દરિયો પુરુષ છે અને નદી સ્ત્રી. નદી અંતત: કોઈ એક સમંદરને જઈને મળે છે. સમંદર કાયમ અનેક નદીઓને પોતાનામાં સમાવતો રહે છે. ઘણી વાર તો એક સાથે ત્રણ ત્રણનો ત્રિવેણી સંગમ પણ રચે. નદીનો અવાજ મોટેભાગે ખળખળ કે કલકલ હોય જ્યારે સમંદરના અવાજમાં કાયમ એના પેટાળ સમ ઊંડાણ અનુભવાય. નદીના અવાજમાં આમંત્રણ છે અને દરિયાના અવાજમાં પડકાર. સમંદરની ભવ્યતા આકર્ષક લાગે તો કોઈ સ્ત્રીની પેઠે જ નદીના વળાંકો સેક્સી લાગે.
નદીની ટોપ એંગલની તસવીરોમાં પણ એ જ સૌથી કમનિય લાગે જેમાં સૌથી વધુ વળાંકો હોય. તમે સમંદરની ભરતી-ઓટ કળી શકો. સુનામી કે ચક્રવાતના સંજોગો સિવાય એની સાઇકલ નિશ્વિત હોય, પણ નદી ક્યારે એની સીમા ઓળંગી જાય એ તમે કળી ન શકો. એ કળવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે એના ઉપરવાસમાં શું થયુ છે અથવા અગાઉ શું થયુ હશે. અને સ્ત્રીઓ પોતાનો સાચો ભૂતકાળ હરકોઈને કહેતી નથી.
નદીઓ પોતાના બંધને વફાદાર રહે છે અને સમંદર પર કોઈ બંધ બાંધતુ નથી. આમ તો કોઈ પણ નદીને કોઈ બંધનો ગમે જ નહીં, આમ છતાં બહુ જ અસામાન્ય સંજોગો સિવાય કોઈ નદી પોતાનો બંધ તોડતી નથી. એ વહેતી હોવા છતાં બંધાઈ જાય છે, બંધમાં. પણ પેલા સમંદરના પટમાં અનેક હોડીઓ રમતી રહે છે. કાંઠે લાંગરેલી હોડીઓને પણ એ કાયમ છાલકો મારતો જ રહે છે. કો’ક દિવસ તો એ એના પટમાં આવશે જ એ આશા સાથે. એ જ એનો સ્વભાવ છે. એ જ પ્રકૃતિનો નિયમ છે, એનાથી કંઈ સમંદર છીછરો થોડો થઈ જાય છે?
પેલી મીઠ્ઠુ પાણી આપે ને પેલો કાયમ ખારાશ જ ઓકે. એનુ મંથન કરો તો પણ અમૃત પહેલા વિષ જ આવે. એનામાં એટલી ખારાશ ભરી હોય કે એ કાયમ મીઠી નદીઓને વલખતો રહે. એમને અપનાવતો રહે. નદીઓ એનામાં પોતાનુ અસ્તિત્વ ઓગાળતી રહે પણ પરિણામ હંમેશા ખારું ઉંશ જ રહે. એને અભિશાપ છે ખારા રહેવાનો તો પેલીની નિયતિ જ છે ખારાશમાં ભળી જવાની.
કેટલીક નદીઓ અવતરણ માટે ભગીરથ પ્રયાસ માંગી લે છે ને કોઈ કોઈ સમંદરોના લલાટે અગસ્ત્યયોગ લખાયો હોય છે. નદી જો ગંગા હોય તો એવું પણ બને કે પેઢીઓ સુધી પ્રયાસ ભગીરથ કરે પણ એને ઝીલે કોઈ શંકર.
નદીઓના કાંઠે આખેઆખી સંસ્કૃતિઓ પાંગરે. જેમ કોઈ સ્ત્રી-કોઈ માતા પરિવારને ઉછેરે. જ્યારે દરિયાકાંઠાના જીવનમાં કાયમ હાડમારી જ દિસે. દરિયાકાંઠાનું જીવન એટલે જાણે વર્ષોથી સ્ત્રી વિનાનુ થયેલુ કોઈ ઘર.
ફ્રિ હિટ :
નદીઓએ સામેથી આવશે મળવા તને દોડતી,
છે શરત માત્ર એટલી કે પહેલા તું સમંદર થઈ જા.
(ક્યાંક સાંભળેલુ. કવિનું નામ ખ્યાલ નથી.કોઈને ખબર હોય તો ધ્યાન દોરવું.