‘ચસકી ગયું છે તમારું? આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ? ‘ એવા સવાલો પૂછી લેવાનું મન થાય છે ‘વાંઢા વિલાસ’ના મેકર્સને. અરે, મજાકમાં પણ તમે કોઈ ગુજરાતી ફિલ્મમાં એક (થનારા) સસરાને (થનારી) પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો? આવું તો બી ગ્રેડની ફિલ્મોમાં પણ નથી હોતું.
જેમાં એક પરદાદો પોતાના પૌત્રને પોતાના પરપૌત્રની પ્રેમિકા પર નજર બગાડતો જોઈ એવો ડાયલોગ મારે કે, `દીકરાની પતંગમાં ઝોલ મારવાનો?` એવી ગુજરાતી ફિલ્મ? યુ ગાયઝ આર ક્રેઝી? ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ કાળમાં ‘વાંઢા વિલાસ’ એ ફિલ્મ નહીં પણ એક અપરાધ છે. જે અક્ષમ્ય છે. આ ટીમ પાસેથી આવી અપેક્ષા નહોતી.
નોપ, આ મોરલ પોલિસિંગ બિલકુલ નથી. ક્યારેક વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભુંડી હોય છે એ વાત હું પત્રકાર હોવાના કારણે સારી રીતે સમજું છું. આ દુનિયામાં સસરાઓએ પુત્રવધુઓ પર નજર બગાડ્યાના અનેક કિસ્સાઓ નોંધાયેલા છે, પણ જો એ સબજેક્ટ પર ફિલ્મ બનાવવી હોય તો એવો કોઈ કેસ પકડીને તેના પર એક હાર્ડહિટિંગ ફુલ્લી મેચ્યોર્ડ ગુજરાતી ફિલ્મ બનાવો ને પણ આવી વાત ગુજરાતી ઓડિયન્સને કોમેડીના નામ પર પીરસવાની? એવી બિલકુલ કલ્પના નહોતી કે જાહેર જાજરૂની આસ-આસ આકાર લેતી સુંદર લવસ્ટોરી `કરસનદાસ એન્ડ પે બનાવનારી ટીમ પોતાની નેક્સ્ટ ફિલ્મમાં એ જ જાજરૂના ભોખરામાં લખાઈ હોય એવી ગંદી ફિલ્મ બનાવશે.
હું એડલ્ટ કન્ટેન્ટનો બિલકુલ વિરોધી નથી. બટ ધેર ઈઝ ડિફરન્સ બિટવિન એડલ્ટ કન્ટેન્ટ એન્ડ વલ્ગારિટી, એન્ડ ધીસ ફિલ્મ ઈઝ કમ્પલિટલી વલ્ગારિટી. લખનારાઓએ લખતા પહેલા કોમન સેન્સ ક્યાંક ગિરવે મૂકી દીધી હોય એવું લાગે છે. ‘હું તારું ઉપરનું અને નીચેનું બધું જ કાપી નાખીશ.’ એવો સંવાદ ‘છેલ્લો દિવસ’ના લોકાલમાં બે ભાઈબંધ વચ્ચે બોલાય તો એ એડલ્ટ કન્ટેન્ટ કહેવાય અને ‘વાંઢા વિલાસ’માં એક બાપ જ્યારે પોતાના દીકરાને આ ડાયલોગ મારે ત્યારે એ વલ્ગારિટી બની જાય. ભેદ સમજો યારો. આઈ ડોન્ટ થિન્ક કે આનાથી કોઈને હસવું આવે. હા, ફેમિલી ઓડિયન્સને શરમ જરૂર આવે.
પ્રીમિયર બાદ કોઈએ કહ્યું કે, ‘આ તો ગુજરાતી પોર્ન છે.’ તો કોઈએ કહ્યું કે, ‘આ લોકો તો હવે પોર્ન તરફ આગળ વધી રહ્યા છે.’ ના, ખોટી વાત છે. આ ગુજરાતી પોર્ન બિલકુલ નથી. આ પોર્ન કરતાં પણ ખરાબ છે. પોર્નના હજી અનેક સારા પાસાં મળી આવશે પણ આ ફિલ્મના નહીં.
સૌથી ખરાબ વાત છે આ બધું જ પીરસવામાં આવ્યું કોમેડીના નામ પર. દ્વિઅર્થી સંવાદો, જુગુપ્સા થાય તેવી ઢેકાઉલાળ અંગભંગિમાઓ, સાડી ફાડીને બનાવાતા ચડ્ડાઓ, ધોતી ફાડીને બનાવાતા રૂમાલો, શાકની લારી પર ‘ગાજર-મૂળા-દૂધીની પ્રતીકાત્મક હાજરી’માં થતો રેઢિયાળ રોમાન્સ, પુત્રની હવસ, પિતાની હવસ, દાદાની હવસ, દાદાના દાદાની પણ હવસ બધું જ. સોરી, ધીસ ઈઝ નોટ કોમેડી ધીસ ઈઝ ટ્રેજેડી ઓફ ગુજરાતી સિનેમા કે ‘છેલ્લો દિવસ’ જેવી એક દ્રષ્ટિએ પાથબ્રેકિંગ ફિલ્મ આપનારી ટીમ જ આવો ‘વાંઢો દિવસ’ બતાવે.
આ ઓવર એક્સપેક્ટેશનનો બળાપો બિલકુલ નથી. ‘વાંઢા વિલાસ’નું ટ્રેલર જોયું ત્યારથી જ ખબર તો હતી કે આ ‘છેલ્લો દિવસ’ના હેંગઓવરમાં બની ગયેલી એક અતિશય નબળી કોમેડી ફિલ્મ હશે, પણ આટલી બધી નબળી હશે એ નહોતી ખબર. એનો આ આઘાત છે. કોઈ તમારી કાનપટ્ટી પર રિવોલ્વર રાખીને કહે કે, ‘દાંત કાઢ નહીં તો ભડાકે દઈશ’ તો તમારી હાલત કેવી થાય? બરાબર એવી જ હાલત થાય આ ફિલ્મ જુઓ ત્યારે.
‘વાંઢા વિલાસ’ના તમામ કલાકારોએ ઓવર એક્ટિંગ કરી છે એમ ન કહેવાય, કહેવાય કે ઈટ્સ ફાધર ઓફ ઓલ ઓવર એક્ટિંગ. ઈઝ ધીસ એક્ટિંગ? નોપ, આને વિદૂષકવેડા કહેવાય. સોરી, વિદૂષકવેડા પણ સારા હોય નિર્દોષ હોય. વિદૂષકો દરેક વાતમાં પરાણે ડબલ મિનિંગ પેટાવવાનો પ્રયાસ ન કરતા હોય.
ધીસ ફિલ્મ ઈઝ ડિઝાસ્ટર ઓફ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. આ એક બહુ મોટું બ્લન્ડર છે. આ તબક્કે જ્યારે નેશનલ લેવલે ઈન્ડસ્ટ્રીની એક ઈમેજ બની રહી હોય, ઈમેજ બદલાઈ રહી હોય, મલ્ટિપ્લેક્સના ઓડિયન્સમાં ગુજરાતી ફિલ્મો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આવવાનો સંક્રાંતિકાળ ચાલી રહ્યો હોય, ‘રેવા’ જેવી ફિલ્મ આવી હોય, ગુજરાતી નાટક પરથી (ભલે નાટકની તુલનામાં ખૂબ જ નબળી પણ) અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ આવી હોય ત્યારે આ ઈન્ડસ્ટ્રીને આવા બ્લન્ડર્સ પોસાય નહીં. ખાસ કરીને આંગળીના વેઢે ગણાય એટલા ટોચના મેકર્સ તરફથી તો બિલકુલ નહીં. ધીસ ઈઝ અનએક્સપેક્ટેબલ. સર્જકોએ સમજવું રહ્યું કે લોકપ્રિયતા ખૂબ લપસણી હોય છે એન્ડ ગ્રેટ પાવર (એન્ડ ફન્ડિંગ ઓલ્સો) કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી.
સામાન્ય રીતે હું ગુજરાતી ફિલ્મો વિશે નથી લખતો અથવા તો નથી લખી શકતો. તેનું એક સૌથી મોટું અને પહેલું કારણ તો એ હોય છે કે ઓફિસનું કામ-કાજ પતાવીને પ્રીમિયરમાં પહોંચુ ત્યારે ઓલમોસ્ટ ઈન્ટરવલ પડવા આવ્યો હોય. સેકન્ડ હાફ જોઈને ફિલ્મને જજ કરવામાં કોઈ પોઈન્ટ ચૂકીને તેને અન્યાય કરી બેસવાનો ડર લાગે. બીજું કારણ એ કે હું નિયમિત ફિલ્મો પર લખતો નથી. હું ત્યારે જ લખું છું જ્યારે એના વિશે સારું કે ખરાબ લખવાની અંદરથી સોલ્લિડ કિક આવે. ઘણી વાર એવું બને કે ફિલ્મ આખી જોઈ (આઈ મિન સહન કરી હોય), પણ એ એટલી નબળી હોય અને મેકર્સ નવા-સવા હોય ત્યારે ક્યારેક એવું થાય કે જવા દોને યાર, ક્યાં પડતા પર પાટુ મારવું? આમ પણ આ ચાલવાની નથી. જ્યારે એ ફિલ્મ જોવા લોકોનાં ટોળેટોળાં ઉમટવાના જ નથી ત્યારે હું લખું કે આ ફિલ્મ જોવા જેવી નથી એનો શું ફાયદો? આમ પણ આપણો મત જાણીને લોકો ફિલ્મ જોવા જાય છે કે નથી જતા એવો પણ આપણને કોઈ ફાંકો નહીં. મારા માટે ફિલ્મ કે કોઈપણ બાબત વિશે લખવાનું એક માત્ર કારણ ‘ગાભણાપણું’ જ હોય છે. જો એ સ્થિતિ ન સર્જાય તો ન લખાય ને સર્જાય તો લખતા કોઈ અટકાવી ન શકે. ‘ગાભણાપણા’ની એ ક્ષણો ચુકાઈ જાય પછી આળસ હાવિ થઈ જાય. કહેવાની જરૂર નથી કે આ પેરેગ્રાફ પ્રોડ્યુસર્સના આમંત્રણથી પ્રીમિયરમાં ફિલ્મ જોઈને સોશિયલ મીડિયા પર લખાતા રિવ્યૂઝ અંગે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં જ ઉઠેલી ચર્ચાના સંદર્ભમાં છે. આટલું લખ્યા પછી અહીં એટલું ઉમેરણ કે આ લેખ મેકર દ્વારા નામજોગ મળેલા ઈન્વિટેશન પર પ્રીમિયરમાં ‘વાંઢા વિલાસ’ જોયા બાદ લખાયેલો છે. એ પણ રાત્રે એક વાગ્યે, જમતાં પહેલા. ગાભણો થયેલો. આટલું લખી ન લેત એ પહેલાં તો કોળિયો ગળે ઉતરે એમ નહોતો.
ફ્રિ હિટ:
આવા ચિત્રપટનું નિર્માણ કરીને તમોએ અમોની લાગણીઓ છીન્નભીન્ન કરી નાંખી.