skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

ચૂંટણીની શતરંજ : ઊંટ-પાયદળ ખુલ્યા, હાથી-ઘોડા-વજીર બાકી

October 25, 20172 second read
ક્યારેય રાજકારણમાં નહીં જવાનુ એલાન કરનારા અલ્પેશ ઠાકોરે જનાદેશના બહાને કોંગ્રેસ સાથે ઘર માંડી લીધુ તો ભાજપને જોખી જોખીને ભાંડનારા વરુણ અને રેશમા પટેલ ભાજપના ખોળે બેસી ગયા. પાણીમાં તેલની ધારની જેમ ભળવા ગયેલા નિખીલ સવાણીનો પંદર જ દિવસમાં હરિરસ ખાંટો થઈ ગયો. આ તરફ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘વિકાસના વિરોધીઓને એક પૈસો પણ નહીં મળે’ અને બીજી તરફ એમના જ નામેરી નરેન્દ્ર પટેલ રૂપિયા દસ લાખ સાથે પ્રગટ થયા.
ગુજરાત ઈલેક્શનની શતરંજ પથરાઈ ચુકી છે. પેલી શતરંજમાં રાજાને ચેક આવે અને ચૂંટણીની શતરંજમાં પાદળિયાઓને પણ ઓકાત મુજબ ‘કેશ’ આવે છે. હજૂ ઊંટડા અને પાયદળિયાઓ ખુલ્યા છે, હાથી-ઘોડા અને વજીરો બાકી છે. કોઈ મોટો સરકસનો ખેલ ભજવાવા જઈ રહ્યો હોય તેવો તાસિરો સર્જાયો છે. જોકરોએ ઉછળકુદ શરૂ કરી દીધી છે. ગીધડાઓ ટાંપીને બેઠા છે. શિયાળવાની લારી સંભળાઈ રહી છે. કૂતરાંઓ ઓકાત પર આવી ગયા છે. કોઈએ ભસાભસ માંડી છે તો કોઈ તળિયા ચાટવામા વ્યસ્ત છે. પોંખવા અને ‘જોખવા’માં મહારથ ધરાવતા શિખંડીઓની બોલી લાગી રહી છે. કિડીને કણ, હાથીને મણ અને આમને પણ, મળી રહેશે.
ગુજરાતની આ ચૂંટણી ઐતિહાસિક છે. 182 ધારાસભ્યોનુ ભાવિ જનતાના હાથમાં છે. જનતા માલિક છે. પાંચ વર્ષે એક વાર જનતાનો વારો આવે છે. જનતા જ્યારે કંઈક ધારી લે ત્યારે ભલભલા ચૂંટણી ચાણક્યો ભોમાં ભંડારાઈ જતા હોય છે. તુર્રમખાન ગણાતા સેફોલોજીસ્ટોને એકડે એકથી ગણતરી માંડવાની ફરજ પડે છે. ચૂંટણી એક એવું પર્વ છે જેમાં પાંચ વર્ષ સુધી સત્તાના મદમાં અંધ બનેલા રાજકારણીઓ અને બની બેઠેલા નેતાઓને અચાનક જ ભાન થાય છે કે જનસમર્થન વિના તેઓ કંઈ જ નથી. ત્રસ્ત પ્રજા એક બટન દબાવીને ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનો ઘડોલાડવો કરી નાખવા સક્ષમ છે. આ વાસ્તવિકતા સમજાય એ સાથે જ તેઓ જમીન પર પટકાય છે. જમીન સરસા થઈને જનતાને દંડવત કરવા લાગી જાય છે. મત મેળવવા નીચતાની ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચી જાય છે.
જનતાના નિર્ણયને પ્રભાવિત કરવા અદોદળાઓ ઉછાંછળા બની રહ્યા છે. જંબુરાઓ પોતાનો ખેલ બતાવવા તલપાપડ થઈ રહ્યા છે. ચૌદશીયાઓની દિવાળી આવી છે. દલાલોની સિઝન બેઠી છે. ખોળે બેસનારાઓ અને બેસાડનારાઓ હુપાહુપ કરી રહ્યા છે. સામસામા કતરાઈને દાંતિયા કરી રહ્યા છે. તળિયા વિનાના લોટાઓ ઢબી રહ્યા છે, હજૂ એ બેફામ બનશે. જીહજુરીના, ખરીદ-વેંચાણના, ખેંચાખેંચી-ખેંચમતાણીના દિવસો આવી રહ્યા છે. ખાણી-પીણી ઉજાણીથી માંડીને કતલની રાતો આવી રહી છે. આચાર સંહિતાને લાચાર બનાવવાના ખેલ નંખાઈ રહ્યા છે. ખાંડા ખખડી રહ્યા છે. રાજકારણમાં ખખડાવવાના અને ખોસી દેવાના ખાંડા અલગ અલગ હોય છે. રિસાવા અને મનાવવાની ઋતુ આવી રહી છે અને રાજનિતિમાં રિસાવા કરતા માની જવાના ટાઈમિંગ મહત્વના હોય છે.
બેશક, ચૂંટણી લડવી એ ખાવાનો ખેલ નથી, એ ખવડાવવાનો ખેલ છે.
ફ્રિ હિટ :
તમારે બે શેતાનમાંથી એકને ફરજિયાત ચૂંટવો જ પડે તેમ હોય તો એને ચૂંટજો જેને તમે અગાઉ ક્યારેય નથી ચૂંટ્યો.
– સ્ટિવન રાઈટ

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top