skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

આ દેશને ‘કોંગ્રેસમુક્ત’ કોઈ ન કરી શકે, ભાજપ પણ અંતે કોંગ્રેસ થઈ જશે!

December 28, 20144 second read

 

28 December 2014 at 15:48

આજે 28 ડિસેમ્બર કોંગ્રેસનો જન્મદિવસ. 1885માં બરાબર આજના જ દિવસે મુંબઈની ગોકુલદાસ તેજપાલ હોલમાં ભારતના 72 જેટલા અગ્રણી પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. ત્યારબાદ કોંગ્રેસે આ દેશ પર વર્ષો સુધી રાજ કર્યુ. આ વર્ષોમાં ક્યારેક દેશ આગળ વધ્યો, ક્યારેક કોંગ્રેસ આગળ વધી. ક્યારેક બંન્ને આગળ વધી ગયા, ક્યારેક બંન્ને ન વધી શક્યા. પછી એવું બન્યુ કે દેશ આગળ વધી ગયો અને કોંગ્રેસ પાછળ રહી ગઈ. કોંગ્રેસની વર્ષોની યાત્રા એક મહાયાત્રા છે. જે ખાદી ભંડારથી શરૂ થઈ અને સચિવાલયે પૂરી થઈ ગઈ.

કોંગ્રેસ વર્ષો સુધી આપણા દેશ પર તંબુની જેમ તણાયેલી રહી, ફુગ્ગાની જેમ ફૂલાયેલી રહી, હવાની જેમ સૂસવાતી રહી અને બરફની જેમ જામેલી રહી. આટલા વર્ષો સુધી કોંગ્રેસે દેશમાં ઈતિહાસ બનાવ્યો, તેને સરકારી કર્મચારીઓએ લખ્યો અને વિધાનસભાના સભ્યોએ વાંચ્યો. પોસ્ટરો, પુસ્તકો, સિનેમાઓ દેશના દરેકે દરેક કણ પર કોંગ્રેસનું નામ લખાયેલુ રહ્યું. રેડિયો, ટી.વી., ડોક્યુમેન્ટરી, સરકારી સંમેલનોમાં દસેય દિશાઓમાં માત્ર એક જ નારો હતો અને એ કોંગ્રેસનો હતો.

કોંગ્રેસ આપણી આદત બની ચૂકી હતી. ક્યારેય ન છૂટવાવાળી ખરાબ આદત. આપણે બધા અહીંથી ત્યાંથી, દિલથી-દિમાગથી અને ફાંદથી કોંગ્રેસી થવા લાગ્યા. આટલા વર્ષોમાં કોંગ્રેસ દરેક ભારતવાસીના અંતરમાં ગેસ્ટ્રિક ટ્રબલની જેમ સમાઈ ગઈ. જેવી આઝાદી મળી કે તરત જ કોંગ્રેસે અનુભવ્યુ કે ખાદીનું કાપડ જાડુ, ભદ્દુ અને ખરબચડુ હોય છે. અને શરીર ખુબ કોમળ અને નાજુક હોય છે. એટલે કોંગ્રેસે નિર્ણય કર્યો કે ખાદીને રેશમ જેવી મુલાયમ બનાવવામાં આવે. અંગ્રેજોની જેલમાં કોંગ્રેસીઓ સાથે બહુ અત્યાચાર થયા હતા. તેમને પથ્થર અને સિમેન્ટની બેંચો પર સુવા મળ્યુ હતુ. પણ આઝાદી બાદ સારી ક્વોલિટીના કપાસનું ઉત્પાદન વધારવામાં આવ્યુ. તેના ગાદી-તકિયા ભરવામાં આવ્યા અને કોંગ્રેસીઓ તેના પર બિરાજમાન થઈને, ટેકવીને દેશની સમસ્યાઓ પર ચિંતન કરવા લાગ્યા.

દેશમાં સમસ્યાઓ ઘણી હતી, કોંગ્રેસીઓ પણ ઘણા હતા. સમસ્યાઓ વધી રહી હતી, કોંગ્રેસ પણ વધી રહી હતી. એક દિવસ એવો આવ્યો કે સમસ્યાઓ કોંગ્રેસ થઈ ગઈ અને કોંગ્રેસ સમસ્યા બની ગઈ. બંન્ને વધવા લાગ્યા. વર્ષો સુધી દેશે એ સમજવાની કોશિશ કરી કે કોંગ્રેસ શું છે? ખુદ કોંગ્રેસીઓ ન સમજી શક્યા કે કોંગ્રેસ શું છે? લોકોએ કોંગ્રેસને બ્રહ્મની જેમ નેતિ-નેતિની રીતે સમજી. જે જમણે નથી તે કોંગ્રેસ છે. જે ડાબે નથી તે કોંગ્રેસ છે. જે વચ્ચે પણ નથી તે છે કોંગ્રેસ. જે મધ્યની ડાબે છે તે કોંગ્રેસ છે. ના, જે ત્યાં પણ નથી તે કોંગ્રેસ છે. માનવી જેટલા સ્વરૂપે મળે છે તેના કરતા વધારે સ્વરૂપે કોંગ્રેસ જોવા મળે છે.

કોંગ્રેસ સર્વત્ર છે. દરેક ખુરશી પર છે. દરેક ખુરશીની પાછળ છે. દરેક ખુરશીની સામે ઉભી છે. દરેક સિદ્ધાંત કોંગ્રેસનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતના વિરોધમાં જે સિદ્ધાંત છે તે પણ કોંગ્રેસનો સિદ્ધાંત છે. આ તમામ સિદ્ધાંતો પર કોંગ્રેસ વર્ષોથી અડગ ઉભી ઉભી હલતી રહી. ઈતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે હંમેશા સંતુલનની નીતિ જાળવી રાખી. જે કહ્યું તે કર્યુ નહીં, જે કર્યુ તે કહ્યું નહીં, જે કહ્યું તે ખોટુ હતું. અહિંસાના રાજકારણ પર વિશ્વાસ કર્યો અને તે નીતિને સંતુલીત કરી લાકડી અને ગોળીથી. કોંગ્રેસ સત્યની નીતિ પર ચાલતી રહી પણ સાચુ બોલનારાઓથી કાયમ નારાજ રહીં.

વૃક્ષો વાવવાનું આંદોલન કર્યુ અને કોન્ટ્રાકટરોને કોન્ટ્રાક્ટ આપીને જંગલોના જંગલો સાફ કરાવી નાખ્યા. રાહતો આપી પણ ટેક્સ વધારી દીધા. દારૂના ઠેકા આપ્યા, દારૂના કારખાનાઓ ખોલાવ્યા,  પણ નશાબંધીનું સમર્થન પણ કરતી રહી. હિન્દીની સમર્થક રહી પણ અંગ્રેજી ભાષા ચાલુ રાખી. યોજનાઓ બનાવી તો લાગુ ન થવા દીધી. લાગુ કરી તો રોકી દીધી. રોકી દીધી તો પાછી ચાલુ ન કરી. સમસ્યાઓ હટી તો કમિશનો બેસી ગયા, રિપોર્ટ આવ્યા તો વાંચ્યા નહીં.

કોંગ્રેસનો ઈતિહાસ નિરંતર સંતુલનનો ઈતિહાસ છે. સમાજવાદની સમર્થક રહી પણ મુડીવાદને ફરિયાદની તક ન આપી. નારો આપ્યો તો પૂરો ન કર્યો. પ્રાઈવેટ સેક્ટરની સામે પબ્લિક સેકટરને લાવી દીધુ અને પબ્લિક સેકટરને પ્રાઈવેટ સેકટર સામે. બંન્નેની વચ્ચે પોતે ઉભી રહી ગઈ. વર્ષો સુધી ઉભી રહી. એક સેકટરને વધવા ન દીધુ. બીજાને ઘટવા ન દીધુ. (કોંગ્રેસીઓ) આત્મનિર્ભરતા પર જોર દેતા રહ્યાં પણ વિદેશો પાસેથી મદદ માંગતા રહ્યાં. ‘યુથ’ને પ્રોત્સાહન આપ્યુ ને ઘરડાઓને ટિકીટ આપી. જે જીત્યા તે મુખ્યમંત્રી બન્યા, જે હાર્યા તે ગવર્નર બન્યા. જે કેન્દ્રમાં બેકાર હતા તેમને રાજ્યમાં મોકલ્યા, જે રાજ્યમાં બેકાર હતા તેમને કેન્દ્રમાં લઈ આવ્યા. જે બંન્ને જગ્યાએ બેકાર હતા તેમને એમ્બેસેડર બનાવી દીધા. અને તે લોકો દેશનું પ્રતિનિધીત્વ કરવા લાગ્યા.

કોંગ્રેસે એકતા પર ભાર આપ્યો. પણ અંદરો અંદર લડતા રહ્યાં. જાતિવાદનો વિરોધ કર્યો પણ ‘પોતાનાઓ'(અપનેવાલા)નું હંમેશા ધ્યાન રાખ્યું. પ્રાર્થનાઓ સાંભળી અને ભુલી ગયા. આશ્વાસનો આપ્યા પણ નિભાવ્યા નહીં. જે નિભાવ્યા તેઓ આશ્વસ્ત ન થયા. મહેનત પર ભાર મુક્યો, અભિનંદન કરાવતા રહ્યાં. જનતાની સાંભળતા રહ્યા ને અધિકારીઓની માનતા રહ્યાં. શાંતિની અપીલો કરી, ભાષણ આપતા રહ્યાં. જાતે કંઈ કર્યુ નહીં ને બીજાનું થવા દીધુ નહીં. સંતુલનની પરાકાષ્ઠા ત્યાં આવી ગઈ કે ઉત્તરમાં જોર હતુ ત્યારે દક્ષિણમાં નબળા હતા. દક્ષિણમાં જીત્યા તો ઉત્તરમાં હારી ગયા. જયજયકાર થતો રહ્યો પણ વોટ મળ્યા નહીં. જોર રહ્યું પણ નબળા પડી ગયા. વર્ષો સુધી કોંગ્રેસ એક સરકાર નહીં એક સંતુલનનું નામ હતું. તે તંબુની જેમ તણાયેલી રહી, ફુગ્ગાની જેમ ફૂલાયેલી રહી, હવાની જેમ સૂસવાતી રહી અને બરફની જેમ જામેલી રહી, વર્ષો સુધી…

કોંગ્રેસ અમર છે. તે મરી ન શકે. તેના દોષો યથાવત રહેવાના. તેના ગુણો ફરી ફરીને આવવાના. જ્યાં સુધી પક્ષપાત, અનિર્ણયાત્મકતા, ઢીલાપણુ, દોગલાપણુ, બેમોઢાળાપણુ, પૂર્વગ્રહ, ઢોંગ, દેખાળો, સસ્તી આકાંક્ષા અને લાલચનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ દેશને ‘કોંગ્રેસમુક્ત’ કોઈ ન કરી શકે. કોંગ્રેસ કાયમ રહેશે. જમણે, ડાબે, વચ્ચે, વચ્ચેની વચ્ચે ગમે ત્યાં, ક્યાંય પણ કોઈ પણ રૂપમાં તમને કોંગ્રેસ દેખાતી રહેશે. આ દેશમાં જે કંઈ પણ થાય છે તે અંતત: કોંગ્રેસ જ હોય છે. ભાજપ પણ અંતત: કોંગ્રેસ થઈ જશે. જે કંઈ પણ થવાનુ છે તે અંતે તો કોંગ્રેસ જ થવાનું છે. પચાસ-સાઠ નહીં પણ છસ્સો વર્ષ થઈ જાય તો પણ કોંગ્રેસ આ દેશનો પીછો નથી છોડવાની.

હિન્દીના અને દેશના સર્વશ્રેષ્ઠ રાજકીય વ્યંગકાર શરદ જોશીની કલમે લખાયેલા કોંગ્રેસ પરના વ્યંગલેખનો ગુજરાતની અનુવાદ. (લેખ: તીસ સાલ કા ઈતિહાસ, પુસ્તક ‘જાદુ કી સરકાર’)

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top