તમે કોઈ હોટલમાં કોઈ સબ્જીમાં ખામી કાઢો ત્યારે મેનેજર શું કરે છે?
તમે કોઈ પત્રકારોને કદી એવું કહેતા ભાળ્યાં કે મિત્રો આપણે અખબારોની ટીકા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એના પર ઘણાં લોકોના ઘર ચાલે છે. જે અખબાર આપણે પાંચ જ મિનિટમાં ‘આજે છાપાંમાં કંઈ નથી’ કહીને મૂકી દઈએ છીએ એ બનાવવામાં અને તમારા સુધી પહોંચાડવામાં સેંકડો લોકોએ રાઉન્ડ ધ ક્લોક પરસેવો પડ્યો હોય છે. આપણે જ્યારે ન્યુઝ ચેનલ્સની ટીકા સાંભળીયે ત્યારે કોઈ આવીને એવું કહે છે કે જો આવું જ ચાલ્યું તો ગુજરાતમાં નવી ચેનલ્સ આવશે જ ક્યાંથી? અને નહીં આવે તો ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાના ઘરમાં દાણા ક્યાંથી આવશે? આપણે વખાણી કે સપોર્ટ ન કરી શકીએ તો કમ સે કમ એની ટીકા તો ન કરીએ. કોઈના ભજિયાં કે પાણીપૂરીને આપણે વખોડીયે તો ભજિયાંવાળો કે પાણીપૂરીવાળો પણ આટલો દયામણો નથી બની જતો જેટલા કેટલાંક ગુજરાતી ફિલમવાળા અથવા તેમના ચા કરતા કિટલી ગરમ ટાઈપ સવાયા સમર્થકો બની જતાં હોય છે. (અલબત્ત કોઈ ફિલ્મની ટીકા વખતે. બાકી આપણે પણ ક્યાં કોઈ ફિલ્મવાળાના વિરોધી છીએ!) કોઈ ગાંઠિયાવાળો તમને આવીને કદી એવું કહે છે કે, ‘સાહેબ પેલા એકવાર જાતે ગાંઠિયા ઉતારી તો જુઓ, ફેં ફાટી જશે.’
કોઈ સારી હોટલમાં તમે ક્યારેય કોઈ સબ્જીમાં ખોડ કાઢી છે અને પછી એના મેનેજરનો પ્રતિભાવ જોયો છે? એ તરત જ કહેશે કે ‘આપ યે રહેને દો સા’બ મેં અભી દુસરી બઢીયા બનવાકે દેતા હું.’ એ તમારી સામે પોક મૂકીને રડવા નથી બેસી જતો કે ‘અરેરે સાહેબ, તમે આમ વખોડશો તો અમારી હોટલ ચાલશે કેવી રીતે? આના પર ઘણાંના ઘર ચાલે છે. બીજી બ્રાન્ચ ખુલશે કેવી રીતે? ધંધો ભાંગી પડશે સાહેબ. અમારા બાલ-બચ્ચા રખડી પડશે.’ અત્યાર સુધીમાં કોઈ મેનેજર, રસોઈયા કે માલિકે તમને એવું કહ્યું કે, ‘જાવ, રસોડામાં જઈને જાતે રાંધી જુઓ એટલે ખબર પડે.’ અરે, કોઈ ક્યારેય એવો કાલ્પનિક ભય નથી બતાવતું કે આ બંધ થઈ થઈ જશે તો પેલું બંધ થઈ જશે. એ બંધ થઈ જશે તો પેલો મરી જશે અને એ મરી જશે તો પેલી બાપડી રાંડી જશે અને જો જમવા જ નહીં મળે તો અનેકની હાજત બંધ થઈ જશે, કિડની ફાટી જશે. વગેરે વગેરે…! કિડિંગ…!
કહે છે કે અટલ બિહારી વાજપેયીને પોતાના પર બનતા કાર્ટુન્સ ભેગા કરવાનો શોખ હતો. કદાચ ટીકા પચાવવાની તાકાત અને મોટા મનના માણસ હોવાના કારણે જ એ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હશે. જવાહરલાલ નહેરુએ પોતાના હાડોહાડ વિરોધીઓને અને ટીકાકારોને પણ પોતાની કેબિનેટમાં સ્થાન આપેલું. કદાચ તેઓ કોઈનાથી પણ ઇનસિક્યોરિટી નહીં અનુભવતા હોય અને ટીકાઓથી એમને અકળામણ નહીં થતી હોય. મહાન બનવા માટે કે મહાન સર્જન કરવા માટે માત્ર મોટું બજેટ જ નહીં મોટું મન પણ જોઈએ. જો એ જ નાનું હોય તો એમાં વધુ ક્રિએટિવ આઈડિયાઝ સમાઈ જ કેવી રીતે શકે અને ન સમાય તો ઉત્તમ સર્જન થાય કેવી રીતે? LOL આ તો ખાલી એક વાત થાય છે…! હોવ… #હમ્બો_હમ્બો
પત્રકારત્વના સંદર્ભમાં હું કટ્ટરલી એવું માનું છું કે જો તમે કંઈક લખો અને એનાથી બધા જ ખુશ હોય તો નક્કી જાણજો કે તમે જે લખ્યું છે એ સત્ય નથી. બધાને ખુશ રાખવા કે ‘રાજી કરવા’ (કે કોઈના વખાણ કરીને સામા વખાણ મેળવવા) એ તો વિદુષકોનું કામ છે, પત્રકારોનું નહીં. જ્યોર્જ ઓરવેલનું એક મને ગમતું કથન છે કે, પત્રકારત્વ એટલે એ લખવું જે અનેક ન ઇચ્છતા હોય કે એ લખાય, એ સિવાયનું બાકીનું બધું જ PR છે. મેં કોઈના મુખેથી પત્રકારત્વ વિશે એવી કહેવત પણ સાંભળી છે કે રોજ પાંચ નવા મિત્રો અને દસ દુશ્મન બને એ જ સાચું પત્રકારત્વ. દુશ્મની બહુ મહત્ત્વનો સબંધ છે. હું કોઈ આલતું-ફાલતું માણસોને મારા દુશ્મનનો પણ દરજ્જો આપવાનું પસંદ નથી કરતો. કોઈએ એક અદભૂત શેર લખ્યો છે કે –
એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોઈ શકે ભલા?,
કે એવાઓની દુશ્મની રાખવી પડે જેમનું કોઈ સ્તર નથી.
હોવ… #હમ્બો_હમ્બો
ફ્રી હિટ :
એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
– નરસિંહ મહેતા