ભાદરવાના ભીંડાની જેમ ફૂટી નીકળેલો કોઈ સસ્તો ચાણક્ય કહી ગયો છે કે, ‘રાજકારણમાં જો રાજાની પત્ની પણ શંકાથી પર ન હોય તો પછી EVM કેવી રીતે હોઈ શકે?’ આપણા દેશમાં EVM દરેક ચૂંટણી પહેલા અને પછી અવિશ્વાસ સહિતના અલગ અલગ કારણોસર વિવાદમાં આવતા રહે છે એટલે અમને થયું કે ચલો એકાદા EVMનો જ ઈન્ટર્વ્યૂ કરી પાડીએ. એમને પણ પેલો ટિપિકલ સવાલ પૂછી જોઈએ કે, ‘જબ આપકે ઉપર ઈતને સારે ઈલ્ઝામાત લગતે હૈ તો આપકો કૈસા લગતા હૈ?’ હોવ…હમ્બો…હમ્બો!
યેનકેન પ્રકારે અમે એક EVMને મળવા પહોંચી ગયા. એ સમગ્ર માનવજાત પર સખત ચિડાયેલું હતું. અમે જેમ તેમ કરીને જેટલો અને જેવો થાય એવો એનો એક અડબમ ઈન્ટર્વ્યૂ કરવામાં સફળ રહ્યા છીએ. એ સફળતાનો એક નિષ્ફળ ઈન્ટરવ્યૂ અહીં પ્રસ્તુત છે.
હું : કેમ છો?
EVM (સખત ચીડ સાથે) : કેમ છો? છોડો પહેલા એ કહો કે તમે કોણ છો?
હું : પત્રકાર.
EVM (પત્રકાર શબ્દ સાંભળીને વધુ થોડી ચીડ સાથે) : કઈ પાર્ટીના?
હું : હેં? તમે શું મને તમારા જેવું ઈવીએમ સમજી બેઠા છો?
EVM (ગુસ્સામાં પરિવર્તિત થયેલી ચીડ સાથે) : એટલે તમે પણ મારા પર શંકા રાખીને જ ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છો ને?
હું : પત્રકાર તરીકે શંકા કુદરતી જન્મે. અંધવિશ્વાસ તો ભક્તો મૂકે. હું તમને એમ પૂછવા માગુ છું કે શું ખરેખર તમારામાં ચેડા કરવા શક્ય છે?
EVM (ગુસ્સા મિશ્રિત નારાજગી સાથે) : એવું પૂછીને તમે અત્યારે મારી સાથે ચેડા જ કરી રહ્યાં છો.
હું : શું નારાજગી તમારો સ્થાયી ભાવ છે? તમે આમ આકરા ના થાવ. સવાલનો જવાબ આપો કે શું ખરેખર તમારામાં ચેડા શક્ય છે?
EVM (ચીડ, ગુસ્સા અને નારાજગી ત્રણેયની ભેળપુરી જેવા કોઈ વિચિત્ર ભાવ સાથે) : બધા કાયમ અમારી સામે આમ શંકાની દ્રષ્ટિએ જ જોયે રાખે તો નારાજ જ રહે ને? શું અમારા આગમન પહેલાની ચૂંટણીઓ ફૂલપ્રુફ હતી? શું અગાઉ સતયુગ ચાલી રહ્યો હતો? બુથ કેપ્ચરિંગ થતા અને આખેઆખી મતપેટીઓ ઉઠાવી જવાતી એ ભૂલી ગયા? અરે, આખે ને આખા માણસો ફૂટી જાય છે ને પેપર લીક થાય છે ને તમે અમારા પર એટલે કે મશીનો પર શંકા કરો છો? આ દેશમાં જે પેપર્સ ફૂટી જાય છે એ પણ અમારી જેમ નિર્જીવ જ હોય છે ને?
હું : લાગે છે કે ચૂંટણીઓમાં ભાગ લઈ લઈને આઈ મિન ચૂંટણીઓ કરાવી કરાવીને તમારામાં પણ રાજકારણીઓ જેવા લક્ષણો આવી ગયા છે. તમે આપેલો જવાબ કોઈ રાજકીય પક્ષના પ્રવક્તા જેવો હતો. એ લોકો એવું જ કરે કે ન્યૂઝ ડિબેટમાં એન્કરે સવાલ ગમે તે પૂછ્યો હોય, પણ એ લોકો જે ગોખીને આવ્યા હોય એ જ બોલે. કેટલાક તો એવું અષ્ટંપષ્ટં અને ગોળગોળ બોલે કે એનો જવાબ પતે ત્યાં સુધીમાં તો એન્કર જ ભૂલી ગયો હોય કે એણે સવાલ શું પૂછ્યો હતો અને આવડો આ બોલી શું ગયો! તમારા આ આખા જવાબમાં મારા એ સવાલનો સ્પષ્ટ જવાબ તો ક્યાંય આવ્યો જ નહીં કે શું ખરેખર તમારામાં ચેડા શક્ય છે?
EVM (મનમોહનસિંહ જેવા અંદાજમાં) : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!
હું : ફરી કર્યાને રાજકારણીવેળા? આવો જ કોઈ શેર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સંસદમાં ફટકારેલો, જ્યારે તેઓ અનેક આકરા સવાલોથી ઘેરાયેલા હતા. કહે છે કે જો તમારું મધરબોર્ડ બદલી નાંખવામાં આવે તો તમે ચૂંટણીનું પરિણામ બદલી નાંખો એ વાત સાચી?
EVM (નકસલવાદી જેવા અંદાજમાં) : આ દેશના રાજકીય પક્ષો લોકોના અને યુવાનોના મગજનું જ મધરબોર્ડ બદલીને તેમાં કામના મુદ્દાના બદલે ભળતા-સળતા મુદ્દાઓ વડે તેમનું બ્રેઈનવોશ કરી નાંખે છે એનું કંઈ નહીં? બધા સવાલો અમને જ કરવાના? કેટલાક લોકોને અમારી જાત પ્રત્યે આટલો બધો રોષ કેમ છે? જાઓ પહેલે ઉનસે જવાબ લેકર આઓ જો ઈસ દેશ કે લોગો કે દિમાગ કા મધરબોર્ડ બદલ દેતે હૈ…
હું : એકચ્યુલી, એમાં એક કારણ એવું પણ છે કે લોકોને તમારા વડે મતદાનમાં એવી મજા નથી આવતી જેવી અગાઉના મતદાનમાં આવતી હતી.
ઈવીએમ (ગુસ્સાથી તરડાયેલા અવાજમાં) : એટલેએએએ?
હું : એટલે એમ કે અગાઉના મતદાનમાં થપ્પ થઈને થપ્પો લગાવવામાં એવી ફિલિંગ આવતી કે કર્યું મતદાન. કંઈક મહત્ત્વનું કામ કર્યું. આપણે આવનારી સરકાર પર થપ્પો એટલે કે મંજૂરીની મહોર મારી. તમારામાં માત્ર એક આંગળીથી બટન દબાવવાનું આવે એટલે અગાઉના થપ્પા જેવી ફિલ નથી આવતી… યુ નો…!
EVM (તેની પૂંછડી પર, આઈ મિન વાયર પર પગ આવી ગયો હોય એવી બળતરા સાથે) : એટલે લોકો ઈચ્છે છે શું? કે અગાઉના થપ્પાની જેમ અમારા પર ઘુસ્તો મારવાની પ્રથા આવે એમ? (એ ગુસ્સાથી ધુંવાપુંવા થઈ રહ્યું હતું. એમાંથી કંઈક ધુમાડા જેવું નીકળતું હોય એવું મને લાગ્યું. કંઈક બળવાની વાસ પણ આવી.)
હું : ના, એમ નહીં. આ તો તમે પૂછ્યું એટલે મેં તમારા પ્રત્યેના લોકોના અણગમાનું એક કારણ જણાવ્યું અને….
(હું આગળ કોઈ ખુલાસો કરું કે સવાલ પૂછું એ પહેલા જ શ્રીમાન ઈવીએમમાંથી કંઈક ટૂંઉઉ… ટૂંઉઉ… ટૂંઉઉ… એવો અવાજ આવ્યો અને તે બંધ પડી ગયું.)
ફ્રી હિટ :
એક હકીકત તો એ પણ છે કે માઈન્ડલેસ કોમેડી સર્જવા માટે પણ થોડાં માઈન્ડની તો જરૂર પડતી જ હોય છે!
હોવ…હમ્બો…હમ્બો!
નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!