આજે સવારથી જ મોઢામાં દુ:ખાવો થતો હતો. મને એમ કે ચાંદુ બાંદુ પડ્યુ હશે. પણ રાત સુધીમાં દુ:ખાવો ભયંકર હદે વધી ગયો ત્યારે એકા એક મનમાં જબકારો થયો કે ક્યોના ક્યો આ ડા’પણ દાઢ જ હોવી જોઈએ. “પથ્થરોનો ભાર તો સહી ગયા અમે, અમને જૂકાવવા હોય તો ફૂલોનો ભાર દો” અને “હમે તો બિલ્લીઓને કાટા કુત્તો મેં કહાં દમ થા”ની તર્જ પર મને આ હદની તકલીફ આપી જાય એ અચુક સ્ત્રીલિંગ જ હોય. દાઢ સ્ત્રીલિંગ છે. સાલો એક આખો દિવસ વીતી જાય ત્યારે તો છેક ખબર પડે કે દુખાવો ક્યાં થાય છે!
મારો દુખાવો ભ્રષ્ટાચારની માફક સતત વધી રહ્યો છે. કાન સુધીની નસ કાશ્મીર પ્રશ્નની જેમ જામ થઈ ગઈ છે. મારુ આખુ ‘કાનપુર’ જાણે બેંક કર્મચારીઓની જેમ હડતાલ પર ઉતરવાની ચિમકી આપી રહ્યુ છે. મારા પેઢા અને ગાલની ચામડી ઉપર અને નીચેની દાઢ વચ્ચે હિન્દુસ્તાનની પ્રજાની જેમ પીસાઈ રહી છે. જે રીતે અયોધ્યામાં મસ્જીદ તૂટે કે આસામમાં હિંસા થાય તેના પડઘા મુંબઈમાં પડે છે તે જ રીતે બહુ મોટો અવાજ થાય, ગળામાં કોઈ ઈન્ફેકશન થયુ હોય કે ડા’પણ દાઢ ઉગે આપણે સૌ એની ‘કાનોગામી’ અસરો ભોગવીએ છીએ. એવું લાગે છે કે જાણે દાઢ મારી પાસે મારા મોઢામાં પોતાના માટે અનામત માંગી રહી હોય. આ દુ:ખતી દાઢની સમસ્યા મારા માટે જાતિ આધારિત અનામતના રાજકારણથી ઓછી ગંભીર નથી. ડા’પણ દાઢે મારા મોઢામા પકડેલી સીધી દીશાએ મારી દશા બગાડી નાખી છે. હું કશું જ દાઢમાં ન બોલતો હોવા છતાં આજ-કાલ બધુ જ દાઢમાં જ બોલું છુ!
દાઢ એ અવગણનાથી પીડાતા આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યો જેવી છે કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ થાય કે હિંસા થાય ત્યારે જ આપણું ધ્યાન પડે છે. દિલ્હી કે મુંબઈમાં નાનકડી ઘટના બને તો પણ બૂમ પકડીને બુમાબુમ કરી મુકતા રિપોર્ટર્સની રાષ્ટ્રીય ‘ગણાતી’ ચેનલોના રિપોર્ટર્સને મેં આસામમાં હિંસા ફાટી નીકળ્યાના બે દિવસ બાદ પણ કોલકાતામાં ઊભા ઊભા આસામના હાલ સંભડાવતા જોયા છે. સ્વર્ગની સિડીથી માંડીને હનુમાનજી અને અસ્વસ્થામાઓ શોધી લાવનારી ચેનલોને આસામમાં હિંસા શરૂ થયાના ઘણા કલાકો સુધી પૂરતા વિઝ્યુઅલ્સના ફાંફા હતા. આ ને ન્યુઝ સેન્સ કે’વાય કે ન્યુઝ નોનસેન્સ? પત્રકારત્વ કે’વાય કે પત્રફાડત્વ?
હું નાનો હતો ત્યારે બહુ ખાઉધરો હોવાથી મારા દાદી કહેતા કે ‘તારી દાઢ બહુ ભડાકા મારે છે’. આજે સમજાયું કે તેઓ સાચુ જ કહેતા હતા. આજે ખરેખર જ મારી દાઢ ભડાકા મારી રહી છે!
કોઈએ મને દાઢના દુ:ખાવામાં રાહત મેળવવા દાઢ પર લવિંગનુ તેલ લગાવવાની સલાહ આપી. દાઢ પર તેલ લગાવવા ગયો તો તેલ આસામમાં બાંગ્લાદેશીઓ ઘુસણખોરી કરતા હોય તેમ મારા પેટમાં ઉતરી ગયું. ત્યારે સમજાયું કે જેના પરથી બનેલા રૂઢીપ્રયોગનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ તે પેટમાં તેલ રેડાવાની ઘટના વાસ્તવમાં કેટલી ભયંકર હોય છે.
ભાજપમાં કેશુબાપા અને યુપીએમાં સંગ્મા આડા ફાટ્યા અને મારા મોઢમાં દાઢ ઊભી ફાટી! અહીં દાઢ માટે ‘ઊભી ફાટી’ શબ્દપ્રયોગ કરવા અંગે મારા મનમાં ઘણું મંથન ચાલેલું. થોટપ્રોસેસ યુ નો… આ જ રીતે શબ્દપ્રયોગ અંગે ફિલ્મ સંગમમાં રાજેન્દ્ર કુમારના મનમાં પણ લાંબી થોટ પ્રોસેસ ચાલેલી. શબ્દપ્રયોગ કરવા અંગે ઘોદે ચડેલા જ્યુબિલી કુમાર હસિના લિખુ, મહેરબાન લિખુ યા દિલરૂબા લિખુ… એવા લવારે ચડી ગયા હતા. રાજેન્દ્ર કુમારને તો ઠીક છે કે સામા છેડે વૈજ્યંતી માલા હતી એટલે આવા મોંઘા ભાવના શબ્દો વાપરવા પોસાય. મારા કેસમાં દાઢ કંઈ મારી લવર બવર ન હતી કે હું ડિયર, ડાર્લિંગ, સ્વીટી, જાન કે જાનુ જેવા શબ્દો વાપરી શકું. પછી થયું કે મોઢું મારું, દાઢ મારી ને દુ:ખાવોય મારો છે પછી દાઢ ફાટીની જગ્યાએ દાઢ ખીલી લખુ તોય શું?
દાઢમાં એ હદે દર્દ થાય છે કે ગાલિબના એક જાણિતા શેરને રિમિક્ષ કરીને કંઈક આવું લખવાની ઈચ્છા થાય છે કે “હૈ ઓર ભી દુનિયા મે દુ:ખનકર બહોત લમ્બે, લેકીન કહેતે હૈ કી ડહાપણ-એ-દાઢ કા અંદાઝ-એ-દુખાવા કુછ ઔર”. એ કોણ બોલ્યું કે બે ભાષા ભેગી થઈ ગઈ? અહીં હચોડી મારી દાઢ અને ગાલની ચામડી ભેગી થઈ ગઈ છે એની કોઈને પડી નથી ને ભાષાની ચિંતા કરો છો? દોસ્તો, અતિશય દર્દ કે અતિશય ખુશીની વાતને ભાષાના કોઈ સિમાડાઓ નડતા નથી હોતા. કવિ નર્મદ કહી ગયા છે કે, “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર”. પણ હું કહું છુ કે “ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે સપૂત”. અહીં તમે સૌ ધ્યાન આપો કે મેં ‘ભૂત જેવા’ શબ્દોના ઉપયોગથી કરેલા શેરના રિમિક્ષમાં મારી મૌલિકતા અને ક્રિએટીવિટી કેવી ટપકી રહી છે! કેવી ખીલી ઉઠી છે! કેવી વછૂટી રહી છે! મને વધુ એક વાયડો રિમિક્ષ શેર સુઝી રહ્યો છે કે “તમારી આ ભડાકા મારતી આ દાઢને કાબુમાં રાખો, કેટલીક સોપારીઓ ચાવશો હવે તો ખાવામાં ભાન રાખો”.
મને લાગે છે કે, આપણા કવિઓને ક્યારેય ડા’પણ દાઢ ઉગી જ નહીં હોય.(ડા’પણ હોત તો કવિ થોડા થયા હોત?) બધાએ માત્રને માત્ર દિલના દર્દો પર જ કવિતાઓ ઝીંકે રાખી છે. પણ વિચારો કે જો આપણા કવિઓને મારી જેમ દાઢના દર્દો ઉપડ્યાં હોત તો તેઓ કેવી પંક્તિઓ લખતા હોત? “જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા, જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં” એવું લખનારા રમેશ પારેખને જો ડહાપણ દાઢ ઉગતી હોત તો લખેત કે, “દાઢ ખટકીને ઉપડી પીડાની જાતરા, અમને ઉગી ડા’પણ દાઢને ખાખરા ખાવા મળ્યા”. “બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે, સાત ભવ માગું ને કેવળ પળ મળે” એમ લખનારા દિલીપ મોદીની દાઢમાં જો મારી જેમ પીડાના હબાકા આવતા હોત તો લખેત કે, “બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે, વેજીટેબલ સેન્ડવિચ માંગુને ચાવવા શ્રીફળ મળે”. “અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો, જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા!” જેવો કલેજાફાડ શેર ફટકારનારા આશિત હેદ્રાબાદીની દાઢ લબકારા લેતી હોત તો તેમણે લખ્યું હોત કે “અમારા દોસ્તનો જરા આ વ્યવહાર જોઈ લો, ડહાપણ દાઢ ફૂટી ત્યારે અખરોટ આપવા આવ્યા”.
આપણી આ બાપડી દાઢ કાયમ ઘોર અન્યાયનો ભોગ બનતી રહી છે. ચાવવાનું મોટાભાગનું કામ એ કરે છે પણ જ્યારે કોઈને સ્માઈલ આપવાની તક આવે ત્યારે દાંત ક્યારેય એનો વારો આવવા દેતાં નથી. આવા અન્યાયથી પીડિત દાઢ ક્યારેક જીભને બટકું તોડી લઈને પોતાની દાઝ કાઢી લે છે. તો જીભ વંઠે ત્યારે આચર કુચર ખાવાના શોખ કરીને પેટની પથારી ફેરવી નાખે છે. પેટની હટી જાય ત્યારે તે વિરેચનથી માંડીને મંદ લોચન સુધીની તકલીફો પેદા કરીને આખા શરીરની હાલત કેન્દ્ર સરકાર જેવી કરી નાખે છે. મારા શરીરના અંગોની આ અંદરો અંદરની અદાવત જોઈને દેશભક્તિના રંગે રંગાયેલી કલમથી લખતા કવિ પ્રદીપે દેશ માટે લખેલી પંક્તિ યાદ આવી જાય છે કે “ડસ લિયા સારે દેશ કો ઝહેરી નાગોને, ઘર કો લગાદી આગ ઘર કે ચિરાગોને”. લખવા અંગે એક લેખકે કહ્યું હતું કે, દિલ સે નીકલેગી તો દિલ તક પહોંચેગી હી. મારા કિસ્સામાં તો આ બધી વાતો દાઢ સે નીકલી હે અબ દેખતે હે કહાં તક પહોંચતી હે?