રાજકોટમાં ગયા શનિવારે ગુજરાતી સાહિત્ય જગતનો એક સીમાચિન્હરૂપ અવસર યોજાઈ ગયો. દિગ્ગજ લેખક મધુ રાય દ્વારા શરુ કરાયેલા આવતી કાલના વાર્તાકારોના આજના માસિક ‘મમતા’ની વાર્તા સ્પર્ધાના વિજેતાઓને રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, બકુલ બક્ષી, સૂચી વ્યાસ સહિતના સાહિત્યકારો-સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન અભિનય માટેની સ્પર્ધા યોજી વિજેતાઓને સન્માને કે સચિન તેન્ડુલકર બેટિંગ સ્પર્ધા યોજે તો એ ઘટના બોલીવૂડ કે ક્રિકેટ વિશ્વ માટે જેવડી મોટી અને મહત્વની ગણાય એટલું જ મહત્વ આ ઘટનાનું ગુજરાતી સાહિત્ય જગતમાં છે.અગાઉના ‘ચાંદની’, ‘આરામ’, અને ‘સરિતા’ જેવા વાર્તા માસિકોના અતીતઝુરાપા સાથે ફરી શરુ થયેલી નવા વાર્તાકારોને પોષવાની આ પરંપરા કંઈ જેવી તેવી વાત નથી.એટલે જ તો ‘મમતા’ના પરામર્શક બળવંત જાની યોગ્ય રીતે જ આ વાર્તા સ્પર્ધાને નવોદિત વાર્તાકારો માટેનો રીયાલીટી શો ગણાવે છે. આ વાર્તા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનારા અમેરિકા સ્થિત પણ મૂળ રાજકોટના નિબંધ લેખિકા સૂચી વ્યાસ ઉમળકાભેર કહે છે કે, ‘મમતા’ એકાદો મધુ રાય પેદા કરશે ખરું! સૂચી વ્યાસના નામની આગળ આ ‘અમેરિકા સ્થિત’ એવું છોગું ભલે લાગી ગયું હોય પણ તેઓ ચોખવટ કરે છે કે હું અમેરિકામાં પણ રાજકોટનો શ્વાશે શ્વાસ લઈને જીવું છું. એમની સ્પીચમાં આ વાત એકસોને દસ ટકા સાચી પુરવાર થાય છે. દોસ્તો, એમની ભાષામાં ‘ખુશ્બુ કાઠીયાવાડ કી…’ રીતસર મઘમઘે છે. વર્ષો સુધી ડોલરિયા દેશમાં નિવાસ કરવા છતાં જીભ પર અસ્સલ રાજકોટિયન લહેકો અને ઉચ્ચારણમાં કાઠીયાવાડી ખુમારી બા-અદબ, છેડેચોક જાળવી રાખતા કોઈ એમની પાસેથી શીખે. એમને સાંભળવા પણ એક લહાવો છે. ચંદ મિનિટની સ્પીચમાં નિર્ણાયક તરીકેના અનુભવો અંગે ધોની જેવી ફટકાબાજી કરી ગયા.વિદેશોમાં વસીને સવાયા અંગ્રેજ બની જતા ગુજ્જુઓએ સુચીબેનને સાંભળવા જેવા ખરા.એવરગ્રીન સ્પીકર જય વસાવડાએ તો સોય જાટકીને કહી દીધું કે ૭૦ ટકા ગુજરાતી વાર્તાઓ વેવલી હોય છે. તેઓએ નવોદિત વાર્તાકારોને વાર્તાઓમાં અવનવા પ્રયોગો કરવાની હાકલ કરી અને સેંકડો ઉદાહરણોની બારીમાંથી વાર્તાવિશ્વના અતીત અને ભાવિની ઝાંખી કરાવી દીધી.ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી અને લેખક રાજેન્દ્ર પટેલે આ દિવસ પ્રતિવર્ષ ‘મમતા પર્વ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રજનીકુમાર પંડ્યાએ વાર્તાપ્રેમીઓને માત્ર વાહ વાહ કરીને બેસી ન રહેતા ‘મમતા’ના વાચકો વધે તેવા પ્રયત્નો કરવાનો અનુરોધ કર્યો હતો.
Tushar Dave - Journalist, Author
(ગુજરાતી સાહિત્ય જગતમાં ૧૧ નવોદિત સુસજ્જ વાર્તાકારો રમતા મુકતી મધુરાયની ‘મમતા’!)
March 7, 2012•6 second read
Share this Article
Further Reading
Trending Articles
No Comments
Recent Comments
RECEIVE THE LATEST & BEST UPDATES VIA EMAIL
Subscribe today and don't miss out on any important articles.
Popular Articles
- ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!February 11, 2019
- પ્રપોઝ કરવા અંગે સલાહોFebruary 8, 2013
- મેં તો એનો INTERVIEW કર્યો ત્યારે જ ભાખી દીધેલુ કે, ‘તમારી ક્લિપ ઉશ્કેરણીજનક છે, એકશન લેવાઈ શકે’September 28, 2015
- ખાલિસ્તાન મુવમેન્ટ : હિન્દુસ્તાનના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણFebruary 24, 2018
- ડિજિટલ ઈન્ડિયા: આજે નહીં તો કાલે કોઈને ઈન્ટરનેટ વિના નહીં ચાલે!July 23, 2015