skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!

February 11, 201913 second read

46085478_2100267300029305_12623815121043456_n

શું એ માત્ર જોગાનુજોગ હશે કે બે વર્ષ પહેલા નોટબંધી પણ 8 નવેમ્બરના દિવસે જ થયેલી અને ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પણ 8 નવેમ્બરે જ રિલિઝ થઈ છે?!

નોટબંધીમાં પણ લોકોના વધારાના પૈસા ડૂબી ગયેલા અને આ ફિલ્મમાં પણ લોકોના પૈસા ડૂબી રહ્યા છે અને પ્રોડ્યુસર્સના ઘર ભરાઈ રહ્યા છે! નોટબંધીમાં પણ લોકોને ખબર નહોતી પડતી કે સાલું શું થઈ ગયું ને શું થઈ રહ્યું છે? ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જોવા જનારાની પણ એ જ હાલત છે કે સમજાતું જ નથી કે સાલું સ્ક્રિન પર થઈ શું રહ્યું છે!

નોટબંધીની પણ એનાઉન્સમેન્ટથી લોકો બહુ ઈમ્પ્રેસ હતા અને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની એનાઉન્સમેન્ટથી પણ લોકો બહુ ઈમ્પ્રેસ હતા. નોટબંધીની એનાઉન્સમેન્ટથી લોકો એટલે ઈમ્પ્રેસ હતા કે જાહેરાતથી લાગતું હતું કે ક્રાંતિ આવી જશે અને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં આમિર-અમિતાભ સાથે મળીને સ્ક્રિન પર ‘ક્રાંતિ’ લાવી દેશે એ અપેક્ષાથી લોકો ઈમ્પ્રેસ હતાં. એમને બાપડાંને થોડી ખબર હતી કે આ જોઈને દિલીપ કુમારવાળી ‘ક્રાંતિ’ યાદ આવી જવાની! નોટબંધીમાં એક આખો વર્ગ હતો જે કહેતો હતો કે ‘અમે તો પેલ્લેથી જ કહેતા હતા’ ને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં પણ એક આખો વર્ગ છે જે કહે છે કે ‘અમે તો પેલ્લેથી જ કહેતા હતા…’ હોવ…હમ્બો…હમ્બો!

મહાબંડલ હોવા છતાં ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પ્રેક્ષકોને ઠગીને સારી એવી કમાણી કરી રહી છે. તેનું એક કારણ એ પણ છે કે આપણા દેશમાં એક આખો વર્ગ એવો છે જે સામાન્ય રીતે દરેક ફિલ્મ નથી જોતો, પણ જેવી ખબર પડે કે ફલાણા કે ઢીંકણા સ્ટારની લોંકડી ફિલ્મ મહાબકવાસ છે તો એ ખાસ જોવા જશે. સાલી, આપણને ખબર તો પડે કે કેટલી બકવાસ છે?! જેથી સમાજમાં જ્યારે ચર્ચા નીકળે કે ફલાણી ફિલ્મ કેટલી બકવાસ છે ત્યારે આપણી પાસે પણ લળી લળીને તેને વધુને વધુ બકવાસ ગણાવવાના વધુને વધુ કારણો હોય. શું છે ને કે આવી ચર્ચા નીકળે ત્યારે આપણે નાતબાર ન લાગવા જોઈએ. લોકોને બી થવું જોઈએ કે આમ તો ફિલમ-બિલમ તુષાર ભઈની લાઈન નહીં, પણ જાણવા જેવું બધું એમને ખબર હોય હોં! હોવ…હમ્બો…હમ્બો!

બીજુ તો બધું ઠીક, પણ લોકો એ આઘાતમાં છે કે ડિરેક્ટર તરીકે જેના ખાતામાં માત્ર બે ફિલ્મો બોલતી હોય અને એ પણ ‘ટશન’ અને ‘ધુમ 3’ જેવી, એની સાથે આમિરે ફરી એક ફિલ્મ શા માટે કરી? અમને તો ઘણી વાર ડાઉટ જાય કે શું આમિરની કોઈ મજબૂરી હશે? શું ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય ઉર્ફે વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે? કોઈ એવી CD જે સામે આવે તો આમિરનું ધનોત-પનોત નીકળી જાય? નહીં તો આવું તે વળી શે બને કે આમિર જેવો પરફેક્ટનિસ્ટ આવા લાહરિયા ડિરેક્ટર પર બીજી વાર ભરોસો મુકે! એ પણ પહેલીવાર ‘ધુમ 3’માં દાટ વાળ્યો હોવા છતાં? કોઈ કવિએ અદભૂત શેર કહ્યો છે કે –

‘નક્કી હરણને કોઈનું પીઠબળ મળ્યું હશે,
કાં તો સિંહની ડણકમાં આજે ફરક છે.’

સ્ટેન્ડઅપ કોમેડિયન સૌરભ પંતે એક મસ્ત કટ મારી કે, ‘લોકો કહે છે કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મ ‘પાયરેટ્સ ઓફ કેરેબિયન’ પરથી ઈન્સપાયર્ડ છે. ખોટી વાત છે વાસ્તવમાં એ ‘ટાઈટેનિક’ પરથી ઈન્સપાયર્ડ છે કારણ કે ટાઈટેનિક જહાજ પણ ડુબી ગયુ હતુ.’

બાય ધ વે, સૂરૈયાજાન ડાન્સમાં કેટરિના કેફના કમર વલોવતા સ્ટેપ્સ જોઈને બાબા રામદેવ યાદ આવી જાય છે. બાબા રામદેવ પણ જ્યારે ઊભા થઈને કમર ઉઘાડી કરીને કપાલભાતિ કરે છે ત્યારે એવા જ લાગે છે જેવી સૂરૈયા સોંગમાં કેટ લાગે છે. હવે હું જ્યારે બાબા રામદેવને કપાલભાતિ કરતા જોઈશ ત્યારે કેટરિના અને જ્યારે સૂરૈયા ડાન્સ જોઈશ ત્યારે કપાલભાતિ કરતા બાબા રામદેવ યાદ આવી જવાના…! હોવ…હમ્બો…હમ્બો!

ફ્રી હિટ :

મારા મતે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ એટલી ખરાબ બિલકુલ નથી જેટલી સોશિયલ મીડિયા પર ગણાવાઈ રહી છે. માન્યું કે સ્ટોરી થોડી નબળી છે, લોજીકમાં ગાબડાં છે, અને રાઈટિંગ-એડિટિંગ વધુ સારું થઈ શક્યું હોત, પણ આ ફિલ્મમાં અમિતાભ અને આમિરને જોવા ગમે છે. બિગ બીને આ રોલમાં જોવા તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. મસ્ટ વોચ મૂવિ ફોર બિગ બી ફેન્સ.

નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top