TUSHAR DAVE·FRIDAY, 6 MAY 2016
‘બ્રેડ દેઉં સા’બ?’ પેલા એ પૂછ્યું ને મેં તરત જ હા પાડી દીધી. કારણ કે, અજાણી વાનગીઓમાં સાથે જે આવતું હોય એ લઈ જ લેવાનું. નહીં તો ભરાઈ પડીયે. ને આમ પણ એ દુકાનની બહાર જે બે-ત્રણ લોકો આ વાનગી આરોગી રહ્યાં હતા એમના હાથમાં મેં બ્રેડ જોઈ જ હતી. એ વાનગી એટલે મિર્ચીબડા. જોધપુરીયાઓને મહેરાનગઢના કિલ્લા બાદ બીજા કશાય પર જો સૌથી વધુ ગર્વ હોય તો કદાચ આ મિર્ચીબડા પર હશે! જોધપુરના સરદારપુરા વિસ્તારમાં આવેલા ચૌધરી નમકિનના મિર્ચીબડા છેક દુબઈ સુધી એક્સપોર્ટ થાય છે. જોધપુરથી મુંબઈ અને ત્યાંથી ફ્લાઈટમાં દુબઈ. ત્યાં જઈ વસેલા જોધપુરીયાઓને આના વિના ચાલતું નથી. કહે છે કે, ત્યાંના કેટલાક શેખો-આરબોને પણ આ આઈટમ દાઢે વળગી છે. (કદાચ, માછલી જેવા આકારના કારણે નોનવેજ આઈટમ જેવું લાગતું હોવાથી…? ;) મુંબઈમાં જે માન વડાપાઉંનું, અમદાવાદમાં જે સ્થાન મસ્કાબનનું, કાઠીયાવાડમાં જે ગૌરવ ગાંઠીયાનું અને સાઉથમાં જે માભો ઈડલીનો છે એવો જ દબદબો જોધપુરમાં મિર્ચીબડાનો છે. મિર્ચીબડાને વડાપાઉં, ઈડલી અને મસ્કાબન સાથે મુકવાનું કારણ એ કે આ તમામ આમ આદમીના ખાણા છે. ગામડેથી સ્ટ્રગલ કરવા પહોંચેલો મુંબઈગરો તાણના સમયમાં વડાપાઉંમાં જ થાળી જમ્યાનો ઓડકાર ખાય છે. સૌરાષ્ટ્રના કોઈ નેસડેથી ભણવા કે કોલ સેન્ટરમાં નોકરી કરવા આવેલો યુવાન અડધી રાત્રે એવો જ ઓડકાર ચા અને મસ્કાબનમાંથી શોધે છે. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે અમદાવાદની કોઈ કોર્પોરેટ ઓફિસમાં આજે ઉચ્ચ સ્થાનો પર પહોંચનારા ઘણાએ વડાપાઉં કે મસ્કાબન ખાઈના દા’ડા કાઢ્યાં છે. તમિલનાડુમાં તો જય લલિતા અમ્માએ ઠેર ઠેર એક રૂપિયામાં ઈડલી-સાંભાર પીરસતી ‘અમ્મા કેન્ટીન’ શરૂ કરીને તેને બાકાયદા વટભેર આમ આદમીના ભોજનનો દરજ્જો અપાવ્યો છે. તમિલનાડુમાં 2013થી શરૂ થયેલી અમ્માની આ ગરીબોના પેટભરો આંદોલન સમી યોજના અંતર્ગત રાજ્ય સરકાર તોતિંગ ખોટ ખાઈને પણ આવી 200થી વધુ ‘અમ્મા કેન્ટીન’ મારફતે લગભગ પોણા બે લાખ લોકોને માત્ર એક રૂપિયામાં ગરમાગરમ ઈડલી-સાંભાર ખવડાવે છે. આ કેન્ટીન્સ માત્ર પાંચ રૂપિયામાં સાંભાર-રાઈસ અને ત્રણ રૂપિયામાં દહીં-ભાત પણ આપે છે. 2014માં પોંગલના સેલિબ્રેશન નિમિત્તે દિલ્હીના તમિલનાડુ ભવનની બહાર માત્ર ત્રણ દિવસ માટે આ કેન્ટીન શરૂ થઈ એમાં આસ-પાસના કેટલાય ફાસ્ટફૂડ સેન્ટર્સના તપેલા ચડી ગયેલા. અમ્મા કંઈ અમસ્તા જ લોકસભામાં 39 પૈકી 37 બેઠકો ઉસેડી ગયા હશે? મોદીલહેર વચ્ચે પણ અમ્માના તમિલનાડુમાં ભાજપને માત્ર એક અને એનડીએને ટોટ્ટલ બે બેઠક મળેલી. કરૂણાનિધિએ મીંડુ મુકાવીને માયાવતીનો હથવારો કરેલો. ;) વડાપાઉં, મસ્કાબન અને ઈડલીપુરાણ પત્યાં, બાકી રહ્યાં ગાંઠીયા, તો કેશુ બાપાએ ગુજરાતમાં આવા એક રૂપિયામાં સો ગ્રામ ગાંઠીયા(મરચા સાથે) આપતા ‘બાપ્પા ગાંઠીયા સેન્ટર’ શરૂ ન કર્યા એ વસવસો તમારાં-મારાં જેવા ગાંઠીયાભિલાષીઓને કાયમ રહેવાનો. બીજુ શું? પાટીદાર આંદોલન સહિતના વિપરિત સંજોગોમાં આગામી વિધાનસભા જીતવા આનંદી માસી(પટેલોના ફોઈબા તો આપણા માસી તો થાય જ ને વળી? હોવ…હમ્બો હમ્બો..) ઈચ્છે તો સોંઘા ભાવે ગાંઠીયા વેંચતા ‘ગતિશીલ ગાંઠીયા સેન્ટર’ શરૂ કરાવી શકે! LOL ;) :P હું જોધપુરના ઈન્ડસ્ટ્રીયલ એરિયા બાસનીમાં અરોડા નમકિનની દુકાને હતો. પેલાએ મને બમ્બૈયા વડાપાઉંની સ્ટાઈલમાં એક નાનકડા કાગળમાં બે બ્રેડ સાથે એક મિર્ચીબડુ હાથમાં પકડાવ્યું. બ્રેડની હા પાડવાનો મારો નિર્ણય સાચો ઠર્યો. કારણ કે, અહીં નહોતી પેપરડિશ, નહોતી ચટણી. મિર્ચીબડુ લુખ્ખુ જ કરડી ખાવાનું હતું. બ્રેડ તો સાથે જોઈએ જ. મિર્ચીબડાના પંદર અને બે બ્રેડના બે રૂપિયા મળીને સત્તર. પહોળા મરચાના વિશાળ નદીના પટ જેવા પેટમાં ઠાંસી ઠાંસીને મસાલો ભર્યો હતો. એ બટાટાવડાથી કોઈ રીતે જુદો નહોતો પડતો. બાફેલા બટેકાના છુંદામાં સમારેલા મરચા અને ડુંગળી ભેળવી સ્હેજ તેલ ઉમેરી મીઠુ, જીરુ, હિંગ સહિતનો મરી-મસાલો નાખી તૈયાર કરેલુ એ પુરણ આલુમટર સેન્ડવિચ જેવું જ હતું. પણ એમા સ્હેજ ખટાશ અને ગળામાં સોસ પાડી દે તેવી સોલ્લિડ તીખાશ અનુભવાતી હતી. મારે એ પતાવવા માટે બીજી બે બ્રેડ લેવી પડી અને સાથોસાથ અમુલ કૂલની બે બોટલ દૂધ ઠપકારી ગયો એ નફ્ફામાં. પણ મજા આવી ગઈ. સવારે આટલો નાસ્તો કરીને માથે મોટો ગ્લાસ શેરડીનો રસ પીધો તો અત્યારે આ લખી રહ્યો છું ત્યારે સાંજના સાડા ચાર વાગ્યે પણ હજુ ભૂખ લાગી નથી. સાંઈરામ દવે કહે છે, ‘ચા અમારી કુળદેવી, ગાંઠીયા અમારા સૂરાપૂરા ને મરચા અમારા મામાપીર.’ એ જ રીતે આ મોટ્ટુ બધુ મિર્ચીબડુ ભજીયાની નાતના ભડભાદર જેવું લાગે. આપણે ત્યાં બનતા ભરેલા મરચાંના ભજીયા અને આ મિર્ચીબડામાં સાઈઝનો જબ્બર ફરક છે. બીજો ફરક ચટણીપ્રથાનો. જોકે, આ જ મિર્ચીબડુ ક્યાંક લાલ-લીલી ચટણી કે સોસ સાથે પણ વેચાય છે તો ક્યાંક ક્યાંક આને ચા સાથે ઝાપટવાનો પણ રિવાજ છે. પણ અહીં તો મેં કચોરી અને સમોસા પણ આમ બ્રેડ સાથે જ ખવાતા જોયા. એના માટે દરેક ચીજમાં સોલ્લિડ તીખો મસાલો હોવો જોઈએ નહીં તો ડચુરા જ વળે. મને મિર્ચીબડુ તો ગળે ઉતરી ગયું પણ આ લોકો દ્વારા ચટણીની થતી ઘોર અવગણના નથી ગળે ઉતરતી. અરે, ચટણી તો દરેક ફરસાણનું ઘરેણુ છે. જેમ નારી અસબાબ વિના અધુરી લાગે એવી જ રીતે ચટણી વિનાના ફરસાણ પણ ઠોંડા જેવા લાગે. દરેક સ્ટ્રીટ ફૂડની ખાસિયત તેની અંદરનો મસાલો નહીં પણ ચટપટી ચટણીઓનું મોરચા સરકાર જેવું મિશ્રણ હોય છે. જેટલા વધુ પક્ષો એટલી જ મોરચા સરકાર બેહુદી પણ જેટલી વધુ ચટણીઓના મિશ્રણ ચાટ એટલી જ વધુ ચટપટી. ઈન્દોરની કચોરી અને જામનગરી ઘુઘરાની અસલી લહેજત તેની ચટણીમાં જ સ્તો છે. જરા કલ્પના કરો કે કાલે ઉઠીને રાજકોટમાં અનામ કે ઈશ્વરભાઈના ઘુઘરામાં ચટણી બંધ થઈ જાય ને સાથે બે બે બ્રેડ અપાવા માંડે તો? બાય ધ વે મેં ઝાપટેલા ઘુઘરાઓની બાબતમાં હું વિરમગામના મેઈન રોડ પરના બાબુલાલ ઘુઘરાવાળાને પહેલો નંબર આપુ. અનામ અને ઈશ્વરભાઈ રાજકોટમાં ભલે ટોપમાં આવતા હોય પણ હું એ બંન્નેને બાબુલાલની તો આસ-પાસ પણ જગ્યા ન આપુ. દેવીઓ ઓર સજ્જનો, આ વાત હું નોસ્ટાલ્જિક થઈને ભૂખ્યા પેટે નથી લખી રહ્યો પણ પૂરા હોશ-ઓ-હવાસમાં જામનગરમાં પણ ઘુઘરા ખાધા બાદ અમદાવાદના દાળવળા, ધોરાજીના ભૂંગળા-બટેટા અને રાજકોટના રામ ઓર શ્યામના ગોલાના સોગન ખાઈને કહી રહ્યો છું. બાબુલાલના ઘુઘરા પર આખેઆખો ‘ગોરધનથાળ’ ઓવારી જવાનું એક માત્ર કારણ છે તેની ચટણી. પેલી તરફ ટાવર અને આ તરફ દિવ્ય જ્યોત સ્કૂલનો ખાંચો વટો એટલે કાનના તમરા બોલાવી દે તેવી લસણની લાલ લસલસતી અને તસતસતી અસ્સલ મરચાની ધમધમાટ ચટણીની અને હાથના આંગળા ચાટી ખાવ તેવી ખજૂર આંબલીની ચટણીની જીભમાં લપલપાટ યોગ સર્જતી સુગંધ આવવા માંડે. એમને ત્યાં ક્યારેય એક પણ ઘુઘરો તમને ઠંડો ન મળે. ભડનો દિકરો માત્ર બેથી ત્રણ કલાક જ ધંધો કરે. સાત વાગવા આવ્યા હોય ને સ્હેજ અંધારાનો ઓળો ઉતર્યો હોય કે એમના ત્યાં ઘુઘરા પતી ગયા હોય. ખેર, આ તો મેં જ્યાં જ્યાં ઘુઘરા ખાધા છે ત્યાંના સ્વાદાનુભવોની વાત છે. તમારો અનુભવ કે સ્વાદ અલગ હોઈ શકે છે. તમે પણ અહીં લખી શકો છો.
ફ્રી હિટ: કહે છે કે જેમાં નાસ્તો કરીને વ્યાસે વેદોની રચના કરેલી એ પાંદળા પર તેમણે ચટણીના વખાણ કરતા રફલી લખી રાખેલું કે, यत्र चटणी पीरस्यन्ते तत्र रमन्ते देवता। આ તો બાપડા તેને વેદમાં એડ કરવાનું ભૂલી ગયાં.