(લખ્યા તા. 26 જૂલાઈ, 2017) મંગળવારની સવાર મુંબઈના ઘાટકોપરમાં આવેલી સાંઈદર્શન નામની બિલ્ડિંગના નિવાસીઓ માટે ગોઝારી સાબિત થઈ. સવારે લગભગ પોણા અગિયારેક વાગ્યાના સુમારે આ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડ્યુ. તેમાં 15 જેટલા પરિવારો રહેતા હતા. આ લખી રહ્યો છું ત્યારે રાતના બે વાગ્યા સુધીમાં 11 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર છે અને દસથી બાર લોકો ઈજાગ્રસ્ત છે. હજુ કેટલાય એ ઈમારતના કાટમાળમાં કણસી રહ્યા છે, જેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઈમારત કકડભૂસ થવાના કારણે એલબીએસ રોડની આસ-પાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જતો હોવાથી કાટમાળ હટાવીને કરવામાં આવતા રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે.
હવે મુદ્દાની વાત. આ બિલ્ડિંગ શિવસેનાના નેતા સુનિલ સિતાપનુ છે. તેમની સામે ગુનો પણ નોંધાઈ ચુક્યો છે. પ્રાથમિક આરોપો મુજબ તેઓ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા હતા અને એ માટે થયેલી તોડફોડના કારણે જ આ બિલ્ડિંગ તૂટી પડ્યુ છે. જમીન-મકાન-બાંધકામના (ગોરખ)ધંધા કરતા મોટાભાગના નેતાઓની જેમ તેઓ પણ વધુને વધુ પૈસા પોતાના ઘરભેગા કરવાની લ્હાયમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા નર્સિંગ હોમને હટાવીને ત્યાં ગેસ્ટહાઉસ કે હોટલ બનાવવા માંગતા હતા. એની ભાંજગડમાં જ બિલ્ડિંગમાં ભાંગફોડ ચાલી રહી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનો એક પિલ્લર પણ તોડી નાખવામાં આવેલો. એના કારણે જ આ બિલ્ડિંગ તૂટી પડ્યુ હોવાની શક્યતા છે. `સર્વગ્રાહી સમીક્ષા` કરવા પહોંચેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે સરકારી નિવેદન આપ્યુ છે કે, `બીએમસીને આ ઘટનાની તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. કોઈપણ દોષિતને માફ નહીં કરાય.` જનારા જીવથી ગયા, હવે તપાસો ચાલ્યા કરશે. નામો ખુલ્યા કરશે ને બંધ થયા કરશે. જેમના શ્વાસો બંધ થયા છે તેમના પર શિવ દયા કરશે.
મુદ્દાની વાત પછી હવે શિવસેનાને એક મુદ્દાનો સવાલ કરવાનુ મન થાય કે તમે મુંબઈમાં સર્જાતી વરસાદી સમસ્યાઓ માટે જવાબદાર બીએમસી પર એક હળવો કટાક્ષ કરનારી આર.જે. મલિષ્કા પર 500 કરોડનો દાવો ઠોકરવાની ફાંકા ફોજદારી કરતા હતા તો હવે જણાવો કે તમારા જ નેતા સુનિલ સિતાપ પર કેટલા કરોડનો દાવો ઠોકશો વારુ? જર્જરિત બિલ્ડિંગને નોટિસ ફટકારીને ખાલી કરાવવાની ફરજ ચુકેલા બીએમસી પર કેટલા કરોડનો દાવો ફટકારશો? જો મલિષ્કાના વીડિયોથી બીએમસીના હજારો કર્મચારીઓના આત્મવિશ્વાસને ફટકો પડ્યો હોય તો આ બિલ્ડિંગ તૂટી પડવાથી કેટલા મુંબઈગરાઓનો બીએમસી પરનો વિશ્વાસ તૂટ્યો હશે એનો કોઈ અંદાજ છે તમને? એક્ચ્યુલી, જ્યારે તમારા કોર્પોરેટર કિશોરી પેડનેકર આર.જે. મલિષ્કાના પેરોડી સોંગ `મુંબઈ તુલા બીએમસી વર ભરોસા નાય કા?`નો ધમકીભર્યો જવાબ એવી જ કંઈક પેરોડી કરીને આપવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ તમારા જ નેતા સુનિલ સિતાપ ઘાટકોપમાં આવેલા તેમના ચાર માળના બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા હતા. આ બાંધકામ ચાલતુ હતુ ત્યારે બીએમસી અને તેના અધિકારીઓ ક્યાં ચોટી કઢાવતા હતા?
ફ્રિ હિટ :
હાડોહાડ દંભ અને ગુમાનથી ભરેલી રાજકારણીઓની આ બે મોઢાળી પ્રજાતિ એક્સલુઝિવલી ભારતમાં જ જોવા મળે છે.
(તસવીર સૌજન્ય : HT)