skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

તમને જાણવામાં રસ ખરો કે પછી પેલા ગધેડાએ શું કહ્યુ?

March 31, 201312 second read

ઓશોની એક ચોટદાર બોધ કથા છે. એક પાદરી લોકોને સંબોધી રહ્યા હતા. પરંતુ સભાખંડમાં લગભગ તમામ લોકો ઘસઘસાટ ઘોરતા હતા.  જો કે એ કોઈ સમસ્યા નહોતી, કારણ કે પાદરી એ જાણતો હતો, તેની આખી જિંદગીનો આ જ અનુભવ હતો. પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેઓ મોટેથી નસકોરા બોલાવીને પાદરીની જ્ઞાનધારાને ખલેલ પહોંચાડતા હતા.

 

એટલે પાદરીએ જેને જ્ઞાન કે પ્રવચન સાથે કોઈ સંબંધ ન હોય તેવી એક કપોળકલ્પીત વાર્તા માંડી. તેમણે કહ્યું ” એક વાર એવું બન્યું કે હું રણમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં કોઈ નહોતું, કેવળ હું મારા ગધેડા સાથે જઈ રહ્યો હતો. અને અચાનક ગધેડો મારી સાથે વાત કરવા માંડ્યો.” આટલુ કહીને તેમણે વાર્તા પડતી મુકીને પોતાનું મૂળ પ્રવચન ફરીથી શરૂ કર્યુ. ગધેડાવાળી વાર્તા તડકે મૂકાતા જ જે લોકો બગાસા ખાતા હતા તેમના કાન સરવા થયા. થોડો ગણગણાટ થયો. સુતેલા પણ જાગી ગયા. એક માણસે ઊભા થઈ પ્રવચન અટકાવીને સવાલ કર્યો કે, “પણ પેલા ગધેડાનું શું થયુ? ગધેડાએ તમને શું કહ્યું?

 

પાદરીએ કહ્યું, “ગધેડાએ શું કહ્યું એ જાણવા-સાંભળવામાં તમને કેટલો બધો રસ છે, તમે બધા જ જાગી ગયા. પણ તમને લોકોને હું જ કહુ છું એમાં રસ નથી.”

 

*                             

                       *                                                           *

 

આ ગધેડાવાળી વાર્તા પરથી સમજાય છે કે અપવાદોને બાદ કરતા કેટલીક ન્યુઝ ચેનલો પર સતત ન્યુઝની કતલ-એ-આમ શા માટે થાય છે અને ન્યુઝ સેન્સનું સત્યાનાશ કેમ નીકળતું જોવા મળે છે. દરેક મુદ્દે આ લોકો ‘ચર્ચીને ચીકણું’ શા માટે કરે છે? કેટલીક ચર્ચાઓમાં તો રીતસરનો ‘બૌદ્ધિક બળાત્કાર’ અને ‘વૈચારીક વ્યભીચાર’ જ થતો જોવા મળે છે. (અને આજકાલ તો મોટેભાગે ચર્ચાના મુદ્દા પણ બળાત્કાર અને વ્યભીચાર જ હોય છે!) ખબર નૈ આવા ‘બૌદ્ધિક બળાત્કાર’ વિરોધી કાનૂન ક્યારે આવશે? પણ છતાં ચાલે છે. કેટલાક  ‘આમ આદમીઓ’ને અને કેટલાક ‘કહેવાતા’ એક્ષપર્ટસને પણ બજેટ પર બોલતા સાંભળીને એવું લાગે કે નક્કી નાનપણમાં આની ગણિતમાં ડાંડીઓ ઉડતી હશે. પણ છતાં આવા લોકો બરાડે છે અને દેશ સાંભળે છે. કારણ કે, લોકોને એ જ જાણવામાં રસ છે કે જે ગધેડાએ શું કહ્યુ?

 

ખરેખર ન્યુઝ ચેનલો આજકાલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોને ટક્કર આપી રહી છે. એન્ટિ રેપ લો અંગેની ચર્ચાઓએ તો પણ સાવ ભુખ દીધી. એ રીતનું પ્રેઝન્ટેશન થયુ કે જાણે સરકાર ટીનેજરોને સેક્સ માણવાનું લાયસન્સ આપવાની હોય. એટલી વેવલાઈભરી અને ચર્ચાઓ કરવામાં આવી કે કોઈ છોકરો-છોકરી પોતાની મરજીથી સેક્સ માણે અને જોગાનુજોગ સેક્સ માણનાર છોકરી 18 વર્ષથી નાની હોય તો સામેવાળો છોકરો બાય ડિફોલ્ટ બળાત્કારી ઠરે તેવી જોગવાઈ દૂર થાય તેમાં ખોટું શું? તે તર્કબદ્ધ મુદ્દો યોગ્ય રીતે છેડાયો જ નહીં. ચર્ચાયો જ નહીં.

 

લોકોને ગધેડાએ શું કહ્યું એ જાણવામાં મજા આવે છે. કારણ કે, માણસો તો બોલે, પણ ગધેડો બોલે તે કૌતૂક છે. એ આંચકાજનક છે.  ઓસ્કાર વાઈલ્ડે કોઈ સંદર્ભમાં કહેલુ કે સમાજને સતત આશ્વર્યચકિ્ત કરો અથવા સમાજને આંચકા આપો. આ કથનને સતત અનુસરવામાં આવતું હોય તેમ લાગે છે. સતત બ્રેકિંગ ન્યુઝ આપીને લોકોને આંચકા આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. ગમ્મે ત્યાંથી ‘બોલતો ગધેડો’ પકડી લવાય છે.  તેની પાસે બકવાસ કરાવાય છે. મુદ્દાને ચગાવાય છે. ટીઆરપી(વેબ હોય તો હિટ્સ) વધે છે. ગધેડો બોલે છે ને દેશ સાંભળે છે. કારણ કે, તે શું બોલ્યો એ મહત્વનું નથી પણ તે (ગધેડો હોવા છતાં) બોલ્યો તે મહત્વનું છે. જ્યાં સુધી આપણને ગધેડો શું બોલ્યો તે સાંભળવામાં રસ પડતો રહેશે ત્યાં સુધી ન્યુઝ ચેનલોમાં ન્યુઝ પ્રેઝન્ટેશનનું સ્તર ઉંચુ આવવાનું નથી. એ બાપડા તો એ જ બતાવે છે જેમાં લોકોને રસ છે. ક્યારેક એ વાતનું કન્ફ્યુઝન પણ થાય કે લોકોને રસ છે એટલે એ લોકો બતાવે છે કે એ લોકો બતાવે છે તેથી લોકોને મજા આવે છે? પણ લોકોને ‘હોંચીમાસ્ટર’ના બોલવામાં રસ છે તે હકિકત છે. નહીં તો ટીઆરપી રેટિંગ્સ તળીયે બેસી જાય અને ન્યુઝની દુકાનનું ‘અંબે માત કી જય’ થઈ જાય. પણ એવું થતું નથી. ઈન્ડિયા ટીવીનો જ દાખલો લઈએ.

 

ઈન્ડિયા ટી.વી. જ્યારે નવી નવી શરૂ થઈ ત્યારે ખુબ જેન્યુઈન ન્યુઝ ચેનલ લાગતી હતી. સારા ન્યુઝ પ્રેઝન્ટ કરતી. શક્તિ કપુરનું સ્ટિંગ ઓપરેશન પણ તેણે કરેલુ. પણ ચેનલ ન ચાલી. ઉંધેકાંધ પછડાઈ. પછી એ લોકોએ નીતનવા ગતકડાં શરૂ કર્યા. આંબલીના ઝાડના ભુત માંડી કોઈ બાબાના તૂત જેવા અનેક પ્રકારના ધડમાથા વિનાના ન્યુઝ(?) આપવાનું શરૂ કર્યુ. અત્યારે તેમની દુકાન ધમધોકાર ચાલે છે. ન્યુઝ ચેનલ સ્વર્ગની સીડી બતાવે ત્યારે કાયમ પહેલો સવાલ એ જ થયો છે કે જો ખરેખર જે તે સ્થળ સ્વર્ગની સીડી હોય તો રિપોર્ટર્સ તે ચડીને સ્વર્ગમાં કેમ નથી ચડી જતા? ઈન્દ્રનો ઈન્ટર્વ્યુ લઈ આપણને અપ્સરાઓના ડાન્સના ફૂટેજ કેમ નથી બતાવતા?

 

આસામમાં હુલ્લડ થાય ત્યારે જેમને પ્રથમ બે દિવસ સુધી પૂરતા ફૂટેજના પણ ફાંફાં પડતા હોય તેવી ‘કહેવાતી’ રાષ્ટ્રીય ચેનલો ‘રાખી સાવંત શીખ  રહી હૈ તલવારબાજી’ જેવા સબજેક્ટ પર અડધી કલાક ખેંચી નાખતી હોય છે. ગુજરાતી ન્યુઝ ચેનલોમાં ફિલ્મ જર્નાલિઝમનું સ્તર બાળબોધ વાર્તા કરતા ઉંચુ નથી હોતું. થોડા દિવસ પૂર્વે જ્યારે કુંડામાં જીયા-ઉલ-હકના મર્ડરનો મામલો બરાબરનો ચગેલો ત્યારે એક ચેનલે ફ્લેશ મારી કે ‘લઘુમતિઓ મેં હૈ આક્રોશ’. આ બેજવાદારીની પરાકાષ્ઠા ન કહેવાય? હકની હત્યા તેના મુસ્લિમ હોવાના કારણે નહોતી થઈ. અને કોઈ એકાદા ફાસફુસીયા નેતા કોઈ બેજવાબદાર નિવેદન કરી પણ દે તો પણ આવો કોમીવૈમનસ્ય ફેલાય તેવો મુદ્દો ચલાવાય ખરો? ગુજરાતમાં રમખાણોને દસ વર્ષ થયા ત્યારે એક ચેનલ હ્યુમન ઈન્ટરેસ્ટના નામે ખુણે ખુણેથી રમખાણપીડિતોને પકડી લાવેલી. અને તેમના બેકગ્રાઉન્ડમાં સંવેદનશીલ મ્યુઝીકવાળા ઈન્ટર્વ્યુઝ બતાવેલા. ગુજરાતના રમખાણોની તો આ લોકોએ એ હદે રોકડી કરી કે જેનો ફોટો રમખાણોનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે તે કૂતુબ્બુદ્દીન અંસારીએ તો કોર્ટમાં જ ધા નાખી દીધી કે મારા આંખોમાં આંસુ સાથે હાથ જોડતા ફોટાનો ઉપયોગ બંધ કરાવો ભૈશાબ.

 

ફરી એક વાર ઓશોને યાદ કરી આ વાતનું ઈતિસિદ્ધમ કરીએ. ઓશોના મતે લોકોને ગપ્પેબાજી ગમે છે. લોકોને ખોટું બોલવું ગમે છે. જૂઠાણાઓ શોધી કાઢવા ગમે છે. જૂઠ શોધી કાઢીને તેઓ એવું કંઈક વિશેષ જ્ઞાન ધરાવે છે કે, જે દુનિયામાં બીજું કોઈ જ એ ધરાવતું નથી. તે તેમણે પોતે જ શોધી કાઢેલુ છે, એટલે કોઈ તે જાણતુ નથી. તેઓ તેને બહુ સજાવીને રાખે છે. તેઓ તેને તર્કસંગત બનાવી શકે છે. તેઓ તેનું રક્ષણ કરવા માટે અનેક રણનીતિઓ ઊભી કરે છે. અને જ્યારે આવું જૂઠ બીજાઓ સામે રજૂ કરે છે, ત્યારે લોકોને તેમાં આનંદ આવે છે. ત્યારે તેમને ખયાલ આવે છે કે, તેઓ બીજાઓ કરતા ડાહ્યાં છે.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top