skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

ટ્યૂબલાઈટ : ‘ભાઈ’, ભાઈના ભાઈ અને ચાઈનિઝ બાઈની એક ‘ડિમલાઈટ’ ફિલ્મ !

June 24, 201725 second read

TUSHAR DAVE·SATURDAY, 24 JUNE 2017

એક ટિપિકલ સલમાન મુવીમાં શું હોય? તો કે સલ્લુના પ્રહારોથી ન્યુટનના નિયમની ઐસી કી તૈસી કરીને હવામાં ઉડતા ગુંડાઓ. તૂટતા હાડકાઓની કડેડાટી ને ફાઈટ સિન્સમાં ફૂટતા માલ-સામાનની કિચુડાટી. ‘કન્ફ્યુઝ હો જાઓગે કી ખાએ કહાં સે ઓર પાદે કહાં સે’ ટાઈપના ચીપ અને તાલીમાર-સીટીમાર વનલાઈનર ડાઈલોગ્સની ભરમાર. સલમાનના દબંગબ્રાન્ડ સિનસપાટા અને મેનરિઝમ. માઈન્ડલેસ કોમેડી અને સેન્સલેસ સિકવન્સિસ. ‘મુન્ની બદનામ’ ટાઈપના ઢીંચાક આઇટમ સોંગ્સના ધૂમધડાકા. ટૂંકમાં એક સારી વાર્તા સિવાયના એ તમામ મરી-મસાલા જે સલમાનના ફેન્સ એક્સપેક્ટ કરતા હોય. સલ્લુ મિયાંની આ પ્રકારની ફિલ્મો વિવેચકોના ચશ્મા ઉપરતળે થઈ જાય એ હદે સફળતા મેળવતી રહે ને દુનિયા જલે તો જલે. એટલે જ જાણીતા ફિલ્મ ક્રિટિક મયંક શેખરે એક વાર એક મસ્ત વાત લખેલી કે, ‘સલમાનની ફિલ્મનો રિવ્યુ કરવો એ અંડરવિયરની ઈસ્ત્રી કરવા જેવું છે, કરો કે ન કરો કોઈ અર્થ નથી. લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ ‘બજરંગી ભાઈજાન’ની જેમ જ આ ફિલ્મમાં એવું કશુ જ નથી.

અમેરિકન ફિલ્મ ‘લિટલ બોય’ની ઓફિશિયલ એડપ્શન એવી ‘ટ્યૂબલાઈટ’નો લોકાલ 1962ના ભારત-ચીન યુદ્ધ વખતનો છે. ફિલ્મની વાર્તા લક્ષ્મણસિંહ બિશ્ત(સલમાન ખાન)ની આસ-પાસ ફરે છે. જે થોડો મંદબુદ્ધી હોવાથી બાળપણથી જ લોકો તેને ‘ટ્યૂબલાઈટ’ કહીને ચીડવતા હોય છે. તે યુદ્ધમાં જોડાયેલા પોતાના ભાઈ ભરત(સોહેલ ખાન)ને પાછો લાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. એવામાં બન્ને ચાચા(ઓમ પુરી) તેને ગાંધીજીના કેટલાક સિદ્ધાંતોના આધારે પોતાની જાતમાં વિશ્વાસ જગાવવાનું કહે છે. કહે છે કે, પોતાની જાતમાં વિશ્વાસ હોય તો પર્વત પણ હલાવી શકાય અને યુદ્ધ પણ રોકી શકાય. પછી પોતાના ભાઈને પાછો લાવવા ‘ભાઈ’ ગાંધીગીરી પર ઉતરી આવે છે. ચીન સાથેના યુ્દધના કારણે લોકરોષ અને અન્યાયનો ભોગ બનતા માતા-પુત્ર(ઝૂઝૂ અને મતિન)ને બચાવીને તેમની સાથે દોસ્તી પણ કરે છે. મૂળ ફિલ્મ લિટલ બોયઅને ટ્યૂબલાઈટનું ટ્રેલર જોઈને લાગેલુ જ કે આ નક્કી સલમાનની લગે રહો મુન્નાભાઈટાઈપની હોવાની. હતુ કંઈક એવું જ પણ કબીર ખાન રાજકુમાર હિરાણી જેવો કમાલ ન સર્જી શક્યા.

સલમાનના ભાગે ઓલમોસ્ટ ‘બજરંગી ભાઈજાન’ જેવું જ એક નિર્દોષ ભલુભોળુ પાત્ર નિભાવવાનું આવ્યુ છે. ફિલ્મના લગભગ દરેક દ્રશ્યમાં તેને મુર્ખામી કે રડમસ હાવભાવ જ દર્શાવવાના આવ્યા છે. ‘બજરંગી’માં તેની એક્ટિંગ બેલેન્સ્ડ હતી પણ અહીં તે ક્યાંક ક્યાંક ઓવર થઈ જતો હોય એવું લાગ્યું. સોહેલ તેની એક્ટિંગની મર્યાદાઓ સાથે પ્રમાણમાં બેલેન્સ એક્ટ કરવામાં સફળ રહ્યો છે. KFCવાળા કોલોનલ સેન્ડર્સ પરથી પ્રેરિત લૂકમાં ઓમ પુરીને મોટા પડદા પર જૂઓ એ સાથે જ એક સિનેમાપ્રેમી તરીકે દિલમાં એક થડકો આવે કે એક્ટિંગનું કેવડું મોટુ રતન આ ઈન્ડસ્ટ્રીએ ગુમાવી દીધુ છે. ફુલ્લી કન્વિન્સ્ડ ઈન ડેપ્થ એક્ટિંગ બાય ઓમ પુરી. શાહરુખનો કેમિયો પણ નોંધનીય છે. મોહંમદ ઝીશાન અય્યુબનું કાસ્ટિંગ પરફેક્ટ છે. પણ તેના ભાગે જે વારંવાર સલમાનને ફડાકા ચોડવાના આવ્યા છે તે ભાઈના ફેન્સ માટે અસહ્ય બનશે. ઝૂ ઝૂનુ પાત્ર મહત્વનું છે પણ તેનો રોલ ખાસ લાંબો નથી કે નથી તેના ભાગે ખાસ કંઈ કરવાનુ આવ્યુ. ચીન સાથે જોડાયેલી વાર્તા, ત્યાં દંગલને મળેલી સફળતા અને ચીનમાં મોટાપાયે રિલિઝના આયોજનના કારણે જ તેને કાસ્ટ કરવામાં આવી હોય તેવું લાગ્યું. મતિન ક્યૂટ લાગે છે. પણ ‘લિટલ બોય’ના જેકબ કે ‘બજરંગી ભાઈજાન’ની હર્ષાલી મલ્હોત્રા જેટલો નહીં.

ડિસ્કવરી ચેનલના સિનેમેટોગ્રાફર તરીકે કરિયર માંડનારા અને સુભાષચંદ્ર બોઝ પર ‘ધ ફરગોટન આર્મી’ જેવી ડોક્યુમેન્ટ્રી બનાવનારા કબીર ખાનની કોઈ ફિલ્મની વાર્તા એક દેશમાં પૂરી થતી જ નથી. એમનો હિરો બે ત્રણ દેશોની સફર તો અચુક ખેડે જ. જોકે, આ ફિલ્મમાં સેકન્ડ લિડ બોર્ડર પાર જાય છે. સૌ પ્રથમ તો આટલો સુંદર મેસેજ આપતો કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મ એડપ્ટ કરવા બદલ કબીર ખાનને ધન્યવાદ આપવા પડે. કબીર ખાને ‘લિટલ બોય’ને ફ્રેમ ટુ ફ્રેમ ‘ટ્યૂબલાઈટ’માં ઉતારી છે. એમાં વધુ ભારતીય મસાલા કે સલમાનીઝમ ઉમેરવાનો પ્રયાસ કર્યો નથી. ‘ટ્યૂબલાઈટ’ મૂળ ફિ્લ્મ જેટલી જ સિમ્પલ છે. એમાં એકાદ બેને બાદ કરતા બહુ મોટા ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવતા નથી. ડિરેક્ટર મૂળ વાર્તાને વફાદાર રહ્યાં છે એ જ સામાન્ય દર્શકો માટે ફિલ્મને થોડી બોરિંગ બનાવે છે. જે પોસતુ તે જ મારતું. બજરંગીજે કારણોસર સારી બનેલી એ જ કારણો ટ્યૂબલાઈટને ખરાબ બનાવે છે. સલમાનની સામાન્ય ફિલ્મોની રિપિટ વેલ્યુ ખુબ હોય. કોમેડી અને એક્શન જેવા મસાલાના કારણે. અહીં તો મૂળ ફિલ્મ લિટલ બોયજ અતિસુંદર ફિલ્મ હોવા છતાં બીજી વાર જોવાની ઈચ્છા થાય તેવી નથી. ફિલ્મનો મૂળ કોન્સેપ્ટ જે છે એના માટે ભારતીય દર્શકો કેટલા તૈયાર છે એ પણ ચર્ચાનો વિષય છે. સલમાન નામના તત્વને વારેવારે એનકેશ કરીને દર્શકોને વારંવાર રડાવવાનો પ્રયાસ ઉડીને આંખે વળગે છે.

ફિલ્મનો મૂળ પ્રોબ્લેમ એ છે કે તમે એની સાથે ઈમોશનલી કનેક્ટ નથી થઈ શકતા. ફિલ્મની વાર્તા ઈમોશનલ હોય અને સાથે સંદેશ પણ સુંદર હોય ત્યારે દર્શકો એની સાથે કનેક્ટ ન થઈ શકે એ જ સ્ક્રિપ્ટ, સંવાદો અને ડિરેક્શનની ખામી દર્શાવે છે. મારા મતેલિટલ બોયની જેમ મૂળ પાત્રને બાળક જ રહેવા દઈને એના પિતાને બોર્ડર પાર મોકલીને કોઈ ક્યૂટ-ટેલેન્ટેટ બાળકલાકાર સાથે આ ફિલ્મ બનાવી હોત તો એ કદાચ ભારતના ઈતિહાસની શ્રેષ્ઠત્તમ બાળફિલ્મ(અથવા જેનો હિરો બાળકલાકાર હોય તેવી મેચ્યોર્ડ ફિલ્મ) બની શકી હોત. અહીં બાળકની જગ્યાએ મોટી ઉંમરનો મંદબુદ્ધિ અને પિતાની જગ્યાએ ભાઈ બતાવવામાં ઈમોશન્સ જ બેચરાઈ ગયા હોય એવું લાગે છે. સોહેલ ખાન તોડીને ત્રણ કટકા કરી નાખે તેવી એક્ટિંગ કરે તો પણ કેટલા લોકોને તેના પ્રત્યે ઈમોશન્સ જાગવાના? એના વિરહમાં સલમાનભાઈને રડાવી રડાવીને આંસુના પીપ પણ ભરાવી દો તો પણ શું થાય? (‘ભાઈભક્તોને કોઈ ટિસ્યુ પેપર આલજો લા.)

યુદ્ધના દ્રશ્યો ઉતાવળિયા અને ઉપરછલ્લા લાગે છે, એટલે આ ફિલ્મને વૉર ડ્રામા કહેતા પણ થોડો ખચકાટ થાય. આઈ મિન, વૉર તો છોડો પણ જે દેશ યુદ્ધકાળમાંથી પસાર થતો હોય તેનો માહૌલ તો બરાબર ઝીલાવો જોઈએ ને? લોકોના ચહેરાથી માંડીને દિલ-ઓ-દિમાગ પર યુ્દધનો કાળો ડિબાંગ અંધકાર છવાયેલો અનુભવાવો જોઈએ ને? ફિલ્મની મૂળ થિમ એ છે કે બે દેશો વચ્ચેના યુદ્ધની ત્યાંની પ્રજા પર કેવી અસર થાય છે. અલ્ટિમેટલી યુ્દધ કોઈના માટે સારું નથી એ વૈશ્વિક ફિલોસોફી જ ફિલ્મનું હાર્દ છે. (‘ભાઈને વો યુદ્ધવાલા વિવાદીત બયાન ખાલી-પીલી થોડા દિયા થા? વો બયાન હી તો ફિલ્મ કી થિમ થી. પ્રમોશન યુ નો…!) એ માટે ક્યાંક એવું દ્રશ્ય તો આવવું જોઈએ ને કે જે જોઈને દર્શક હબક ખાઈ જાય. યુદ્ધની વાસ્તવિકતા નજીકથી જોઈને એનો આત્મા થથરી ઉઠે અથવા કોઈ એક એવો સંવાદ કે જે દર્શકનું કલેજુ ચીરી નાખે. એ કરી બતાવવા માટે એક જ પ્રતિકાત્મક દ્રશ્ય કે સંવાદ કાફી હોય છે. છેકથી છેક લાઈટ ટોનમાં વહેતી ગુજરાતી ફિલ્મ કરસનદાસમાં સુંદરીયો(હેમાંગ શાહ) એક દ્રશ્યમાં કહે છે કે, ‘માર બાપોય ગટરમાં જ મરેલો.બસ. ફિનિશ. ખત્તમ. આટલુ સાંભળીને કાળુભાને ત્યાં પાણીપુરી ખાનારાના ગળામાં પુરી અટવાઈ જાય હો. દર્શકના દિલમાં એ ડાયલોગ ગટર કરતા પણ વધુ ઉંડાઈએ પહોંચી જાય છે. આવું કંઈ જ ટ્યૂબલાઈટમાં નથી અનુભવાતુ. ‘લિટલ બોય’માં છે એક દ્રશ્ય એવું કે જેમાં યુદ્ધમાં ઘાયલ થવાથી મોરચેથી પાછા ફરી રહેલા સૈનિકોના તૂટેલા અંગોને ‘લિટલ બોય’ સ્તબ્ધ નજરે તાકી રહે છે. (બાય ધ વે ‘લિટલ બોય’વાળો જ મેસેજ આપતી વન્ડર ફિલ્મ ‘વંડર વૂમન’ મસ્ટ વૉચ છે.)

અસિમ મિશ્રાનું કેમેરાવર્ક સારું છે. તેમણે ઝૂ ઝૂના ચહેરા અને લદ્દાખ, કશ્મીર, મનાલીના શ્રેષ્ઠ લોકેશન પર એકસરખી નજાકતથી કેમેરા ફેરવ્યો છે. ફિલ્મમાં બે પાત્રો સત્સંગ લાગે તેવા બોરિંગ સંવાદો ચગળતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં નજર ફેરવતા રહેજો. અદ્દભૂત દ્રશ્યો જોવા મળશે. ફિલ્મનો ડાયરેક્ટર મૂળ એક સિનેમેટોગ્રાફર હોવાથી પડદા પર કેટલો ફર્ક પડે તે ટ્યૂબલાઈટમાં જોઈ શકાય છે. ટ્રાવેલ શોખિનોને આ ફિલ્મ જોયા બાદ એકવાર જગતપુરજવાની ઈચ્છા ન થાય તો જ નવાઈ.

ન્યૂઝનો માણસ હોવાથી મને શરૂઆતથી સવાલ થતો હતો કે મૂળ ફિલ્મમાં તો જાપાન પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બનું નામ જ ‘લિટલ બોય’ હોવાથી ક્લાઈમેક્સના અખબારોની હેડલાઈન સાંકેતિક રીતે મસ્ત સેટ થઈ ગઈ પણ સર્જકો ‘ટ્યૂબલાઈટ’માં શું કરશે? રાઈટર્સ ‘લક્ષ્મણ રેખા’વાળુ અનુસંધાન મસ્ત લઈ આવ્યા. એ જ રીતે ‘તું ભારતીય હોગા તો ભારત માતા કી જય બોલેગા’ જેવા સંવાદોમાં પણ અલ્ટ્રા નેશનાલિઝમનો સારો દાવ લઈ લેવાયો છે. મૂળ ફિલ્મના ધાર્મિક અનુસંધાનની જગ્યાએ ‘વિશ્વાસ’નો પ્રેરણાસ્ત્રોત ગાંધીજીને બનાવ્યા એ ક્રિએટિવિટી માટે લેખક-ડિરેક્ટરને દાદ આપવી પડે. ડિરેક્ટરે ધાર્યુ હોત તો મૂળ કોન્સેપ્ટનો આધાર લઈને સલમાનની ગાંધીગીરીને રાજકુમાર હિરાનીના મુન્નાના લેવલ સુધી લઈ જઈને ફિલ્મને વધુ મનોરંજક બનાવી શક્યા હોત પણ એમાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. પ્રિતમનું સંગીત સારું છે. ગીતો વાર્તાને આગળ ધપાવે છે. ‘સજન રેડિયો’ અને ‘નાચ મેરી જાન’ હિટ છે. ઓવરઓલ આ ફિલ્મ જેમને ‘બજરંગી ભાઈજાન’ ગમી હોય તેમને કદાચ ગમશે અને ‘લિટલ બોય’ જોઈ હોય તેમને ખાસ મજા નહીં આવે. સલમાનના હાર્ડકોર ફેન હોય તો જ જોવી.

ફ્રિ હિટ :

તરણ આદર્શના નીચેના ટ્વિટ મુજબ ‘ટ્યૂબલાઈટ’નું ફર્સ્ટ ડે કલેકશન સલમાનના છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી નબળું પ્રદર્શન છે.

Salman and Eid – Day 1…

2012: #ETT 32.93 cr 2014: #Kick 26.40 cr 2015: #BB 27.25 cr 2016: #Sultan 36.54 cr 2017: #Tubelight 21.15 cr

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top