ફિલ્મની વાર્તાનો કાળ 18મી સદીના ભારતનો છે. જ્યારે ભારતના અલગ અલગ પ્રદેશોમાં સત્તા અને સંપત્તિ બાબતે અંગ્રેજો, મરાઠાઓ, ડાકુ-લૂંટારા, પીંઢારા સહિતનાઓ વચ્ચે ‘મારે તેની તલવાર’ની સ્થિતિ પ્રવર્તી રહી હતી. એ કાળનો એક નાગા સાધુ છે. તે જીવતેજીવ જ પોતાનું પિંડદાન કરીને સંસાર ત્યાગી ચૂક્યો છે, પણ તેનામાંથી હજુ બદલાની ભાવનાએ વિદાય લીધી નથી. આખી ફિલ્મમાં તે એટલે કે સૈફ અલી ખાન પોતાનો બદલો પૂરો કરવા રહેમત ખાનની શોધમાં ભટકે છે.
આ પણ વાંચો >Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
તે રહેમત ખાનની પાછળ કેમ પડ્યો છે એ સસ્પેન્સ છે, પણ એની એ ઓવરઓલ જર્નીનો ગાળો વીસેક વર્ષ જેવો છે અને ફિલ્મ જોતાં જોતાં આપણને પણ ફિલ્મ એટલી જ લાંબી લાગે તે શક્ય છે! વાર્તામાં અલગ અલગ ચેઝ છે. નાગા સાધુ રહેમત ખાનની પાછળ છે, રહેમત ખાનને જમના પાર અવધ પહોંચી જવાની ઉતાવળ છે, પઠાણો નાગા સાધુની પાછળ છે, રાજા ડાકુઓની પાછળ છે, મરાઠાઓ રહેમત ખાનની પાછળ છે, પીંઢારાઓ ખજાનાની પાછળ છે, ઝોયા હુસૈનનું વિધવા દાસી ટાઈપનું પાત્ર નાગા સાધુની પાછળ છે. આ બધા આગળ-પાછળની જાળ એક-બીજાની આગળ-પાછળ એવી રીતે ગુંચવાઈ જાય છે કે ક્યારેક દર્શકો મુંજાઈ જાય કે કોણ શા માટે અને કોની પાછળ છે? એમાં જ આખી ફિલ્મ અને ફરી એક વાર સૈફની કેરિયર વધુ એકવાર એક પગલું પાછળ રહી જવાની હોય એવું લાગી રહ્યું છે. બીજું એ કે આ બધી ચેઝ એટલી ધીમી ચાલે છે કે ડિરેક્ટર પાસે ખુબ જ ટાઈમ હોય અને આપણે કોઈ લાંબી વેબસિરિઝ જોઈ રહ્યાં હોઈએ એવું લાગે.
આ પણ વાંચો > છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
‘મનોરમા સિક્સ ફિટ અન્ડર’ જેવી સુપર્બ સસ્પેન્સ થ્રીલર અને ‘NH 10’ જેવી સારી ફિલ્મો આપનારા ડિરેક્ટર નવદિપ સિંઘની ફિલ્મ હોવાથી અને સૈફના ફર્સ્ટ ઈન્ટ્રેસ્ટિંગ પોસ્ટર તેમજ ત્રણ ચેપ્ટરમાં આવેલા આ ફિલ્મના ટ્રેલર્સે ખાસ્સો એવો બઝ ક્રિએટ કર્યો હતો, પણ ‘લાલ કપ્તાને’ જે ઉત્કંઠા અને આશા જન્માવી હતી એ તમામ ઠગારી નીવડી છે. આ ફિલ્મ માસ ઓડિયન્સ માટે તો બિલકુલ નથી.
જોકે, એવું નથી કે ફિલ્મમાં બધુ જ ખરાબ છે. સિનેમેટોગ્રાફી સારી છે. બ્રિટીશ કંમ્પોઝર બેન્ડિક્ટ ટેલરનો બેકગ્રાઉન્ડ સ્કોર ઈમ્પ્રેસિવ છે. કોસ્ચ્યુમ્સ પ્રોપર છે. વાર્તા પણ સારી છે, પણ સ્ક્રિનપ્લેમાં લોચા પડી ગયા છે. દિપક ડોબરિયાલનું કૂતરાંઓની મદદથી સુંઘીને પગેરું મેળવનારા પગીનું પાત્ર સરસ છે. એની એક્ટિંગ લાજવાબ છે. એનો તકિયાકલામ ‘હાઉ ડુ યુ ડુ?’ ફિલ્મની ડાર્ક થીમમાં હાસ્યની રંગોળી પૂરે છે. એવી જ રીતે લાલપરીનું પાત્ર અને દૃશ્ય સખ્ખત છે. સખ્ખત એટલે સખ્ખત હોં! રહેમત ખાનના પાત્રમાં માનવ વિજ જામે છે. ઝોયા હુસૈનની એક્ટિંગ પણ સારી છે. નાગા સાધુના તરીકેના એક-બે દૃશ્યોમાં નાગા સાધુના બદલે સૈફ અલી ખાન દેખાઈ જાય છે એ ખામી દરગુજર કરીએ તો એનો લૂક અને આંખોનો ભાવ સારો છે.
સમીરા કોપીકરના સંગીતમાં બ્રિજેશ શાંડિલ્ય અને ડિનો જેમ્સએ ગાયેલું સોંગ ‘કાલ કાલ કાલ હૈ’ વારંવાર સાંભળવું ગમે તેવું છે. તેમાં ‘વો અજર હૈ, વો અમર હૈ, વો અનાદી-અંત હૈ, ગ્રંથ સારે, ધર્મ સારે, ઉસકા હી ષડયંત્ર હૈ, ગડા હૈ ચોટીયો મૈં, સમય કા શૂલ હૈ, ઉસકો ભૂલના, ભૂલ હૈ…ભૂલ હૈ…કાલ…કાલ…કાલ હૈ…’ જેવા સૌરભ જૈનના શબ્દો અર્થપૂર્ણ છે. કૈલાશ ખેર અને બ્રિજેશ શાંડિલ્યએ તાંડવ જેવા જ ઢાળમાં ગાયેલંલ ‘તાંડવ સોંગ’ પણ સારું અને ફિલ્મની થીમને અનુરૂપ છે. સમીરા કોપીકરે ગાયેલું ‘મોરે લહુ કા રંગ કારા’ વારંવાર સાંભળવા જેવું છે. એ ગીતમાં સાહિબે લખેલા ‘કારે બદરવા મનવા મેં ઘૂમે, કારે ભુજંગા સપનો મેં ઝુમે…’ જેવા શબ્દો મજા કરાવે છે.
આટઆટલા સારા પાસા હોવા છતાં ઓવરઓલ પેકેજ તરીકે ફિલ્મ મનોરંજન આપવામાં કાચી પડે છે. એડિટિંગ ટેબલ પર બહુ જ કેઓસ સર્જાયો હોય એવું લાગે છે. કારણ કે એક ટ્રેલરમાં આવેલો દિપક ડોબરિયાલનો બે કૂતરાંવાળો એક ઈમ્પ્રેસિવ સિન ફિલ્મમાં નથી. એ જ રીતે ટ્રેલર્સમાં સંભળાયેલા બે સારા ડાયલોગ્સ – ‘હર રામ કા અપના રાવન, હર રામ કા અપના દશહરા’ અને ‘અનજાને કો મત જગાઈએ, જાને કૌન જગ જાએ, યે તીનો સોતે ભલે સિંહ, સાપ ઓર કાલ’ – ફિલ્મમાં નથી, પણ સોનાક્ષી સિંહાનો કેમિયો જરૂર છે. જો એડિટિંગ વ્યવસ્થિત થયું હોત તો આ ફિલ્મનું ‘ધબાય નમ:’ થતા અટકી ગયું હોત.
એક્સ્ટ્રા શોટ :
ફિલ્મમાં સૈફ અલી ખાનના પાત્રને સૌ ગોસાઈ કે સન્યાસી કહીને જ સંબોધે છે આમ છતાં ફિલ્મનું નામ લાલ કપ્તાન કેમ છે તે સમજાતું નથી. લાલ તો ચલો માની લઈએ કે તેનું જેકેટ છે, પણ તે ‘કપ્તાન’ શેનો છે?