TUSHAR DAVE·SATURDAY, 17 JUNE 2017
જે રીતે ટ્રેલરમાં બતાવાયુ છે અને તમે જાણો છો એ જ રીતે ફિલ્મની શરૂઆત થાય છે બેંકથી. ચંપક ચિપલુનકર એટલે કે રિતેશ દેશમુખ પોતાના બે સાથીઓ ગેંદા(વિક્રમ થાપા) અને ગુલાબ (ભુવન અરોરા)ની સાથે લૂંટના ઈરાદે બેંકમાં ઘુસે છે. રિતેશે સાધુનો વેશ ધારણ કરેલો છે અને પેલા બંન્નેએ હાથી અને ઘોડાના માસ્ક ચડાવેલા હોય છે. સ્ટાર્ટિંગની પંદર-વીસ મિનિટમાં જ બેંકમાં ઘુસેલા ‘બેંક ચોર’ પોતાના કર્યા પર પસ્તાય છે અને તમને આ મુવીની ટિકિટ ખરીદવા બદલ પસ્તાવો થાય એ શક્ય છે.
દર્શકોને લાગવા માંડે છે કે હોસ્ટેજીસ બેંકની અંદર છે એ નથી પણ જે સિનેમા હોલમાં પૂરાયેલા છે એ લોકો છે. તમારો પસ્તાવો પૂરો થાય એ પહેલા જ ફિલ્મમાં બાબા સેહગલની એન્ટ્રી થાય છે અને તમારો આઘાત બેવડાઈ જાય છે. હા, આ ફિલ્મમાં અન્ય કોઈનો નહીં પણ બાબા સેહગલનો કેમિયો છે. ફિલ્મમાં કોમિક સિચ્યુએશન ગણો તો એ જ છે કે બાબા સેહગલ ખુદ પોતાનું પાત્ર ભજવે છે. ઓકવર્ડ સિચ્યુએશનમાં રેપના રાગડા તાણવા અને ‘આજ-કલ કે રેપર્સ દો બાર ‘યો યો’ કરતે હૈ મેં સિર્ફ એક બાર કરતા હૂં – યો’ એ ટાઈપની લાઈન્સને કોમેડી ગણો તો ભલે.
ખેર, છાપાળવી ભાષામાં કહીએ તો બેંકમાં ચોર ઘુસ્યાના સમાચારની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જાય છે ને ચારો તરફથી ઘેરી લેવાની વિધિ પતાવે છે. ટી.વી. (ઝી ન્યૂઝ) રિપોર્ટરનું પાત્ર ભજવતી રિયા ચક્રવર્તી સહિતનું મીડિયા પણ ત્યાં અઠ્ઠે દ્વારકા કરીને ધામા નાખીને બ્રેકિંગ ન્યૂઝ અને વર્ઝન્સ લેવાની વિધિ પતાવે છે. ત્યાં જ એન્ટ્રી થાય છે સી.બી.આઈ. અધિકારી અમજદ ખાન ઉર્ફે વિવેક ઓબેરોયની. જે બેંકના દરવાજે કેટલીક વિચિત્ર હિરોગીરી કરીને મીડિયામાં એલાન કરે છે કે, ‘આ ઓપરેશન ટૂંક સમયમાં પાર પડી જશે. કારણ કે મારો એક ઓફિસર અગાઉથી જ અંદર છે.’ બહાર પોલીસ અને અંદર રહેલા ચોરની એક માથુ પકવનારી દોડ-પકડ ઈન્ટરવલ સુધી ચાલે છે. ત્યાં જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે કે આ કોઈ સામાન્ય ચોરીનો મામલો નથી પણ આની પાછળ એક મોટુ સ્કેન્ડલ છે. એક ભ્રષ્ટ બિઝનેસ મેન અને નેતાની એન્ટ્રી થાય છે અને અન્ય કેટલાક સબ પ્લોટ્સ વાર્તા સાથે જોડાય છે.
ઈન્ટરવલ પછી અચાનક ફિલ્મની ગતિ વધી જાય છે અને કહેવાતી કોમેડીમાં થ્રીલનો વઘાર થાય છે. ફિલ્મ થોડી મિનિટો માટે ગ્રિપિંગ બની જાય છે પણ ત્યાં સુધી બહુ મોડુ થઈ ગયુ હોય છે. દર્શકો ઓલમોસ્ટ કંટાળી ગયા હોય છે. ક્લાઈમેક્સ પહેલાના એક દ્રશ્યમાં સીબીઆઈ અધિકારીને બેંકમાં ઘુસતો જોઈને પોલીસ ઈન્સપેક્ટર કહે છે કે, ‘(બુલેટપ્રૂફ) જેકેટ લાઓ, જેકેટ લાઓ હમ ભી અંદર જાયેંગે’ ને તમે નક્કી નથી કરી શકતા કે આ લૂંટારાઓને ઝડપી લેવાનુ ઓપરેશન ચાલે છે કે કોઈ કબડ્ડી મેચ? ડિરેક્ટર અંતમાં બહુ જ ગુંચવાઈ ગયેલી વાર્તાના પડ ખોલીને શક્ય એટલા ખુલાસા આપવા મથે છે પણ છતાં કેટલાક સવાલોના જવાબ મળતા નથી અને તમને એ જાણવામાં રસ પણ નથી રહેતો.
રિતેશ દેશમુખે એ જ કર્યુ છે જે તે કોમેડી ફિલ્મોમાં કરતો આવ્યો છે. વિવેક ઓબેરોયના ભાગે ટશનવાળો લૂક આપવા અને ખુબ જ દિમાગ લડાવતો હોય તેવા હાવભાવ આપવા સિવાય કંઈ ખાસ કરવાનું આવ્યુ નથી. કેટલીક જર્નાલિઝમ પર ફોકસ્ડ મુવીઝને બાદ કરતા મોટેભાગે આપણે ત્યાં જર્નાલિસ્ટ અને ખાસ કરીને લેડી જર્નાલિસ્ટના પાત્રો જ એટલા મોનોટોનસ અને કંઈક અંશે કાર્ટૂન જેવા લખાય છે કે એ નિભાવનારના ભાગે કંઈ ખાસ કરવાનુ આવતુ નથી. આ ફિલ્મમાં એવું જ થયુ છે રિયા ચક્રવર્તી સાથે. વિક્રમ થાપા અને ભુવન અરોરાએ પણ પોતાના ભાગે આવેલી ભૂમિકા ઠીકઠાક નિભાવી છે. પણ ફિલ્મનું સરપ્રાઈઝિંગ એક્ટિંગ એલિમેન્ટ છે સાહિલ વૈદ. એના રંગ બદલતા પાત્ર વિશે લખવામાં ફિલ્મનો ટ્વિસ્ટ અને સસ્પેન્સ જાહેર થાય એમ છે પણ એટલે લખતો નથી. પણ જે પાત્ર એ ભજવે છે એમાં એ બરાબર ફિટ થાય છે અને પાત્રને બરાબર ઉપસાવે છે. ‘હમ્ટી શર્મા…’ અને ખાસ કરીને ‘બદ્રીનાથ કી દુલ્હનીયા’માં કાબિલ-એ-તારિફ એક્ટિંગ કરનાર સાહિલ વૈદ કેટલાક દ્રશ્યોમાં તો એ રિતેશ દેશમુખ પર પણ ભારે પડે છે.
ડિરેક્ટર બમ્પીએ સ્ટોરી ટેલિંગમાં કેટલાક પ્રયોગો કરવાનો પ્રયાસ કર્યો છે પણ સ્ક્રિપ્ટ એટલી નબળી છે કે એ કોઈ અસર નથી કરતા. ગેંદા અને ગુલાબના સંવાદમાંથી જન્મતી મુંબઈ-દિલ્હીની યુ ટ્યુબ સ્ટાઈલ કોમેડી કોઈ સ્ટેન્ડઅપ કોમેડી એક્ટ જેવી લાગે છે. (કદાચ એટલે જ આ ફિલ્મ માટે શરૂઆતમાં કપિલ શર્માની વાત ચાલી હશે. બચી ગયો કપિલ.) જેનો મૂળ વાર્તા સાથે કોઈ સીધો સંબંધ નથી. યશરાજ ફિલ્મ્સની યુવા પાંખ વાય ફિલ્મ્સના સર્જનો યશરાજના વારસા સાથે કોઈકાળે મેચ નથી થતા પણ વેબસિરિઝ બનાવવામાં વાય ફિલ્મ્સની હથોટી છે એ કારણ પણ હોઈ શકે કે ફિલ્મના કેટલાક કટકા ઈન્ટરનેટ પર ચાલતી કોમેડી જેવી ફિલિંગ આપે છે. અપવાદરૂપ એકાદા ચમકારાને બાદ કરતા ફિલ્મના સંવાદોમાં કોઈ ભલીવાર નથી. એક પણ ડાયલોગ એવો નથી જે ફિલ્મ પત્યા પછી યાદ રહી જાય. બેંકમાં માઈક્રોવેવ ઓવન સાઈઝની તિજોરી જોઈને એક પાત્ર બોલે છે કે, ‘આજ દિપક તિજોરી કો બડી હિચકી આ રહી હોગી’ આ ટાઈપના સંવાદો સાંભળીને તમને તમારું કપાળ કૂટી લેવાની ઈચ્છા થશે.
સમજાતુ નથી કે ફિલ્મનું નામ ‘બેંક ચોર’ શા માટે રાખવામાં આવ્યુ છે? ચોરી રાતના અંધારામાં થાય, ધોળે દા’ડે હાથમાં ગન ઝુલાવીને જે કરવામાં આવે તેને લૂંટ કહેવાય. ફિલ્મનું નામ જાણી જોઈને દ્વિઅર્થી લાગે તેવું રાખવામાં આવ્યુ હોય તે શક્ય છે. એવા અહેવાલ પણ હતા કે ફિલ્મનું નામ એક ગાળ જેવું લાગતુ હોવાનો વાંધો સેન્સર બોર્ડે ઉઠાવેલો. કદાચ, સેન્સરનો વાંધો સાવ જ અસ્થાને ન પણ હોય. ફિલ્મ માટે બનાવાયેલા એક રેપ સોંગમાં આ શબ્દનું ઉચ્ચારણ એવી જ ફિલિંગ આપે છે જેવી ‘દેલ્હીબેલી’ના ‘ડિ.કે.બોસ’ સોંગમાં આવતી હતી. બાકી લૂંટ પર આધારિત ફિલ્મનું નામ ‘બેંક ચોર’રાખવાની ક્યાં જરૂર હતી? કહેવાય છે કે, આપણી કોમેડી ફિલ્મો દિમાગ ઘરે મુકીને જોવાની હોય છે. આ ફિલ્મ જોઈને તમે ઘરે જઈને ત્યાં પડેલા તમારા દિમાગ પર પણ બે-ત્રણ હથોડા ફટકારી શકો છો. ઓવરઓલ આ ફિલ્મ જોવાથી ટિકિટનો ખર્ચો કરાવીને ‘બેંક ચોર’ પાકિટમાર બનીને તમારું પાકીટ મારી ગયા હોવાની લાગણી થાય તો નવાઈ નહીં…!
ફ્રિ હિટ :
ફિલ્મનું નામ ‘બેંક ચોર’ છે પણ જોયા બાદ તમારા મોંમાંથી ‘બેંક ચોર’ની જગ્યાએ કંઈક ભળતો જ શબ્દ નીકળી શકે છે…!