26 નવેમ્બર 2008 ઉર્ફે 26/11, મુંબઈ.
ધાણીફૂટ ફૂટતી ગોળીઓ…બલાસ્ટ…ધૂમાડો…આગ…લોહીના ફૂવારા… અંધાંધૂંધી…અને આક્રંદ…
શહેરમાં ચારેતરફ અફડાતફડીનો માહૌલ છે. પાકિસ્તાનથી આવેલા દસ લબરમુછીયાઓએ ઘાતક હથિયારો રમકડાંની જેમ ચલાવીને મુંબઈને રીતસર બાનમાં લઈ લીધું છે. દેશની સિક્યુરિટી સિસ્ટમના ગાભાં, ડુચાં, ભુકાં અને છોતરાં નીકળી ગયા છે. તંત્રને લકવો મારી ગયો છે. એટેક શરૂ થયાના ગણતરીના જ કલાકોમાં દેશના બાહોશ અધિકારીઓ શહીદ થઈ જાય છે. મહાસત્તા બનવાના ઓરતા જોતો દેશ કેટલાંક બ્રેઈનવોશ્ડ મુસ્લિમ છોકરડાંઓ સામે ઓલમોસ્ટ લાચાર દેખાઈ રહ્યો છે. એ ડઘાઈ ગયો છે. બઘવાઈ ગયો છે.
આતંકવાદીઓની એક ટીમ મુંબઈ અને દેશની શાન ગણાતી હોટલ તાજમહાલ પેલેસમાં ઘુસી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવે ત્યાં સુધીમાં અનેક નિર્દોષો મોતને ભેટી ચુક્યા હોય છે. હોટલમાં દેશ-વિદેશના લગભગ 1700 જેટલા વીઆઈપી અને વીવીઆઈપીઓના જીવ અને ભારતની લાજ જોખમમાં હોય છે. એ સંજોગોમાં હોટલના હેડ શેફ હેમંત ઓબેરોયની આગેવાનીમાં સ્ટાફના કેટલાક લોકો જીવ બચાવીને નાસી છૂટવાના બદલે – ‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે’ – પંક્તિને સાર્થક કરવા હોટલના મહેમાનોને સુરક્ષિત રાખવા અને તેમને હેમખેમ બહાર કાઢવાનું બીડું ઝડપે છે. જેમાં તેમને પછીથી સ્પેશિયલ ફોર્સ આવે ત્યાં સુધી કંઈ જ ન કરવાનો આદેશ હોવા છતાં આતંકવાદીઓના અત્યાધુનિક હથિયારોની સામે ટાંચા હથિયારો સાથે લડવાનું નક્કી કરી માથે કફન બાંધીને હોટલમાં ઘુસી ગયેલી મુંબઈ પોલીસની એક સરફરોશ ટૂકડીનો પણ સાથ મળે છે.
હોટલમાં ઓલમોસ્ટ ત્રણેક દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે રીતસરનો થપ્પોદાવ ચાલે છે. ક્યારેક મોત જિંદગીનો થપ્પો કરી જાય છે તો ક્યારેક જિંદગી મોત સામે પોતાનો દાવ રમવામા સફળ રહે છે. અંતે 1600 જેટલા મહેમાનો હેમખેમ બહાર નીકળે છે. એક એક ભવ જેવડી લાગતી એક એક ક્ષણના હોટલની અંદરના એ બે-ત્રણ દિવસોનું 125 મિનિટનું રિયાલિસ્ટિક ચિત્રણ એટલે અનુપમ ખેર તથા ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘લાયન’ ફેમ ભારતીય મૂળના બ્રિટીશ એક્ટર દેવ પટેલ સ્ટારર ઓસ્ટ્રેલિયન ડિરેક્ટર એન્થની મારસની ડેબ્યૂ ફિલ્મ ‘હોટલ મુંબઈ’.
Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
એક ભારતીય તરીકે દિલમાં 26-11ના હુમલાની કાયમી ટીસ હોવાથી ફિલ્મમાં એટેક શરૂ થાય એ બાદ ભૂલી જવાય છે કે આ ફિલ્મ છે. આપણા માટે આ ફિલ્મ નથી. એક અનુભવ છે. એક દુ:ખદ અનુભવ. ભારત માતાના શરીર પર પડેલો એક કારમો ઝખમ. જે આ ફિલ્મના માધ્યમથી ફરી તાજો થાય છે. જાણે અજાણ્યે ફિલ્મ જોતાં જોતાં ક્યાંક ક્યારેક એવું લાગવા લાગે છે કે આપણે જ હોટલ તાજમાં ફસાયા છીએ તો ક્યારેક જાતે જ આપણે તેમની જગ્યાએ હોત તો શું કરેત? એવો વિચાર કરવા લાગીએ છીએ. આ ફિલ્મ જોતી વખતે આતંકવાદીઓની ક્રૂરતાના કેટલાક દૃશ્યો જોઈને કેટલીક મહિલાઓના મોંમાંથી તીણી ચીસ નીકળતી સાંભળી તો સાથેની રૉમાં ઘણાની આંખ બંધ કે ભીની થતી જોઈ. કોઈ નવાઈ નથી કે 2018માં ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવિયેશન મળેલું અને ત્યાં આ ફિલ્મ પહેલીવાર જોઈને ખુદ અનુપમ ખેર ઓલમોસ્ટ રડવાં જેવા થઈ ગયેલા. આ ફિલ્મની ઈમ્પેક્ટ એટલી ઘેરી છે કે માર્ચ 2019માં ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં શૂટિંગ થયા બાદ થોડા દિવસ માટે ‘હોટલ મુંબઈ’ને થિએટરમાંથી ઉતારી લેવી પડેલી.
રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
રાઈટર-ડિરેક્ટરે આતંકવાદીઓના આકા અને આતંકીઓ વચ્ચેના ઈન્ટરસેપ્ટેડ કોલ્સની રિયલ વાત-ચીતની ટ્રાન્સ્ક્રિપ્ટના આધારે જ કસાબ એન્ડ મંડળીના સંવાદો લખ્યાં છે. ઘણા વાર્તાલાપ એવા છે જે ડ્રામેટાઈઝ નથી, પણ રિયલ છે. એ સંવાદો સાંભળીને ચોંકી જવાશે. એ સંવાદો પરથી ખ્યાલ આવે છે કે વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર 2000 પાઉન્ડનો કોઈ પરમાણુ બોમ્બ નહીં, પણ અંદાજે ત્રણેક પાઉન્ડ વજનનું કાળા માથાંના માનવીનું દિમાગ છે. જો એની સાથે ખિલવાડ કરવામાં આવે, યુવાનોનું બ્રેઈનવોશ્ડ કરવામાં આવે તો તેઓ કોઈ હરતાં ફરતાં પરમાણુ બોમ્બથી કમ નથી.
ફિલ્મમાં શબ્દો ચોર્યા વિના એ દર્શાવવામાં આવ્યું છે કે ફિલસુફીની દૃષ્ટિએ ભલે ‘આતંકનો કોઈ ધર્મ નથી હોતો’ એવું કહેવામાં આવતું હોય, પણ એ દિવસે મુંબઈમાં ક્રૂરતાના હુતાશનને પલીતો ચાંપનારાઓનો એક ધર્મ ચોક્કસ હતો અને એ હતો ઈસ્લામ. ઈસ્લામના નામે જ તેમને માણસમાંથી મશીન બનાવી દેવામાં આવેલા. કિલિંગ મશીન. એમને જે અત્યાધુનિક ઘાતક હથિયારો કે ગ્રેનેડ આપવામાં આવેલા એના કરતાં પણ ખતરનાક બોમ્બ તો એમના દિમાગમાં ફીટ કરવામાં આવ્યો હતો. એ હતો જેહાદનો બોમ્બ. ઈસ્લામિક કટ્ટરતાનો બોમ્બ.
છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
કટ્ટરતા ઈસ્લામની હોય કે કોઈપણ ધર્મની, એ જ માણસને માણસમાંથી રાક્ષસ બનાવી દે છે. નહીં તો કોઈપણ માનવી સેંકડો લોકોની હત્યા માત્ર એ કારણોસર શા માટે કરે કે તેઓ કોઈ બીજો ધર્મ પાળે છે, પોતાનાથી અલગ પોશાક પહેરે છે, અલગ ભોજન જમે છે કે તેમની રહેણી-કરણી અલગ છે! માત્ર આટલા કારણોસર નરસંહાર માટેનું કારણ ધર્માધંતા સિવાય બીજું કંઈ હોઈ જ ન હોઈ શકે.
ખેર, ફિલ્મના સંવાદોને સારી રીતે માણવા તેને હિન્દી ડબ્ડ વર્ઝનના બદલે ઓરિજિનલ વર્ઝનમાં સબટાઈટલ્સ સાથે જોવી સારી રહેશે. હિન્દી ડબિંગ બહુ જ કંગાળ છે. ખરાબ ડબિંગના કારણે ક્યાંક ક્યાંક ગંભીર સંવાદો તેની ધાર ગુમાવી દે છે તો ક્યારેક હાસ્યાસ્પદ બની જાય છે. ફિલ્મના મોટાભાગના સંવાદો અંગ્રેજીમાં છે, પણ હોટલ તાજમાં જે ભાષા બોલતા લોકો ફસાયેલા હતા તેમની ભાષા એ જ રાખવામાં આવી છે. એ રીતે ફિલ્મના સંવાદો અંગ્રેજી ઉપરાંત હિન્દી, પંજાબી, રશિયન, પર્શિયન, ગ્રિક, મરાઠી અને અરેબિકમાં છે. સંવાદો ઉપરાંત એમી-નોમિનેટેડ ડોક્યુમેન્ટ્રી ‘સર્વાઈવિંગ મુંબઈ ‘ના રિયલ ટેલિવિજન ફૂટેજ પણ ફિલ્મને વધુ રિયલિસ્ટિક બનાવે છે.
મિશન મંગલ : મંગલયાન જેટલી જ ભારતીય, મેકર્સનું મિશન ‘માસ’!
ડિરેક્ટર એન્થની મારસે આ ફિલ્મ ચાર્લ્સ ડાર્વિનના તેની પત્ની એમ્મા સાથેના સંબંધો પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા ‘ક્રિએશન’ સહિતની જાણીતી ફિલ્મો લખનારા સ્કોટિશ જર્નાલિસ્ટ-નોવેલિસ્ટ-સ્ક્રિન રાઈટર જ્હોન કોલી સાથે મળીને લખી છે. મારસ અને કોલીએ મળીને આ ફિલ્મ લખવા માટે એક વર્ષ તો માત્ર રિસર્ચમાં ગાળ્યું હતું. જેમાં તેમણે હુમલામાં બચી ગયેલા પ્રવાસીઓ, પોલીસ અધિકારીઓ, હોટલના ગેસ્ટ અને સ્ટાફ સહિત અનેક લોકોના ઈન્ટરવ્યૂ કરેલાં. આ ઉપરાંત તેમણે હોટલમાં ફસાયેલાં કે માર્યાં ગયેલાંઓના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. જેથી હોસ્ટિજીસે ઘરે સંપર્ક કર્યાં વખતની લાસ્ટ મોમેન્ટ્સની વાત-ચીત અને તેમની મનોસ્થિતિનો અંદાજ આવે. તેમણે આતંકીઓની પોતાના આકા સાથેની વાત-ચીતની ટ્રાન્સ્ક્રિપ્ટ્સ ઉપરાંત કોર્ટ કેસની ટ્રાન્સ્ક્રિપ્ટ્સ તેમજ ન્યૂઝપેપર્સ કવરેજ અને સેંકડો કલાકના ટેલિવિઝન કવરેજ અને સર્વાઈવર્સના ઈન્ટરવ્યૂઝનો અભ્યાસ કરેલો. જે ફિલ્મમાં દેખાઈ આવે છે.
ફિલ્મમાં પોતાના જીવ કરતાં પણ વધુ હોટલના મહેમાનોની સુરક્ષાને મહત્વ આપનારા હોટલ તાજના એ સમયના હેડ શેફ હેમંત ઓબેરોયનું પાત્ર અનુપમ ખેરે ભજવ્યું છે. ઓબેરોય સ્વાભાવિકપણે જ એ ભયાવહ ઘટનાઓ પર ફિલ્મ બનતી હોવાનું સાંભળીને થોડો ખચકાટ અનુભવતા હતા. એ ખચકાટ વિશે તેમણે કહેલું કે, ‘એ ગોઝારા બનાવમાં અમે અનેકના જીવ ગુમાવ્યાં છે અને અનેક પરિવારો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને લોકો ક્યારેક એના વિશે અસંવેદનશીલ થઈ જતા હોય છે. પણ આ ફિલ્મના ડિરેક્ટર જ્યારે મારી ઓફિસે આવ્યા ત્યારે એમની વાતો સાંભળી હું આશ્વર્યમાં મુકાઈ ગયો. કારણ કે તેઓ ખુબ રિસર્ચ કરીને આવ્યાં હતાં. તેઓ મારી પાસે આવ્યા અગાઉથી જ ઘણું બધું જાણતા હતાં. તેમણે ખુબ જ કેરફૂલી એ સ્ટોરીઝની મારી સાથે ચર્ચા કરી જે તેઓ ફિલ્મમાં દર્શાવવા માગતા હતા. એ બાબતે તેમને મારા અનુભવો તો જાણવા જ હતા, પણ એ ઉપરાંત તેઓ એ જાણવા પણ ઉત્સુક હતા કે અમે ખુબ જ ઝડપથી હોટલને ફરી બેઠી કેવી રીતે કરી દીધી.’
સાંઢ કી આંખ : સચોટ, પ્રેરક, બુલ્સઆઈ વેધક ‘દાદીગીરી’!
હુમલાના ત્રણ-ચાર સપ્તાહમાં જ શેફ ઓબેરોય અને તેમની ટીમે હોટલની એક રેસ્ટોરાં ફરી ધમધમતી કરી નાંખેલી. ડિરેક્ટર મારસ કહે છે કે, ‘હોટલના સ્ટાફનો મેસેજ સ્ટ્રોંગ, લાઉડ એન્ડ ક્લિયર હતો કે અમે તમારાથી ડરતા નથી. અમે ડરમાં જીવવા ટેવાયેલા નથી. એટલું જ નહીં, પણ જે લોકો અમારાથી કોઈપણ રીતે અલગ હોય તેમના પ્રત્યે અવિશ્વાસની ભાવના પણ રાખવા માગતા નથી. અમે એક-બીજા સાથે ખભેખભો મિલાવીને આગળ વધતા જ રહીશું.’ ઓબેરોયે મારસને કહેલું કે, ‘અમે એ તમામ આતંકવાદી સંગઠનોને એક સંદેશ આપવા માગતા હતા કે આવા હુમલા છતાં અમે જરાપણ વિચલિત થવાના નથી. અમે શક્ય એટલા ઝડપથી ફરીથી બેઠા થઈ જઈશું.’
ઓબેરોયના હાથની વાનગીઓનો સ્વાદ બ્રાડ પીટ અને એન્જેલિના જોલીથી માંડી બરાક ઓબામા અને પ્રિન્સેસ ડાયના સુધીની વૈશ્વિક હસ્તીઓ માણી ચૂકી છે. અનુપમ ખેર વિશે હેમંત ઓબેરોયે કહેલું કે, ‘તેમણે ખુબ જ સારી અને કન્વિન્સિંગ એક્ટિંગ કરી છે. ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મને તેમની સામે આ લાગણી વ્યક્ત કરવાની તક મળી હતી. જેના જવાબમાં તેમણે મને જે કહ્યું એ મારા માટે યાદગાર શબ્દો છે. અનુપમજીએ મને કહેલું કે, ‘હું આશા રાખું છું કે મેં તમારા જીવન અને તેના અનુભવને યોગ્ય ન્યાય આપ્યો છે.’ દેવ પટેલ હોટલ અર્જુન નામના એક હોટલ સ્ટાફનો જે રોલ કરે છે એ પાત્ર હોટલના અલગ અલગ સ્ટાફના અનુભવો પરથી ઘડવામાં આવ્યું છે.
રડતાં ગુલમહોર : 1960ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જીવતા પાછા આવે છે ત્યારે…
અનુપમ ખેર તેમની ઓટોબાયોગ્રાફી ‘Lessons Life Taught Me, Unknowingly’માં નોંધે છે કે, ‘આ એ સમયની વાત છે જ્યારે અમેરિકન ફિલ્મ ‘ધ બિગ સિક’ મારા જીવનની 500મી ફિલ્મ બની અને રોબર્ટ ડી નીરોએ શોર્ટ વીડિયો બનાવીને મને અભિનંદન આપ્યાં. હું વિચારી જ રહ્યો હતો કે મારા કેરિયરની 501મી ફિલ્મ કઈ હશે!
એ સમયગાળામાં જ ઓસ્ટ્રેલિયન ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસે મારો સંપર્ક કર્યો. તેઓ મુંબઈના 26/11ના હુમલા પર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતા. જેમાં મારે શેફ હેમંત ઓબેરોયનું પાત્ર ભજવવાનું હતું. બધું નક્કી જ હતું ત્યાં અચાનક મને જાણવા મળ્યું કે એ રોલ હવે અનિલ કપૂરને આપી દેવાયો છે. સ્વાભાવિક રીતે જ હું નિરાશ થયો. પછી ગમે તે થયું હોય પણ લગભગ છ મહિના બાદ તેઓ ફરી મારી પાસે આવ્યા અને એ જ રોલની મને ફરી ઓફર કરી. મેં તેમને એક પણ સવાલ ન કર્યો કે મને પહેલા કેમ ડ્રોપ કરેલો? શું બનેલું? હવે તમે પાછા કેમ આવ્યાં? એના બદલે મેં માત્ર મારી એ ફી વધારી નાંખી જે મેં અગાઉ તેમને કહી હતી. તેઓ તરત જ રાજી થઈ ગયા.
હું એ ફિલ્મ કરીને ખુબ ખુશ થયો. એમાં કોઈ શંકા નથી કે ‘હોટલ મુંબઈ’ મુંબઈ હુમલા પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મ છે. આ વાતે મારા મગજમાં એક સવાલ સ્ફૂર્યો કે કેમ કોઈ વિદેશથી આવે છે અને ભારતીય વિષય પર મહાન ફિલ્મ બનાવી નાંખે છે? તમે રિચર્ડ એટનબરોની ઐતિહાસિક ફિલ્મ ‘ગાંધી’ જુઓ. મને નથી લાગતું કે આપણે ત્યાંની કોઈ વ્યક્તિ એ કક્ષાનું કામ કરી શકી હોત જેવું તેમણે કરેલું. જેઓ આ ફિલ્મ જોશે તેમને એ સમજાશે કે હું કયા સંદર્ભમાં આ કહી રહ્યો છું.’ (શિર્ષક પંક્તિ : ઝવેરચંદ મેઘાણી)
ફ્રી હિટ :
ફિલ્મની એન્ડ ટેક્સ્ટમાં સ્પષ્ટ રીતે હુમલામાં પાકિસ્તાનની સંડોવણી મેન્શન કરવામાં આવી છે. 2010માં તાજ હોટલમાં એ હુમલાના પીડિતો અને શહિદોની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવ્યું.
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોના પુસ્તક ‘હમ્બો હમ્બો’ અને ‘હમ્બો હમ્બો રિટર્ન્સ’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા મારા પુસ્તકો મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
ગીતા : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
રઘુ CNG : પિકઅપ સારી, ધૂમાડો ઓછો અને એવરેજ ’60-40′!
મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
બાલા : ટાલ, બાલ, બબાલ, બચાવ અને સ્વીકાર!
હાઉસફૂલ? ના, ડબલાંડૂલ!
ચાલ ‘જોઈ’ લઈએ!
ઈક જમાના થા હમે ભરોસા થા દુશ્મનો કી જાત પર… આજ દગાબાજ દોસ્તો સે ડરતા હું મૈં…!