– હા… મોજ… હા… તમે ઘણું જીવો…!
વેલ, આ ફોર્મ્યુલા આમ તો જૂની ને જાણીતી છતાં અકસીર છે કે લીડ કેરેક્ટરને આપણને બોલતા ય ન આવડે એવો કોઈ રોગ ડિટેક્ટ થાય. (ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેડિકલ એક્સપર્ટ્સ આવી સ્ક્રિપ્ટ્સમાં જરૂરિયાત અનુસાર કેન્સર, બ્લડ કેન્સર કે બ્રેઇન ટ્યુમરનો કોઈ અટપટો પ્રકાર વાપરે છે.) ડોક્ટર સાહેબ ડેડલાઈન નક્કી કરે આપે કે આટલા દિવસો કે આટલા મહિનામાં તમે દેવ થઈ જશો. જીવાય એટલું જીવી લો. કેરેક્ટર જો પપ્પા હોય તો પુત્રોને કહી દે કે બાપાને ઘેર લઈ જાવ અને થાય એટલી સેવા કરજો ને વધુ ભાઈઓ હોવ તો વસિયત-બસિયતનું પણ જરા જોઈ લેજો એટલે બાપા ઉકલી જાય પછી કોઈ ઉપાધિ નહીં. આ તો એક વાત થાય છે. હોવ…હમ્બો…હમ્બો…!
આવુ કંઈક કહી ડોક્ટર પોતાની ફરજ પૂરી કરે એટલે રોગગ્રસ્ત કેરેક્ટરને અચાનક જ ભાન થાય કે એની માને… અત્યાર સુધી તો આપણે માત્ર શ્વાસ લેતા હતા. જીવવાના સાધનો ભેગા કરવાની ભાગદોડમાં જીવવવાનું જ ભુલાઈ ગયું. સૈફની ‘શેફ’ના પેલા ડાયલોગ જેવું કે ‘કામ, કામ સે પ્યાર, પ્યાર સે કામ… ઇન સબ કે ચક્કર મેં પ્યાર હી રહે ગયા. વો ભી તો કરના હૈ. અપની જિંદગી સે. અપને બેટે સે.’ પછી પેલું પાત્ર ચેરાપૂંજીના વરસાદની જેમ ધોધમાર જીવવાનું શરૂ કરે. પછી ક્ષણે ક્ષણે, દૃશ્યે દૃશ્યે, સંવાદે સંવાદે કોમેડીમિશ્રિત જિંદગી જીવવવાની જડીબુટ્ટીઓ પીરસાતી જાય અને અંત સુધીમાં ‘જીવતા હોઈએ ત્યાં સુધી કદી મરવાનું નહીં’ના સંદેશનું એક સુંદર પેકેજ રજૂ થાય. આપણે અનેક ફિલ્મોમાં આ ફોર્મ્યુલા વિવિધ સ્વરૂપે જોઈ ચૂક્યાં છીએ અને કાયમ એને વધાવી જ છે. ‘આનંદ’ અને ‘દસવિદાનીયા’ જેવી ફિલ્મોમાં પાત્ર પોતે ‘જીવી લેવાનું’ નક્કી કરે તો ‘102 નોટઆઉટ’ જેવી કૃતીમાં પપ્પા પોતાના પુત્રને મરતા પહેલા જીવી લેવાની કળા શીખવવાનું નક્કી કરે.
આ ફિલ્મમાં પણ એવું જ કંઈક છે. અમદાવાદના બિપિનચંદ્ર પરીખ(સિદ્ધાર્થ ગુજ્જુભાઈ રાંદેરીયા)નો પુત્ર આદિત્ય(Yash Soni) વર્કોહોલિક છે. એની પાસે પાંચ મિનિટ નિરાંતે પિતા સાથે બેસીને એમની ખબર-અંતર પૂછવાનો સમય જ નથી. પપ્પા સતત એને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે એક્સેલ શિટ્સ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની બહાર પણ જીવન છે. એક્ચ્યુલી, એની બહાર જ જીવન છે. પેલો માનતો જ નથી. એને તો માત્ર એનો બિઝનેસ વિસ્તારવામાં જ રસ છે. એવામાં બિપિનભાઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોઈન્ટિંગના નામ જેવું કોઈ બ્રેઈન ટ્યુમર ડિટેક્ટ થાય છે. પિતા ગંગાઆરતી જોવા જવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરે છે અને ત્યાંથી ઉત્તરાખંડમાં ખુલ્લી જીપમાં એક રોડ ટ્રીપ આરંભે છે. જ્યાં રસ્તામાં રસપ્રદ(આમ તો રહસ્યમય) સંજોગોમાં અમદાવાદની જ એક અલ્લડ મસ્ત છોકરી કેતકી(Aarohi Patel)નો ભેટો થાય છે. ત્રણેય સાથે મળીને ખુશનુમા વાતાવરણ ધરાવતા રસ્તાઓ પર પડાવ બાય પડાવ જિંદગીને માણતા હોય છે. એમને ખબર જ નથી હોતી કે એમની આસ-પાસ કેટલીક ભેદી ઘટનાઓ આકાર લઈ રહી છે. જે એમના જીવનમાં ઉત્તરાખંડના વાંકા-ચુંકા ઢોળાવદાર રસ્તાઓ કરતા પણ વધારે વળાંકો લઈ આવશે.
સિદ્ધાર્થ રાંદેરિયાની એક્ટિંગ હંમેશા મુજબ ધાંસુ છે. તેઓ એક એવા એક્ટર છે જેઓ સ્ક્રિન પર જે કંઈ પણ કરતા હોય એમને જોવા ગમે. ડિરેક્ટર Vipul Mehtaએ ઓલમોસ્ટ છેકથી છેક સુધી હળવો ટોન બરકરાર રાખ્યો હોવાથી સિદ્ધાર્થભાઈ પાસેથી એમની ચિરપરિચિત કોમિક ટાઈમિંગ જોવા ઈચ્છતા પ્રેક્ષકો નિરાશ નહીં થાય. કેતકીનું પાત્ર નિભાવતી આરોહી એકદમ નેચરલ અને એફર્ટલેસ લાગે છે. એ એટલી નેચરલ લાગે છે કે ક્યાંય લાગતુ જ નથી કે તે એક્ટિંગ કરતી હોય. સિદ્ધાર્થ રાંદેરિયા જેવા મોટા ગજાના એક્ટર સાથે સ્ક્રિન શેર કરી હોવા છતાં એણે પોતાની એક જગ્યા બનાવી છે. ડાયલોગ સિદ્ધાર્થ રાંદેરિયાનો ચાલતો હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં પણ એના એક્સપ્રેશન્સ જોવાલાયક છે. હા…મોજ…હા…! યશે પોતાના પાત્રને ન્યાય આપવામા ખુબ મહેનત કરી હોવાનુ દેખાઈ આવે છે.
ભલા કાકા બનતા જાગેશ મુકાતીની પણ એક્ટિંગ સારી છે. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે એમની પણ કોમિક કેમેસ્ટ્રી જામે છે. મને સૌથી ખરાબ એક્ટિંગ લાગી ડોક્ટર બનતા અરુણા ઈરાનીની. યસ, અરુણા ઈરાનીની. ઓવર મેલોડ્રામાટિક. કોઈના રોગની જાણકારી આપતી વેળા ડોક્ટર પોતે થોડા રડું રડું થઈ જાય? બે ઘડી તો એવું લાગતું હતું કે ડોક્ટર રડી પડશે અને પિતા-પુત્રએ એમને આશ્વાસન આપવું પડશે કે, ‘હશે બેન, જીવનમાં સુખ-દુ:ખ તો ચાલ્યા કરે. હિંમત રાખો.’ એમણે છેકથી છેક મડદાંને કાઢી જતા ડાઘુ જેવા એક્સપ્રેશન પકડી રાખ્યાં છે જે ફિલ્મના અંત સુધી સતત ઘેરા જ બનતા જાય છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી સુંદર છે. ઈટ્સ વિઝ્યુઅલ ટ્રીટ. કેટલાક દ્રશ્યો જોઈને ટ્રાવેલશોખીનોને બધું છોડી છાડીને ઉત્તરાખંડના રસ્તાઓ પર ખુલ્લી જીપમાં રોડ ટ્રીપ પર નીકળી જવાની ઈચ્છા ન થઈ આવે તો જ નવાઈ. કેદારનાથના ટોપ શોટ્સ જોઈને મજા પડી જાય એવું છે. ‘મમ્મી અને પપ્પા બન્નેનો પ્રેમ આપવા બદલ તમારું નામ ઓસ્કારમાં નોંધાવવું છે.’ કે ‘જિંદગીના અભાવોમાં તમારો સ્વભાવ માણવાનો રહી ગયો.’ જેવા ગુજરાતી નાટક ટાઈપના ક્લિશેને બાદ કરતા ડાયલોગ્સ સારા છે. ડાયલોગ્સમાં જીવનને ચસચસાવીને માણી લેવાની ફિલોસોફીને હળવા હાસ્યના દોરાથી મુશ્કેટાટ વણી લેવાઈ છે. ફિલ્મ છેકથી છેક ‘મર્યા પહેલા જીવવાનો’ સુંદર મેસેજ આપે છે તો અંતમાં ‘મર્યા બાદ પણ જીવતા રહેવાનો’ બીજો એક સુંદર મેસેજ આપે છે.
સચિન-જીગરનું મ્યુઝિક સારું છે. ‘ચાંદને કહો આથમે નહીં…’ સોશિયલ મીડિયા પર હિટ છે. સોનુ નિગમના અવાજમાં ‘પા…પા…પગલી’ સાંભળવું ગમે છે. જોકે, મને સૌથી મજા પડી ફિલ્મની થીમને ઉજાગર કરતા સોંગ ‘તમે ઘણુ જીવો’માં.
ફિલ્મના માઈનસ પોઈન્ટ્સની વાત કરીએ તો સેકન્ડ હાફ ખુબ જ ખેંચાયો છે. થોડું એડિટિંગ જરૂરી લાગ્યું. સેકન્ડ હાફમાં ક્યાંક ક્યાંક મનોરંજન પર મેસેજ હાવી થતો લાગે એ થોડું ખટકે છે. ક્લાઈમેક્સમાં સસ્પેન્સ ઉજાગર કરતું સિદ્ધાર્થ રાંદેરિયા-યશ વચ્ચેનું એક ઈમોશનલ દૃશ્ય એટલુ લાંબુ અને મેલોડ્રામાટીક છે કે એ બન્ને વચ્ચેના સંવાદ વખતે કેમેરો ચકડોળની જેમ ફરી ફરીને પાછળના પહાડોનુ વિહગાવલોકન કરાવતો ન હોત તો એ ઓલમોસ્ટ અસહ્ય થઈ જાત. ફિલ્મના સસ્પેન્સમાં આખેને આખો હાથી ઊભો જ ગરકી જાય એવડા ગાબડાં છે. બાકી બધુ બરાબર છે. ‘ચલ જીવી લઈએ’ નામ મને થોડું નાટકીયું અને સંદેશપ્રધાન લાગે છે, પણ ફિલ્મ ફૂલ ફેમિલી એન્ટરટેનર છે. એકવાર અચુક જોવા જેવી. ઘણું જીવો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી.
ફ્રી હિટ :
અત્યારે દેશમાં સૌથી વધુ પુછાતા પ્રશ્નો :
– How Is The Josh?
– તમારે ત્યાં ઠંડી કેવીક છે?
– ये #PUBG वाला है क्या?