થોડા સમય પહેલા એક પંક્તિ ક્યાંક વાંચવા-સાંભળવામાં આવેલી કે-
‘હસતે હસતે ફાંસીવાલે ઝુલો પર જો ઝુલ ગયે હમેં હનીસિંઘ યાદ રહા પર ભગતસિંહ કો ભુલ ગયે….’
અહીં હનીસિંહ શબ્દ જાણે ભગતસિંહનો વિરુધ્ધાર્થી શબ્દ હોય એ રીતે ઉપયોગમાં લેવાયો છે. પણ આ પંક્તિ લખનારાને, દેશની સંસ્કૃતિના નામે હનીને ભાંડનારાઓને અને તેના ગીતોમાં અશ્લિલતા સુંઘનારાઓને કદાચ ખબર નૈ હોય કે હનીસિંઘ જ્યારે નવોસવો હતો ત્યારે એણે પણ ભગતસિંહ પર ધડાકેદાર(યસ ધડાકેદાર, સોંગના બેકગ્રાઉન્ડમાં ગોળીઓની ધણધણાટી સંભળાય છે) બનાવ્યુ હતું. પંજાબમાંથી મોટાપાયે કેનેડા જતા યુવાનોને દેશ ન છોડી જવા અપીલ કરતુ દેશદાઝથી છલોછલ ગીત પણ એણે લખ્યુ હતું. પણ પરિણામ શું આવ્યું? એ ફ્લોપ ગયો. સુપર ફ્લોપ.
‘ચાર બોતલ વોદકા…’ અને ‘સમંદર મેં બ્લુ હૈ પાની પાની પાની…’ જેવા ગીતોથી દેશભરના યુવાહૈયાઓ પર રીતસર એકચક્રી શાસન કરનારો રોકસ્ટાર યો યો હનીસિંહ લગભગ ત્રણેક વર્ષ પહેલા અમદાવાદનો મહેમાન બન્યો હતો. ‘ઈન્ડિયાઝ રો-સ્ટાર’નામના ટી.વી. રિયાલિટી શોના સિલેકશન માટે આવેલા હનીસિંહે પત્રકારો સાથે પેટછૂટી વાતો કરી હતી. પોતાના ગીતોના કથિત અશ્લિલ શબ્દો અંગે વિવાદમાં રહેલા હનીસિંહે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘2008ના વર્ષમાં મેં ભગતસિંહ પર ગીત લખ્યુ હતું. પંજાબમાંથી મોટાપાયે કેનેડા જતા યુવાનોને દેશ ન છોડવા અપીલ કરતુ ગીત પણ લખેલુ. આવા દેશદાઝથી છલકાતા ગીતો ગાયા એટલે હું ફ્લોપ ગયો. સુપર ફ્લોપ. પછી મેં પાર્ટી, દારૂ, વોડકા અને છોકરીઓના ટૂંકા સ્કર્ટ જેવા વિષયો પર ગીતો ગાયા. બિકોઝ ધીસ ઈઝ વોટ પીપલ્સ વોન્ટ. અને જુઓ આજે હું ક્યાં છું…હું સ્ટાર નથી સુપર સ્ટાર છું. આજે હું જે ગાઉં છું જે લખુ છું એ મારા વિચારો નથી. મારા વિચારો તો એ હતા જે ભુતકાળમાં ફ્લોપ ગયા. આજે જે મારા ગીતોમાં રજૂ થાય છે તે આજની જનરેશનના વિચારો છે. એ લોકો જે બોલે છે, જે કરે છે તે જ ઓબ્ઝર્વ કરીને હું મારા ગીતોમાં રજૂ કરું છું.’
નવા સિંગર્સને શું ટીપ્સ આપશો? તેવા સવાલના જવાબમાં હનીસિંહે કહેલુ કે, ‘મારે કોઈને ટીપ્સ નથી આપવી. યુવાનો સેલ્ફ લર્નેડ બનવા જોઈએ. અને આમ પણ ભૂતકાળમાં મારા એક સોંગમાં મેં યુવાનોને દેશ ન છોડી જવાની ટીપ્સ આપી હતી. જે કોઈએ યાદ નહોતી રાખી.’
મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ ધેટ કે હનીસિંઘના ગીતોના શબ્દો જો ખરાબ લાગતા હોય તો એના માટે હનીસિંઘ નહીં પણ આપણે જ જવાબદાર છીએ. સંગીત હોય કે ફિલ્મો જ્યાં સુધી આપણુ સ્તર ઉંચુ ન આવે ત્યાં સુધી કલાકારો શું કરે? ઈન્ડિયા ટીવી જ્યારે નવી શરૂ થઈ ત્યારે ખુબ જેન્યુઈન ન્યુઝ ચેનલ હતી. ફ્લોપ ગઈ. પછી એમણે આંબલી-પીપળીના ભૂતો અને સ્વર્ગની સીડીઓ બતાવવાની શરૂ કરી અને ચાલી ગઈ. સાજીદ ખાનની, રોહિત શેટ્ટીની કે 100 કરોડ ક્લબમાં સ્થાન પામતી અન્ય કેટલીક ફિલ્મોમાં સ્ટોરી ન હોવાની ફરિયાદ કરનારાઓને પત્રકાર મિત્ર Rajesh Vora સારો સવાલ કરે છે કે, ‘ફિલ્મ ‘હવાહવાઈ’માં સ્ટોરી હતી તમારામાંથી કેટલાએ એ જોઈ હતી?’
કલાકારો તો બાપડા સમાજને દર્પણ જ બતાવતા હોય છે. મને ઘણીવાર સવાલ થાય કે દેશની ન્યૂઝ ચેનલ્સમાં ન્યૂઝના નામે ‘એલિયન્સ પીતે હૈ ગાય કા દૂધ’ જેવું જે કંઈ પણ પીરસાય છે એ પીરસાય છે માટે જોવાય છે કે જોવાય છે માટે પીરસાય છે? ઘણા મનોમંથન પછી ફરી ફરીને એ જ જવાબ મળે છે કે એવું બધુ પીરસાય છે કારણ કે જોવાય છે, એનાથી ટીઆરપી આવે છે. જે દિવસે લોકો જોતા બંધ થઈ જશે એ દિવસે એ પીરસાતુ પણ બંધ થઈ જશે. ફ્રિ હિટ : patriotism is the last refuge of a scoundrel. – Samuel Johnson