skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

દેખતો સેનાપતિ અને આંધળું કટક: વિરોધમાં માત્ર વોકઆઉટ જ નહીં, મતદાન પણ કરવાનું હોય!

August 8, 201913 second read

111

નેતા અને પ્રજામાં ફર્ક એ છે કે પ્રજા નેતાઓને મુરખ સમજે છે, પણ નેતાઓ પ્રજાને મુરખ બનાવે છે. જોકે, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુના સમિકરણ મુજબ વિચારીએ તો ભારતની 90 ટકા પ્રજાને તો મુરખ બનાવવાની જરૂર જ નથી કારણ કે એ તો ઓલરેડી છે જ. આપણે ત્યાં એક જાણીતી કહેવત છે કે જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં, પણ સેનાપતિ તો બધું જ દેખતો હોય અને જાણી જોઈને જ પોતાના કટકને અંધારિયા કૂવામાં રાખવા ઈચ્છતો હોય એ સ્થિતિને શું કહેશું? આશિંક રીતે એ સ્થિતિને ભારતીય લોકશાહી કહી શકાય.

સામાન્ય પ્રજા વિચારતી જ નથી કે રાજ્યસભામાં કેન્દ્ર સરકારની બહુમતિ ન હોય અને ટ્રીપલ તલાક જેવા વિવાદાસ્પદ બિલ પર તો નાના-મોટા અનેક પક્ષો સંસદની અંદર અને બહાર વિરોધની તડમઝીંક બોલાવતા હોય, છતાં કેન્દ્ર સરકાર ધારે એ બિલ પસાર કઈ રીતે થઈ જાય છે? જવાબ સિમ્પલ છે, વિરોધ કરનારા નાના-નાના પક્ષો પોતાની મતબેંક માટે વિરોધ નોંધાવે છે અને પોતાની મતબેંકને તેઓ કેટલી હદે વિરોધ કરે છે એ દર્શાવવા ગૃહમાંથી વોકઆઉટ કરી જાય છે, પણ જે બિલનો એ લોકો વિરોધ કરતા હોય છે એ બિલના વિરોધમાં મતદાન કરતા નથી.

તેમના મત ઓછા થવાનો ફાયદો ગૃહની ગણતરી અનુસાર સ્વાભાવિક રીતે સત્તાપક્ષને થાય છે અને બિલ પાસ થઈ જાય છે. આ રીતે વિવાદાસ્પદ બિલનો સાપ પણ મરી જાય છે અને વિરોધકર્તા પક્ષોની ગાજરની પીપુળી જેવી લાઠી પણ સલામત રહે છે. આ રીતે વિરોધ કરીને સમર્થન આપવાના બદલામાં એટલે કે બિલ પર મતદાનમાં ભાગ લેવાના બદલે ભાગીને-વોકઆઉટ કરીને સત્તાનશિન પક્ષનો સાથ આપવાના બદલામાં આવા પક્ષોના નેતાઓ અંદરખાને પોતાની શરતો મંજૂર કરાવી લે છે અને સોદા કરી પોતાના ઘર ભરી લે છે. બદલામાં ભોટ જનતાને શું મળે છે? તો કે તમાશો. સંસદ અને સંસદની બહાર ભજવાતો વિરોધ અને સમર્થનનો તમાશો. ધેટ્સ ઈટ. એન્ડ યસ, આ માત્ર હાલની ભાજપ સરકારમાં સંસદમાં ભજવાતા નાટકોની વાત નથી. કોંગ્રેસના શાસનમાં પણ સંસદમાં આવા કેટલાય અંડાગંડા થયેલા છે.


એકચ્યુલી, આપણા દેશની પોલિટિકલ સિસ્ટમ (અને કોર્પોરેટ સિસ્ટમમાં પણ) આદર્શ એ ન્યાયની પેલી આંધળી દેવીના ત્રાજવા પર બેઠેલી એ ચકલીનું નામ છે જે માત્ર કાયમ એટલા માટે જ હોય છે કે સામેવાળા એને પાળે, આપણે નહીં. આદર્શ માત્ર ભાષણોમાં તાળીઓ ઉઘરાવવા, ચવાઈ ગયેલી ચ્યૂઈંગમ જેવા સુવાક્યોથી ભરેલા પુસ્તકોના પાના સુશોભિત કરવા કે બીજા પાસે પળાવવા માટે જ હોય છે. આદર્શની કોઈ વાત આદર્શ નથી હોતી. જાવેદ અખ્તરનો એક જોરદાર શેર છે કે -

ज़िंदगी भर मेरे काम आए उसूल
एक-इक करके उन्हें बेचा किया

ભારતીય રાજકારણમાં દરેક મુવ, સમર્થન, વિરોધ કે નારાની એક કિંમત હોય છે. જે સ્થિતિ પ્રમાણે વધુ કે ઓછી હોઈ શકે. એમાં સૌથી ઓછી કિંમત કદાચ સામાન્ય નાગરિકના મતની હશે. લોકોની અબુધતાના પાપે બે ચાર સિમ્બોલિઝમ, એકાદ-બે તોફાન, ત્રણ-ચાર સ્પીચ કે એકાદાના નારાથી એના પોટલા ભરી શકાય છે. એટલે જ હું કોઈપણ પક્ષની તરફદારીમાં અંધ ગલુડીયા બની નેતાઓના પગમાં આળોટતા ગલૂડિયાંઓને કહેતો હોઉં છું કે, કોઈ પક્ષ, પાર્ટી કે નેતા દૂધે ધોયેલો નથી હોતો. દેશના બે મુખ્ય રાજકીય પક્ષો પૈકી એક બોફોર્સનો વંશજ છે અને બીજો બાંગારુનો. અને આ દેશના કિસ્મતને જ કૂતરાં ચાટી ગયા છે કે બોફોર્સવાળા ઉતરે તો બાંગારુવાળા ચડી બેસે છે.

અત્યારે તો ખેર ભાજપ તોતિંગ બહુમતી (રીતસર) 'ભોગવી' રહ્યું છે બાકી અગાઉ રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ બંધારણીય પદોની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો જનતાને બેવકૂફ બનાવી આવી ખો-ખો રમી ચૂક્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે કોઈ બિલ પરનું મતદાન, પોતાની મરજી પડે ત્યારે 'જાવ અમે નથી રમતા'ની જાહેરાતો કરનારા રાજકીય પક્ષો પોતાના મતદારોને પૂછે છે ખરા કે અમારો નિર્ણય તમને મંજુર છે કે નહીં? દેશના ટોચના બંધારણીય પદોની ચૂંટણીમાં કે ગૃહના મતદાનમાં ભાગ ન લઈને પ્રજાના લાખો મતોનું પાણી કરી નાખવાનો આ પક્ષોને કોઈ અધિકાર છે ખરો? દેશના સર્વોચ્ચ પદોની ચુંટણીનો બહિષ્કાર કરનારા પક્ષો સામાન્ય ચૂંટણીઓમાં કયા મોઢે જનતાને સો ટકા મતદાન કરવાની અપીલો કરે છે ને મતનું મહત્વ સમજાવે છે?

શું રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂટણીમાં મત માટે સરકાર સાથે સ્વાર્થી સોદા કરનારાઓ પોતે જ બંધારણ અને લોકશાહીનું અપમાન નથી કરતા? જનતાના લાખો મતોનું પ્રતિનિધિત્વ કરનારા સાંસદોએ પ્રજા આ પદો પર કોને બેસાડવા માંગે છે કે કયુ બિલ પાસ કે નાપાસ થાય એ પણ વિચારવું જોઈએ.આ લોકોને ચૂંટે જનતા અને ગુલામી પોતાના પક્ષોની કરતા ફરે છે. અહીં હાલ મારો પ્રશ્ન એ નથી કે કયુ બિલ પાસ થવું જોઈએ અને કયુ નહીં, પણ પ્રશ્ન એ છે કે સંસદમાં ગયેલા નેતાઓ પોતાના વિસ્તારના મતદારોની લાગણીનો પડઘો માત્ર સંસદ અને સડક પરની ચિલ્લમચિલ્લીમાં જ પાડે એ પૂરતું નથી, એ એમના ગૃહની અંદરના મતદાનમાં પણ પડઘાવું જોઈએ.

ફ્રી હિટ :

મંચ જબ સે અર્થદાયક હો ગયે,
તોતલે ભી ગીતગાયક હો ગયે.

રાજનીતિ કે મૂલ્ય કુછ એસે ગીરે,
જેબકતરે તક વિધાયક હો ગયે.

- તેજનારાયણ શર્મા 'બેચૈન'

Related Articles :

કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
વિધાનસભા અને સરકસ : ફોરપ્લે અને સ્ખલન!
ગુજરાતના ઉમેદવારો : ‘જમીન સાથે જોડાયેલા’, પ્રજાના લમણે ખોડાયેલા!
અર્ધદગ્ધ-પૂર્ણમુગ્ધ ભાડૂતી-બિનભાડૂતી ભક્તો-અભક્તો અને ચૂંટણીની શતરંજ!
ત્રણ ઘટના : RIP વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, મીડિયાની આઝાદી અને સમાનતા
હવે કાશ્મીરમાં કરવત મુકાશે!
રડતાં ગુલમહોર : 1960ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જીવતા પાછા આવે છે ત્યારે…
રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ખાલિસ્તાન મુવમેન્ટ : હિન્દુસ્તાનના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
પત્રકારત્વ V/S PR : ઘસાયેલા સ્લિપર સામે કવરમાં મુકાતી નોટો વચ્ચેનો સંઘર્ષ
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Don't Miss Out on Any News Stories!

Subscribe to our newsletter and receive an email whenever we post new articles that we know you'll want to read. Don't worry we will never share your information or SPAM you.

© 2024 Tushar Dave
Back To Top