કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાતના પગલે આ દેશની આબોહવામાં ફરી એક વાર એક એવા શબ્દની બારૂદી દુર્ગંધ પ્રસરી રહી છે, જેનાથી ઈન્દિરા ગાંધીથી માંડીને આજ સુધીની તમામ સરકારો રીતસર ફફડતી રહી છે. એ શબ્દ એટલે ખાલિસ્તાન.
સૌથી પહેલા તો કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોની આઠ દિવસની ભારત મુલાકાત દરમિયાન ભારત સરકાર દ્વારા તેમની સતત અવગણનાનો મુદ્દો ઉછળ્યો. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમને આવકારવા પીએમ મોદી તો દૂર પણ સીએમ રૂપાણી પણ ન ગયા. કેનેડાના મીડિયામાં પણ તેઓ દેશના પૈસા બરબાદ કરીને જ્યાં ભાવ નથી મળતો એ દેશમાં ફાંકા ફોજદારી કરતા ફરતા હોવાની ટીકા થઈ અને બરાબરના માછલા ધોવાયા. અલબત્ત ભારત સરકારે વિદેશી વડાપ્રધાન આવે ત્યારે પાળવાનો થતો સામાન્ય પ્રોટોકોલ તો પાળ્યો જ છે અને પાળ્યો હોવાની સત્તાવાર જાહેરાત પણ કરી છે. જોકે, વિદેશી મહેમાન આવે ત્યારે સ્વાભાવિક રીતે અને જરૂરી રીતે (અહીં આ મુદ્દે વાંકદેખાઓ માટે એ નોંધવું રહ્યું કે વિદેશીઓને દેશની સારી છબી બતાવવી વ્યાપાર માટે જરૂરી જ હોય છે. ઝુંપડા હોય ત્યાં ઢાંકી જ દેવા પડે. ઝુંપડા અમેરિકામાં પણ છે પણ તમે ત્યાં જાઓ ત્યારે ટ્રમ્પ કે ઓબામા તમને એ જોવા નથી લઈ જતા. અમેરિકાનો ‘વિકાસ’ જ બતાવે છે. કોમન સેન્સની વાત છે, આપણે પણ મહેમાનને ઘરમાં નવું કરાવેલુ ફર્નિચર જ બતાવીએ છીએ, તૂટી ગયેલું અને વાસ મારતું ભોખરું નહીં.) છાકો પાડી દેવા સતત તત્પર રહેતા (રોડ)શો મેન મોદી પણ ખુબ જ સંયમિત રહ્યા એ વાત સામાન્ય જનતાને થોડી અજુગતી લાગી રહી હતી. એની પાછળનું કારણ કેનેડિયન સરકાર દ્વારા કટ્ટરપંથી શીખ આતંકવાદીઓને મળતું સમર્થન અને ત્યાંની સરકારમાં ખુબ મજબૂત બની બેઠેલી શીખ લોબી હોવાનું ધૂંધવાઈ જ રહ્યું હતું ત્યાં જ કેનેડિયન દુતાવાસ દ્વારા ખાલિસ્તાની નેતાને ડિનર પર બોલાવવાના વિવાદ અને ટ્રુડોના પત્ની સાથે ખાલસા નેતા આઈ મિન આતંકવાદી જસપાલ અટવાલની તસવીર સામે આવતા જ બધુ ધડાકાભેર સામે આવી ગયું અને કેનેડાની દાઢીમાં રહેલું ભારતને ખટકતું તણખલું પણ સ્પષ્ટ દેખાઈ ગયું. એ સાથે જ હિન્દુસ્તાન અને પંજાબની ધરતીની છાતીના વર્ષો જૂના ઝખમ પણ તાજા થઈ ગયા. ખાલિસ્તાન મુવમેન્ટના ઝખમ.
ખાલિસ્તાન મુવમેન્ટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ એ મૂળે કોંગ્રેસનું પાપ. (જેમાં અકાલીઓએ યથાશક્તિ કેરોસિન છાંટ્યુ.) મુખ્ય સુત્રધારો સંજય ગાંધી અને જ્ઞાની ઝેલ સિંહ.
દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. કટોકટીના આઘાતમાંથી બહાર આવેલા દેશે જનતા પાર્ટી પાસે રાખેલી મસમોટી આશાઓનું ભ્રમનિરસન થઈ ગયેલુ. સત્તાની સંગીત ખુરશીની રમતથી ત્રસ્ત જનતાએ ફરી એક વાર ઈન્દિરા ગાંધીને સુકાન સોંપ્યુ હતુ. કોંગ્રેસની દેશવ્યાપી હાર બાદ પંજાબમાં અકાલી અને જનતા પાર્ટીની સંયુક્ત સરકાર બનેલી. અકાલી સરકારને પડકાર આપવા કોંગ્રેસી નેતા જ્ઞાની ઝેલ સિંહ અને સંજય ગાંધીએ જરનૈલસિંહ ભિંડરાંવાલેને ઊભા કર્યા. કોંગ્રેસે શરૂઆતમાં ભિંડરાંવાલેને આર્થિક સહાય પણ કરેલી. કોંગ્રેસને સપને’ય કલ્પના નહોતી કે ભિંડરાંવાલે આગળ જતા એક મહાભયંકર આતંકવાદી બની જશે, પંજાબને ખાલિસ્તાની આતંકવાદના ખપ્પરમાં હોમી દેશે અને અંતત: ઈન્દિરા ગાંધીનો પણ ભોગ લેવાઈ જશે.
13 એપ્રિલ 1978માં વૈશાખીના દિવસોમાં શીખો અને નિરંકારીઓની જૂથ અથડામણમાં 16 શીખો માર્યા ગયા અને એક રક્તબીજ રોપાયુ. દેશભરના શીખો ભડકી ઉઠ્યા. (એક આડવાત એ કે નિરંકારીઓ પણ પોતાને શીખ જ માને, તેઓ ગુરુ પરંપરામાં વિશ્વાસ કરે જ્યારે શીખો માટે ગુરુગ્રંથ સાહેબ જ અંતિમ ગુરુ.) 1977થી જેનો ઉદય થયેલો એ ભિંડરાંવાલેએ પહેલીવાર સામે આવીને હુંકાર કર્યો. આ જ અરસામાં ઝેલ સિંહના આશીર્વાદ સાથે સ્થપાયેલા ‘દલ ખાલસા’એ એક અલગતાવાદી પ્રસ્તાવ પાસ કર્યો. જેનો એક મહત્વપૂર્ણ ભાગ એ પણ હતો કે, ‘પંજાબ અને અન્ય રાજ્યોમાં કેન્દ્રની દખલ રક્ષણ, વિદેશનીતિ, મુદ્રા અને સામાન્ય સંચાર પૂરતી જ મર્યાદીત રહેવી જોઈએ.’ અકાલીઓએ આ પ્રસ્તાવનું સમર્થન કરતા બળતામાં ઘી હોમ્યુ.
બીજી તરફ ભિંડરાંવાલે પણ યુવાનોને શીખ રાજા મહારાજાઓની યાદ કરાવી પોતાનુ વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા લડી લેવાની હાકલો કરવા લાગ્યો. 4 ઓગષ્ટ 1982ના રોજ શીખો માટેના અલગ રાજ્યની માંગ સાથેનો મોરચો નીકળ્યો. પ્રકાશસિંહ બાદલ પહેલા સત્યાગ્રહી તરીકે 300 સત્યાગ્રહીઓનું નેતૃત્વ કરતા સુર્વણ મંદિરની બહાર આવ્યા ત્યારે બધાને પકડી લેવામાં આવ્યા. કલમ 144 લાગુ હતી. બે મહિના સુધી પંજાબમાં આવા દ્રશ્યો સર્જાતા રહ્યા. 30,000 શીખોની ધરપકડ થઈ. જેલોમાં પણ જગ્યા ખુટી પડી. સત્યાગ્રહીઓને શિબિરો અને ઘરોમાં રાખવા પડતા. 15 ઓક્ટોબર 1983ના રોજ ઈન્દિરા ગાંધીએ બધા સત્યાગ્રહીઓને છોડી મુક્યા અને શાંતિ પ્રક્રિયા ઝડપભેર આગળ ધપાવી. ઓલમોસ્ટ તમામ પ્રશ્નો સોલ્વ થઈ જવાની અણી પર હતા પણ આનંદપુરસાહેબ પ્રસ્તાવ(જેમાં પેલી કેન્દ્રની સત્તા મર્યાદિત કરવાની વિવાદીત માંગ હતી) મુદ્દે ગુંચ યથાવત હતી. કમિશનો બનતા ગયા અને રાજકીય ગીધડાઓ પંજાબની આગમાં પોતાના રોટલા શેકતા રહ્યા. પરિસ્થિતિ વણસતી ગઈ. એ દિવસોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ રહી જ નહોતી. ભિંડરાંવાલેએ શીખોને આહવાહન કરેલુ કે તેઓ બાઈક અને રિવોલ્વર ખરીદીને પંજાબના હિન્દુઓને મારવાનુ ચાલુ કરી દે. તેના આ આહવાહનથી દેશ સ્તબ્ધ હતો.
વસતિ ગણતરીમાં હિન્દુઓને પોતાની માતૃભાષા પંજાબીના બદલે હિન્દી લખવાનુ આહવાહન કરનારા ‘હિંદ સમાચાર’ના સંપાદક લાલા જગત નારાયણની 9 સપ્ટેમ્બર, 19814ના રોજ ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હત્યા પાછળ ભિંડરાંવાલેનો જ હાથ હોવાની બચ્ચે બચ્ચાને ખબર હોવા છતાં ભિંડરાંવાલેને થાબડભાણા કરી તેની તાકાત અને ખૌફમાં વધારો કરવામાં આવ્યો. એ હદ સુધી કે તેની બતાડવા પૂરતી અટકાયત કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો એટલુ જ નહીં પણ આ વાતની ઘોષણા તત્કાલિન ગૃહમંત્રી (અને ભિંડરાવાલેના ઉદય પાછળનુ ભેજુ, જે પછીથી રાષ્ટ્રપતિ બન્યા.)એ સંસદમાં ઘોષણા કરી કે તેની વિરુધ્ધ કોઈ પૂરાવા નથી. પંજાબ અને સુર્વણ મંદિરનો ઈતિહાસ સુવર્ણ નહીં પણ રક્તિમ અક્ષરે લખાઈ રહ્યો હતો. પંજાબને ખાલિસ્તાન દેશ બનાવવાની માંગ પણ ઉઠવા લાગેલી. જેને બ્રિટન, જર્મની અને કેનેડાના શીખોનું સમર્થન મળવા લાગેલુ. આજે પણ કેનેડામાં ખાલિસ્તાનવાદી તત્વોના મૂળ ખાસ્સા ઉંડા છે. એટલુ જ નહીં કટ્ટરપંથી તત્વો ત્યાંની સરકારમાં પણ ખાસ્સો એવો પ્રભાવ ધરાવે છે.
સીપીએમ નેતા હરકિશનસિંહ સુરજીતે સંસદમાં ચોખ્ખો આક્ષેપ મુક્યો કે ભિંડરાંવાલેને કોંગ્રેસ અને અકાલી દળનું સમર્થન મળી રહ્યુ છે. એ જ અરસામાં ભિંડરાંવાલે પોતાના હથિયારબંધ સાથીઓ સાથે દિલ્હી અને મુંબઈ સુધી ફર્યો. તે એક ઓપન ટ્રકમાં બેઠો હતો અને સાથે અનેક ટ્રકોમાં તેના શસ્ત્રસજ્જ સાથીઓ હતા. આ રીતે તેણે આખા દિલ્હીમાં સરઘસ કાઢેલુ. આજના યુગમાં તમે કલ્પના પણ કરી શકો કે કોઈ આતંકવાદી દિલ્હીમાં આ રીતે ખુલ્લેઆમ ફરી શકે?
આ જ અરસામાં પત્રકાર કુલદિપ નાયરે ભિંડરાંવાલે સાથે મુલાકાત કરેલી. પોતાની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’માં કુલદિપ નાયરે નોંધ્યા મુજબ તેમણે ભિંડરાંવાલેને પૂછ્યું કે, ‘તમારી આસ-પાસ સતત હથિયારધારી માણસો કેમ હોય છે?’ ભિંડરાંવાલેએ સામો સવાલ કર્યો કે, ‘પોલીસવાળા કેમ હથિયાર સાથે ફરે છે?’ કુલદિપ નાયરે કહ્યું, ‘પોલીસ તો રક્ષણ માટે સરકારે રાખી છે.’ ભિંડરાંવાલેની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. તેણે કહ્યું કે, ‘એમને કહો કે અમારી સામે ટક્કર લઈ જુએ, ખબર પડી જશે કે સરકાર કોની છે.’
એ સમયગાળામાં પંજાબમાં હત્યાઓની કોઈ નવાઈ નહોતી. પણ સૌથી વધુ ચર્ચાસ્પદ હત્યા હતી ડીઆઈજી અવતારસિંહ અટવાલની. પત્રકાર સતિશ જેકબના વર્ણન મુજબ ડીઆઈજી અટવાલ સુવર્ણ મંદિરમાં માથુ નમાવીને બહાર આવી રહ્યા હતા. તેમના હાથમાં પ્રસાદ હતો. કેટલાક હથિયારધારી શખ્સો સુવર્ણ મંદિરમાંથી બહાર આવ્યા, અટવાલને ગોળીઓથી વિંધી નાખ્યા અને પાછા અંદર ચાલ્યા ગયા. કેન યુ ઈમેજીન કે એક ડીઆઈજી કક્ષાના અધિકારીની આ રીતે ધોળે દા’ડે હત્યા થઈ જાય અને તેમની લાશ પણ કબ્જે કરવાની પોલીસની હિંમત ન થાય? બે કલાક સુધી પંજાબના ડીઆઈજીની લોહીઝાણ લાશ એમ જ પડી રહી. અંતે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી દરબારાસિંહે સુવર્ણ મંદિરમાં ભિંડરાંવાલેને ફોન કર્યો અને કહ્યું કે, ‘બહાર બે કલાકથી અવતારસિંહની લાશ પડી છે.’ ભિંડરાંવાલેએ બહુ જ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, ‘તો હું શું કરું?’ મુખ્યમંત્રીએ લાશ ઉઠાવવા દેવા માટે ભિંડરાંવાલેને રીતસરની વિનંતી કરી ત્યારે ભિંડરાંવાલેએ ઉપકાર કરતો હોય એ રીતે કહ્યું કે, ‘કહી દો તમારી પોલીસને, કે લાશ લઈ જાય અહીંથી.’
ભિંડરાંવાલે નામ પંજાબમાં ખૌફનો પર્યાય બની ગયુ હતું. લંગર માટેના અનાજ-પાણીના ટ્રકોમાં હથિયારો સુવર્ણ મંદિરમાં ઠલવાઈ રહ્યા હતા. બાંગ્લાદેશ યુદ્ધના હિરો મેજર જનરલ સહબેગસિંહ સુવર્ણમંદિરમાં જ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. આખુ પંજાબ એક જ્વાળામુખીની ટોચ પર બેઠુ હતું. ભિંડરાંવાલેના ખાલિસ્તાની આતંકવાદી સંગઠનને નાથવાનુ પોલીસની ક્ષમતાની બહાર તો ક્યારનું’ય નીકળી ગયુ હતું. અંતે ઈન્દિરા ગાંધીએ એક સાહસિક નિર્ણય લઈને જ્ઞાની ઝેલસિંહને પણ અંધારામાં રાખીને અમૃતસરને સેનાના હવાલે કરી દીધુ અને બ્રિગેડિયર જે.એસ. બરારની આગેવાનીમાં ઓપરેશન બ્લૂ સ્ટારનો પ્રારંભ થયો. પાકિસ્તાને સુવર્ણમંદિરમાં એકે-47, રોકેટ લોન્ચર્સ અને ગ્રેનેડનો મોટો જથ્થો ઠાલવી દીધેલો. અમૃતસરમાં કરફ્યૂ લાદી ટેલિફોનની તમામ લાઈનો કાપી નાખવામાં આવી. સેનાના 25 કમાન્ડોની એક ટુકડી મંદિરમાં પ્રવેશી અને આખી રાત સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થતો રહ્યો. જમીનની સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓએ કમાન્ડોની ટુકડીને વિંધી નાખી એ સેના માટે મોટો ઝાટકો હતો. સેનાએ થોડો સમય માટે ઓપરેશન અટકાવી દીધુ.
6 જૂનની રાત્રે નવ વાગ્યે આખા શહેરની વિજળી પણ કાપી નાખવામાં આવી. 7 લાખની વસતિવાળુ અમૃતસર અંધારપટમાં ડુબી ગયું. અડધો કલાક પછી મોર્ટારના ધમાકાઓ અને મશીનગનોના અવાજથી આખુ શહેર ધણધણી ઉઠ્યું. લગભગ અડધુ શહેર અગાસીઓ પર ચડીને આ ભયાનક યુદ્ધ જોઈ રહ્યું હતું. સુવર્ણ મંદિર તરફનું આખુ આકાશ લાલ થઈ ગયુ હતું. મોટા ધડાકાઓના અવાજથી માઈલો દૂર સુધીના ઘરોના બારી-દરવાજા ધધડી રહ્યા હતા. બીજી તરફ શહેરની બહારના રસ્તાઓ પરથી શીખોના ટોળે ટોળા અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ‘શીખ પંથ ઝિંદાબાદ’ અને ‘હમારે નેતા ભિંડરાવાલે’ના નારાઓ બાદ મશીનગનો ધણધણતી અને ચીસોના અવાજો સંભળાતા. સવારે 4 વાગીને 10 મિનિટે બ્રિગેડિયર કુલદીપસિંહ બરાર રામદાસ સરાઈ તરફથી એસીપી ટેંકો સાથે અકાલ તખ્ત તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ અકાલ તખ્ત તરફથી અણધાર્યા ત્રાટકેલા એન્ટી ટેંક રોકેટે એક ટેન્કને તોડી નાખી. સેનાને આશા નહોતી કે આતંકવાદીઓ પાસે એન્ટી ટેંક રોકેટ પણ હશે. એ પછી ગુરુ રામદાસ સરાય તરફ 7 ટેંકો મોકલવામાં આવી. એ રાત અમૃતસર માટે કોઈ કાળમુખા સ્વપ્ન સમાન રહી. વાતાવરણમાં માથુ ફાડી નાખતી શબોની દુર્ગંધ પ્રસરી રહી હતી. સીધી લડાઈ લગભગ 12 કલાક એટલે કે સવારના 10 વાગ્યા સુધી ચાલી. પછી ધીમે ધીમે ગોળીબારના અવાજો અટકવા લાગ્યા. ત્યાં સુધી અનિશ્વિત મુદ્દત સુધી કરફ્યૂ વધારી દેવામાં આવ્યો. શરૂઆતના આંકડા પ્રમાણે ભિંડરાવાલે સહિત 800 આતંકવાદીઓ અને સેનાના બે ભૂતપૂર્વ જનરલ સહિત 200 સૈનિકોએ જીવ ગુમાવ્યા. સ્મશાન ઘાટમાં લાકડા ખૂટી પડતા 20-20ની અંતિમક્રિયા સાથે કરવાની નોબત આવી. સુવર્ણ મંદિર પર સેનાના કબ્જા બાદ પણ 8 જૂન સુધી ક્યાંક ક્યાંક ખુણેખાંચરેથી ગોળીબારો થતા રહ્યા.
જોકે, ઓપરેશન બ્લૂ સ્ટારનો અંત પણ ખાલિસ્તાન મૂવમેન્ટનો અંત નહોતો. ત્યારબાદ પણ પંજાબ લગભગ એકાદ દાયકા સુધી આતંકવાદનો સામનો કરતુ રહ્યું. ઓપરેશન બ્લૂ સ્ટારના બદલામાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એના બદલામાં દિલ્હીમાં શીખોનો નરસંહાર થયો. પંજાબના મુખ્યમંત્રી બિયંતસિંહે પણ જીવ ગુમાવ્યો.
ટ્રૂડો સામેની ભારત સરકારની ચીડ એ હકિકત પરથી સમજી શકાશે કે કેનેડિયન વડાપ્રધાન ટ્રુડોએ ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી છતાં 2017ના એપ્રિલમાં ટોરંટોમાં શીખો દ્વારા યોજાયેલી ખાલસા ડે પરેડમાં ભાગ લીધો હતો, જેમાં ભિંડરાંવાલે સહિતના શીખ આતંકવાદીઓને હિરો ચિતરતા ફ્લોટ્સ રાખવામાં આવેલા.
ફ્રિ હિટ :
કેનેડિયન વડાપ્રધાનની પત્નીની તસવીર જેની સાથે આવી છે એ જસપાલ અટવાલ પ્રતિબંધિત સંગઠન ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સાથે સંકળાયેલો છે. તેણે 1986માં વાનકુંવરમાં પંજાબના મંત્રી મલ્કિયતસિંહ સિદ્ધુની હત્યાનો પ્રયાસ કરેલો. સિદ્ધુ જોકે એ પ્રયાસમાંથી બચી ગયેલા પણ પછીથી પંજાબમાં તેમની હત્યા થઈ ગઈ.