ગુજરાતના કુલ 370 પૈકી સૌથી વધુ 26 ટકા ઉમેદવારોએ તેમનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. (આઈ રિપીટ, ‘દર્શાવ્યો’ છે.) એ જોતા કહી શકાય કે લોકસભા ચૂંટણીની ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો પૈકી 26 ટકા ‘જમીન સાથે જોડાયેલા’ છે! ધન્ય છે ધરા ગુજરાતની કે સૌથી વધુ નેતાઓ ‘જમીનથી જોડાયેલા’ મળ્યાં છે!
4 ટકા ઉમેદવારોએ પોતાના વ્યવસાયમાં ખેતી અને બિઝનેસ બન્ને દર્શાવ્યા છે. આ આંકડામાં ખેડૂતોના નામે રમાતા રાજકારણનો બિઝનેસ સામેલ છે કે નહીં તેની વિગતો ઉપલબ્ધ નથી!
19 ટકા ઉમેદવારોએ પોતાનો વ્યવસાય ‘બિઝનેસ’ દર્શાવ્યો છે. એ સર્વવિદિત છે કે રાજકારણીઓના બિઝનેસ હાથીના દાંત જેવા હોય છે. જે રીતે હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ અલગ હોય છે એ જ રીતે રાજકારણીઓના બિઝનેસ દેખાડવાના અલગ અને ‘કમાવાના’ અલગ હોય છે અને કમાવાના બિઝનેસ મોટેભાગે દેખાડી શકાય તેવા હોતા નથી! હોવ…હમ્બો…હમ્બો…!
હાથીના દાંત અને કેટલાક રાજકારણીઓના દેખાડવાના બિઝનેસમાં ફરક એટલો કે હાથીના દેખાડવાના દાંત બહુ મૂલ્યવાન હોય છે અને પેલા પાપી લોકોના દેખાડવાના બિઝનેસ ઘણીવાર ધોળા હાથી જેવા હોય છે!
હાથી પરથી યાદ આવ્યું કે જે રીતે હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો ગણાય છે એ જ રીતે કેટલાક રાજકારણીઓ પણ મર્યા બાદ પોતાની પાર્ટી માટે સવા લાખના સાબિત થાય છે. ભલે જીવતેજીવ છેલ્લા તબક્કે એમની કિંમત કોડીની કરી દેવાઈ હોય! આગળના વિધાનને માર્ગદર્શક મંડળ પ્રથા સાથે કંઈ જ લેવા-દેવા નથી! હોવ…હમ્બો…હમ્બો…!
છેલ્લા પાંચ વર્ષમાં કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની સંપત્તિમાં 843 ટકાનો વધારો નોંધાયો છે. એક આડવાત એ કે કચ્છની ધરતી આજ-કાલ ‘મીઠી ખારેક’ના મબલખ ઉત્પાદન માટે ચર્ચામાં છે! ઉમેદવારોની વાર્ષિક આવકની વાત કરીએ તો જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1 કરોડની વાર્ષિક આવક સાથે મોખરે છે જ્યારે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ 53 લાખની વાર્ષિક આવક સાથે બીજા નંબરે છે. અમિત શાહે ‘દેખાડેલી’ વાર્ષિક આવક બહુ ઓછી કહેવાય! આ એમ જ અમસ્તુ કહ્યું, આગળના વિધાનને અમિતભાઈના પુત્ર જય શાહની કંપનીના રેકોર્ડબ્રેક પ્રોફિટ સાથે કંઈ જ લેવા-દેવા નથી. મારે આમ પણ આજ-કાલ કોર્ટ-કચેરીનો યોગ ચાલે છે એમાં ‘ધ વાયર’ની જેમ મને પણ કોઈ લિગલ નોટિસ આવે એ પોસાય એમ નથી! હોવ…હમ્બો…હમ્બો…!
ગુજરાતના 60 ટકા એટલે કે 221 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 5થી ધોરણ 12ની વચ્ચે છે. માટે ખબરદાર છે જો હવે રાજકારણીઓને અભણ ગણાવ્યા છે તો ખેર નથી. ભલે કેટલાક નેતાઓની શૈક્ષણિક ડિગ્રી શંકાના પરિઘમાં હોય, એનાથી તેઓ કંઈ અંગુઠાછાપ સાબિત થઈ જતા નથી! અંગુઠાછાપ પરથી યાદ આવ્યું કે કુલ સાત ઉમેદવારો એવા છે જે નિરક્ષર છે. કહે છે કે ભલે તેઓ ભણ્યાં ન હોય પણ ગણ્યાં જરૂર છે. તેઓ નિરક્ષર હોય તેથી શું થયું? એમનો નિરક્ષીરવિવેક હજુ સાબૂત છે. જોકે, એ નિરક્ષરોને આ નીરક્ષીરવિવેક શબ્દપ્રયોગ સમજાશે કે નહીં એ અંગે શંકા પ્રવર્તી રહી છે. હોવ…હમ્બો…હમ્બો…!
રાજકારણીઓએ આચરેલા ગુનાઓની વાત કરીએ તો 58 ઉમેદવારો સામે કેસ ચાલી રહ્યાં છે. જે પૈકી 34 ઉમેદવારો સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ ચાલી રહ્યાં છે. જોકે, હત્યા અને હત્યાના પ્રયાસના કેસોમાં લોકશાહીની હત્યા કે લોકશાહીની હત્યાના પ્રયાસના કેસો સામેલ છે કે નહીં તેની વિગતો એડીઆર (એસો. ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પાસે પણ ઉપલબ્ધ નથી!
અમરેલીના એક ઉમેદવાર ધરમશી ધાપા સામે લૂંટ અને આગજની સહિતના પાંચ ગંભીર ગુના નોંધાયેલા છે. મજાની વાત એ છે કે એમની પાર્ટીનું નામ છે – વ્યવસ્થા પરિવર્તન પાર્ટી…! મરેએ…મરે…! હોવ…
ફ્રી હિટ :
ગુજરાતના રાજકીય ઇતિહાસનો જોગાનુજોગ તો જુઓ કે જેઓ એક સમયે સરકસમાં કોમેન્ટ્રી કરતા એ જ અશોક ભટ્ટ પછીથી વિધાનસભાના સ્પીકર બનેલા! હોવ…હમ્બો…હમ્બો…!
નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!