દરેક આલિયો, માલિયો, જમાલિયો, ‘આલિયા’ નથી હોતો કે આલિયા ન બની શકે
‘હાઈવે’ ફિલ્મ એક સ્પીરીચ્યુઅલ સાહસ છે. આલીયા માત્ર બહારની નહીં પણ અંદરની આધ્યાત્મિક સફરમાંથી પસાર થાય છે. ઓશોનુ ડાયનેમિક મેડિટેશન એટલે કે સક્રિય ધ્યાન હોય કે શ્રી શ્રી રવિશંકરની સુદર્શન ક્રિયા દરેક ધ્યાનની પ્રક્રિયાની પાયાની શરતોની પ્રોસેસમાંથી આલિયા પસાર થાય છે.
ધ્યાન માટે શ્વાસોચ્છવાસની લયની તોડી નાખવાની હોય છે. અસાધારણ કરી નાખવાની હોય છે. જેથી અંદર ચોટ પહોંચે. અને વર્ષોની દબાવેલી લાગણીઓ-ભાવનાઓ હલાવેલી સોડાની બોટલની જેમ ઉભરાઈને બહાર ધસી આવે. પછી અંદરની તમામ ભાવનાઓ બહાર વહી જાય અને અંદરનો આત્માનો પ્રકાશ મહેસુસ થાય. હળવાફૂલ થઈ જવાય. ફિલ્મના એક દ્રશ્યમાં આલિયા ભાગે છે. જીવ બચાવીને ભાગતી હોવાથી તેના શ્વાચ્છોશ્વાસ ચરમસિમાએ પહોંચે છે. ખુલ્લા આકાશ અને સુકીભઠ્ઠ અફાટ ધરતી પર ભાગતી નાયીકાને આસપાસના સ્થળકાળનું કોઈ ભાન રહેતુ નથી. ફેફસાઓ હાંફી જાય એટલી તાકાત લગાવીને ભાગતી આલિયા એકાએક નીચે પછડાય છે…ધડામ….ઉપર ખુલ્લુ આકાશ ને સિતારાઓ દેખાય છે. પવનની લ્હેરખી આવે છે. પ્રકૃતિ પોતાનો ભાગ ભજવે છે. આલિયાને એકાએક જ પોતાના હોવાનો અહેસાસ થાય છે. શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી કોઈ લાગણી થાય છે. અંદર ક્યાંક અજાણ્યા ખુણે ધક્કો વાગે છે. પછડાટની કળ વળે એ પહેલા ભીતરની કોઈ કળ દબાઈ જતા તે સમુળગી બદલાઈ જાય છે.
એ દ્રશ્ય બાદ એ બસ માત્ર વહેતી જાય છે વહેતી જાય છે…. ધ્યાન દરમિયાન જે કંઈ પણ થાય એ બધુ જ આલિયાની સફરમાં થતુ જોવા મળે છે. એ રડે છે ખુબ રડે છે. અંદરથી ખાલી થાય છે. અંદરની તમામ દબાવેલી વેદનાઓ બહાર ઠાલવે છે. પછી નાચે છે કૂદે છે. હસે છે ખીલે છે. એ નિર્ભાર થઈ ગઈ છે. જાણે સાક્ષીભાવ કે ગીતાકથિત સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિમાં પહોંચી ગઈ હોય એમ તે એક દ્રશ્યમાં કહે છે કે- મેં જહાં સે આઈ હું વહાં વાપસ નહીં જાના ચાહતી, ઓર જહાં ભી તુમ લે જા રહે હો વહા પહુંચના ભી નહીં ચાહતી…ચાહતી હું કે બસ યે રાસ્તા કભી ખત્મ હી ના હો…. ધ્યાનમાં પ્રકૃતિ પણ મોટો ભાગ ભજવતી હોય છે. આ ફિલ્મમાં પ્રકૃતિ ખુદ જાણે એક પાત્ર છે. ફિલ્મમાં આલિયાની ધ્યાનાવસ્થાનો એકસ્ટ્રિમ પોઈન્ટ ક્લાઈમેક્સમાં જોવા મળે છે. જ્યારે તે વહેતા ઝરણા વચ્ચે એક ભેખડ પર ઉભીને વહેતા પાણીની સામે ઉભી રહે છે. તે હસે છે…તે રડે છે…તેનો ખુદ પર કાબુ નથી…ખુદને ખબર નથી કે તે શું કરી રહી છે…બસ તે વ્યક્ત થઈ રહી છે….માત્ર પાણી નથી વહી રહ્યું તે પોતે પણ વહી રહી છે…..શબ્દો ટૂંકા પડે છતાં સમજાવી ન શકાય તેવી ‘હાઈવે’ સંવેદનશીલને ખળભળાવી અને અસંવેદનશીલને અકળાવનારી ફિલ્મ છે.
‘સ્ટુડન્ટ ઓફ ધી યર’ જોયા બાદ મને લાગ્યુ કે દરેક ‘આલિયા’, માલિયા જમાલ્યાને એક્ટર બની જવું છે! ‘હાઈવે’ જોયા બાદ લાગે છે કે દરેક આલિયા, માલિયા, જમાલિયાને ભલે એક્ટર બની જવું હોય પણ દરેક આલિયો, માલિયો, જમાલિયો, ‘આલિયા’ નથી હોતો કે આલિયા ન બની શકે.