skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

MOM : જૂના પ્લોટમાં ‘નવી’ મમ્મી, સાવકી માની એક ઠાવકી ફિલ્મ!

July 13, 20172 second read
                                               

 ફિલ્મના નામ અને પ્રોમો પરથી જ સ્પષ્ટ હતુ કે આ એક રેપ-રિવેન્જ સ્ટોરી છે. પુત્રી સાથે બળાત્કાર થાય છે. ગુનેગારોને સજા અપાવવામાં કાનૂનના લાંબા હાથ ટૂંકા સાબિત થાય છે. આરોપીઓ ‘બાઈજ્જત બરી’ થઈ જતા અન્યાયબોધ અને આક્રોશથી પીડાતી માતા વિફરેલી વાઘણ બનીને ગુનેગારોને સજા આપે છે. આ પ્લોટ આ પહેલા પણ અનેક ફિલ્મોમાં આવી ગયો હોવાથી અહીં આપણે માત્ર ‘કબ, કહાં ઓર કૈસે?’ એ જ જોવાનુ રહે છે. અહીં ફરક માત્ર એટલો જ છે કે જૂના પ્લોટમાં મમ્મી ‘નવી’ એટલે કે સાવકી છે. હવે ‘નવી મમ્મી’ તો કોને ગમે? એટલે પુત્રી નવી માતાને મોમ નહીં પણ મેમ કહેતી હોય છે અને અંતમાં પુત્રીને ન્યાય અપાવવા એ બધુ જ કરી છૂટે છે ત્યારે પુત્રી મેમની બદલે મોમ બોલે છે. આ મેમથી મોમ સુધીનો ડ્રામા એટલે ફિલ્મ ‘મોમ’. જોકે, માતા સાવકી હોવાથી ફિલ્મમાં માતા-પુત્રીના સંબંધોની બારિકીઓનું એક લેયર પણ ઉમેરાય છે.

એઝ એક્સપેક્ટેડ ‘વુમન ઓફ ધ ફિલ્મ’ શ્રી દેવી જ છે. કારકિર્દીના પચાસમા વર્ષે પણ અડિખમ ઊભેલી આ અભિનેત્રીએ પોતાની 300મી ફિલ્મમાં અભિનયની પણ ત્રેવડી સદી ફટકારી છે. અવાજને હાઈ-લો તો બધા કરી જાણે પણ અવાજમાં ભયસૂચક થથરાટ દર્શાવતી ધ્રુજારી લાવવી દરેક એક્ટરના ગજાની વાત નથી.ટ્રેલરમાં પેલા ‘લો આ ગઈ ઉસકી મા’ ડાયલોગવાળુ દ્રશ્ય જોયુ હોય તો એમાં શ્રીદેવીની આંખ ખાસ નોટિસ કરજો. એ દ્રશ્યમાં ઘડીના છઠ્ઠા ભાગમાં આંખમાં ખુન્નસનો ચમકારો લાવીને ગાયબ કરી દે છે શ્રીદેવી. ફિલ્મમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ દયાશંકર કપૂરનું પાત્ર ભજવતો નવાઝુદ્દિન સિદ્દીકી હંમેશાની જેમ અનોખા લૂક સાથે પાત્રમાં બરાબર ઘુસી જાય છે, પણ જો ડિરેક્ટરે એ પાત્રને થોડું પણ વધારે ખેંચ્યુ હોત તો એનુ કેરેક્ટર થોડું કાર્ટૂન જેવુ બની જવાનો ડર હતો. આમ પણ એ કેરેક્ટર ફૂલ કન્વિન્સિંગ તો છે જ નહીં. ફિલ્મમાં શ્રીદેવીની વિક્ટિમ પુત્રી આર્યા બનતી પાકિસ્તાની એક્ટ્રેસ સજલ અલીની એક્ટિંગ દાદ માંગી લે છે. બળાત્કાર પીડિતાને લાગેલા આઘાતને એ બરાબર દર્શાવી જાણે છે. આરોપીઓ નિર્દોષ છૂટ્યા બાદનુ એનુ રિએક્શન જોવા જેવું છે. અક્ષય ખન્નાનું કામ સારું છે પણ ખાસ નવું નથી અને એના ભાગે વધુ કંઈ કરવાનુ આવ્યુ પણ નથી. પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકી પડદા પર દમદાર લાગે છે. અભિમન્યુસિંહ વિલન તરીકે દર્શકોમાં ચીડ અને પડદા પર ખૌફ જગાવવામાં સફળ રહે છે.

ફિલ્મના લોજીકમાં અનેક ઠેકાણે આખાને આખા હાથી પસાર થઈ જાય એવડા મોટા ગાબડા છે. શરૂઆતથી જ પ્રેડિક્ટેબલ ફિલ્મ સેકન્ડ હાફમાં વધુ પ્રેડિક્ટેબલ બની જાય છે. આમ છતાં પોતાની પ્રથમ જ ફિલ્મ ડિરેક્ટ કરી રહેલા મૂળ પેઈન્ટર-ઈલ્સ્ટ્રેટર-વિઝ્યુલાઈઝેર રવિ ઉદયાવર બોલિવૂડમાં એક સશક્ત ડિરેક્ટર તરીકેની નોંધ લેવડાવવામાં સફળ થયા છે. કશુ પણ ન બતાવીને ઘણુ બધુ બતાવી જતો રેપનો સિન કાબિલ-એ-દાદ છે. યુવતીને કારમાં ઉઠાવવામાં આવે છે. પછી કાર ચાલતી હોય એનો ડ્રોન એંગલથી શોટ ચાલે છે, કાર ચાલતી જાય છે અને એક ભયંકર બેકગ્રાઉન્ડ સંગીત વાગતુ રહે છે, જેના આધારે તમારે માત્ર કલ્પના જ કરવાની રહે કે અંદર પેલી યુવતી સાથે શું બની રહ્યું હશે. વિક્ટિમ દ્વારા હોસ્પિટલમાં બંધ કરાતો અને અંત પહેલાના એક દ્રશ્યમાં એના દ્વારા જ ખોલવામાં આવતો પડદો પણ ઘણો સૂચક છે.

સાચુ કહું તો આ પડદાવાળુ મેટાફોર મારા ધ્યાનમાં જ નહોતુ. પણ ગઈકાલે ફિલ્મ જોતી વખતે જોગાનુજોગ બાજુમાં ફિલ્મોના મેટાફોરના કોઠા વિંધવામાં એક્સપર્ટ અભિમન્યુ બેઠો હતો. એણે એ દ્રશ્ય ભજવાય એ પહેલા જ ભાખી દીધેલુ કે હવે પડદો ખુલશે. 2013માં ‘ટેબલ નંબર 21’ વખતે અમે દિવ્ય ભાસ્કરમાં પરેશ રાવલનો ઈન્ટરવ્યૂ કરી રહ્યાં હતા ત્યારે એમણે એક સરસ વાત કહેલી કે, ‘નાટક એવું હોવું જોઈએ કે મંચ પર પડદો પડે અને એ સાથે જ દર્શકના દિમાગનો પડદો ખુલી જાય.’ અહીં અભિમન્યુ ફિલ્મનો પડદો પડે અને ફિલ્મમાં સજલ અલી પડદો ખોલે એ પહેલા જ પડદા ખોલીને આપણા દિમાગ આડે પડેલા પડદા દૂર કરતા રહે છે. (માન ગયે અભિમન્યુ)

એક દ્રશ્યમાં માતા દેવકી સબ્રવાલ મહાભારતની થીમ પરના પેઈન્ટિંગ એક્ઝિબિશનમાં દુશાસનના લોહીથી વાળ ધોતી દ્રોપદીના એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગને તાકી રહે છે. બેકગ્રાઉન્ડમાં એવું જ એક એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ દેખાય છે. જેમાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતા છે. એ જ ભીષ્મ, જે દ્રૌપદીનું ચીરહરણ નજર સામે જ થતુ હોવા છતાં અટકાવી નહોતા શક્યા. એવું લાગે જાણે મનોમન પોતાની પુત્રીનું ચીરહરણ કરનારાઓના રક્તથી ચોટલો બાંધવાની ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠેલી દ્રૌપદી અને બેકગ્રાઉન્ડમાં આધુનિક દ્રૌપદીનું ચીરહરણ અટકાવવામાં નિષ્ફળ ગયા બાદ શિથિલ થઈને બાણશૈયા પર પડેલો કાનૂન. મહાભારતના પ્રતિકો આવવાનું એ પણ હોઈ શકે છે કે ફિલ્મનો સ્ક્રિનપ્લે લખ્યો છે ગીરીશ કોહલીએ. જેમની બુક ‘મેરેથોન બાબા’ 2012માં દેશના ટોપ બેસ્ટ સેલર્સમાં હતી. જે મહાભારતના કર્ણથી ઈન્સપાયર્ડ હતી.નવાઝ અને શ્રીદેવી તેમજ નવાઝ અને અક્ષય ખન્ના વચ્ચેના કેટલાક સંવાદો અને દ્રશ્યો ગંભીર માહૌલમાં ક્યાંક ક્યાંક હળવી રમૂજ પણ કરાવી જાય છે.

સંગીત એ.આર. રહેમાનનું છે પણ એકવાર સાંભળવાથી જ હૈયે કે હોઠે રહી જાય તેમ નથી, પણ બે ત્રણ વાર શાંતિથી સાંભળવાથી ‘ઓ સોના તેરે લિયે…’ની મેલોડી કાનને આહલાદક અનુભવ કરાવશે. ઓવરઓલ, કાનૂનની અંધ દેવીના (અ)ન્યાય બાદ રણચંડી બનીને રણે ચડતી અભિનયની (શ્રી)દેવીની આ ફિલ્મ એકવાર સહપરિવાર જોવા જેવી તો ખરી જ.

ફ્રિ હિટ :

(ફિલ્મનો એક સંવાદ)

નવાઝુદ્દિન : મેં ભી અપની મા કી તરાહ સિંગર બનના ચાહતા થા.

શ્રીદેવી : તુમ્હારી મા સિંગર થી?

નવાઝુદ્દિન : નહીં, વો ભી બનના ચાહતી થી.

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top