skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

ડિજિટલ ઈન્ડિયા: આજે નહીં તો કાલે કોઈને ઈન્ટરનેટ વિના નહીં ચાલે!

July 23, 201510 second read

‘ડિજિટલ શક્તિને સમજવી એ સમયની માંગ છે. અને જો આમ ન કર્યુ તો વિશ્વ ખુબ જ આગળ નીકળી જશે અને આપણે પાછળ રહી જઈશું.’ વડાપ્રધાન મોદીના આ નિવેદન અને ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે ભાગ્યે જ કોઈ શાણો માણસ અસહમત થઈ શકે.

એક સમયે ભારતમાં ટેલિફોન કનેક્શન જોઈતું હોય તો પણ બીએસએનએલની કચેરીએ ડબલુ નોંધાવવા જવું પડતું અને ત્યારબાદ બીએસએનએલના બાબુઓની મુનસફી અને મૂડ મુજબ લાંબા સમયે ઘરે આવતુ. ત્યારબાદ આવેલા ડાયનોસોર કદના મોબાઈલ્સમાં ઈનકમિંગનો પણ ચાર્જ લાગતો એ સ્થિતિ હજૂ ગઈકાલની જ વાત લાગે એટલા નજીકના ભુતકાળમાં હતી. વોટ્સએપ અને હાઈક જેવા ચેટિંગ ટુલ્સના ઝંઝાવાતી આગમનના કારણે SMS સેવા જે ઝડપે અપ્રસ્તુત બની એનો તો ખુદ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને આઘાત લાગ્યો છે. (નેટ ન્યુટ્રાલિટીનું ગળુ ઘોંટવાની હિલચાલ માટે એ આઘાત પણ જવાબદાર ખરો.) સેંકડો ડિજિટલ ટીવી ચેનલ્સ તો છોડો પતંગ લૂંટવા નીકળેલા લુટ્ટણીયાની જેમ એન્ટેનાનો દાંડો ઘુમેળે રાખો ત્યારે માંડ ઝરમરીયાવાળુ દુરદર્શન પકડાતુ. આકાશવાણીની સાથે સંભળાતી ઘર્રઘરાટી તો રેડિયો પ્રસારણનો જ એક ભાગ લાગતી!

શું થોડા વર્ષો પૂર્વે ભારતમાં એવી કલ્પના પણ કરવી શક્ય હતી કે, જીવન જરૂરિયાતની પાયાની ચીજોથી માંડી મોંઘીદાટ લકઝુરિયસ આઇટમ્સ ઘરે આરામ ખુરશીમાં બેઠાં બેઠાં મોબાઇલના કેટલાક બટન્સ દબાવીને વિશાળ રેન્જમાંથી પસંદગી કરીને ખરીદી શકાશે? એટલુ જ નહીં પણ એ ચીજ-વસ્તુ મેળવ્યા બાદ જો એના વપરાશમાં મજા ન આવે તો વળી એ જ મોબાઇલનો ઉપયોગ કરી તેને મનગમતા ભાવે ઓનલાઇન વેચવા પણ મુકી શકાશે? મોબાઇલ, ડીટીએચથી લઈ લગભગ તમામ બિલ્સથી માંડી બેંકના હપ્તા સુધીની ચુકવણીઓ ખિસ્સામાં પડેલો સ્માર્ટફોન નામનો જીન ચપટી વગાડતા જ કરી આપશે? ઓનલાઇન બેંકિંગ એટલુ ચલણી બનશે કે મનીઓર્ડર નામની સેવા તો સાવ જ અપ્રસ્તુત થઈ જશે? તાર-ટપાલ તો ઠીક પેજરનું પણ નામુ નંખાઈ જશે? વિવિધ ન્યુઝ એપ્લિકેશન્સ અને વોટ્સએપના માધ્યમથી તમારા શહેરથી માંડી વિશ્વના કોઈપણ ખુણે બનતી તમામ મહત્વની ઘટનાઓના અપડેટ્સ ગણતરીની મિનિટોમાં જ તમારા મોબાઇલમાં તેના ફોટોઝ અને વીડિયોઝ સાથે પહોંચી જશે? ખરીદીથી માંડી સંગીત શીખવા-વગાડવા કે ફોટોએડિટિંગ સુધીના તમારા લગભગ તમામ શોખ ઘરે બેઠા પૂરા કરવામાં મદદરૂપ બનતી અનેક મોબાઇલ એપ્લિકેશન્સથી બજારો છલકાતી હશે? મફતમાં વિશ્વના કોઈપણ ખુણે ચેટિંગ કે કોલ કરવાથી માંડી પાત્રપસંદગી સુધીની સેવા પૂરી પાડતી એક ડિજિટલ દુનિયા મોબાઈલ કે ટેબ્લેટના માધ્યમથી તમારી સાથે ફરતી હશે?

ગુગલ પર ઘુઘવતા માહિતીના અફાટ સાગર અને સોશ્યલ સાઇટ્સ પર થતા ઘટનાઓના રિયલટાઇમ અપડેશને પત્રકારત્વની પણ તરાહ સમૂળગી બદલી નાખી છે. આવતીકાલે અખબારમાં છપાવાની હોય એ તમામ ઘટનાઓની વિગતો થોડો પણ ટેકનોસેવી હોય તેવા વ્યક્તિ પાસે આજે જ પહોંચી જાય છે. એ પૈકી જે ઘટના અંગે ઊંડાણથી જાણવા ઈચ્છે એ ઘટનાના કિ-વર્ડ્સ સર્ચ એન્જિનમાં નાખવા માત્રથી વિશ્વની અનેક વેબસાઇટ્સ અલાદ્દિનના જીનની જેમ હાજર થઈ જાય છે. ચંદ્રકાંત બક્ષી તો વર્ષો પહેલા લખી ગયા છે કે, ‘આજનો વાચક લેખક કરતા આગળ નીકળી ગયો છે.’ અનેક વિગતો-વિષયોમાં લેખક કરતા વાચક વધુ જાણતો હોય એ આજના યુગમાં સ્વાભાવિક છે. ગુગલિયા મહાદેવને ભજીને અને વિકિપીડિયા નામના માહિતીના અખૂટ(પણ પ્રમાણમાં અવિશ્વસનિય) અક્ષયપાત્રને નીચોવીને લખનારા કોલમલેખકો આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. સ્માર્ટ વાચક લગભગ બધુ જ જાણતો હોય ત્યારે સવારના અખબારમાં એ તમામ વિગતો કોઈ નોખા એંગલથી કે પરંપરાગત ફિક્કી અને એક્સપાયરી ડેટ વટી ગયેલા શબ્દોવાળી ભાષાને બદલે અનોખી શૈલીમાં રસાળ રીતે પ્રસ્તુત કરવાનો પડકાર તંત્રીઓ સામે રોજ આવીને ઉભો રહી જાય છે. (સમય જતા એ વધુ વિકરાળ બનતો જવાનો.)

માનવીની પાયાની જરૂરીયાતોની રોટી, કપડા ઓર મકાન અને બિજલી, પાની ઓર સડકની યાદીમાં ઇન્ટરનેટ કોઈને ખબર ન પડે એ રીતે ઉમેરાઈ ગયુ છે. પહેલા લાઇટ જાય ત્યારે જે રીતે કામ-ધંધા ખોરવાતા એ જ રીતે આજે ઇન્ટરનેટ બંધ થાય ત્યારે અનેક ઓફિસોની હાલત પેટ્રોલ વિનાના બાઈક જેવી થઈ જાય છે. અનેક વ્યવહારો અને ટ્રાન્ઝેક્શન્સ અટકી પડે છે. ડિજિટલ ઈન્ડિયાના લોન્ચિંગ વેળા મોદીએ બીજી પણ એક સરસ વાત કહેલી કે, ‘આગામી સમયમાં માનવવસ્તી ત્યાં જ વધુ હશે જ્યાંથી ઓપ્ટિકલ ફાઇબર કેબલ પસાર થતો હશે.’ ખરી વાત છે. એક યુગમાં માનવવસ્તી નદીકિનારે જ વધુ જોવા મળતી. વિશ્વની લગભગ તમામ મહાન સભ્યતાઓ કોઈને કોઈ નદીના કાંઠે જ વિકસી છે. કારણ કે, માનવજીવન માટે જરૂરી તમામ ચીજ-વસ્તુઓ નદીકિનારે સરળતાથી ઉપલબ્ધ થતી. આધુનિક યુગમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ એ કોઈ ઓનલાઇન નદીથી કમ નથી. જીવનને સરળ બનાવતી તમામ સુવિધાઓ કોઈને કોઈ રીતે એ નદીના વહેણ પર જ નિર્ભર બની છે અને બની રહી છે.

આજે સમગ્ર વિશ્વ કલ્પનાતિત ઝડપે ડિજિટલ થઈ રહ્યું છે. લોકોની ઓળખ સુદ્ધાં હવે ઓનલાઇન થઈ રહી છે. બજારો વર્ચ્યુઅલ થઈ રહ્યા છે. હરાજી ઓનલાઈન થઈ રહી છે. 1999માં અલીબાબા નામે ઓનલાઇન હાટડી ખોલનારો જેક મા નામનો સાહસિક 2014 સુધીમાં તો ચીનનો સૌથી ધનાઢ્ય અને વિશ્વનો 18માં નંબરનો ધનાઢ્ય વ્યક્તિ બની જાય છે. ચીનની કુનમિંગ યુનિવર્સિટી તો પોતાના સ્નાતકો પણ ઓનલાઇન વેચી રહી છે.

આવા સમયે ભારતના વડાપ્રધાન મોદી દેશમાં ડિજિટલ ક્રાંતિ આણવાના હેતુ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કરી તેના માટે 2 લાખ 50 હજાર કરોડ રુપિયા મંજૂર કરે છે. ડિજિટલ ઈન્ડિયાના ઉદઘાટન પ્રસંગે જ ખાનગીક્ષેત્ર તેમાં 4.5 લાખ કરોડના રોકાણ અને 18 લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરે છે. ઈન્ડિયાને ડિજિટલ બનાવવા પંચાયતોને ઈન્ટરનેટ સાથે જોડવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવશે. દરેક વ્યક્તિની ડિજિટલ આઈડી બનશે. દરેક વ્યક્તિ ઈન્ટરનેટની વહેતી ગંગામાં હાથ ધોઈ શકે એ માટે સાક્ષરતા અભિયાનની તર્જ પર ડિજિટલ લિટરસી અભિયાન શરૂ કરાશે. જે રીતે અગાઉના સમયમાં વ્યક્તિ પોતાને ખપ પુરતુ વાંચી-લખી અને સહી કરી શકે એટલો સાક્ષર હોય તે જરૂરી હતું એ જ રીતે આજના યુગમાં વ્યક્તિ પોતાને કામની માહિતી શોધવા કે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા જેટલો ઈન્ટરનેટનો ઉપયોગ જાણતો હોય તે ખુબ જ જરૂરી છે. ઈન્ડિયાને ડિજિટલ બનાવવાના સરકારના આયોજન સામે જાણકારોને વાંધા કે સૂચનો હોઈ શકે. જે સામ પિત્રોડાની કક્ષાના એક્સપર્ટ્સ સૂચવી શકે. બાબુશાહી અને અસહ્ય વિલંબથી ગ્રસ્ત વ્યવસ્થાની સમસ્યાથી ત્રસ્ત ભારતમાં આ અભિયાનના તમામ આયોજનો કેવી રીતે અને કેટલા સમયમાં પાર પડી શકશે કે એના માટેની નાણાકીય જોગવાઈ અંગે શંકાકુશંકા કરી શકાય. પણ આ દેશમાં આવા કોઈ કાર્યક્રમની જરૂર જ ન હોય કે આ દેશ ડિજિટલાઈઝેશનને લાયક જ ન હોય એ માનસિકતા સાથે કે મોદી પ્રત્યેના પૂર્વગ્રહોના કારણે સમગ્ર કાર્યક્રમનો જ વિરોધ કરવો કે એની મજાક કરવી જરાય યોગ્ય નથી.

આ દેશમાં એક વર્ગ પેટબળ્યો અને વાંકદેખો છે. એમને દરેક વિકાસકાર્યમાં કંઈકનું કંઈક વાંકુ પડતુ જ હોય છે. ડિજિટલ ઈન્ડિયાના લોન્ચિંગ પ્રસંગે કેટલાક વાંકદેખાઓએ સોશ્યલ મીડિયા પર લખ્યું (અને મીડિયાએ છાપ્યું) કે, શું ગરીબો હવે ઝુંપડપટ્ટીમાંથી ફરિયાદ નોંધાવશે? હજૂ તો દેશની પા ભાગની જનતા ઝુંપડપટ્ટીમાં વસે છે…ટોઈલેટ્સ નથી…નેટ તો ઠીક રોડ રસ્તાના પણ નેઠા નથી ને…બ્લાં બ્લાં બ્લાં… તમારા બાપનું કપાળ ટણપાઓ, શું આ દેશમાં તમામ યોજનાઓ ઝુંપડપટ્ટીવાળાઓ માટે જ અને તેમને ધ્યાનમાં રાખીને જ બનવી જોઈએ? ઝુંપડપટ્ટીવાળાઓ માટે યોજનાઓ બને તો સામે અન્ય વર્ગ માટે પણ એમની જરૂરિયાત મુજબની યોજનાઓ બને કે અભિયાનો ચાલે કે નહીં? શું દેશમાંથી જ્યાં સુધી ઝુંપડપટ્ટીઓ નાબુદ ન થાય ત્યાં સુધી અન્ય કોઈ વિકાસકાર્યો જ નહીં કરવાના? આ વિશાળ દેશના કેટલાક ભાગોમાં વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યા હોય તો શું બધી જ યોજનાઓ માત્ર ને માત્ર એ માટેની જ બનાવવાની? આપણો દેશ ચંદ્ર-મંગળ મિશન હાથ ધરે કે જંગી નાણાકીય રોકાણવાળુ અન્ય કોઈ સાહસ હાથ ધરે ત્યારે કાયમ કેટલાક વક્રદ્રષ્ટાઓને ઝુંપડપટ્ટીઓ, બિસ્માર રસ્તાઓ અને ભુખ્યાં-નાગા લોકો જ યાદ આવતા હોય છે. તેઓ કોઈ પ્રબુદ્ધ ચિંતકોની અદાથી ઠૂઠવો મુકશે કે, ‘હાય…હાય…ભારત જેવા ગરીબ દેશને આવા ખર્ચા પોસાતા હશે?’ તમારા બાપાની ટાંગ લલવાઓ…. તો કોઈ વળી ઝુંપડપટ્ટીઓ અને ભુખ્યાં-નાગા લોકોથી ઉપર ઉઠીને થોડી બૌદ્ધીક દલિલ કરશે કે, ફલાણા-ઢીંકણા દેશમાં તો નેટની સુવિધા અને સ્પીડ આટલી છે. ઈદી અમીન ફેમ આફ્રિકાનું યુગાન્ડા પણ 5G યુગમાં પ્રવેશી રહ્યુ છે. નેટની સ્પીડમાં ભારતનો ક્રમ 155મો છે વગેરે…વગેરે….લા ભ’ઈ એટલે જ તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનની જરુર છે.

આવા ચિંતનશિરોમણીઓ ઓછા હતા ત્યાં હવે જેના માટે ડિજિટલાઇઝેશન હાથ ધરાયુ છે તે જ ઈન્ટરનેટના પ્રતાપે બીજો એક વર્ગ ફૂટી નીકળ્યો છે. એ વર્ગ છે વ્યંગખોરોનો. આ લોકો તમામ કરંટ અફેર્સ પર ચીપ ચબરાકીયા સોશ્યલ સાઈટ્સ પર રમતા મુકી દે છે. દેશની દરેક ઘટના અને દરેક સમસ્યા તેમના માટે માત્રને માત્ર હાસ્યનો વિષય છે. ડિજિટલાઈઝેશનના પ્રતાપે જ ફટાફટ ફોર્વર્ડ થતા મેસેજીસની રેલમછેલમાં ક્યાંક એ અતિગંભીર મુદ્દો ચુકાઈ જાય છે કે દેશની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરી હસી લેવું એ અલગ વાત છે અને દરેક વાતે વાંકદેખા થઈ સટાયરના સૂરસૂરિયા કરે રાખવા એ જૂદી વાત છે. એવું કરવાથી નથી દેશની સ્થિતિ બદલાવાની નથી તમારા કીધે સેકેલો પાપડ ભાંગવાનો. દરેકેદરેક વાતે બનતા જોક્સમાં ક્યાંક એ સુઝ ખોવાતી જાય છે કે કઈ વાતે મજાક થઈ શકે અને કઈ વાતો મજાકનો વિષય નથી. વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને તેના અનુષ્કા શર્મા સાથેના સંબંધો સાથે સાંકળીને જોક્સ બનાવી બે ઘડી હસી લેવુ ઠીક છે પણ નરી ઠઠ્ઠા મશ્કરીમાં એ ન ભુલાવુ જોઈએ કે, જોક્સ બરાબર છે પણ કોહલીના ખરાબ પ્રદર્શન માટે માત્રને માત્ર અનુષ્કા જવાબદાર ન હોઈ શકે કે અનુષ્કાને જવાબદાર ન ઠેરવી શકાય. દરેક વ્યક્તિની પોતાની એક પર્સનલ લાઈફ હોય જ છે. દેશ વતી રમતા ક્રિકેટરને ગર્લફ્રેન્ડ રાખવાનો અને તેની ગર્લફ્રેન્ડને તે રમતો હોય એ મેચ જોવાનો એટલો જ અધિકાર છે જેટલો દેશના અન્ય નાગરિકોનો છે.

હેમા માલિનીનો અકસ્માત થયો તો વોટ્સએપ પર મેસેજ ફરતા થયા કે, ‘બસંતી ફિર એક બાર ઘાયલ ઈસ બાર ટાંગે સે નહીં કાર સે.’ તો વળી કોઈએ લખ્યું કે, ‘બસંતી કે લિયે ધન્નો હી ઠીક થી, મર્સિડિઝ કે ચક્કર મેં માથા ફૂટ ગયાં.’ અરે યાર કોઈનો અકસ્માત થયો હોય એને ઈજા પહોંચી હોય એ મજાકનો વિષય છે?

ચેતન ભગતે એક વાર લખેલુ કે, ‘ઇન્ટરનેટ હંમેશાં આગામી ઘટનાઓની આગાહી કરે છે. અણ્ણા આંદોલન પણ સડકો પર આવતાં પહેલાં ઇન્ટરનેટ પર ફેલાઈ ચૂક્યું હતું.’ ગંગનમ ડાન્સથી માંડી આઈસ બકેટ ચેલેન્જ સુધીના અનેક ઉદાહરણો મોજુદ છે કે જેના વાસ્તવિક જગતમાં ફેલાવા પાછળ વર્ચ્યુઅલ જગતનો મોટો ફાળો હોય. વાસ્તવિક જગતમાં ફેલાયેલી કોઈ આગની પહેલી ચિંગારી વર્ચ્યુઅલ વર્લ્ડમાં ચંપાઈ હોય કે વાસ્તવિક વર્લ્ડની કોઈ ચિંગારીમાં વર્ચ્યુઅલ વર્લ્ડે પેટ્રોલ છાંટ્યુ હોય તેવા અનેક સારા-નરસા દાખલા મળી આવશે. કોઈ ઈચ્છે કે ન ઈચ્છે કોઈ ઈન્ટરનેટના અફાટ સમંદરની લહેરોની વાછટથી મુક્ત નથી રહેતું કે નહીં રહી શકે.

માન્યું કે આ દેશમાં ઈ-રિવોલ્યુશન સામે સ્પેક્ટ્રમની ફાળવણીથી માંડી નેટની ગોકળગાય જેવી સ્પીડ જેવા અનેક પડકારો મોં ફાડીને ઉભા છે. પણ થઈ પડશે બધુ. થોડું પોઝીટીવ થિંકિંગ રાખો. થોડા પણ વિઝનરી માણસને સરળતાથી ભવિષ્ય દેખાય કે ડિજિટલ ઈન્ડિયા ભલે આજે મોદીનું દીવાસ્વપ્ન લાગતુ હોય કે દીવાસ્વપ્ન ગણાવાતુ હોય પણ ભવિષ્યમાં એ પ્રોજેક્ટની તમામ સેવાઓ સરકારી કે ખાનગી રાહે ઘર ઘર અને ઓફિસ ઓફિસ સુધી પહોંચવાની જ છે. જે દેશની અડધાથી વધુ વસ્તી 35થી ઓછી વયની હોય અને વિશ્વના કુલ 15 ટકા જેટલા તરુણો જ્યાં હોય ત્યાં અનેક અસુવિધાઓ વચ્ચે પણ ઈ-ક્રાંતિ કોઈ કાળે અટકવાની નથી. માટે હે વાંકદેખા વક્રદ્રષ્ટાઓ, યાદ રાખો, કે સવારે ઉઠીને નરણા કોઠે હુંફાળુ પાણી પીવાથી પેટ સાફ આવે છે. (લખ્યા તા. 6 જુલાઈ, 2015)

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top