાં તો ઠીક આજ-કાલ માણસ પણ કરડે છે.’
ફ્રી હિટ:
‘હમે તો કુત્તીઓને કાટા, કુત્તો મેં કહાં દમ થા, મેરી બાઈક હી વહાં બીગડી જહાં કુત્તીઓ કા હુજુમ થા.’
Top of Form