હવે ફિલ્મ ‘લવરાત્રી’ પર પ્રતિબંધ મુકવા હાઈકોર્ટમાં પીઆઈએલ(પંચાતિયા ઇરિટેટિંગ લમણાફોડી) એટલે કે જાહેરહિતની અરજી થઈ છે.
BC કૌન હૈ યે લોગ? કહાઁ સે આતે હૈ? એ લોકો રોજ સવારે ઉઠીને નરણા કોઠે હુંફાળુ પાણી કેમ નહીં પીતા હોય? કહે છે કે, એનાથી પેટ સાફ આવે છે. જો આ પ્રકારની કહેવાતી ‘જાહેરહિત’ની અરજીઓ અને ‘ધર્મરક્ષક’ ફતવાઓ અક્ષરસ: છાપવામાં આવે તો લોકોનું એટલું મનોરંજન થાય કે કંઈક હાસ્યલેખકોના તપેલા ચડી જાય!
‘લવરાત્રી’ના વિરોધમાં અરજી કરનારનો આક્ષેપ છે કે, ફિલ્મનું નામ ‘લવરાત્રી’ રાખીને નવરાત્રીના મહાત્મય પર શંકા ઊભી કરવામાં આવી છે. આ વાંચીને ગદગદ થઈ જવાય કે જો અરજી કરનાર ‘જબરાભૈ જાહેરહિતવાળા’ ના હોત તો BC આપણા તહેવારના મહાત્મયનું ધ્યાન કોણ રાખેત?
‘લવરાત્રી’ શબ્દપ્રયોગ સામે પણ ધુમાડા કાઢી જતી પ્રજાતિ આ પૃથ્વી પર હયાત હોવાનું માલૂમ થાય ત્યારે રાધાને લાવી લોકપ્રિય કરનાર ‘ગીત ગોવિંદ’ના રચયિતા જયદેવ પર માન થઈ આવે. બે ઘડી વિચાર કરો કે, કાનૂડો આજે હયાત હોત અને રાધા ગીત છેડેત કે ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે’ કે કોઈ કાન્હાને પૂછેત કે, ‘હો રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો, આંખલડી છે રાતી ને ઉજાગરો ભારે કીધો…’ તો શું થાત? આપણા ‘જબરાભૈ જાહેરહિતવાળા’ અરજી કરેત અને કાનુડાએ વાંસળી બાજુમાં મૂકીને સુદર્શન કાઢવું પડેત કે નહીં?
બાય ધ વે, ‘લવરાત્રી’ સામેની અરજીમાં લખાયું છે કે ફિલ્મમાં વાંધાજનક સંવાદો છે. આ વાત સાચી છે હોં. આયુષ શર્માનો એક એક સંવાદ વાંધાજનક છે, પણ એના શબ્દો કે કન્ટેન્ટના કારણે નહીં પણ ઉચ્ચારણના કારણે. આયુષ ઇઝ નોટ બેડ એક્ટર, એકચ્યુલી હિ ઇઝ નોનએક્ટર. પણ છોકરો હિંમતવાળો ખરો. ‘ભાઈ કી બહન’ સાથે લગ્ન કરવા માટે લક્ષ્યાર્થ અને વ્યંજનાર્થ બંનેમાં હિંમત જોઈએ! જોકે, એ ઓપન સિક્રેટ છે કે આ ફિલ્મ પણ એની એ હિંમતનું જ ફળ છે. કોમેડી ફેક્ટરીના ‘મિત્રોં રોસ્ટ’માં આયુષના આ પોઈન્ટ પર સંવેદના શુક્લાએ પ્રતીક ગાંધીને મસ્ત કટ મારેલી કે, ‘લવરાત્રી કે સેટ પર કભી રિગ્રેટ હુઆ કી શાદી વેલ ટેલેન્ટેડ વુમન સે નહીં વેલ કનેક્ટેડ વુમન સે કરની ચાહિયે થી?’
આ ફિલ્મ સામેની અરજીમાં વધુમાં લખાયું છે કે, નવરાત્રી આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિન્દુઓ અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એ અતિપવિત્ર પર્વ છે, પણ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે નવરાત્રી એ યુવાધન માટે ‘નજીક આવવાનો’ તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ઉપ્સ. હાયે મેં મરજાવાં… આ લાઈન ધર્મ-સંસ્કૃતિ, યુવાધન, અફીણ વગેરેનું કાતિલ કોકટેલ છે. (BC કઈ કોલેજમાં ભણેલા ભૈ?) પેલું નથી કહેતા કે, હા પાડો તો હાથ કપાય અને ના પાડો તો નાક કપાય. આ એવું જ છે. ‘3 ઈડિયટ્સ’ના ચતુર રામાલિંગમની પેલી સ્પીચ જેવું કે, ‘ધન (હા, એ જ હવે) હોતા સબકે પાસ હૈ, પર દેતા કોઈ નહીં!’ એ જ રીતે કરતે સબ હૈ બતાતા કોઈ નહીં! હે જગદંબા, હે ભોળી ભવાની મા, રક્ષા કરજે.
આ લોકો વારે વારે હળી કાઢીને અણી કાઢવા હાઈકોર્ટમાં પહોંચી જાય છે કે ફલાણી ફિલ્મથી ઢીકણાં સમાજની લાગણી દુભાય એમ છે. લોંકડી ફિલ્મથી પૂંછડાં સમાજની પૂંછડી પર પગ આવે એમ છે. પૂંછડી ફિલ્મથી અમારા ધંધાનું ધનોત પનોત નીકળી જાય એમ છે. પેલી ફિલ્મ રિલીઝ થાય તો આપણી સંસ્કૃતિનું સત્યાનાશ જાય એમ છે. ઓલુ ગીત નહીં હટે તો સમાજનું નખ્ખોદ જશે. પેલા ડાયલોગથી તો વળી પૃથ્વી રસથાળ, સોરી રસાતળ જાય એમ છે ત્યારે થાય કે જો આ બધું કોર્ટે જ નક્કી કરવાનું હોય તો આપણે સેન્સર બોર્ડ ઉપ્સ CBFC શું ચોટી કઢાવવા રાખ્યું છે? કાં તો CBFCમાં બેસવા જજોની સ્પેશિયલ પેનલ રચી નાંખો કાં દરેકે દરેક ફિલ્મનું પહેલા કોર્ટોમાં સ્ક્રિનિંગ કરવાની સિસ્ટમ લાવો. તા’ રે’ આ શું વળી રોજ રોજની જફા? કોર્ટોને બીજું કોઈ કામ જ નહીં હોય?
પણ જો આ રીતે દરેક ફિલ્મનું કોર્ટમાં સ્ક્રિનિંગ થવા માંડે તો કેવા દૃશ્યો સર્જાય? જજોના માથાના વાળ સરેરાશ (ખેંચી ખેંચીને) ઓછા થઈ જાય! જો તમને જરા પણ એવો વહેમ હોય કે તમામ ફિલ્મો જોવા મળે એમાં તો મજા આવે તો એ કાઢી નાંખજો. જો (એ વહેમ) ન નીકળતો હોય ને એમ માનતા હોવ કે એ મજાનું કામ છે તો હું માત્ર એટલું કહીશ કે, ‘જાઓ સબસે પહેલે ઉસ આદમી યા ઔરત આઈ મિન રિવ્યૂઅર્સ કા સાઈન લે કે આઓ જીસકો હરએક ફિલ્મ દેખની પડતી હૈ.’ એક જાણીતા લેખકનો એમના કોઈ વાચક સાથેનો સંવાદ સાંભળેલો. વાચકે પૂછેલું કે, ‘ફલાણા સિનેમાઘરમાં કાયમ તમારા માટે એક સીટ ખાલી રહે છે કે શું?’ પેલા લેખકે મસ્ત જવાબ આપેલો કે, ‘ઘણી વાર તો એવું પણ બને કે મારી એ એક જ સીટ ભરેલી હોય અને આખુ થિએટર ખાલી હોય.’ જોકે, જેમાં હોલ ઓલમોસ્ટ ખાલી રહેતા હોય તે ફિલ્મના મેકર્સને સારા રિવ્યૂઝ મળે કે ન મળે પણ કોલેજિયન કપલ્સના આશીર્વાદ ચોક્કસ મળે છે!
કહે છે ને કે, મોત કરતા મોતનો ભય અથવા તેનો ઈંતેઝાર વધુ ભૂંડો હોય છે. એવી જ કંઈક હાલત એ લોકોની હોય છે જેમને આ વિશ્વમાં બનતી દરેક ફિલ્મ ફરજના ભાગરૂપે જોવી પડે છે. કેટલીક ફિલ્મોમાં રિવ્યૂઅર્સની હાલત એવી થઈ જાય કે આપણને ફાળ પડે કે આમને અહીંથી સીધા ‘કાઢી જવા’ પડશે કે શું? કેટલાકને તો મેં કેટલીક ફિલ્મો જોવા નીકળતા પહેલા રીતસર અંબે માનું નામ લઈ માથેથી લીંબુ-મરચાં ઉતારતાં જોયાં છે અને ફિલ્મ જોતાં જોતાં આઘાતના માર્યા એ જ લીંબુ-મરચાં ચાવી જતાં પણ જોયા છે!
જજો આવું કંઈ ન કરે. ખાલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસો વધતા જાય!
ફ્રિ હિટ :
નિષ્ણાતોના મતે ક્લાઈમેટ ચેન્જના કારણે થોડા વર્ષોમાં મોટાભાગનું બેંગકોક ડૂબી જશે. વક્ષપ્રેમી ગુજરાતીઓએ મોટાપાયે વૃક્ષારોપણ કરવું જોઈએ!