skip to Main Content

Tushar Dave - Journalist, Author

Politics

#Mallyagateનો બોધપાઠ : લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!

March 15, 201629 second read

TUSHAR DAVE·TUESDAY, 15 MARCH 2016

જેનાથી દેશના અનેક શહેરોને સ્માર્ટસિટી બનાવી શકાય એટલી ગંજાવર રકમ પોતાના હૃષ્ટપુષ્ટ પુષ્ઠભાગ તળે દબાવી ઉભી પૂંછડીએ ભારત છોડીને નાસી જનારા રાજ્યસભાના સાંસદ અને ‘દારૂના વેપારી’ વિજય ફાંદેબાજ માલ્યાએ ભારતીય બેંકોની હાલત કિંગફિશરના કેલેન્ડરની મોડલ્સ જેવી કરી નાખી છે. પૈસા પરત આપવાના મુદ્દે પોતે પણ લગભગ એ કેલેન્ડર ગર્લ્સ જેવા જ (એટલે કે ઓલમોસ્ટ નગ્ન) થઈને ઉભા રહી ગયા છે. ભારત છોડી ગયેલા માલ્યાએ પણ લલિત મોદીની જેમ ટ્વિટર પર સુફિયાણી વાતો માંડી છે. તેમણે ટ્વિટર પર તેમની વિરૂદ્ધ મીડિયા ટ્રાયલ ચાલતી હોવાનો દાવો કરીને મીડિયાને ભાંડ્યુ હતું. આ ભાઈને જ્યાં સુધી તેમની જાહોજલાલી ભરી લાઈફસ્ટાઈલ અને ભવ્યાતિભવ્ય પાર્ટીઓના અહેવાલો છપાતા-દર્શાવાતા હતાં ત્યાં સુધી મીડિયા સામે કોઈ વાંધો નહોતો. હવે પહેલો જ વાંધો મીડિયા સામે પડ્યો છે. આ દેશમાં જ્યારે પણ કોઈ નવો કૌભાંડી અવતાર ધારણ કરે ત્યારે તેને સૌથી પહેલો વાંધો મીડિયા સામે જ પડી જતો હોય છે. એનો પહેલો જ બચાવ એ હોય છે કે મીડિયામાં આવેલા અહેવાલો ખોટા છે અથવા મીડિયાએ મારું નિવેદન તોડી મરોડીને બતાવ્યું છે. જોકે, 24 કલાકની ન્યુઝચેનલ્સનો રાફડો ફાટ્યા બાદ શરૂ થયેલી ટીઆરપીની આંધળીદોટના કારણે આ નિવેદનો તોડવા, ફોડવા, મરોડવા કે ઘરમરોળવાના આક્ષેપો સાવ જ નકારી શકાય તેમ નથી. ‘ચોથી જાગીર’ની નિયતની વિશ્વસનિયતાનું ‘બારમુ’ ક્યારનુંય થઈ ચુક્યું છે. માટે માલ્યાનો એ મુદ્દો દરગુજર કરીએ. માલ્યાએ ટ્વિટર પર લખ્યું કે, ‘હું રાજ્યસભાનો સાંસદ છું અને મને ભારતના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. હું કોઈ ભાગેડુ નથી અને જે પણ નિયમો છે તેનું હું પાલન કરવા તૈયાર છું.’ આમા ક્યાંય એવી વાત આવી, કે હું મારા પરનું એકેએક રૂપિયાનું ઋણ સંપત્તિ વેચીને કે જાતે વેચાઈ જઈને પણ (તેમને ખરીદે કોણ? એ વળી જૂદો પ્રશ્ન છે!) દૂધે ધોઈને ચુકવી આપીશ? તેમના ટ્વિટવિધાનોમાં ક્યાંય દેવું ચુકવવાની વાત નથી આવી, પણ તેમણે એવું જરૂર લખ્યું છે કે, તેમને ભારતના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. મતલભ સ્પષ્ટ છે કે તેમને ભારતીય ન્યાયતંત્ર (એટલે કે અદાલત જેમના પર આધારિત છે તે તપાસ એજન્સીઓ) પર પૂરો વિશ્વાસ છે, કે આ દેશમાં તેમને પોતાનું સંપૂર્ણ દેવું કદી નહીં ચુકવવું પડે. (કોના દીધા ને તમારા રહી ગયા?) તેઓ જાણે છે કે આંતરરાષ્ટ્રીય ગુનેગારો અને ખાસ કરીને આર્થિક ગુનેગારો માટે કાયમ ‘સહિષ્ણુ’ રહેલા ભારતમાં પૈસા તો દૂર કોઈ તેમના માથાના(અહીં તો એ જ લખવા પડે ને!) વાળ પણ તોડી લેવાનું નથી. તેમણે એવું પણ લખ્યું છે કે, ‘જે પણ નિયમો છે તેનું પાલન કરવા હું તૈયાર છું.’ હે પ્રજ્ઞ ભારતીયો, આ ટ્વિટવિધાનનો શબ્દાર્થ છોડી બિટવિન ધ વર્ડ્સ લક્ષ્યાર્થ પકડવાનો પ્રયાસ કરીએ. તેઓ નિયમોનું પાલન કરવા તૈયાર હોવાનો અર્થ એ છે કે, તેમના પાલતુ વકીલોની ટીમ સમગ્ર મામલાને નિયમો અને કાયદાની અટપટી આટીઘુંટીઓમાં ગુંચવીને કાનૂની છટકબારીઓ પહોળી કરી વિજય માલ્યાની ફાંદ જેમાંથી પસાર થઈ શકે એવડું મોટું ભગદાળું કરવા સુસજ્જ છે. બરાબર એ જ રીતે જે રીતે સલમાનના વકીલોની ટીમ તૈયાર હતી. (મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ધર્માધિકારીના મેં કરેલા ઈન્ટરવ્યૂમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે સલમાનના કેસમાં સત્ય શોધવામાં નથી આવ્યું. નહીં તો ચોક્કસ સલમાનને સજા થઈ હોત.) જે રીતે (સુષ્મા સ્વરાજના વકીલ પતિ-પુત્રી કૌશલ સ્વરાજ અને પુત્રી બાંસુરી સ્વરાજ સહિતની) લલિત મોદીના વકીલોની ટીમ તૈયાર હતી. જે રીતે 1984ના શીખ રમખાણોના આરોપીઓના વકીલોની ટીમ તૈયાર રહે છે. કોર્ટમાં તારીખ પર તારીખ અને એના પર પણ તારીખ પડે રાખશે. માલ્યા મદમસ્ત થઈને વિદેશમાં મહાલ્યા કરશે. કાં એમને કોઈ સજા નહીં થાય ને કદાચ થશે તો ત્યાં સુધીમાં એટલા વર્ષો વિતી ગયા હશે કે દેશના બુદ્ધીજીવીઓ સંજય દત્તના કેસની જેમ વર્ષો ચાલેલા કેસના કારણે માલ્યાને ભોગવવી પડેલી માનસિક યાતનાનું સરવૈયું કાઢવા બેસશે. એમને ઓછી અથવા નહિવત સજાની માંગ થશે. કદાચ પૂર્વમંત્રી સુખરામ જેવું પણ થઈ શકે. અતિચર્ચિત ટેલિકોમ કૌભાંડના આ આરોપીના ઘરેથી સીબીઆઈએ 1996માં ત્રણ કરોડ(ત્યારે ત્રણ કરોડ ખુબ મોટા હતા) રોકડા રિકવર કર્યા હતા. એક દાયકાથી વધુ સમય બાદ માંડ તેઓ ગુનેગાર સાબિત થયા. એમને જેલમાં જવાનું ટાણુ થયુ ત્યાં સુધીમાં તો તેઓ કોમામાં સરી જવા લાગ્યાં. એકચ્યુલી કાયદો-કાનૂન અને સજા માટે હોય કે ગુનેગાર સુધરે કે ન સુધરે પણ જે ગુનેગાર નથી તેઓ ગુનો કરતા પહેલા થથરે. કાયદાથી ડરે. આપણે ત્યાં એવા દાખલા બેસતા જ નથી. ભ્રષ્ટાચારના કેસમાં તો ખાસ. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની રહ્યો છે. યેનકેન પ્રકારે કોકનું કરી નાખીને રૂપિયા બનાવનારાઓનો સામાજિક બહિષ્કાર નથી થતો. મેચ ફિક્સિંગના કેસમાં સંડોવાયેલા ક્રિકેટરોમાં કોઈ સાંસદ બને છે તો કોઈ ડાન્સ શો કરે છે. જયલલિતા જેવા કોઈ નેતા જેલમાં જાય તો આસ-પાસ ગંદકીમાંથી ઉભરાતા મકોડાની જેમ ચેલકાઓ હાલી નીકળે છે. સરકારમાં બેઠેલા હિતચિંતકોની મદદથી દેશથી દૂર બેસીને લંડનમાં જલસા કરનારા લલિત મોદી કે જામીન પર છૂટીને બિહારના કિંગમેકર બનતા લલ્લુ પ્રસાદ યાદવોના કિસ્સા શોર્ટકટ શોધતા યુવાનોમાં ખોટા દાખલા બેસાડી રહ્યાં છે. ભ્રષ્ટાચારીઓના રોલમોડલ્સની યાદીમાં માલ્યાનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે.

એન્ડ બાય ધ વે માલ્યા જેનું પાલન કરવાની બાહેંધરી ટ્વિટે છે એ નિયમો એ જ છે જેની સાથે છેડછાડ, ખિલવાડ ને તોડમરોડ કરીને જ તો તેમણે આટઆટલી લોનો મેળવેલી. વાસ્તવમાં માત્ર માલ્યાને જ નહીં પણ એમને ગોબાચારી આચરવામાં સળીથી માંડીને સોય સુધીની મદદ કરનારા દરેકેદરેક વ્યક્તિને આકરામાં આકરી સજા થવી જોઈએ. ભલે પછી એ કિંગફિશરનો કર્મચારી હોય, કોઈ બેંકનો હડતાળપ્રેમી બેંકકર્મી હોય કે પછી તપાસ એજન્સીનો ખાઈબદેલો ઉચ્ચ અધિકારી હોય.

જેવી રીતે બળાત્કારીઓ માટે દેશમાં ખસીકરણની સજાનું સૂચન ચર્ચાય છે એ જ રીતે મને ભ્રષ્ટાચારીઓ માટેની એક ક્રૂર સજા સુઝી રહી છે. બહુ સમજી-વિચારીને જવાબદારીપૂર્વક લખી રહ્યો છું કે હિન્દુસ્તાનની સંપત્તિ કે સત્તાનો દુરુપયોગ કરનારા ટુજી, કોલસા કૌભાંડ કે માલ્યા મનીલોન્ડરિંગ જેવા દરેક મોટા ભ્રષ્ટાચારના ગુનેગારોનો ગુનો સાબિત થાય ત્યારે તેમના ડાબા હાથની (ડાબોડી હોય તો જમણા હાથની) કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળી વાઢી નાખવાની સજા હોવી જોઈએ. ભાજી-મૂળાની જેમ સીધી ઘચ્ચ દઈને વાઢી જ નાખવાની. આંગળી વાઢવાથી કોઈ માણસ મરે નહીં. કનિષ્ઠિકા કાપીને બાકાયદા એની પાટાપીંડી સહિતની સારવાર કરવાની પણ આંગળી તો કાપવાની જ. આમ પણ ટચલી આંગળી વિના કાન ખોતરવા અને બહુ જોરથી પ્રેશર આવ્યું હોય ત્યારે ઈશારો કરવા સિવાયના કોઈ ખાસ કામ અટકી પડવાના નથી. વળી, એ કામો માટે બીજા હાથની ટચલી તો સાબૂત હશે જ. (અલબત્ત એ મહાશય બીજા કોઈ મોટા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યાં સુધી જ.)

મોત કરતા મોતનો ભય ભૂંડો હોય છે. માટે આ સજાના અમલીકરણના વીડિયોઝ પણ બનાવવાના. જેમાં આંગળી કાપવાનું હથિયાર ગુનેગારની સામે ઝુલાવતો જલ્લાદ, રડીને સુઝી ગયેલી આંખો સાથે એવું ન કરવા કરગરતો-કલ્પાંત કરતો ગુનેગાર, છતાં ઘચ્ચાક દઈને વઢાતી આંગળી, ગુનેગારની આંખમાંથી દડદડાટ વહેતા આંસુઓ અને આંગળીમાંથી વછૂટતી રક્તધારા તેનો પેલાના ગગનભેદી ચીત્કારો અને તરફડાટ, એ એકેએક ક્ષણ એમાં કેદ કરવાની. સારવાર બાદ જ્યારે પેલામાં જ્યારે થોડું બોલવાના હોશ આવે ત્યારે એની પાસે વીડિયોમાં એની આંગળી કપાતી વખતની વેદનાનું બયાન લેવાનું અને તેની પાસે જો આંગળી ન કપાવવી હોય તો ભ્રષ્ટાચાર ન કરવા લોકોને અપીલ કરાવવાની. આવા તમામ વીડિયોઝ યુ-ટ્યુબ જેવા ઓપન પ્લેટફોર્મ પર મુકવાના.

દુનિયાના દેશોમાં જ્યારે હાથ કાપી નાખવાથી માંડી શૂળીએ દેવા સુધીની સજાઓ પ્રવર્તમાન હોય ત્યારે જ્યાં ઠેર ઠેર ભ્રષ્ટાચારના ગરનાળા વહે છે એ હિન્દુસ્તાન આંગળી તો કાપી જ શકે. કોઈ લોકપાલની જરૂર નથી. માત્ર ‘જય અંગુલીમાલ…’ બોલીને આ ‘અંગુલીપાલ’ લાવો. ગેરન્ટી છે કે ભ્રષ્ટાચારનો ગ્રાફ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હળી કાઢશે. સરકારી-ખાનગી ઓફિસમાં ભ્રષ્ટાચારની ફાઈલ પર સાઈન કરતી વેળા ભ્રષ્ટાચારીની આંગળીઓ ધ્રૂજી અને આત્મા થથરી ઉઠશે. દેશના દરેક ભ્રષ્ટાચારીના ધોતિયાં ઢીલા ને પોતિયા પીળા થઈ જશે. જો આવો કોઈ કડક કાયદો હશે તો આ દેશમાંથી બીજો કોઈ માલ્યા ફરાર જ નહીં થઈ શકે. માલ્યાની દેશ છોડી જવાની પ્રોસિઝર સમજતા આ વાતનો અંદાજ આવશે.

માલ્યા સામે લુક આઉટ નોટિસ જાહેર થયેલી હતી. આમ છતાં તેઓ દેશ કેવી રીતે છોડી ગયા અને તેમાં સીબીઆઈએ ક્યાં અને શું ચુક કરી એ પહેલા સમજીએ. લુક આઉટ નોટિસ કે સરક્યુલર પોલીસ કે સુરક્ષા એજન્સીઓ જાહેર કરી શકે છે. જે ઈમિગ્રેશન ઓથોરિટીને આપવામાં આવે છે. જેથી કોઈ વ્યક્તિને દેશ છોડતો અટકાવી શકાય. તમારી સામે આવી નોટિસ હોય તો તમને એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સ ન મળે. આ નોટિસમાં એક સેકશન હોય છે. જેમાં નોટિસ જાહેર કરનારી એજન્સીએ એ સ્પષ્ટ કરવાનું હોય છે કે તે ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પર શું એકશન ઈચ્છે છે? જેમાં ચાર પોઈન્ટ હોય છે. વન – જે તે વ્યક્તિના આવવા કે જવાની માહિતી એન્જસીને આપે. ટુ – તે વ્યક્તિના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ સિઝ કરી લેવામાં આવે. થ્રી – તે વ્યક્તિને ભારત છોડતો કે ભારતમાં આવતો અટકાવવામાં આવે. ફોર – તેની તાત્કાલિક અટક કરવામાં આવે. સીબીઆઈએ 16 ઓક્ટોબર 2015ના રોજ DPBSM/2015/724/RCNSM 2015 E0006 નંબરનો લુક આઉટ સરક્યુલર જાહેર કર્યો. જેમાં ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે. સીબીઆઈએ નવેમ્બરમાં માલ્યા સામે 1049/RCBSM/2015/E0006 નંબરનો એક નવો સરક્યુલર જાહેર કર્યો. જેમાં માલ્યાને ડિટેઈન કરવાના બદલે એની જવાની માત્ર માહિતી સીબીઆઈને આપવાની સૂચના લખવામાં આવી. આ જ છટકબારીમાંથી માલ્યા છટકી ગયા. હા, એક વાત સ્પષ્ટ જ છે કે પેલા લુક આઉટ સરક્યુલરના કારણે માલ્યાના દેશ છોડવાની માહિતી સીબીઆઈને મળી જ હતી. માલ્યા જેના કારણે ભાગવામાં સફળ રહ્યાં એ ચુક માટે સીબીઆઈ હવે લાળાં ચાવી રહી છે. બદલાયેલી લુક આઉટ નોટિસ અંગે એક તરફ સીબીઆઈ પ્રવક્તા કહે છે કે, માલ્યા તપાસમાં સહકાર આપતા હોવાથી તેમને દેશ છોડવાની મંજૂરી અપાઈ હતી. સીબીઆઈ તરફથી બીજો એક બચાવ એવો પણ થઈ રહ્યો છે કે નોટિસમાં ભૂલ ટોચના નહીં પણ નીચલા સ્તરના અધિકારી દ્વારા થઈ હતી. હવે જરા કલ્પના કરો કે પેલો ‘અંગુલીપાલ’ અમલમાં હોય તો પોસ્ટ ઉપલી હોય કે નીચલી, કોઈ અધિકારી પોતાની ટચલીના જોખમે માલ્યાને બચાવવાનું જોખમ ખેડે ખરો?

આમ પણ માલ્યાએ જે ભ્રષ્ટાચાર કર્યો એ બેંકોમાં વ્યાપેલા સડાની ટચલી આંગળી જેટલો જ છે. એક અંદાજ મુજબ માત્ર 2015માં જ કોર્પોરેટ એકાઉન્ટ્સની 88 હજાર પાંચસો બાવન કરોડ રૂપિયાની લોને ‘જળસમાધિ’ લઈ લીધી છે. તો ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશને માલ્યાની કિંગફિશરથી માંડી કોર્પોરેટ ઈસ્પાત એલોયઝ અને ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ લિમિટેડ સહિતના ટોચના 50 ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી છે. આ ડિફોલ્ટર્સના પુષ્ઠભાગ તળે બેંકોના 40 હજાર પાંચસો અઠ્યાવીસ કરોડ રૂપિયા દબાયેલા છે. આ માત્ર ટોચના 50 ડિફોલ્ટર્સની જ વાત છે. 50થી માંડીને તળિયા સુધીના ડિફોલ્ટર્સમાં સલવાયેલી રકમ તો આ ગણતરીમાં સામેલ જ નથી.

જરા દિમાગ પર ભાર આપીને વિચારશો તો ખ્યાલ આવશે કે બેંકો આજે એટએટલા પ્રકારના ચાર્જીસ હિડન-અનહિડન ચાર્જીસ વસૂલ કરી રહી છે જેના કેટલાક વર્ષો પહેલા સુધી નામ પણ અસ્તિત્વમાં નહોતા. ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશનના રાષ્ટ્રીય મહાસચિવ સી.એચ. વેંકટચેલમ કહે છે, ‘છેલ્લા પાંચ વર્ષમાં બેંક ચાર્જીસની સંખ્યા બમણી થઈ ગઈ છે.’ આ બધુ જ ભ્રષ્ટાચારથી લોન મેળવી તાગડધિન્ના કરનારા માલ્યાબ્રાન્ડ કોર્પોરેટ્સના પાપે થઈ રહ્યું છે. મારા-તમારા જેવા આમ આદમી પાસેથી જેટલા ચાર્જ કે દંડ ખંખેરવામાં આવે છે એટલા જ સામે પક્ષે કોર્પોરેટ્સને ફાયદા કરી આપવામાં આવે છે. એમને ચાર્જીસમાં છૂટછાટ મળે છે. એમને વ્યાજ પણ ઓછુ ભરવું પડે છે. બેંકો બેઝ રેટથી નીચે જઈને પણ લોન આપી દે છે. બીજી બાજુ સામાન્ય માણસને કોર્પોરેટની સરખામણીમાં મોંઘી લોન મળી રહી છે. કોર્પોરેટ હાઉસ લોનની ઈએમઆઈ ન ચૂકવી શકે તો ફરી નવી બેલેન્સશીટ અને કાગળોના આધારે તે લોન ચૂકવવાની મુદત, હપ્તાની રકમ વગેરે રિસેટ કરી લેવાય છે. અંતે લોન ન ચૂકવે તો ફરી એકસામટી ચૂકવણીની ગોઠવણ કરાય છે. જેમાં ક્યારેક તો લોન માફ પણ કરી દેવાય છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે 2013-14 પછીના સમયગાળામાં 1.14 લાખ કરોડ રૂપિયાની લોન્સ માફ કરવા બદલ નારાજગી દર્શાવી હતી. બીજી બાજુ સામાન્ય માણસ માટે પણ એ જ નિયમો લાગુ પડતા હોવા છતાં લોન લેનાર વ્યક્તિની કાર, મકાન, દુકાન જપ્ત કરવાની સ્થિતી બહુ ઝડપથી આવી જાય છે. વેંકટચેલમ કહે છે, ‘લોન્સ ન વસૂલાવાના કારણે બેંકોને 60 હજાર કરોડનું વ્યાજ નથી મળી રહ્યું માટે બેંકો યુઝર ચાર્જીસ વધારી રહી છે.’ અલ્ટિમેટલી બેંકો-કોર્પોરેટ જાયન્ટ્સ વચ્ચેના તમામ ભોપાળાઓનો ભાર પ્રજા નામની કન્યાની કેડે જ આવે છે.

વોટ્સએપ પર એક મેસેજ ફરે છે. એન્ડરસન ભોપાલમાં સેંકડોના જીવ લઈને ભાગી ગયો. ટાઈગર મેમણ મુંબઈમાં બ્લાસ્ટ કરીને ભાગી ગયો. લલિત મોદી આઈપીએલ સ્કેમ કરીને ભાગી ગયો. માલ્યા બેંકોનું ફૂલેકુ ફેરવી ભાગી ગયો. લિસ્ટ લાંબુ છે. પણ આપણે આ લોકોને નહીં પકડીએ. આપણે એમને પકડીશું જેઓ હેલ્મેટ નથી પહેરતા, સિટબેલ્ટ નથી બાંધતા, પીયુસી નથી રાખતા કે વધારે પેસેન્જર્સ બેસાડે છે. મોટામાં મોટો ગુનેગાર ભલે ભાગી જાય પણ અમે નાનાને જરૂર પકડીશું. અરે, કાયદો-કાનૂન જેવું કંઈ હોય કે નહીં!

આ મેસેજનો કટાક્ષ સમજી શકાય છે. પરંતુ મોટા ગુનાઓના દાખલા આપીને નાનાને જસ્ટિફાઈ ન જ કરી શકાય. લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ મોટા ગુનાઓ અને મોટા ગુનેગારો સામે ક્રૂર કહી શકાય એટલા કડક બનવાની જરૂર ચોક્કસ છે. આ દેશમાં એવું ચિત્ર પેદા થઈ રહ્યું છે કે મોટા ગુનેગારો કાયમ કે મોટાભાગે છટકી જ જાય છે. કાયમ નાનાનો જ મરો થાય છે. આનાથી દેશમાં એક અન્યાયની ભાવના પેદા થાય છે. એક એવું ચિત્ર રચાય છે કે દેશના ટોચના કેટલાક રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, ફિલ્મ સ્ટાર્સ, બિઝનેસ જાયન્ટ્સ ભેગા મળીને આ દેશની વસુંધરાને ભોગવી રહ્યાં છે. બાકીનાને ઘોર અન્યાય જ થાય છે. કાયદો-કાનૂન, નિયમો બધુ ગરીબો માટે જ છે. આવી અન્યાયની લાગણીના ધુંધવાટના ‘અગ્નિગર્ભ’ના તખણામાંથી જ કોઈ ક્ષણે કોઈ અંતરિયાળ નકસલબાડી નામના ગામે નકસલવાદના દૈત્યએ જન્મ લીધો હશે. જે સમય જતા રાજકીય પક્ષોના પાપ અને ચીની પ્રોત્સાહનના કારણે વિકરાળ બની રહ્યો છે. ભલે એના વિસ્તાર પાછળ અનેકવિધ પરિબળો જવાબદાર હોય પણ એના મૂળમાં તો અમીર-ગરીબ વચ્ચેની ઉંડી ખીણ અને એક અન્યાયની લાગણી જ રહેલી છે. એના પરિણામે જ આજે એ નકસલવાદના ‘લાલ સલામ’ની જ્વાળાઓ છેક દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટી સુધી લબકારા લેવા લાગી છે. દેશની રાજધાનીમાં નકસલવાદના સમર્થકો ઈસ્લામિક આતંકવાદીના સમર્થનમાં કાર્યક્ર્મ કરે છે. ઈસ્લામિક ટેરરિઝમ અને નકસલવાદ વચ્ચેની આ કડી જો આમ જ આગળ વધતી રહે તો એ શું થાય એની કલ્પના જ ધ્રુજાવનારી છે. આજે નહીં તો કાલે ભ્રષ્ટાચાર સામે ક્રૂર થયા વિના નહીં ચાલે.

ફ્રી હિટ:

Sri Sri: I teach Art of living mallya : I teach Art of leaving

Sri Sri: I teach Sudarshan Kriya mallya : I teach Pradarshan Kriya

Sri Sri: I clean banks of Yamuna mallya : I clean banks of India

Top of Form

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top