skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

મીડિયા અને પત્રકારત્વ : મારી દ્રષ્ટિએ

August 30, 201616 second read

TUSHAR DAVE·TUESDAY, 30 AUGUST 2016

-…નહીં તો ચોથી જાગીરની વિશ્વસનિયતાનું બારમુ થતા વાર નહીં લાગે

‘હમણા બે લબોચાની આલીશ ને તો બધા શોખ હોંહરા નીકળી જશે હાળા લલવા….’ એવું કહી દેવાની ઈચ્છા થઈ જાય જ્યારે કોઈ એમ કહે કે, ‘પત્રકારત્વ મારો શોખ છે.’ દેશભક્તિ કદી શોખ હોઈ શકે? કોઈનો ધર્મ કદી શોખ હોઈ શકે? કોઈને કદી એમ કહેતા ભાળ્યા કે, મને તો હિન્દુ(કે ઈસ્લામ કે અન્ય કોઈ) ધર્મ પાળવાનો શોખ? તો પત્રકારત્વને શોખ કહી જ કઈ રીતે શકાય? સામાન્ય માણસના જીવનમાં સોળ સંસ્કારો થાય છે પણ જે પત્રકાર હોય તેનો સત્તરમો સંસ્કાર પણ થાય. એ સંસ્કાર એટલે ન્યુઝ સંસ્કાર.

પત્રકારત્વ કદી દસથી છની જોબ ન હોઈ શકે. જર્નાલિઝમ ઈઝ નોટ ટેન ટુ સિક્સ જોબ, ઈટ ઈઝ ટ્વેન્ટિ ફોર બાય સેવન મેન્ટાલિટી. જર્નાલિઝમ ઈઝ એટિટ્યુડ. પત્રકારત્વ ડીએનએમાં વણાઈ જતુ તત્વ છે. પત્રકારત્વ એટલે બળવો. પત્રકાત્વ એટલે સંઘર્ષ. પત્રકારત્વ એટલે ધર્મ. પત્રકારત્વ એટલે ઈમાન. પત્રકારત્વ એટલે ખુમારી. પત્રકારત્વ એટલે ખુદ્દારી. પત્રકારત્વ એટલે મશાલ. એવી મશાલ જે ઉઠાવનારે પોતાના જ હાથ દાઝીને લાલચોળ થવાની તૈયારી રાખવી પડે. આવા પત્રકારત્વને કોઈ પોતાનો શોખ ગણાવે એટલે ‘માઝી સટકેલ’ થઈ જાય.

ગ્લેમરસ જોબ સમજીને કુદી પડેલા ફૂટકણીયાઓએ આ ક્ષેત્રની ગરિમાની માયાવતી(બહેન)-જયલલિતા(અમ્મા) કરી નાખી છે. આવી ચરકટોના કારણે મીડિયા સામેના ઘણા આક્ષેપોમાં સત્યતા પણ જોવા મળે છે. જેનો હું અને લગભગ દરેક સમજુ મીડિયાપર્સન સ્વીકાર કરે જ છે. એ ચિંતાજનક પણ છે. ને મીડિયા એ અંગે સજાગ પણ થયુ છે. પરંતુ સોશ્યલ મીડિયાના પ્રતાપે આજ-કાલ દરેક લલ્લુ-પંજુ, છગન-મગન, આલિયો, માલિયો, ધમાલિયો, જમાલિયો કે લાલીયો મીડિયા પર કોમેન્ટ કરતો થઈ ગયો છે.

વ્યાજબી કોમેન્ટસ અને ટીકા કાયમ આવકાર્ય જ હોય. એ મીડિયા હોય કે સરકાર, તમામે સાંભળવી જ પડે. પરંતુ મીડિયા માટે ભાંડ કે વેશ્યા જેવા શબ્દપ્રયોગો કરનારાને કહેવાનું કે, જો મીડિયા અને સુપ્રીમ કોર્ટ આ દેશમાં ન હોત તો સરકાર અને અંગ્રેજ શાસનમાં કોઈ ફરક જ ન હોત. પોલીસ કે સરકાર સહિત કોઈપણ સત્તાધીશ એજન્સીને કોઈની પણ પર જુલમ કરતા પહેલા પહેલો ડર મીડિયાનો લાગે છે. એ બિનવિવાદાસ્પદ હકિકત છે. કોમનવેલ્થ અને ટુજીથી માંડી આ દેશના તમામ કૌભાંડો મીડિયાના કારણે જ બહાર આવ્યા છે. અનેક પીડિતોને મીડિયાએ ન્યાય અપાવ્યો છે. જરા વિચાર કરો કે મીડિયાનું અસ્તિત્વ જ ન હોત તો કલમાડીની કેરિયરને જરા પણ આંચ આવી હોત? મીડિયા અને પત્રકારત્વ વિના આ રાજ્યના ગૃહરાજ્ય મંત્રીને જેલમાં જવું પડ્યું હોત?

આજે ગુગલ પર ઘુઘવતા માહિતીના અફાટ સાગર અને સોશ્યલ સાઇટ્સ પર થતા ઘટનાઓના રિયલટાઇમ અપડેશને પત્રકારત્વની પણ તરાહ સમૂળગી બદલી નાખી છે. આવતીકાલે અખબારમાં છપાવાની હોય એ તમામ ઘટનાઓની વિગતો થોડો પણ ટેકનોસેવી હોય તેવા વ્યક્તિ પાસે આજે જ પહોંચી જાય છે. એ પૈકી જે ઘટના અંગે ઊંડાણથી જાણવા ઈચ્છો એ ઘટનાના કિ-વર્ડ્સ સર્ચ એન્જિનમાં નાખવા માત્રથી વિશ્વની અનેક વેબસાઇટ્સ અલાદ્દિનના જીનની જેમ હાજર થઈ જાય છે. ચંદ્રકાંત બક્ષી તો વર્ષો પહેલા લખી ગયા છે કે, ‘આજનો વાચક લેખક કરતા આગળ નીકળી ગયો છે.’ અનેક વિગતો-વિષયોમાં લેખક કરતા વાચક વધુ જાણતો હોય એ આજના યુગમાં સ્વાભાવિક છે. ગુગલિયા મહાદેવને ભજીને અને વિકિપીડિયા નામના માહિતીના અખૂટ(પણ પ્રમાણમાં અવિશ્વસનિય) અક્ષયપાત્રને નીચોવીને લખનારા કોલમલેખકો આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. સ્માર્ટ વાચક લગભગ બધુ જ જાણતો હોય ત્યારે સવારના અખબારમાં એ તમામ વિગતો કોઈ નોખા એંગલથી કે પરંપરાગત ફિક્કી અને એક્સપાયરી ડેટ વટી ગયેલા શબ્દોવાળી ભાષાને બદલે અનોખી શૈલીમાં રસાળ રીતે પ્રસ્તુત કરવાનો પડકાર તંત્રીઓ સામે રોજ આવીને ઉભો રહી જાય છે. (સમય જતા એ વધુ વિકરાળ બનતો જવાનો.)

માધ્યમો જાણ્યે અજાણ્યે જનમત ઘડે છે. જોકે, ઘણા(બધા જ નહીં) પત્રકારોમાં આ અંગેની સમજણ કે જવાબદારીનો અભાવ જોવા મળે છે. લાલુ પ્રસાદ યાદવ કે ડો. અબ્દુલ કલામને જીવનમાં ક્યારેય ન મળનારો વ્યક્તિ પણ જાણે છે કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારી છે અને કલામ સજ્જન હતા. લાલુ પ્રસાદ યાદવે ક્યારેય તેની પાસે લાંચ ન માંગી હોવા છતાં કે કલામની સજ્જનતાનો એને કદી વ્યક્તિગત અનુભવ ન થયો હોવા છતાં તે એવું માને છે, એના દિમાગમાં એ ઠસી ગયુ છે એનું કારણ વિવિધ માધ્યમોએ એની વિચારધારાનું કરેલુ ઘડતર છે. જેને રૂબરૂ કદી ન મળ્યા હોય તેવા જાહેર કે ખાનગી જીવનના અનેક લોકો વિશે લોકોના દિમાગમાં એક છબી હોય છે. અને એ છબી મીડિયાએ ઘડી હોય છે. આ સંજોગોમાં મીડિયાએ એ અંગે સભાનતા રાખવી જ રહી કે ગેરલાયક લોકો હિરો ન બની જાય કે લોકોના દિલમાં જાણ્યે અજાણ્યે એમના પ્રત્યે સહાનુભૂતિ ન જન્મે. અથવા લોકો સમક્ષ ખોટા લોકો રોડમોડેલ તરીકે ચીતરાઈ ન જાય.

કટોકટીકાળ જોઈ ચુકેલા આ દેશમાં મીડિયા પર સરકારની કોઈપણ લગામ કે લાલઆંખ સામે સાવધાની રહેવી જ જોઈએ. પરંતુ જ્યારે ડઝનબંધ ન્યુઝ ચેનલ્સ સવા અબજની વસ્તીનો જનમત ઘડતી હોય ત્યારે સરકારી સેન્સરશિપનો ગાળિયો કસાય અને લોકમત પણ તેની સાથે સૂરમાં સૂર પૂરાવે એ પહેલા મીડિયાએ પણ કવરેજમાં નીરક્ષીર વિવેક જાળવી લેવો જોઈએ. કોઈપણ ઘટનાના વધુમાં વધુ એંગલ કવર કરીને વધુને વધુ ટીઆરપી કે હિટ્સ મેળવવાની લ્હાયમાં લોકોની નજરમાં મીડિયા સન્માન અને વિશ્વસનિયતા ગુમાવતુ જાય છે અને તાજેતરમાં જ નેપાળમાંથી ભારતીય મીડિયાને રીતસર હડધૂત કરીને કાઢી મુક્યુ હતું એ ન વિસરાવું જોઈએ. નહીં તો ચોથી જાગીરની વિશ્વસનિયતાનું બારમું થવામાં વાર નહીં લાગે.

(લગભગ આઠેક વર્ષના સક્રિય પત્રકારત્વ બાદ પણ મીડિયા અને પત્રકારત્વ પર લખવા કે કોઈ મોટી કોમેન્ટ કરવા માટે હું મારી જાતને ઓથોરિટી માનતો જ નથી. એકચ્યુલી આ કોઈ એક બેઠકે લખાયેલો સળંગ લેખ છે જ નહીં. આ તો મેં અલગ અલગ સમયે, અલગ અલગ રેફરન્સમાં અને અલગ અલગ લેખોમાં આ વિષય પર લખેલા પેરેગ્રાફ્સ છે. જેને મેં ઓલમોસ્ટ કોઈપણ જાતના એડિટિંગ વિના એક સિકવન્સમાં ગોઠવી દીધા છે.)

ફ્રી હિટ:

The media’s the most powerful entity on earth. They have the power to make the innocent guilty and to make the guilty innocent, and that’s power. Because they control the minds of the masses.

-Malcolm X

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top