skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

બાપુ : નિરૂત્તર રહેતા સવાલો ને સવાલો પેદા કરતા જવાબો

June 24, 201712 second read

TUSHAR DAVE·SATURDAY, 24 JUNE 2017

પેટા : એ સમયે મારી ઉંમર એકવીસેક વર્ષની હશે. બાપુ મારી કુલ ઉંમર કરતા પણ વધારે વર્ષોથી પત્રકાર પરિષદો સંબોધતા અને મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા (લખ્યા તા. 16 મે 2017)

2011નું વર્ષ હતું. 2012માં વિધાનસભાની ચૂંટણી થવાની હતી. ત્યારે પણ બાપુ આ વખતની જેમ જ ‘એક્ટિવ’ થયેલા.એ રવિવારે શંકરસિંહે રાજકોટમાં ક્ષત્રિયોની એક સભા સંબોધી. જેમાં તેમણે છાસ લેવા જતી વખતે દોણી ન સંતાડવાની સ્પષ્ટ વાત કરીને ચૂંટણી જીતવા ક્ષત્રિય સમાજનો સહયોગ માંગેલો. તેમણે સમાજને એ યાદ અપાવ્યું કે તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે સમાજનો કેવો સહયોગ મળેલો. સમાજ જો ફરીથી સહયોગ કરે તો બાપુ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે એ વાતનો અણસાર આપીને તેઓ જ કૉંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોવાનો દાણો પણ દાબ્યો. જેથી સમાજ અવઢવમાં ન રહે અને તેઓ જ મુખ્યમંત્રી બનવાના છે તેમ માનીને તેમના નામે નિશ્ચિત થઈને મત આપે. બદલામાં કોઈના છોકરા-છોકરીને ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન જોઈતુ હોય તો એમણે કોલેજ ખોલી જ છે કહીને સંપર્ક કરવા સહિતના અન્ય અનેક પ્રલોભનો આપેલા. ‘લોકસમર્થન’ માટે મેં એ સભાનું કવરેજ પતાવ્યું.

સભા બાદ તરત જ શંકરસિંહ સર્કિટ હાઉસ જવા નીકળ્યા, જ્યાં તેઓ પત્રકાર પરિષદ સંબોધવાના હતા. ટેક્નિકલી મારે એ પી.સી.માં હાજર રહેવાનું જ નહોતું, કારણ કે મારાથી સિનિયર પત્રકાર અને કોર્પોરેશન-પોલિટિકલ બીટ સંભાળતા હિરેન પારેખ એ કવર કરવાના હતા ને તેઓ ત્યાં પહોંચી પણ ગયેલા. રવિવારે આમ પણ રાજકોટના સાંજના છાપામાં રજા હોય ને આમ પણ મારે બીજુ કોઈ કામ નહોતું ને મને રસ હતો તે હું પણ હિરેનભાઈની મંજૂરી લઇ ત્યાં પહોંચી ગયો.

પી.સી.માં પત્રકારોને બ્રીફ કરતા એક જગ્યાએ શંકરસિંહ બોલ્યા કે, ‘અમને એવી શંકા છે કે આ ભાજપ સરકાર ચૂંટણી પહેલા વેટ ઘટાડશે. પણ જેવી ચૂંટણી પતશે કે તરત જ તેઓ વેટમાં વધારો કરી દેશે.’ તેમની આ લાઇન્સ પરથી મને એક સવાલ સુઝ્યો એટલે ત્યારે જ હિરેનભાઈ પાસેથી સવાલો કરવાની પણ લીલીઝંડી લઈ લીધી.

બ્રીફિંગ બાદ જેવો પત્રકારોનો સવાલો પૂછવાનો વારો શરૂ થયો કે મેં સવાલ પૂછ્યો કે, બાપુ, હમણા જ તમે કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા વેટ ઘટાડશે અને ચૂંટણી પછી વેટ વધારી દેશે. એના પરથી તો એવું લાગે છે કે તમે પણ એવું જ માનો છો કે કૉંગ્રેસ પ્રચાર ગમે તેટલો કરે પણ સરકાર તો ભાજપની જ બનશે. નહીં તો તમે ભાજપ સરકાર ચૂંટણી પહેલા વેટ ઘટાડશે અને ચૂંટણી પછી ભાજપ સરકાર જ વેટ ઘટાડશેએમ કહેવાના બદલે આ ભાજપ સરકાર વેટ ઘટાડે કે ન ઘટાડે પણ ચૂંટણી બાદ સત્તા પર આવીને કૉંગ્રેસ વેટ ઘટાડશેએમ કહ્યું હોત ને…?’ વચ્ચે શ્વાસ પણ લેવાની જગ્યા ન રાખતા એકી શ્વાસે હું આ સવાલ બોલી ગયો. એ સમયે મારી ઉંમર એકવીસેક વર્ષની હશે. મારી કુલ ઉંમર કરતા પણ વધારે વર્ષોથી પત્રકાર પરિષદો સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘મારો કહેવાનો મતલબ….’થી શરૂ થતા એક વાક્ય સહિતના કેટલાક વાક્યો બોલીને ‘વાળ લીયા…વાળ લીયા…’ કરવાનો પ્રયાસ તો કર્યો, પણ અન્ય સવાલોની તૂલનાએ મારા સવાલ અને તેમના જવાબ વચ્ચે પડેલા કેટલીક વધુ સેકંડ્સના ગેપ અને જવાબના પ્રથમ ત્રણ શબ્દો મારો કહેવાનો મતલબમાં વર્તાતી બ્રીફિંગ સમયની પોતાની વાક્યરચનામાં કંઇક બફાઈ ગયું હોવાની ભોંઠપની નોંધ બધાએ લીધી હતી.

આ કિસ્સાની વાત યાદ આવી કારણ કે બે દિવસ પહેલા જ બાપુએ કહ્યું કે, ‘ચૂંટણીઓ બહુ લડ્યાં, હવે ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે લડીશું?’ તેમના આ નિવેદન પર આજથી લગભગ છ-સાત વર્ષ પહેલાની એ પત્રકાર પરિષદની જ તર્જ પર બાપુને સવાલ કરવાની ઈચ્છા થાય છે કે, ‘હવે(એટલે કે હવે છેક) પ્રજાના પ્રશ્નો માટે લડીશું એટલે શું? તમે કહો છો કે ‘હવે’ ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે લડવાનુ હોય તો એનો મતલબ શું એવો થાય છે કે અત્યાર સુધી તમે પ્રજાલક્ષી નહીં પણ ચૂંટણીલક્ષી જ કામગીરી કરતા હતા? ને કૉંગ્રેસમાં હરિરસ ખાંટોથયો છે ત્યારે કે ચૂંટણી માથે આવીને ઊભી છે ત્યારે જ કેમ પ્રજાના પ્રશ્નો સાંભરી આવે છે?’ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો માટે લડવાના બદલે જ્યારે અણીના ટાઈમે જ ફસકીને ભાજપ સાથે કુલડીમાં ગોળ ભાંગી લો છો ત્યારે પ્રજા કેમ યાદ નથી આવતી? માર્ચ 2015માં વિધાનસભાના અંદાજ પત્ર સત્રમાં ગૃહમાં તોડફોડ થયેલી એ યાદ છે? એ સમયે પણ મેં એ પ્રકરણ પર `દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ‘તોડફોડીયા તત્વોવિધાનસભાએ મંડાય છે…!` મથાળા હેઠળ એક લેખ લખેલો. જેમાં અધ્યક્ષના વાલીપણા હેઠળ ગૃહમાં તોડફોડ જેવા ગંભીર મુદ્દે સત્તા-વિપક્ષ દ્વારા એક-બીજાની દાઢી પસવારી લેવાની બેશરમ ઘટનાનુ પ્રકરણ આલેખ્યું હતું. એ જ લેખમાંથી તમને સાંકળતા બે અલગ અલગ ફકરા અહીં યથાતથ મુકુ છું.

વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, `કાયદાના રાજ્યમંત્રી જાડેજા જે તોડફોડનું દોષારોપણ અમારા પર કરી રહ્યા છે તે વાસ્તવમાં ભાજપના ધારાસભ્યોએ જ કર્યુ છે.` કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપે જ તોડફોડ કરીને કોંગ્રેસને બદનામ કરવા મીડિયાને અંદર બોલાવી દ્રશ્યો કેમેરામાં કેદ કરાવ્યા. કોંગ્રેસના સાત ધારાસભ્યોએ સેકટર 7 પોલીસમાં એક અરજી કરી વિધાનસભા ઉપાધ્યક્ષ, કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સામે કોંગ્રેસી સભ્યો પર હૂમલો કરવા બદલ એફઆઈઆર નોંધવા માંગ કરી. વિધાનસભામાં તોડફોડ અંગે આ અરજીમાં કોંગ્રેસે સ્પષ્ટ નોંધ્યુ છે કે, તોડફોડ ભાજપના ઈશારે કરાવીને અમારા સાથી ધારાસભ્યો સામે ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સામસામી આક્ષેપબાજી બાદ સત્રના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંન્ને એક જ પાટલે બેસીને છેલ્લી પાટલીએ ઉતરી ગયા. ગૃહમાં ઘમાસાણ મુદ્દે સમાધાન થઈ ગયુ. બંન્ને પક્ષના નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગી એક-બીજાની દાઢી પસવારી લીધી. નક્કી એવું થયુ કે કોંગ્રેસ વિધાનસભામાં થયેલી તોડફોડનો ખર્ચો ચૂકવી દેશે અને ભાજપ તેમની સામેની ફરિયાદ પાછી ખેંચી લેશે. વિધાનસભામાં શિસ્ત જાળવવાની જેમની જવાબદારી છે અને જેમને તોડફોડની ઘટના ગુજરાતના ઈતિહાસમાં કદી માફ કરવા જેવી લાગતી નહોતી તેવા ખુદ અધ્યક્ષે માથે રહીને આ સમાધાન કરાવ્યું. તોડફોડીયા ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરાવી બીજી વાર આવી ઘટના ન બને એ માટેનો દાખલો બેસાડવાના બદલે ભાજપ અને કોંગ્રેસના ચાર ચાર નેતાઓને હાજર રાખી સમાધાન કરાવ્યા બાદ ગૃહમાં જાહેરાત કરી કે બંન્ને પક્ષો વચ્ચે સંવાદ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયુ છે. સમાધાનમાં કોંગ્રેસની હાલત હાસ્યાસ્પદ થઈ ગણાય. ખાસ કરીને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાની. બાપુ તો છાતી ઠોકીને મીડિયા સામે કહેતા હતા કે તોડફોડ ભાજપના જ ધારાસભ્યોએ કરી છે. તો બાપુએ જવાબ આપવો જોઈએ કે જો તોડફોડ ભાજપના ધારાસભ્યોએ કરી હોય તો તેનું નુકસાન ચુકવવા કોંગ્રેસના ધારાસભ્યો શા માટે તૈયાર થયા? કોંગ્રેસ નુકસાન ચુકવવા તૈયાર થઈ એ જ એ વાતની સાબિતી નથી કે વિધાનસભામાં તોડફોડ કોંગ્રેસના સભ્યોએ કરી હતી?

વિધાનસભામાં તોડફોડના નુકસાનની રકમ તો કોંગ્રેસે ચુકવી દીધી હશે પણ બાપુ તમને પૂછાયેલા પણ નિરૂત્તર રહેલા સવાલો કે નવા સવાલો ઊભા કરતા તમારા જવાબોએ કરેલા નુકસાનની કિંમત કોંગ્રેસ આજે પણ ચુકવી રહી છે અને ભવિષ્યમાં પણ ચુકવતી રહેશે.

ફ્રિ હિટ :

આઈ રિપિટ કે જો ત્રણ તલાકની પ્રથા હિન્દુઓમાં હોત તો દહેજ જેવા સામાજિક દૂષણોની જેમ અંગ્રેજકાળમાં જ તેને તિલાંજલિ આપી દેવાઈ હોતને ક્યારનો કાયદો પણ બની ચુક્યો હોત.

Top of Form

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top