એક વાત યાદ રાખો કે તમે ફિલ્મ ભલે ભારતના માર્શ મિશન પર બનાવતા હોવ, પણ તમારું રિયલ મિશન ‘માસ’ હોવું જોઈએ. વાસ્તવિક વાર્તા પરથી દેશભક્તિના યથાશક્તિ વઘાર સાથે એક એવી ફિલ્મ બનાવવી હોય કે ભારતીય ઓડિયન્સ હરસ થયા હોય એ હદે ખુરશી પરથી ઉછળી ઉછળીને તાળીઓ અને સિટીઓ મારે એવી સંપૂર્ણ શુદ્ધ, સ્વદેશી, મસાલા મુવી બનાવવા માટેની કોપી બૂક છે આ ફિલ્મ. ‘સેન્સિબલ છતાં માસ (ઈન્ડિયન માસ) અપીલિંગ’ ફિલ્મો બનાવવા માંગતા નવોદિત મેકર્સે આ ફિલ્મ 11 વાર જોઈને 108 વાર એની માળા કરવી જોઈએ.
રેસિપી માટેનું માઈન્ડસેટ
સૌથી પહેલા જનરલ સેન્સમાં જે પ્રકારની ભારતીય ફિલ્મોની આપણે વાત કરીએ છીએ એવી ફિલ્મોની એક અછડતી, અપલક ક્વિક રેસિપી જોઈ જઈએ. સૌથી પહેલા એક વાતની મનમાં ગાંઠ વાળી લો કે સબજેક્ટ યુદ્ધ હોય કે સાયન્સ, તમારે માત્રને માત્ર ભારતીય માનસને ધ્યાનમાં રાખવાનું છે. આઈ મિન, જો તમે ‘બોર્ડર’ બનાવતા હોવ અને ભારતીય માનસ પારખીને એમાં ‘એ જાતે હુવે લમ્હો જરા ઠહેરો’ કે ‘સંદેશે આતે હૈ…’ જેવા ગીતોનું અંબોરણ ન કરો તો ધૂળ પડી તમારા સર્જનમાં.
દેશભક્તિ ફિલ્મ માટેના પ્રાચીન અને અર્વાચીન મંત્રજાપ
એમાં પણ જો તમે ભારતીયતા કે ભારતીયોની કોઈ સિદ્ધી પર ફિલ્મ બનાવતા હોવ તો બે રેફરન્સ ખાસ રિફર કરી લો. એક ભારતના અર્ધપ્રાચીન ફિલ્મ શાસ્ત્રના ‘પૂરબ ઓર પશ્ચિમ’નું ‘જબ ઝીરો દીયા મેરે ભારતને સોંગ’ અને અર્વાચિન ફિલ્મ શાસ્ત્રમાં ‘નમસ્તે લંડન’ની પેલી અક્ષય કુમારની સ્પીચ. જેમાં અક્ષય કુમાર ‘પૂરબ ઓર પશ્વિમ’ની જ તર્જ પર ભારતને આજે પણ જાદુગરો અને મદારીઓનો દેશ માનતા પેલા તુમાખીભર્યા અંગ્રેજને આજના ભારતનો પરિચય આપે છે.
મેં તેરા હીરો!
આટલી પૂર્વ તૈયારી કર્યા બાદ એક હીરો લો. જે ફાઈટ ન કરે તો પણ મર્દાના લાગે એ માટે જીએસએલવીના લોન્ચિંગ પહેલા ‘હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા…’ અને લોન્ચિંગ ફેલ થાય એ પછી ‘બરબાદીઓ કા જશ્ન મનાતા ચલા ગયા…’ ગણગણતો હોય.
અંડરડોગ ટીમ
એક અંડરડોગ ટીમ લો. અંડરડોગ કોન્સેપ્ટ બધે ય કાયમ હિટ જ હોય છે. એક એવી પ્રથમ દૃષ્ટિએ ફન્ની લાગતી ટીમ જેને જોતાં જ એવું લાગે કે આ કંઈ નહીં ઉકાળી શકે એ જ ટીમને અંતમાં જીતતી જોવામાં કાયમ બધાને મજા જ આવે. એક સુકલકડી હીરો પંદર વીસ પઠ્ઠા જેવા ગુંડાલોગને પટકી પટકીને મારે એ જોવામાં માસને કાયમ મજા જ પડતી હોય છે. અને જ્યાં સુધી લોકોને એમાં મજા પડતી રહેશે ત્યાં સુધી જ ભારતીય સિનેમાનું સિનેમાત્વ જળવાઈ રહેશે. બાકી બધાં જ જો ડોક્યુ ડ્રામા ટાઈપ ડાર્ક ડાર્ક ફિલ્મો બનાવે તો શું ધૂળ મજા આવે?
દેશદ્રોહી વિલન
હા, તો આવી એક અંડરડોગ ટીમ બનાવી એનું સુકાન કોઈ માથાફરેલા હીરોને સોંપી, એ ટીમ અને હીરોને એક વિલન આપો. જે માત્ર આ ટીમનો જ નહીં, પણ સમગ્ર ભારત અને ભારતીયતાનો દુશ્મન હોય. એ કાં તો વિદેશી હોવો જોઈએ કાં તો વિદેશથી ઈમ્પ્રેસ હોવો જોઈએ. જે આ ટીમના રસ્તામાં સતત રોડાં નાંખવા ઉપરાંત વાતે વાતે ભારતીયોને ઉતારી પાડતો હોય અને સતત દેશ અને દુનિયાને એ મનાવવા મથતો હોય કે આ ભારતીયોથી તો સેક્યો પાપડે ય ભાંગે એમ નથી. એ વિલન અને આપણા હીરો વચ્ચે છેકથી છેક સામ-સામી કવ્વાલી કરાવતા રહો. દર્શકોને મજા પડશે બોસ.
અંધી મા, લંગડા બાપ, બીમાર પતિ કે એવું કંઈક…
આટલો બેઝ તૈયાર કર્યા પછી તમારી પાસે જેટલા કેરેક્ટર હોય એની આસ-પાસ ભારતીય વાર્તાઓ વણી કાઢો. જેમ કે કોઈનો પતિ (કે વાઈસેવર્સા મા કે બાપ) હોસ્પિટલાઈઝ્ડ હોય, કોઈને મુસ્લિમ હોવાથી ઘર ભાડે ન મળતું હોય, કોઈના લગ્ન ન થતા હોય એટલે પંડિતોની આસ-પાસ રાસડા લેતો હોય, કોઈ સ્ત્રીને છોકરું ન થતું હોય એટલે સાસરિયાઓ મેણા-ટોણા મારતા હોય, કોઈ વળી ઈસરો કરતાં નાસાથી વધુ ઈમ્પ્રેસ હોય અને કોઈ ક્ષણે એની અંદરની ભારતીયતા જાગી ઉઠે, કોઈ સ્ત્રીને ઘરમાં કાયમ પતિ-છોકરાનો કંકાશ ચાલ્યા કરતો હોય…વગેરે…વગેરે… આવી ટીમ ભેગી કરવાના રેડી રેકનર ‘ચક દે ઈન્ડિયા’ કે સાઉથના સ્ટાર વિજયની ‘બિગીલ’ જેવી અનેક ફિલ્મોમાં મળી રહેશે.
જો અભાવો મેં પલતે હૈ વો હી લોગ ઈતિહાસ બદલતે હૈ…!
આ તમામ કેરેક્ટર્સ ‘જિંદગીની ઉલઝનો’ વચ્ચે દેશ અને દુનિયાને બતાવી દેવા એક લક્ષ્ય માટે એકઠા થાય, પણ અહીં આ કાર્યમાં પણ કંઈ ઉપાધિઓ ઓછી ન હોય. આ ભારત છે એટલે સૌથી પહેલો પ્રશ્ન જ બજેટ અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આવશે. એ ઉડીને આંખે વળગે એ રીતે બતાવો. સતત એ સિદ્ધાંત સાબિત કરતા રહો કે – ‘જો અભાવો મેં પલતે હૈ વો હી લોગ ઈતિહાસ બદલતે હૈ…!’
કલામ, કપીલ દેવ, ક્વોટ્સ અને એવુ બધું…
વચ્ચે વચ્ચે 1983માં વર્લ્ડકપ જીતેલી કપિલ દેવની ટીમ અને પ્રથમ ઉપગ્રહ છોડનારી ઈસરોની ટીમના માર્ગમાં આવેલી મુશ્કેલીઓના દાખલા-દલીલ આપતા રહો. અબ્દુલ કલામને એકવાર કોઈએ પૂછેલું કે, તમે લગ્ન કેમ ન કર્યા? તો એમણે કહેલું કે દેશ માટે સાયન્સમાં એવો ખુંપેલો રહ્યો કે લગ્ન કરવાનું યાદ જ ન આવ્યું. આવા બધાં ક્વોટ્સ જરા ફેરવી તોળીને તમારા હીરોના ડાયલોગ્સમાં ઠપકારી દો. હીરોનું કેરેક્ટર વધુ મજબૂત બનશે.
necessity is the mother of invention
હવે આપણી અંડરડોગ ટીમની સામે જે કોઈ પણ મુશ્કેલી આવે એ તમામનો ઈનોવેટિવ હલ ભારતીય શૈલીમાં કાઢતા દર્શાવો. જેમ કે જે રીતે તેલ ગરમ હોય તો ગેસ બંધ રાખીને પણ પૂરી તળી શકાતી હોય તો એટલીવાર ગેસ બંધ રાખી શકાય તો એ જ પદ્ધતિથી રોકેટનું ફ્યુલ પણ બચાવી શકાય. જે રીતે મહિલાઓ સવારના ભાત રાત્રે વઘારી નાંખે છે, પણ બગાડ નથી કરતી એવી જ રીતે આપણે ‘ચંદ્રયાન 2’ના પાર્ટ્સ મંગલયાનમાં કેમ ન વાપરી શકીએ!? યૂરેકા…! આવા ઈનોવેશનના આઈડિયાઝની પ્રેરણા રાજકુમાર હિરાણીની ‘3 ઈડિયટ્સ’માંથી પણ મળી શકે અને તમે ‘લગાન’માં કચરાના ખામીયુક્ત હાથથી થતા સ્પીનના ઈનોવેશન સુધી પણ નજર દોડાવી શકો.
યેનકેન પ્રકારેણ ગીતડાં ઘુસેડો
આપણે આગળ બોર્ડરનું ઉદાહરણ જોયું ને? કે વોર ફિલ્મમાં પણ ગીતો કેવી રીતે નાંખી શકાય. સાયન્સ ફિલ્મમાં તમે એવું બતાવો કે બધાં સાયન્ટિસ્ટ ભેગા થઈને ‘વિરાના’ની હવેલી જેવી ઓફિસના ‘ધૂ બાવા’ કાઢતાં કાઢતાં ‘ઓમ મંગલમ, મિશન મંગલમ’ સોંગ પર નાચવા લાગે છે.
મોદીની સ્પીચ : આઈસ ઓન અ કેક
અંતમાં તમારી વાર્તા જે કાળખંડની હોય એ કાળખંડના રિયલ ફૂટેજ અને તત્કાલિન નેતાની સ્પીચ બતાવવાનું ભૂલવું નહીં. જેમ કે તમે ‘પરમાણુ’ બનાવતા હોવ તો વાજપેયી અને ‘મિશન મંગલ’ બનાવતા હોવ તો મોદીની સ્પીચ.
ઓન સિરિયસ નોટ
‘મિશન મંગલ’ એક સુંદર ઈન્ડિયન ફેમિલી ફિલ્મ છે. આમાં એ તમામ એલિમેન્ટ્સ છે જે ભારતીય પ્રેક્ષકોને જલસો કરાવે.
આ પણ વાંચો > હાઉસફૂલ? ના, ડબલાંડૂલ!
‘ચીની કમ’ હોય, ‘પા’ હોય, ‘શમિતાભ’ હોય, ‘કી એન્ડ કા’ હોય કે ‘મિશન મંગલ’, આર.બાલ્કીના રાઈટિંગની ખાસિયત એ છે કે તેઓ હટકે પ્રકારના અને કોમ્પલેક્સ ધરાવતા વિષયમાં પણ છેકથી છેક સુધી વાર્તામાં હળવો ટોન બરકરાર રાખે છે. જેથી દર્શકોને પચવામાં ક્યાંય ભારે ન લાગે.
આ પણ વાંચો >ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
રાઈટર-ડિરેક્ટરની જોડીની બીજી એક ખાસિયત ઉપર વાત કરી એમ એ છે કે તેઓ સાયન્સના વિષયોની વાત ભારતીયોના સામાન્ય જીવન સાથે સાંકળીને કરે છે. જે દર્શકોને રોમાંચ, રમુજ અને દેશદાઝનો એક સાથે અનુભવ કરાવે છે. ઈસરોના જીએસએલવી ફેટ બોટ ફેલ્યોર વખતના ન્યૂયોર્ક ટાઈમ્સના અને ઈસરોએ PSLVએ એક સાથે 104 ઉપગ્રહ તરતા મુક્યા એ વખતના ટાઈમ્સ ઓફ ઈન્ડિના જવાબી કાર્ટુનનો ક્રિએટિવલી ઉપયોગ થયો છે. તિરૂપતિ પ્રત્યેની ઈસરોના વૈજ્ઞાનિકોની શ્રદ્ધાને પણ આવરી લેવામાં આવી છે. વિદ્યાબાલનના પાત્ર તારા શિંદેનો એના પુત્રના એ.આર.રહેમાન કનેક્શનવાળો સાઈડ ટ્રેક મને પર્સનલી બહુ ગમ્યો. ફિલ્મનો અંત ચમત્કૃતિ ભર્યો અને રોમાંચક છે.
આ પણ વાંચો > Dream Girl : એ લિમ્કા એવોર્ડી રાઈટરની ફિલ્મ, જે કપિલની કોમેડીની ધાર કાઢે છે!
અક્ષય કુમાર એના રોલમાં જામે છે. વિદ્યાબાલન ‘તુમ્હારી સુલુ’માંથી અને શર્મન જોશી ‘3 ઈડિયટ્સ’માંથી સીધો ઉપાડીને આ ફિલ્મમાં મુકી દીધો હોય એવું લાગે. જોકે, ફિલ્મનો ઘણો ખરો ભાર વિદ્યાના ખભે છે અને તેણે એને બરાબર ન્યાય આપ્યો છે. દિલીપ તાહિલ તો જાણે બન્યા જ આ પ્રકારના રોલ માટે છે. ફિલ્મના મુખ્ય મસાલાના વઘારમાં તીખુ મરચુ જ દિલીપ તાહીલનું રુપર્ટ દેસાઈનું કેરેક્ટર છે. સોનાક્ષી, તાપસી, નિત્યા મેનન, કિર્તી કુલ્હારી અને સંજય કપૂરના રોલ બહુ લાંબા નથી. બધાએ પોતાની ભૂમિકા ઠીકઠાક ભજવી છે. ડિરેક્ટર જગન શક્તિએ માત્ર કેમિયો કહી શકાય એવા રોલ માટે મોહંમદ ઝીશાન અય્યુબ જેવા આલા દરજ્જાના કલાકારને સાવ વેડફી નાંખ્યો એ નથી ગમ્યું.
આ પણ વાંચો >છીછોરે : કેટલીક લડાઈ માત્ર એટલે લડાતી હોય છે કે દુનિયાને ખબર પડે કે કોઈ લડી રહ્યું છે!
ફ્રી હિટ :
નમે એ સૌને ગમે પણ એનો આધાર તમે કોની તરફ નમો છો એના પર છે!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
From Horse’s Mouth : મારા કથિત suicide attemptની સટિક હકીકત!
મારા અન્ય Articles :
સાંઢ કી આંખ : સચોટ, પ્રેરક, બુલ્સઆઈ વેધક ‘દાદીગીરી’!
રઘુ CNG : પિકઅપ સારી, ધૂમાડો ઓછો અને એવરેજ ’60-40′!
મેડ ઈન ચાઈના : સુપનો સોદાગર, શયનખંડની ‘રાવ’નો ‘રાઝ’કુમાર!
ધ સ્કાય ઈઝ પિંક : મનુષ્ય પામર છે, પણ આ(યે)શા અમર છે!
વૉર : ઊંચી દુકાન, ભેળસેળિયાં પકવાન!
લાલ કપ્તાન : ધબાય નમ:!
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
ચાલ ‘જોઈ’ લઈએ!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
વાંધા(જનક) `વિલાસ` : ગુજરાતી ફિલ્મમાં તમે સસરાને પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો?
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?