કરંટ અફેર્સથી થોડા ઘણાં પણ અવગત રહેનારા મિત્રોને તરત જ ખ્યાલ આવી જશે કે લેખના હેડિંગમાં રહેલા શબ્દો મારા નહીં, પણ રવિશ કુમારના છે. Ramon Magsaysay એવોર્ડ મળ્યાં બાદ તેણે કંઈક એ મતલબનું કહ્યું હતું કે, ‘દરેક લડાઈ હંમેશા જીતવા માટે જ નથી હોતી. કેટલીક લડાઈઓ માત્ર એટલા માટે હોય છે કે દુનિયાને ખબર પડે કે ક્યાંક કોઈ ખૂણે કોઈ તો છે, જે લડી રહ્યું છે.’ રવિશના આ શબ્દો ભારતમાં ટેલિવિઝન સ્ક્રિન પર જર્નાલિઝમના નામે ‘છીછોરાપંતિ’ ચલાવતાં, સત્તાનશીનોની ચરણ પાદુકાના તળિયે થૂંકચટાળ પ્રવૃત્તિ કરતાં અને મોદી-શાહની સામે હાથમાં પુજાની થાળી લઈને ‘ચરણ ચાટવા દ્યોને નરેન્દ્રરાયજી, અમે તમારી ભોળુંળી ગાયજી…’ના કોરસગાન ગાતાં ભક્ત શિરોમણીઓ, કહેવાતાં પત્રકારોના મોં પર એક સણસણતો તમાચો છે…ઔર ઈસ થપ્પડ કી ગૂંજ બહૂત દેર તક ઔર બહૂત દૂઉઉઉર… તક સૂનાઈ દેગી દાદા ઠાકૂર… (દાદા ઠાકૂર : એ ભલે હોં. સૂનાઈ દેની ભી ચાહીએ. હોવ…હમ્બો…હમ્બો…!)
આ પણ વાંચો > મીડિયા અને પત્રકારત્વ : મારી દ્રષ્ટિએ
સિકંદર સામેની લડાઈમાં પોરસ હારી ગયો હતો, પણ એનું પૌરુષત્વ જીતી ગયું હતું. લડાઈમાં કદાચ એની વ્યૂહાત્મક હાર થઈ હતી, પણ એનું ફાઈટિંગ સ્પિરિટ જીતી ગયું હતું. એ જીત્યો નહોતો, પણ શ્રેષ્ઠ લડ્યો હતો. જેનાથી વિશ્વવિજેતા કહી શકાય એવો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પણ ઈમ્પ્રેસ થયો હતો. સિકંદર-પોરસના આ સંદર્ભના પેરાની પહેલી લાઈનમાં આવતો પૌરુષત્વ શબ્દ અહીં માત્ર એક જાતિવાચક ન સમજવો. ફાઈટિંગ સ્પિરિટની વાત છે અને એના પર કોઈ એક જાતિ તો દૂર માત્ર એકલી માનવજાતની પણ મોનોપોલી નથી.
આ પણ વાંચો >The battle of hydaspes : સિંકદરને પોરસ સે યૂં કિ થી લડાઈ…
અનુરાગ ‘બગાવત’ કશ્યપની ફિલ્મ ‘ગૂલાલ’ માટે પિયૂષ ‘માથાફરેલ’ મિશ્રાએ લખેલા મારા વન ઓફ ધ ફેવરિટ ગીત ‘આરંભ હૈ પ્રચંડ…’નો એક અંતરો છે કે –
क्रिश्र की पुकार है ये भागवत का सार है,
कि युद्ध ही तो वीर का प्रमाण है,
कौरवों कि भीड़ हो या पांडवों का नीड़ हो,
जो लड़ सका है वो ही तो महान है,
અહીં ‘જો લડ સકા હૈ વો હી તો મહાન હૈ’ લખાયું છે, ‘જો જીત સકા હૈ વો હી તો મહાન હૈ’ નથી લખાયું. આના પછી તરત જ આવતી પંક્તિ છે કે – जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, – કારણ કે (લડવાનું) કર્મ કરવાનું, પણ (જીતના) ફળની અપેક્ષા ન રાખવી એ પણ કૃષ્ણની પૂકાર હતી જ ને…!
ઈતિહાસ અને સાહિત્યમાં યાસે કે અનાયાસે મોટેભાગે જીતનું જ મહિમામંડન થયું છે, પણ ‘છીછોરે’માં જીત કે હારનું નહીં, પણ ફાઈટિંગ સ્પિરિટનું મહિમામંડન થયું છે. કેટલીક લડાઈ એવી પણ હોય જેમાં હાર અગાઉથી નિશ્વિત હોય, પણ એમાં જંપલાવનારાઓની બહાદુરી જોઈને દુનિયા મોંમાં આંગળા નાંખી જાય. પાળિયાં કેસરિયા કરનારા મરદના ફાડિયાંઓના જ બંધાય, તેઓ જેમના હાથે હાર્યા કે માર્યા ગયા હોય એમના નહીં. દુનિયા આજે પણ Battle of Thermopylaeના પેલા 300 સ્પાર્ટન યોદ્ધાઓને યાદ કરે છે, ત્યાં ચડી આવનારા લાખોના ધાડાંને નહીં.
આ પણ વાંચો >રડતાં ગુલમહોર : 1960ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જીવતા પાછા આવે છે ત્યારે…
દરેક વ્યક્તિ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કોઈને કોઈ મોરચે સતત કોઈને કોઈ લડાઈ લડતો જ રહેતો હોય છે. એટલે જ તો અનિલ કપૂરની પ્રસિદ્ધ ફિલ્મ ‘મેરી જંગ’ માટે આનંદ બક્ષીએ લખેલું કે, ‘જિંદગી હર કદમ ઈક નઈ જંગ હૈ…’ અને જેમનો ‘હું’ કેપિટલ હતો એવા બક્ષીસાહેબની પ્રસિદ્ધ નવલકથા ‘હું કોનારક શાહ’નું તો મારું એક પ્રિય અવતરણ છે કે, ‘દરેક કુટુંબમાં કૌરવો અને પાંડવો સાથે રહેતા હોય છે અને દરેક હિન્દુ રોજ થોડું થોડું મહાભારત જીવતો હોય છે.’ દરેક વ્યક્તિની અંદર એનું પોતાનું પર્સનલ મહાભારત ચાલતું હોય છે. અભિમન્યુની જેમ એ કોઠાં બહાર વિંધતો હોય છે, પણ સાથોસાથ એક લડાઈ તો અંદરે ય ચાલતી હોય છે. કદાચ એટલે જ તો ચિનુ મોદીએ લખેલું કે –
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
ભલે થાકી જવાય, પણ તલવાર તાણતા રહેવી ફરજિયાત છે. દર વખતે જીતવું જરૂરી નથી હોતું અને કદાચ શક્ય પણ નથી હોતું. પણ લડવું ફરજિયાત હોય છે. એનો કોઈ વિકલ્પ નથી હોતો. રવિશે તો દુનિયાને બતાવવા માટેની પ્રતિકાત્મક લડતની વાત કરી છે, પણ કેટલીક લડાઈ એવી હોય છે જે માત્ર જાત સાથેના કમિટમેન્ટ માટે લડવાની હોય છે. હાર થાય કે જીત, એના કરતા વધુ મહત્વ ત્યાં લડવાનું હોય છે. જો હાર થાય, પછડાટ મળે તો ઊભા થવાનું કપડાં ખંખેરવાના અને જાતને પૂછવાનું કે શું તમે આ લડતમાં તમારું 101 ટકા આપેલું? જો એ સવાલનો જવાબ ‘હા’ આવતો હોય તો એ હાર તણો ખરખરો ફોક કરીને આગળ વધી જવાનું અને જો જવાબ ‘ના’ આવે તો તમે એ હારને જ લાયક હતા એ સ્વીકારીને બીજી વાર વધુ તૈયારી કરવાની માનસિક તૈયારી રાખીને આગળ વધી જવાનું. કોઈ પરીક્ષા, કોઈ નોકરી, કોઈ છોકરી કે કોઈ તક આખરી નથી હોતી. એટલી આખરી તો બિલકુલ જ નહીં કે તમારે તમારી જિંદગી પતાવી દેવી પડે.
કાયમ યાદ રાખવું કે અમિતાભ બચ્ચન હોય, ધીરૂભાઈ અંબાણી હોય કે પછી દિપીકા પાદુકોણ, ભલભલાને જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો એવું લાગ્યું જ હોય છે કે હવે આપણે પતી ગયા બોસ. ખલ્લાસ. આપણી દુનિયા પતી ગઈ. આપણે હારી ગયા. જિંદગી એળે ગઈ. કરેલું બધું જ નકામું ગયું. કશું જ બાકી નથી રહ્યું. હવે જીવીએ કે રાખ થઈ જઈએ શું ફરક પડે? સગાં-વ્હાંલા, આડોશ-પાડોશ, દેશ-દુનિયા કોઈ પડખે ન હોય અથવા કોઈ પર ભરોસો ન થતો હોય એવે વખતે મહત્વ માત્ર લડવાનું હોય છે. એ લડાઈ તમે મોં પર ફરફરતું સ્મિત રાખીને લડો, લોહીના આંસુડે રડીને લડો, દિવાલે માથા પછાડીને લડો, હાથ પર કાપા પાડીને લડો કે કોઈ ઊંચી બિલ્ડિંગ પરથી કુદી જાવ. એ લડાઈ માત્ર તમારે જ લડવાની હોય છે. તમારા વતી કોઈ જ લડી શકતું નથી. મા-બાપ, પિતા-પુત્ર, પત્ની-ગર્લફ્રેન્ડ કે મોબાઈલની કોઈ એપ્લિકેશન પણ નહીં.
આ તો ખાસ વાંચો > From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
કોઈ તમારા ખભે હાથ મુકી શકશે. કોઈ પાછળથી ધક્કો મારી શકશે. કોઈ થોડી મદદ કરી શકશે. કોઈ તમારી હાલત પર રડી લેશે તો કોઈ હસી લેશે, લેકિન…કિન્તુ…પરંતુ…બંધુ…લડવું તો તમારે જ પડશે. ઘણી વાર એવે વખતે લડવું એ પણ જીતવાથી કોઈ કમ નથી હોતું. આ આંતરયુદ્ધના એંધાણ આપણે આગળ જોયું (એટલે કે વાંચ્યુ) એમ પાલનપુરની ધરતી પરથી આવતા બક્ષીસાહેબ આપે છે તો એ જ ધરતીના કવિ શૂન્ય પાલનપુરી ટકી રહેવાની એ કાળજયી ઘટના વિશે લખે છે કે –
એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.
આવા જ યુદ્ધ વેળા હિંમત જાળવવાની વાત ફરી પાલનપુરની જ ધરતી પરથી આવતા મુસાફિરસાહેબ પાલનપુરી બોલીમાં કહે છે કે –
હિંમત સી જે હારા એ ભવ હારા સમજો,
હિંમત કૂં મત હાર કલંદર! પોંચ વલીંગે. (પહોંચી વળીશું.)
જોકે, ઘણી વાર જિંદગીનો આ પાઠ સમજાય ત્યાં સુધીમાં લોકો ઘણી નાદાની કરી બેસતા હોય છે. એ નાદાની એ બીજું કંઈ નહીં, પણ જિંદગીએ એક મોટા પાઠ માટે વસુલેલી નાનકડી કિંમત માત્ર હોય છે. એ પદાર્થપાઠ મળે ત્યારે છેક સમજાય છે કે ઉપરવાલા બૌત બડા બાદશાહ હૈ ભાઉ… વિધાતાએ આ પદાર્થપાઠની કિંમત તો આગોતરી જ વસૂલી લીધેલી! ‘થ્રી ઈડિયટ્સ’નો રાજુ રસ્તોગી (શર્મન જોશી) હોસ્ટેલની બિલ્ડિંગ પરથી કૂદી ગયા બાદ જ બોલે છે ને… કે – ‘દોનો ટાંગે તૂડવા કે અપને પૈરો પે ખડા હોના સીખા હૈ. આપ અપની નૌકરી રખ લિજીયે…મેં અપના એટિટ્યૂડ રખ લેતાં હું.’
ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
પેલું કહે છે ને કે, ઘણી વાર નવેસરથી ઘડાવા માટે સાવ જ ભાંગી પડવું પણ જરૂરી હોય છે. માટે ભાંગી પડવામાં કોઈ વાંધો જ નથી ભલભલા ભાંગી પડતા હોય છે, પણ વાંધો ભાંગી પડ્યાં પછી ફરી બેઠા થવાનો પ્રયત્ન ન કરવા સામે છે. એટલે જ Martin Luther King Jr.એ તો કહ્યું જ છે કે, “If you can’t fly then run, if you can’t run then walk, if you can’t walk then crawl, but whatever you do you have to keep moving forward.” આપણે ત્યાં આ જ વાત ફિલ્મ ‘શોર’ના ગીત ‘जीवन चलने का नाम, चलते रहो सुबह-ओ-शाम…’માં રાજકવિ ઈંદરજીતસિંહ તુલસી થોડા સરળ અંદાજમાં સહેજ રમાડીને કહે છે.
માર્ટિન લ્યુથર કિંગના કોઈપણ પરિસ્થિતિમાં ‘જીવન ચલને કા નામ… ચલતે રહો સુબહ-ઓ-સામ’ ગણગણતાં સતત આગળ વધતાં રહેવાના સૂત્રને સાર્થક કરવાની શીખ આપતી ફિલ્મ એટલે ‘છીછોરે. મુસાફિર પાલનપુરી કથિત ‘પોચ વલીંગે’ની હિંમત આપતી અને હૈયે ‘3 ઇડિયટ્સ’ કથિત ‘ઓલ ઇઝ વેલ’ની ઢાઢસ બંધાવતી ફિલ્મ એટલે ‘છીછોરે’. અહીં સુધી મેં ઓલમોસ્ટ સાડા અગિયારસો શબ્દોમાં જે ફિલોસોફી હાંકી અથવા જેટલા પણ ક્વોટ્સ, વાતો કે શેર ટાંક્યા તેનો મોટા પડદે 2 કલાક અને 36 મિનિટનો ખુબ જ મનોરંજક, રોમાંચક, હળવોફૂલ અને નેઈલ બાઈટિંગ ક્લાઈમેક્સ ધરાવતો વિચાર વિસ્તાર એટલે ફિલ્મ ‘છીછોરે’.
આગળ કોઈ સ્પોઈલર નથી, પણ જો તમે હજુ આ ફિલ્મ ન જોઈ હોય તો અહીંથી આગળ એક પણ શબ્દ નહીં વાંચો તો ચાલશે. બસ, ઊભા થાવ અને પરિવાર-મિત્રો સાથે ‘દંગલ’ના ડિરેક્ટર નિતેશ તિવારીનું આ વધુ એક મસ્ત સર્જન જોઈ આવો.
નિતેશ તિવારી પર માત્ર ‘દંગલના ડિરેક્ટર’નું ટેગ મારવું એ મને થોડો અન્યાય લાગે છે. એટલે અહીં ઉમેરું કે એમણે ડેબ્યુમાં ‘ચિલ્લર પાર્ટી’ નામની ભુલકાંની સાથે મોટેરાં પણ જોઈને રાજી થાય તેવી એટલે કે ભારતમાં પ્રમાણમાં ઓછી બનતી ટાઈપની ફિલ્મ વિકાસ બહલ સાથે કો-ડિરેક્ટ કરેલી. જેણે ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓફ ધ યર કેટેગરીમાં નેશનલ એવોર્ડ મેળવેલો. એમની પત્ની અશ્વિની ઐયર તિવારીએ ડિરેક્ટ કરેલી અને ખુબ પ્રસંશા પામેલી ફિલ્મો ‘નીલ બટ્ટે સન્નાટા’ (ન જોઈ હોય તો મસ્ટ વોચ.) અને ‘બરેલી કી બરફી’ની સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રિનપ્લે પણ એેમણે જ લખેલાં.
આ પણ વાંચો >બરેલી કી બરફી : હજૂ થોડું વધુ ગળપણ હોત તો વધુ મજા આવેત!
‘છીછોરે’ની સ્ટોરી કંઈક એવી છે કે અનિરૂદ્ધ (સુશાંત)નો પુત્ર રાઘવ (મોહમ્મદ સમદ) એન્ટ્રેન્સ એક્ઝામમાં નાપાસ થતાં નાસિપાસ થઈને ‘થ્રી ઈડિયટ્સ’ના રાજુ રસ્તોગીની જેમ બિલ્ડિંગથી કુદી જાય છે. એને મગજની ગંભીર ઈજા થઈ જાય છે અને ડોક્ટર અનિરૂદ્ધને કહે છે કે એ જિંદગી જીવવાની આશા છોડી ચૂક્યો હોવાથી એનું મગજ રિસ્પોન્સ નથી આપી રહ્યું. એનું મગજ અને બોડી રિસ્પોન્સ આપે તો એના બચવાની કંઈક આશા બંધાય. એના ખાટલે પડેલા અને લગભગ ‘કોમા’માં રહેલા પુત્રને આવનારી જિંદગીમાં રહેલા આશ્વર્ય ચિન્હોનો પરિચય આપવા, જીવવાની આશા બંધાવવા અને હાથ જોડીને બેસી રહીને હારવા તથા લડીને હારવાનો ફરક સમજાવવા અનિરૂદ્ધ તેને પોતાના હોસ્ટેલના દિવસોમાં ખેંચી જાય છે. એ સાથે જ શરૂ થાય છે ‘બસંતી જબ તક તેરે પૈર ચલેંગે તેરે યાર કી સાંસે ચલેગી’ ટાઈપનો બોલિવૂડિયા ખેલ. અનિરૂદ્ધની હોસ્ટેલ લાઈફનો ફ્લેસબેક અને એના પુત્રની તબિયતનો તાર જોડાઈ જાય છે. અનિરૂદ્ધ પોતાના હોસ્ટેલિયા મિત્રો સેક્સા (વરુણ શર્મા), ડેરેક (તાહિર રાજ ભસીન), એસિડ (નવીન એક્ટર-કોમેડિયન), બેવડા (સહર્સ શુક્લા) અને મમ્મી (તુષાર પાંડે) સહિતના મિત્રો સાથે મળીને પુત્ર સામે હોસ્ટેલના દિવસોની વાર્તા માંડે છે. જેમાં રેજી(પ્રતીક બબ્બર) સાથેની રાઈવલીનો અને માયા(શ્રદ્ધા) સાથેનો લવ ટ્રેક પણ સામેલ છે.
આ પણ વાંચો >મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
સ્ક્રિન પર જેવી તડાફડી જેવા સંવાદો સાથે હોસ્ટેલના દિવસોની પધરામણી થાય છે એ સાથે જ દર્શકોમાં જાણે રમૂજ અને રોમાંચનો કરંટ પ્રસરી જાય છે. ‘થ્રી ઈડિયટ્સ’ બાદ બરાબર એક દાયકે આવેલી આ ફિલ્મ યાસે અનાયાસે ઓછામાં ઓછી એક વાર તો એ ફિલ્મની યાદ અપાવશે જ. જે રીતે લોકોને ‘થ્રી ઈડિયટ્સ’ના પાત્રો યાદ રહી ગયા એ રીતે આના પણ રહી જવાના. બાય ધ વે, ‘થ્રી ઈડિયટ્સ’માં પણ ‘પ્રેશર કૂકર’ હતું અને આ ફિલ્મમાં પણ છે. બન્નેમાં ‘પ્રેશર કૂકર’નો સંદર્ભ અલગ છતાં લગોલગ છે!
‘થ્રી ઈડિયટ્સ’ અને ‘છીછોરે’ના ઘણાં ઇન્ગ્રીડિઅન્ટ્સ સરખાં છે. બન્નેનો લોકાલ પણ સેમ છે અને સંદેશ પણ ઓલમોસ્ટ સરખો છે. બન્નેમાં ફેલ્યોર સાથે ડિલ કરવાની વાત છે. સ્કૂલ, કોલેજ કે હોસ્ટેલ લાઈફ અને પાક્કા મિત્રોની મજેદાર વાર્તા, આટલા ઇન્ગ્રીડિઅન્ટ્સ છે જ એવા, કે જો એનો યોગ્ય સમતુલા જાળવી વઘાર કરવામાં આવે તો દર્શકોને મજાની અને મેકર્સને હિટની ગેરંટી. એટલે જ જુઓ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ‘છેલ્લો દિવસ’ બાદ એ જ ઇન્ગ્રીડિઅન્ટ્સ લઈને હિટ સર્જવાના કેટકેટલાં પ્રયાસો કર્યા? જોકે, બોલિવૂડમાં પણ આવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ લઈને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ બનાવનારા ક્યાં નથી પડ્યાં?
આ પણ વાંચો >મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
‘થ્રી ઈડિયટ્સ’ની તુલનાએ આ ફિલ્મમાં મને સમય પ્રમાણે બિસ્વા કલ્યાણ રથ લિખિત અને અભિષેક સેનગુપ્તા દિગ્દર્શિત એમેઝોન પ્રાઈમની વેબસિરિઝ ‘લાખો મેં એક’ (સિઝન 1) અને યુ ટ્યુબ ચેનલ ‘ગર્લીયાપ્પા’ની સિરિઝ ‘ગર્લ્સ હોસ્ટેલ’ના કેટલાક ટ્રેક્સ થોડાં ‘મિલતા જુલતા’ (અને જરૂરી પણ) લાગ્યાં. ‘છીછોરે’ અને ‘થ્રી ઈડિયટ્સ’ વચ્ચે એક ફર્ક એ કે અપવાદોને બાદ કરતાં ‘થ્રી ઈડિયટ્સ’ ઓલમોસ્ટ વન મેન ગેમ (ઓલમોસ્ટ હિરો સેન્ટ્રીક) બની જતી હતી જ્યારે ‘છીછોરે’ ઓલમોસ્ટ છેકથી છેક સુધી ટીમ ગેમ બની રહે છે. જોકે, બન્ને ફિલ્મોમાં અનાયાસે જ રેગિંગ જેવી ગંભીર બાબતને હળવાશથી દર્શાવાઈ છે અને તેનું ગ્લેમરાઈઝેશન થયું છે, પણ બીજી તરફ બોલિવૂડમાં જ રેગિંગના ખરાબ પાસા પર રેડલાઈટ નાંખતી મનિષ ગુપ્તાની ‘હોસ્ટેલ’ જેવી ફિલ્મો પણ બની જ છે.
નિતેશ તિવારીનું ડિરેક્શન કમાલનું છે. ક્લાઈમેક્સ સુધીમાં તો તેઓ ભારતમાં જન્મેલા અને વિશ્વ પ્રસિદ્ધ પોલિટિકલ સટાયર નોવેલ ‘એનિમલ ફાર્મ’ લખનારા જ્યોર્જ ઓરવેલના પેલા પ્રસિદ્ધ ક્વોટ – ‘સિરિયસ સ્પોર્ટ એ હથિયારો વિનાની લડાઈ છે.’ -નું સૂત્ર પકડીને દોડી રહ્યાં હોય એવો અનુભવ થાય. ગેમ જીતવાના એક જૂગાડમાં એક જગ્યાએ ‘લગાન’માં કચરાને ‘તું લૂલો છે તો સ્પીન નાંખ’ કહેતો ભૂવન પણ યાદ આવી જાય. ક્લાઈમેક્સ સુધીમાં તો એવું લાગે કે રોમાંચના કારણે હમણાં ઓડિયન્સ ખુરશીમાંથી ઉછળી પડશે! જો સિનેમાઘરની બેઠકો પર પ્લેનના પાયલોટ જેવી કોઈ ઈજેક્શન સ્વીચ આપવામાં આવી હોત તો મારા જેવા કંઈક દર્શકો સો ટકા સુશાંતના પેલા બાસ્કેટ બોલની સાથોસાથ હવામાં ફંગોળાયા હોત! જોકે, ફિલ્મના અંતમાં એ નથી થતું જે સામાન્ય રીતે બોલિવૂડની ફિલ્મોમાં થતું હોય છે. અંત આ ફિલ્મને એક નવી ઊંચાઈ બક્ષે છે.
આ પણ વાંચો >PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
વેલ, ફિલ્મમાં એક દૃશ્ય છે. જેમાં સુશાંત દારૂની બોટલ લાવીને એના પુત્રને કહે છે કે તું એક્ઝામમાં પાસ થઈ જાય પછી આ ખોલીને આપણે એ સેલિબ્રેટ કરીશું. એ પોતાના પાત્રના સ્વભાવ મુજબ એમ નથી કહેતો કે, ‘બેટા, તું સિલેક્ટ ન થાય તો પણ એ જ બોટલ ખોલીશું અને હું દરેક પેગ સાથે તારો ગમ શેર કરીશ.’ જે ખૂંચે છે. એ એવું નથી કહેતો એનો રેફરન્સ ડિરેક્ટર આપણને ક્લાઈમેક્સમાં સમજાવે છે. ત્યાં ડિરેક્શનની કમાલ છે. એક તરફ હદય ચિરાઈ જાય એવો ગમગીન સિન આવે ને તરત જ ફેફસા ફાટી જાય એટલું હસાવતો સિન આવી જાય અને દર્શક રૂદનમિશ્રિત હાસ્ય કે હાસ્યમિશ્રિત રુદન અનુભવે એ ક્ષણે એનું પાત્ર ભલે કોઈ પરીક્ષામાં ફેલ થતું હોય, પણ ડિરેક્ટર દર્શકો પાસેથી પૂરા માર્ક્સ લૂંટી જાય છે!
ફિલ્મના ડાયલોગ્સ રેઝર શાર્પ છે. આ બે નમૂના જુઓ –
માયા : તુમ હર બાત કો ઈતના લાઈટલી કેસે લે સકતે હો?
અનિરૂદ્ધ : તુમ હર બાત કો ઈતના સિરિયસલી કેસે લે લેતી હો?
મમ્મી : કલ મા કી બોલી સુનને મિલેગી…!
એસિડ : કલ મા કી ગાલી બકને મિલેગી…!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
આ ઉપરાંત ‘ઈતની રાત કો પ્યાસી જવાની બન કે કહાં ઘુમ રહા હૈ?’ જેવા સંવાદો હસાવી જાય છે તો ‘કિતની ટેન્શન પાલ રખ્ખી હૈ, ઈસસે અચ્છા તો એક ગર્લફ્રેન્ડ બના લેતા!’ જેવા વનલાઈનર્સ મજા કરાવે છે અને ‘કભી સોચા નહીં થા અપના રિયુનિયન એસે હોગા!’ જેવા સંવાદોમાં એક ડેપ્થ જોવા મળે છે. તેમજ ‘ટુ એએમ ફ્રેન્ડ’ અને ‘બ્રેઈન ઓર બંટી’ જેવી શબ્દાવલી પણ હાસ્ય સર્જે છે.
સુશાંત અને શ્રદ્ધાની એક્ટિંગ સયંમિત અને સારી છે. સુશાંત એક સ્પોર્ટ્સમેનના રૂપમાં ફિલ્મ ‘ધોની’માં પણ જોવો ગમેલો. અહીં પણ ક્યાંક ક્યાંક એ ફિલ્મના ‘ધોની’ની છાંટ વર્તાય છે. સેક્સા ઉર્ફે વરુણ શર્માનું મોં સ્ક્રિન પર જોઈને જ દર્શકો હસી પડે છે.
કોઈ એક પાત્રની લોકપ્રિયતાના કારણે એક્ટર્સ યાસે કે અનાયાસે ભયંકર રીતે ટાઈપકાસ્ટ થઈ જતા હોય છે. ઓમી વૈદ્ય પણ ‘થ્રી ઈડિયટ્સ’ના ચતુર રામાલિંગમની અસરમાંથી હજુ ક્યાં પૂરો બહાર નીકળી શક્યો છે? એવું જ કંઈક વરુણ શર્મા સાથે થયું છે. એ કોઈપણ કેરેક્ટર કરતો હોય એનામાં ક્યાંકને ક્યાંક ‘ફૂકરે’ના ‘ચૂચા’ની ઝલક આવી જ જાય અને દર્શકો પણ એ જ જોવા માગતા હોય. જોકે, સેક્સાના પાત્ર માટે ચહેરા પણ જે ભોળપણ મિશ્રિત લુચ્ચાઈ, નફ્ફટાઈ, બેફિકરાઈ અને હરામીપણું જરૂરી હતું એ આના ચહેરા પર બાયડિફોલ્ટ છે.
‘એસિડ’ના એસિડિટ કેરેક્ટરમાં એક્ટર-કોમેડિયન નવીન મજા કરાવે છે. ડેરેકના પાત્રમાં તાહિર રાજ ભસીન જામે છે, પણ એના ઓલ્ડ એજ અવતારમાં ખાલી એની ટાલ બહુ જ ફેબ્રિકેટેડ લાગે છે. એ જ રીતે સુશાંતના ઓલ્ડ એજ લૂકમાં પણ દાળમાં મીઠાના પ્રમાણ જેટલી ચૂક રહી હોય એવું લાગે છે. જે મેકઅપ ડિપાર્ટમેન્ટનો માઈનસ પોઈન્ટ છે. એમણે સ્ક્રિપ્ટની જરૂરિયાત મુજબ દરેક પાત્રના ઓલ્ડએજ અવતારને એના યુવાનીના લૂકથી એટલો ડિફરન્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે એમાં આ ચૂક રહી ગઈ છે. બાકી ઓવરઓલ કામ સારું છે. જેમ કે વરુણ શર્માને તમે એ લૂકમાં ક્યારેય કલ્પી જ ન શકો, જેમાં આ લોકોએ બતાવ્યો છે. સહર્સ શુક્લાએ બેવડાનું પાત્ર કન્વિન્સિંગ રીતે ભજવ્યું છે. પ્રતિક બબ્બરે પણ પોતાની ભૂમિકાને ઠીકઠાક ન્યાય આપ્યો છે.
મમ્મીનું પાત્ર તુષાર પાંડેએ ભજવ્યું છે અને એના પિતાના પાત્રમાં ફિલ્મમાં એક નાનકડી એન્ટ્રી મારે છે આપણા ગુજરાતી એક્ટર સંજય ગોરડિયા. ફિલ્મ જોઈ હોય તો યાદ કરજો ને જોવાના હોય ત્યારે ધ્યાનથી જોજો કે સંજય ગોરડિયાનું કેરેક્ટર જ્યારે પોતાના પુત્રનો પરિચય કરાવે છે ત્યારે એના પુત્રનું નામ શું જણાવે છે? સુંદર. શું એ ‘સુંદર બે બાયડીવાળો’ નાટકનું પ્રમોશન હતું? LOL
આ પણ વાંચો >આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
સંગીતની વાત કરીએ તો ‘વો દિન’ સોંગના અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો સારા છે. ધૂન મને મારા ટેસ્ટની ન લાગી. અરિજીતવાળુ વર્ઝન એક-બે વાર સાંભળી શકાય. ‘ખેરિયત’ના હેપ્પી અને સેડ બન્ને વર્ઝન્સ મને લિસનેબલ લાગ્યાં. આ સોંગમાં પણ અમિતાભ ભટ્ટાચાર્યએ तुम्हारी तस्वीर के सहारे मौसम कई गुज़ारे, मौसमी ना समझो पर इश्क़ को हमारे અને अगर इश्क़ से है मिला, फिर दर्द से क्या गिला? જેવી સરસ પંક્તિઓ આપી છે. ‘કલ કી હી બાત હૈ…’ ઠીક ઠાક છે. ‘કંટ્રોલ’ સોંગ સિચ્યુએશનલ છે. કોમેડી છે. એનું પિક્ચરાઈઝેશન તેમજ अपने करेक्टर के अंदर का विश्वामित्र जगा के, यारों कस के लंगोट, तपस्या हम घनघोर करेंगे જેવા રમતિયાળ શબ્દો હસાવે છે.
‘ફિકર નોટ’ સોંગ ફિલ્મની વાર્તાને અનુરૂપ છે, પણ એમાં ‘અરે રેરે પગલે ફિકર નોટ…’ ટૂકડો જે વારંવાર રિપિટ થાય છે એટલા ટૂકડાની ધૂન ક્યાંક સાંભળી હોય એવું લાગે છે. જોકે, સંગીતકાર જ્યારે પ્રિતમ હોય ત્યારે આટલી તકલીફ તો રહેવાની બકા…! શું કિંયો? શક્ય છે કે એ ટ્યુનનો ટૂકડો પ્રિતમના જ કોઈ જૂના સોંગનો નીકળે અને એ જૂના સોંગના મૂળિયા વળી બીજા કોઈ દેશી-વિદેશીના જાણીતા સોંગમાં નીકળે…!હોવ… દે દામોદર દાળમાં પાણી…હમ્બો…હમ્બો…!
આ પણ વાંચો >‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સમિરૂદ્દિનનો છે. એણે જ નસિરુદ્દિન શાહના પુત્ર ઈમાદની 2011માં આવેલી ઓછી જાણીતી રહેલી એક સુપર સાઈકોલોજિકલ થ્રીલર ‘404: Error Not Found’નું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આપેલું. જોગાનુજોગ એ ફિલ્મમાં પણ હોસ્ટેલના રૂમ નંબર 404ની જ વાત હતી અને આ ફિલ્મમાં પણ હોસ્ટેલની જ વાર્તા છે. કેટલાંક કોમેડી દૃશ્યોના બેકગ્રાઉન્ડમાં ‘કમિને’ ફિલ્મના સોંગ ‘ઢેનટેણેન…’ ટાઈપની જ ટ્યૂન વાગે છે, જે દૃશ્યોને એક અલગ જ ઉઠાવ આપે છે.
‘ખેર’, (લાઈફ મેં) ‘કુછ ભી હો સકતા હૈ’ જેવો પ્રેરણાત્મક શો લાવનારા અનુપમ ખેરે એક વખત ક્યાંક પોતાની જિંદગીનો એક સુંદર કિસ્સો વર્ણવેલો. તેમણે કહેલું કે, એકવાર અચાનક જ મારા પપ્પા મને હોટલ લઈ ગયા. એ વખતે સિમલામાં અમે મહિનામાં બે-ત્રણ વાર હોટલમાં જતાં. થોડા દિવસ પહેલા જ ગયેલા એટલે ફરી જવાનો સમય નહોતો થયો, પણ પપ્પા કંઈક અલગ જ મૂડમાં લાગતાં હતાં. અમે જમ્યાં. પછી તેમણે કહ્યું કે, ‘અબ બોલ, ઔર ક્યા ખાએગા?’ મેં કહ્યું, ‘ગુલાબજામુન.’ એમણે મને ગુલાબ જાંબુ ખવડાવ્યાં. ફરી પૂછ્યું કે હજુ કંઈ જોઈએ છીએ? એ સમયે કોફી મશીન્સ નવા નવા નીકળ્યાં હતાં અને મને તેનું બહુ આકર્ષણ હતું. મેં કહ્યું, ‘વો મશીનવાલી કોફી પીઉંગા.’ એમણે મને એ પણ પીવડાવી. પછી મેં એમને પૂછ્યું કે, ‘આજે આટલા ખુશ કેમ છો અને મારા પર આટલી બધી મહેરબાની કેમ?’ એમણે કહ્યું કે, ‘બેટા, તેરા રિજલ્ટ આ ગયા હૈ, ઔર તું ફેલ હો ગયાં હૈ.’
આ તો ખાસ વાંચો >રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
અનુપમ આઘાતમાં હતાં. એમણે પૂછ્યૂં કે, ‘પપ્પા, હું ફેલ થયો અને તમે મેં જેના પર આંગળી મુકી એ ખવડાવ્યું-પીવડાવ્યું! આવું શા માટે?’ એમના પિતાએ સરસ જવાબ આપ્યો કે, ‘ઈસલિએ ક્યૂંકી તું લાઈફ મેં કભી ફેલ્યોર સે ના ડરે!’ સિમલાની એ હોટલમાં પિતાએ આપેલી એ ‘અનુપમ’ સમજણના પ્રતાપે કદી ફેલ્યોરથી ડર્યા વિના ખેર આજે એ સ્ટેજે પહોંચ્યાં છે જ્યાં બહું ઓછા કલાકારો પહોંચી શક્યાં છે. ખેરના પિતાની એ શીખનો સુંદર સરવાળો એટલે આ ફિલ્મ. ઈતિ સિદ્ધમ.
ફ્રી હિટ :
લેખમાં આપણે ‘લાખો મેં એક’ વેબસિરિઝના ડિરેક્ટર અભિષેક સેનગુપ્તાનો ઉલ્લેખ કર્યો તે ‘ફૂકરે’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’માં અનુક્રમે મૃગદિપસિંહ લાંબા અને ‘રેડ’ તથા ‘આમિર’ ફેમ ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાનો ફર્સ્ટ એ.ડી. તેમજ ‘કહાની’માં સુજોય ઘોષ સાથે એસોસિએટ ડિરેક્ટર રહી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે અન્ય કેટલાંક પ્રોજેક્ટ્સમાં ઈન્ટરનેશનલ ડિરેક્ટર્સને પણ આસિસ્ટ કર્યા છે. અભિષેકનો આ અનુભવ તેના ડિરેક્શનમાં સ્પષ્ટ ઝીલાય છે. તેના ડિરેક્શન પરથી લાગે છે કે જો યોગ્ય તક મળી તો એ ઈન્ડસ્ટ્રીમાં ચોક્કસ લાંબી રેસનો ઘોડો પૂરવાર થવાનો.
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!
મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!
કૂંચી આપો બાઈજી… : એક ટોયલેટ કથા!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!